LALO 2 in Gujarati Spiritual Stories by Kamejaliya Dipak books and stories PDF | લાલો 2 - પ્રકરણ 18

Featured Books
Categories
Share

લાલો 2 - પ્રકરણ 18








રાજા માયાને જોતા જ તેના પર મોહિત થઈ ગયો. માયાને માન-સન્માનથી મહેલમાં બોલાવવાને બદલે, તે અભિમાની રાજાએ પોતાની હવસ સંતોષવા માટે સૈનિકોને તેને જબરદસ્તી ઉપાડી લાવવાનો આદેશ આપ્યો.

રાજાના દુર્ભાગ્યવશ જયારે સૈનિકો માયાને લેવા માટે વિનિધન આવ્યા ત્યારે જ એક યોદ્ધાના વેશે સૂર્યન્તક ત્યા હાજર હતો. 

જયારે રાજાના સૈનિકો માયાને ઉપાડી જવા લાગ્યા ત્યારે દૂરથી સૂર્યન્તક દ્વારા ફેંકાયેલી તલવાર વડે એક સૈનિકનો હાથ કપાઈ ગયો. 

તરત જ બીજા સૈનિકો લડવા માટે તૈયાર થઈ ગયા. માયાને લેવા આવેલા દસથી બાર સૈનિકોને સૂર્યન્તકે સહેલાઈથી હરાવી દીધા. 

પરંતુ તેમનો જીવ ના લીધો અને તેમને જીવતા જવા દીધા. સૈનિકોના ગયા પછી તરત જ સૂર્યન્તક ત્યાંથી ચાલ્યો ગયો. માયા પોતાને બચાવનાર મહારથીને ઘણીવાર સુધી શોધતી રહી. 

સૂર્યન્તકની બહાદુરી અને ચેહરા પરનું તેજ માયાની આંખોમાં વસી ગયા હતા. હવે તે પેલા અજાણ્યા યોદ્ધા પર મોહી પડી હતી.
            
જયારે વૃષભરાજને ખબર પડી કે કોઈ અજાણ્યા યોદ્ધાએ એકલે હાથે રાજાના એક ડઝન જેટલા સૈનિકોને હરાવ્યા ત્યારે રાજાના ક્રોધનો પાર ના રહ્યો. 

હવે રાજાએ પોતાની તાકાતના દર્શન કરાવવા માટે માયાને પકડી લાવવા માટે એક મોટી સૈનિક ટુકડી મોકલી જેમાં અંદાજિત ચારસો સૈનિકો હતા. 

તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે કોઈપણ ભોગે માયાને પકડીને લઈ આવવી. તેના માટે ભલે વચ્ચે આવતા કોઈ પણ વ્યક્તિની તેમને હત્યા કરવી પડે.
 
જ્યારથી માયાનુ અપહરણ કરવા માટે રાજાએ સૈનિકો મોકલ્યા હતા ત્યારથી સૂર્યન્તક સજાગ થઈ ગયો હતો. 

તે એ વાતનું જ ધ્યાન રાખતો કે માયા પર કોઈ આફત ના આવી પડે. પણ કદાચ તે જાણતો હતો કે હવે તે અભિમાની રાજા શાંત નહી બેસે. તે માયાને લેવા માટે ફરીવાર સૈનિકો જરૂર મોકલશે.

ત્રણ દિવસ પછી સૈનિકોની એક ટુકડી વિનિધનમાં માયાના ઘર સામે આવીને ઉભી રહી. 

ટુકડીમાંથી ચાર સૈનિકો માયાના ઘરની અંદર દાખલ થયા અને તેઓ માયાને જબરદસ્તી તેના માતા પિતાની સામે જ ઉપાડીને બહાર લઈ આવ્યા. 

માયાના માતા-પિતાના ખુબ વિનંતી કરવા છતાં તેઓ માયાને છોડવા તૈયાર નહોતા. આખી સૈનિક ટુકડી માયાને લઈને ચાલી નીકળી. 

ગામની બહાર આવતા જ તેમનો રસ્તો રોકીને કોઈ યોદ્ધો ઉભો હતો. કસાયેલું મજબૂત શરીર, માથે કોઈ યોગીની જેમ બાંધેલા મોટા મોટા વાળ, કપાળ પર ભભૂતની તિલક, એક હાથમાં તલવાર, ખભે ધનુષ-બાણ, અને એક હાથના ખભે ૐ નું નિશાન ગોદાવેલું હતું. 

