આશ્રમના બધા લોકો બહાર દોડી આવ્યા. દૂર ગામ તરફ આગની જ્વાળાઓ ઊઠતી દેખાઈ રહી હતી.
"વિનિધન ગામ..!" માયા ગભરાઈ ગઈ.
સૂર્યન્તકે તરત જ પોતાનું ધનુષ ઉપાડ્યું અને જંગલની બહાર દોડ્યો. માયા પણ તેની પાછળ ભાગી.
ગામમાં પહોંચતા જ બંનેની આંખો ફાટી ગઈ.
હવામાં ધુમાડો, બળતા લાકડાં અને માનવીય ચીસો ભળી જઈને જાણે નર્કનું દ્રશ્ય ઉભું કરી રહ્યા હતા. આખું ગામ સળગી રહ્યું હતું. ગામની વચ્ચે રાજા વૃષભરાજના સૈનિકો ઉભા હતા.
એક સૈનિક જોરથી બરાડ્યો,
"સૂર્યન્તક..! જો તું પોતાની જાતે રાજા સમક્ષ હાજર નહિ થાય તો આખું ગામ બાળી નાખવામાં આવશે."
માયાની આંખોમાં આંસુ આવી ગયા. "આ લોકોનો શું વાંક..? આ બધું મારા કારણે થઈ રહ્યું છે..."
સૂર્યન્તકનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેની આંખોમાંથી જાણે અગ્નિ વરસતો હોય એવું લાગી રહ્યું હતું.
અચાનક જ તેણે પોતાની તલવાર જમીનમાં ખોસી. તેના હાથમાંથી નીકળતી ગરમીથી તલવાર લાલચોળ થઈ ગઈ હતી.
બીજી જ ક્ષણે સમગ્ર ધરતી ધ્રુજવા લાગી.
આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા.
અને પહેલી વાર...
સૂર્યન્તકની આંખોમાં માનવ કે અસુર નહીં, પરંતુ સ્વયં દેવત્વનો અગ્નિ પ્રગટ્યો.
એ ક્ષણે...
જંગલમાં ઉભેલા દરેક માણસને સમજાઈ ગયું કે તેઓ કોઈ સામાન્ય યોદ્ધા સામે નહોતા ઉભા.
માયા અને સૂર્યન્તકને ગામના લોકો પ્રત્યે ખૂબ લાગણી હતી, એટલે તેઓ આવો અનર્થ થવા દેવા નહોતા ઇચ્છતા.
પરંતુ તેમ છતાં એ બધું બની ગયું. હવે તેઓ આ ક્રૂર રાજાને તેણે કરેલા પાપોની સજા આપવા માંગતા હતા.
એક રાત્રે સૂર્યન્તક રાજાના મહેલમાં ઘૂસી ગયો. તેણે રાજાના અમુક ખાસ સેનાપતિઓનો વધ કર્યો અને પછી સીધો રાજા વૃષભરાજની સામે જઈ ઊભો રહ્યો. રાજા તેને જોઈને એકદમ ડરી ગયો.
સૂર્યન્તકે ગુસ્સાભર્યા અવાજમાં કહ્યું,
“તારા કારણે વિનિધન ગામના અનેક નિર્દોષ લોકોને તકલીફ પહોંચી છે. હવે બસ… હવે વધુ આગળ ના વધતો. આજે તો ખાલી તારા સેનાપતિઓને માર્યા છે, પરંતુ આગળ તારો વારો આવશે."
"તું માયાને લાયક નથી, એટલે તેના સપના જોવાનું બંધ કરી દે. નહિતર એક દિવસ એવો આવશે કે તું મોત માંગશે… છતાં તને મોત પણ નહીં મળે. એટલું ભયંકર દર્દ હું તને આપીશ.”
રાજાને ધમકાવીને સૂર્યન્તક ત્યાંથી ચાલ્યો ગયો.
આ અણધાર્યા હુમલાથી રાજા અંદરથી ધ્રુજી ગયો, પરંતુ તેના અભિમાને તેને શાંત રહેવા દીધો નહીં. હવે તે માયાને મેળવવા કરતાં પોતાના અપમાનનો બદલો લેવા માટે વધારે તત્પર બન્યો હતો.
