Kunwaro Jeth - Part 7 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 7

Featured Books
Categories
Share

કુંવારો જેઠ - ભાગ 7

જગાભાઈની સગાઈના પેંડા હજુ ઓસરીમાં પડ્યા હતા, ત્યાં જ ગીતા અને કવિતાએ ડેલાની પાછળ આવેલા લીમડા નીચે નવો મોરચો માંડ્યો. 
ગીતા સ્માર્ટફોનમાં ખોવાયેલી હતી. કવિતાએ પૂછ્યું, "ગીતાબૂન, આ ફોનમાં શું ફાંફા મારો છો? આપણે સગાઈ તોડવાનો પ્લાન કરવાનો છે ને તમે ક્વીન ઓફ કાઠિયાવાડ આઇડી ખોલી ને બેઠા!
ગીતાએ રહસ્યમય સ્મિત આપ્યું, "અરે કવિતા, આજકાલના જમાનામાં કોઈના ભૂતકાળની પોલ ખોલવી હોય તો ચોરે જવાની જરૂર નથી, બધું આ ચોરસ ડબ્બામાં જ મળી જાય! આ જો, ક્વીન ઓફ કઠિયાવાળ એ ઇન્સ્ટાગ્રામ પર સોનલની પ્રોફાઇલ શોધી કાઢી."કવિતાએ પણ ફોનમાં આંખો પરોવી. સોનલની પ્રોફાઇલમાં લક્ઝરી ગાડીઓ, મોંઘા રિસોર્ટના ફોટા અને રીલ્સનો ભંડાર હતો. પણ ગીતાની નજર એક જૂની રીલ પર ગઈ, જેમાં સોનલ પોતાના ભાઈ ગિજુભાઈની ઓફિસમાં બેસીને કડક અવાજે કોઈ કર્મચારીને ખીજાતી હતી અને નીચે કેપ્શન હતું– 'નવરા અને આળસુ લોકો માટે મારી જીંદગીમાં કોઈ જગ્યા નથી!'

બીજી જ એક પોસ્ટમાં સોનલે ગામડાના ટ્રેક્ટર અને ખેતરના ફોટા મૂકીને લખ્યું હતું– 'મને એવા જ લોકો ગમે જે સવારે પાંચ વાગ્યે ખેતરે પહોંચી જાય અને ટ્રેક્ટર ચલાવી જાણે,મહેનતુ!'ગીતા ખડખડાટ હસી પડી,
"હાશ! ભગવાન સાંભળી ગયો! કવિતા, આપણા મોટા જેઠ ટ્રેક્ટરના સ્પેલિંગમાંય 'માવેક્ટર' લખી નાખે એવા છે! એમને સવારે પાંચ વાગ્યે ખેતરે મોકલવા એટલે હિમાલય પર બરફ ઓગળવા બરાબર છે. અને સોનલને તો ટ્રેક્ટર ચલાવે એવો કડક વર ગમે છે!
કવિતા સમજી ગઈ, "એટલે તમે એવું કહેવા માંગો છો કે આપણે સોનલ સામે મોટા જેઠને ટ્રેક્ટર ચલાવતા બતાવવા પડશે?"
"અરે ના રે ના! આપણે સોનલને અહીં જ બોલાવવી પડશે, પણ એક નાનકડા નાટક સાથે," ગીતાએ કીધું.બીજા જ દિવસે ગીતાએ પોતાની ચપળતા વાપરીને સોનલને ફોન કર્યો.
"અરે સોનલદીદી! જય નારિયેળદેવ.
હું ગીતા બોલું. અમે તો બહુ ખુશ છીએ કે તમે અમારા જેઠાણી બનવાના છો. મોટા જેઠજી તો તમારા વખાણ કરતા થાકતા નથી. એ તો કહેતા હતા કે સોનલને ખેતર અને ટ્રેક્ટર બહુ ગમે છે, એટલે હું રોજ સવારે પાંચ વાગ્યે ટ્રેક્ટર લઈને સીમમાં આંટો મારવા જાઉં છું,મહેનત કરું છું!"સામે છેડેથી સોનલ ખુશ થઈ ગઈ,
"સાચે ગીતાબેન?
જગાજી રોજ સવારે ટ્રેક્ટર ચલાવે છે?
મને તો ભાઈએ કીધું તું કે એ બહુ મોડા જાગે છે.
"ગીતાએ આગમાં ઘી હોમ્યું, "અરે ના રે ના, એ તો ભાઈ મજાક કરતા હશે. મોટા જેઠજી તો આવતીકાલે સવારે છ વાગ્યે આપણા સીમના વળાંકે ટ્રેક્ટર લઈને જવાના છે,રાબેતા મુજબ. જો તમારે એમનો એ કડક લુક જોવો હોય, તો આવી જજો!"સોનલે હા પાડી દીધી. હવે વારો હતો જગાભાઈને ફસાવવાનો.
ગીતા અને કવિતા સીધી જગાભાઈ પાસે ગઈ, જેઓ ઓસરીમાં ખાટલે બેઠા બેઠા મૂછોને વળ દેતા હતા.ગીતાએ બહુ મીઠો અવાજ કર્યો, "મોટા જેઠજી! કાલે બાપુજીએ કીધું છે કે વચલા ભગાજી ને બહારગામ જવાનું છે, એટલે સવારે છ વાગ્યે સીમના નાકે આપણું ટ્રેક્ટર લઈને જવું પડશે. જો સોનલબેન ને ખબર પડશે કે તમે ટ્રેક્ટર પણ નથી ચલાવી શકતા, તો જમીનદારની બહેન સામે તમારી આબરૂનું શું થાશે? સોનલબાને તો ટ્રેક્ટર વાળા મરદ બહુ ગમે છે!,શીખતાં થાઓ
જગાભાઈ પોતાના અહંકારમાં આવી ગયા, "શું કીધું? હું અને ટ્રેક્ટર ન ચલાવી શકું? અરે, નાનપણમાં મેં કેટલાય ટ્રેક્ટરો પાદરે દોડાવ્યા છે! કહી દેજો ઓલી સોનલને કે જગો ધારે તો આખું ખેતર એક કલાકમાં ખેડી નાખે!"
(વાસ્તવમાં જગાભાઈએ જિંદગીમાં ક્યારેય ટ્રેક્ટરનું સ્ટેયરીંગ પકડ્યું નહોતું) એ માત્ર ભગાની પાછળ બેસીને માવા ચોળતા હતા,ને ઉલાર્યા ખાતા ને સોપારી ઢોળાય નહીં એનું જવાબદારીપૂર્વક ધ્યાન રાખતાં. પણ વહુઓ સામે નીચું જોવું એમને મંજૂર નહોતું.
બીજા દિવસે સવારે સાડા પાંચ વાગ્યા. ધુમ્મસ વાળું વાતાવરણ હતું. ભગો જાણીજોઈને વહેલો નીકળી ગયો હતો. જગાભાઈ ધોતિયું વાળીને, માથે ફાળિયું બાંધીને વટથી ટ્રેક્ટર પાસે આવ્યા. (મન માં બોલ્યા “ભારી થઈ આજ તો” હે કુટુંબ દેવ નારિયેળ દાદા ભેળા રેજો)