હોઠો પર મુસ્કાન અને આંખોમાં નીડરતા સાથે એક બળવાન યોદ્ધો જાણે આખી સૈનિક ટુકડીને લલકાર આપતો હોય તેમ સૂર્યન્તક ઉભો હતો.

પહેલી વાર હાર મેળવેલા અમુક સૈનિકો જે સાથે આવ્યા હતા તેઓ સૂર્યન્તકને જોઈને પોતાનો જીવ બચાવીને ભાગ્યા, પણ નવા આવેલા સૈનિકો પોતાની સાથે ચારસો જેટલા સૈનિકોનું સૈન્યબળ છે એમ વિચારીને સૂર્યન્તક જોડે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા.

સૂર્યન્તક અને પેલી સૈનિક ટુકડી વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. દરેક સૈનિક ખુબ જ નીડરતાથી લડી રહ્યા હતા અને મોતને વ્હાલું કરી રહ્યા હતા. 

આ વખતે કદાચ પહેલી વારની જેમ સૂર્યન્તક તેમને જીવતા જવા દેવાની ભૂલ નહોતો કરવા માગતો, એટલે તેની સામે આવનાર દરેક સૈનિકને તે પોતાની તલવાર વડે મોતને ઘાટ ઉતારી દેતો. 

તે એક કુશળ યોદ્ધો હતો. તેમાંય દેવતાઓ દ્વારા પ્રાપ્ત શક્તિઓ જાણે દરેક હુમલા પહેલાં જ તેને ચેતવી દેતી હતી. થોડી જ વાર માં લડવા માટે રોકાયેલા સૈનિકોની લાશોનો ઢગલો થઈ ગયો. 

અમુક સૈનિકો તો સૂર્યન્તકને લડતા જોઈને જ ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

અંતે અમુક સૈનિકો જેમને મરવું નહોતું તેઓએ પોતાના હથિયાર નાખી દીધા અને માયાને ત્યા જ છોડીને બચી ગયેલા સૈનિકો પોતાના રાજ્યમાં પાછા આવ્યા.

માયા આ વખતે પોતાનો જીવ બચાવનાર મહાવીરને આભાર વ્યક્ત કર્યા વિના જવા દેવા નહોતી ઈચ્છતી. 

તે તરત જ સૂર્યન્તક સામે આવી અને ઉભી રહી. તેઓ બંને એકબીજાને જોઈ રહ્યા. સૂર્યન્તક પોતાના નિયમો જાણતો હતો પરંતુ તેની અંદર રહેલો મહાદેવનો અંશ સામે ઉભેલી માયામાં માતા સતીના અંશથી આકર્ષાઈ રહ્યો હતો. 

તેમ છતાં પોતાની લાગણીઓ ઉપર કાબુ રાખીને સૂર્યન્તક માયાને પોતાની સાથે લઈને જંગલમાં ચાલ્યો ગયો, જ્યા આશ્રમમાં રહીને તે પોતાને અને માયાને રાજા અને તેમના સૈનિકોથી બચાવવા માગતો હતો. 

આમતો તે એકલે હાથે જ રાજા અને તેના સમગ્ર સૈન્યનો સર્વનાશ કરી શકે એટલી તેનામાં તાકાત હતી. પરંતુ તેને અત્યારે માત્ર અને માત્ર માયાની જ ચિંતા હતી.
 
આ વખતે જયારે રાજાની આખી સૈનિક ટુકડીની હાર એક જ વ્યક્તિ સામે થઈ એટલે રાજા થોડો ચિંતિત થઈ ગયો. 

હવે તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ ના હોવો જોઈએ. એટલે તેને હરાવવા માટે કંઈક તો કરવું જ પડશે..

એટલે તેણે આખા રાજ્યમાં કહેણ મોકલાવ્યું કે જે કોઈ માયા અને તેના રક્ષકને રાજા સમક્ષ હાજર કરશે તેને એક લાખ સોનામહોર ઇનામમાં આપશે. 