તે એવો મોકો શોધી રહ્યો હતો, જયારે તે સૂર્યન્તક અને માયાને ભયંકર સજા આપી શકે.
અને અંતે… એક દિવસ તેને એવો મોકો મળી ગયો.
હવે માયા અને સૂર્યન્તક જંગલની અંદર, દુનિયાથી દૂર એક સુરક્ષિત જગ્યાએ રહેતા હતા. એક દિવસ એ તરફથી બ્રાહ્મણોની એક ટોળકી શિષિરત તરફ જઈ રહી હતી. તેમણે અચાનક જ માયા અને સૂર્યન્તકને જોઈ લીધા.
એમાંથી એક લાલચુ બ્રાહ્મણ સોનામહોરોની લાલચમાં રાજા પાસે ગયો અને તેણે સૂર્યન્તક તથા માયાનું ઠેકાણું જણાવી દીધું.
બીજી તરફ, માયા અને સૂર્યન્તક પોતાની નાનકડી દુનિયામાં ખૂબ ખુશ હતા. તેઓ દુનિયાના બધાં દુઃખોથી દૂર પોતાના પ્રેમમાં જીવતા હતા.
એક દિવસ સવારે માયા જંગલમાં ફૂલો વીણી રહી હતી. એ જ સમયે અચાનક એક વિશાળ સિંહ તેની સામે આવી ઊભો રહ્યો.
સિંહે ભયંકર ગર્જના કરી અને માયા પર હુમલો કરવા માટે ઝંપલાવ્યું. માયા ડરી ગઈ અને બચવા માટે જંગલમાં આમતેમ દોડવા લાગી.
થોડે દૂર તલવારબાજીની પ્રેક્ટિસ કરી રહેલા સૂર્યન્તકે માયાની ચીસ સાંભળી. પળવારમાં જ તે વીજળીની ઝડપે ત્યાં પહોંચ્યો અને માયા તથા સિંહની વચ્ચે આવીને ઊભો રહ્યો.
સિંહ અને સૂર્યન્તક બંને એકબીજા પર તૂટી પડ્યા. થોડા જ ક્ષણોમાં સૂર્યન્તકે પોતાની ધારદાર તલવાર વડે સિંહની કેશવાળી ગરદન તેના શરીરથી અલગ કરી નાખી. સિંહ એક કરુણ ગર્જના સાથે જમીન પર ઢળી પડ્યો.
ત્યારબાદ માયા અને સૂર્યન્તક પોતાના રહેઠાણ તરફ પાછા ફરી રહ્યા હતા. પરંતુ અચાનક જ આસપાસથી ઘોડાઓની દોડ અને સૈનિકોની ચહલપહલના અવાજો સંભળાવા લાગ્યા.
તેમણે નજર ફેરવી તો ચારેય બાજુથી હજારો સૈનિકો તેમને ઘેરી લેવા દોડી રહ્યા હતા.
માયા અને સૂર્યન્તક માટે એક મુશ્કેલી ટળી નહોતી કે બીજી સામે આવી ઊભી રહી.
સૂર્યન્તકના મનમાં પહેલી વાર ચિંતા જાગી. અત્યારે તેની સાથે માયા હતી… અને જો તેને કંઈ થઈ ગયું, તો તે પોતે કેવી રીતે જીવશે..?
તેણે પોતાની તલવારની પકડ મજબૂત કરી અને નજીક આવતા દરેક સૈનિકને મોતને ઘાટ ઉતારવા લાગ્યો. પરંતુ સૈનિકો અસંખ્ય હતા. એક મરે તો તેની જગ્યાએ બીજો તરત હાજર થઈ જતો.
લાંબા સમય સુધી યુદ્ધ ચાલતું રહ્યું. સૂર્યન્તક જાણે મૃત્યુનું સ્વરૂપ બની ગયો હતો.
અચાનક જ તેને લાગ્યું કે માયા તેની બાજુમાં નથી.