ગીતા અને કવિતા ઓસરીમાં ઊભી ઊભી હસતી હતી.જગાભાઈ ટ્રેક્ટરની સીટ પર બેઠા.
એમણે ચાવી ફેરવી— ઘર્રર્ર.. ઘર્રર્ર.. ધુપ્પ! ટ્રેક્ટરે મોટો કાળો ધુમાડો છોડ્યો. જગાભાઈ ગભરાયા,
ટ્રેકટર સળગ્યું કે શું? ,પણ એમણે જોર કરીને ગિયર બદલ્યો. ટ્રેક્ટર એકાએક આંચકા સાથે આગળ વધ્યું.બરાબર એ જ સમયે, સીમના વળાંકે ગિજુભાઈની ગાડી આવીને ઊભી રહી, જેમાંથી સોનલ આતુરતાથી બહાર જોવા લાગી.પણ અહીં જગાભાઈનું ટ્રેક્ટર સીધા રસ્તે ચાલવાને બદલે, જગાભાઈના ખોટા ગિયર બદલવાના કારણે પાછળની તરફ જવા લાગ્યું! જગાભાઈ બૂમો પાડવા લાગ્યા,
"અલ્યા ભગા! આ બ્રેક ક્યાં ગઈ? આ ટ્રેક્ટર પાછું કેમ જાય છે?"
ટ્રેક્ટરની પાછળ જ નાથુજીનો કીમતી અને પવિત્ર ગણવાતો ઘાસનો મોટો ગંજી (ઢગલો) હતો. જગાભાઈએ સ્ટેયરીંગ ફેરવવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેક્ટર સીધું જઈને ઘાસના ઢગલામાં ઘૂસી ગયું અને એક મોટા ધડાકા સાથે ઊંધું વળી ગયું!જગાભાઈ સીધા ઘાસના ઢગલાની અંદર ગરકાવ થઈ ગયા. માત્ર એમની બે ટાંગો અને ફાળિયું બહાર દેખાતા હતા!
સોનલ અને ગિજુભાઈ આ દ્રશ્ય જોઈને દોડતા આવ્યા. બરાબર એ જ વખતે ગીતા અને કવિતા પણ ત્યાં પહોંચી ગઈ. સોનલે ઘાસના ઢગલા તરફ આંગળી ચીંધી, "ગીતાબેન... આ તમારા રોજ સવારે પાંચ વાગ્યે ટ્રેક્ટર ચલાવતા સોશિયલ થિંકર જેઠજી છે?
"ઘાસના ઢગલામાંથી જગાભાઈનું મોઢું બહાર નીકળ્યું, એમના આખા મોઢા પર ઘાસ ચોંટેલું હતું અને નસીબજોગે મોઢામાં રાખેલો માવો પણ ગળાઈ ગયો હતો,
ને હેક…..યુકકક કરતા ઊબકા નો પાર નહીં!

જગાભાઈ આ સામાજિક ફજેતીમાંથી પોતાની જાતને કેવી રીતે બચાવશે? શું સોનલ આ નબળાઈ જોઈને સગાઈ તોડી નાખશે, કે પછી કુંવારા જેઠ વહુઓ સામે કોઈ નવો માસ્ટર સ્ટ્રોક મારશે?

જુઓ આગળનો ભાગ - ભાગ ૮!