પરંતુ ગામના લોકો જાણતા હતા કે જરૂર પડ્યે આશ્રમના લોકો જ મદદ કરશે જ્યારે રાજા તો પોતાના સ્વાર્થનો સગો છે, જે પોતાનો સ્વાર્થ પૂરો થતા જ પાછો બધાને હેરાન પરેશન કરવા લાગશે. 

એટલે કોઈ પણ તેની મદદ કરવા તૈયાર ના થયું. રોજ રાજા અમુક સૈનિકોને ગામમાં મોકલતો પરંતુ તેઓ કોઈપણ પ્રકારના સમાચાર મેળવ્યા વગર જ પાછા ફરતા. 

દિવસો પસાર થતા ગયા… પરંતુ માયા અને સૂર્યન્તક જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ કોઈને ક્યાંય મળ્યા નહીં. અંતે, પોતાની સતત નિષ્ફળતાથી રાજા વૃષભરાજનો ધીરજનો બંધ તૂટી ગયો..

રાજા વૃષભરાજ હવે સમજી ગયો હતો કે બળથી સૂર્યન્તકને હરાવવો લગભગ અશક્ય છે. એટલે તેણે પોતાના મહેલમાં રાજ્યના સૌથી ચાલાક મંત્રીઓ અને તાંત્રિકોને બોલાવ્યા. 

દિવસો સુધી ચર્ચાઓ ચાલી. અંતે એક વૃદ્ધ તાંત્રિક રાજાની સામે આવીને બોલ્યો,

"મહારાજ, જે યોદ્ધો તમારી આખી સેનાને એકલો હરાવી શકે, તેને તલવારથી હરાવવું મુશ્કેલ છે. પરંતુ દરેક શક્તિશાળી માણસની એક નબળાઈ જરૂર હોય છે. તેની નબળાઈ છે ... એ યુવતી માયા."  

રાજાની આંખોમાં ચમક આવી ગઈ.  

"તો શું કરવું પડશે..?" રાજાએ પૂછ્યું.  

વૃદ્ધ તાંત્રિક ધીમેથી હસ્યો. "યુદ્ધ નહિ કરવું મહારાજ... પ્રેમનો જાળ બિછાવવો પડશે."  

માયા અને સૂર્યન્તક આશ્રમમાં સાથે સમય પસાર કરી રહ્યા હતા. સૂર્યન્તક બહારથી ભલે કઠોર દેખાતો હતો, પરંતુ અંદરથી તે ખૂબ શાંત અને સંયમી હતો. 

માયા વારંવાર તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી, પરંતુ સૂર્યન્તક પોતાના નિયમોના કારણે વધારે વાત કરતો નહોતો.  

એક સાંજનો સમય હતો. આકાશમાં સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. આખું જંગલ કેસરિયા રંગથી રંગાઈ ગયું હતું. 

માયા આશ્રમની બહાર એક વૃક્ષ નીચે બેઠી હતી. સૂર્યન્તક થોડે દૂર પોતાની તલવાર સાફ કરી રહ્યો હતો.  

"તમે આખો દિવસ એટલા શાંત કેમ રહો છો..?" માયાએ અચાનક પૂછ્યું.  

સૂર્યન્તકે જવાબ ના આપ્યો.  

"તમને ડર લાગે છે કે શું..?" માયાએ ફરી મજાકમાં કહ્યું.  

આ વખતે સૂર્યન્તક તેની સામે જોયું. "મને યુદ્ધથી ડર નથી લાગતો... પરંતુ લાગણીઓથી જરૂર લાગે છે."  

માયા થોડા સમય માટે શાંત થઈ ગઈ.  

"એટલે તમે મને પોતાની નજીક આવવા નથી દેતા..?" તેણે ધીમેથી પૂછ્યું.  

સૂર્યન્તક પાસે આ સવાલનો જવાબ નહોતો. કેમકે તે પોતે પણ હવે સમજવા લાગ્યો હતો કે માયાની નજીક રહેતા તેની અંદર કંઈક બદલાઈ રહ્યું છે. 

એક દેવાસુર માટે લાગણીઓમાં બંધાઈ જવું, પોતાના વિનાશને આમંત્રણ આપવા જેવું હતું.

એ જ રાત્રે જંગલની બહારથી એક ભયંકર ચીસ સંભળાઈ.  



ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"