તેણે ગભરાઈને આસપાસ નજર ફેરવી… અને તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.
રાજા વૃષભરાજ પોતાની તલવાર માયાની ગરદન પર રાખીને ઊભો હતો. માયા એકદમ સુન્ન બની ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. ડર, પીડા અને આશા ભરેલી નજરે તે સૂર્યન્તક તરફ જોઈ રહી હતી.
સૂર્યન્તકનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું. જીવનમાં પહેલી વાર તેની આંખોમાં ડર દેખાયો.
એ જ ક્ષણે પાછળથી દોડતા આવેલા એક સૈનિકે પોતાની તલવારનો ભયંકર ઘા સૂર્યન્તકની કમર પર કર્યો.
બીજી જ ક્ષણે… સૂર્યન્તકનું શરીર કમરથી બે ભાગમાં વહેંચાઈ ગયું.
પોતાની નજર સામે જ પોતાના પ્રાણપ્રિય સૂર્યન્તકનું લોહીલુહાણ, નિર્જીવ શરીર જોઈને માયા જાણે ભાન ગુમાવી બેઠી.
તેણે તરત જ રાજા વૃષભરાજની તલવાર પોતાની ગરદનમાં આરપાર ઉતારી દીધી.
થોડા જ ક્ષણોમાં… માયા અને સૂર્યન્તક બંને મૃત્યુ પામ્યા.
રાજા વૃષભરાજને પોતાના અપમાનનો બદલો લીધો હોવાનો સંતોષ તો મળ્યો, પરંતુ જ્યારે તેણે આસપાસ નજર ફેરવી, ત્યારે સમજાયું કે આ યુદ્ધમાં તેણે માત્ર વિનાશ જ મેળવ્યો છે.
અંતે, પોતાનાં કર્મોને કોશતો તે પોતાની સેનાને લઈને ત્યાંથી પાછો ફરી ગયો.
આ સમગ્ર ઘટના સૂર્યદેવ પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈ રહ્યા હતા. પોતાના સર્જેલા પુત્રની આવી દયનીય સ્થિતિ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું.
તેઓ જાણતા હતા કે સૂર્યન્તક એક દેવાસુર હોવા છતાં પ્રેમ કરીને મોટો અપરાધ કર્યો હતો. પરંતુ તે પણ સત્ય હતું કે સૂર્યન્તકની અંદર રહેલો મહાદેવનો અંશ જ તેને માયા તરફ આકર્ષિત કરી રહ્યો હતો.
અંતે સૂર્યદેવે તેને ફરી જીવંત કરવાનો નિર્ણય લીધો.
પરંતુ સૂર્યન્તકનું શરીર કમરથી બે ભાગમાં વહેંચાઈ ગયું હોવાથી, તેનું સંપૂર્ણ માનવીય સ્વરૂપ પાછું લાવવું શક્ય નહોતું.
એટલે સૂર્યદેવે પેલા સિંહના શરીરનો ગળાથી નીચેનો ભાગ અને સૂર્યન્તકના શરીરનો કમરથી ઉપરનો ભાગ જોડ્યો. ત્યારબાદ પોતાના તેજ અને અંશ વડે તેમણે તેને ફરી સજીવન કર્યો.
અને આવી રીતે…
એક સુંદર અને દિવ્ય દેવાસુરનું રૂપાંતર એક ભયંકર પશુ-અસુરમાં થયું.
એ જ અર્ધાંગાસુર આજે અહીં કેદ છે.
એટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ શાંત થઈ ગયા.
“પરંતુ તેને અહીં આવી ભયાનક જગ્યાએ કેદ શા માટે કર્યો છે…? એ વાત મને સમજાઈ નથી.” શ્યામે શંકાભર્યા સ્વરે પૂછ્યું.
ભગવાનનો ચહેરો અચાનક ઉદાસ બની ગયો.
“કારણ કે… તેણે સાચા મનથી પ્રેમ કર્યો હતો.”
શ્યામ હવે બધું સમજી ગયો હતો.
એટલે હવે તેમને ફરી એકવાર એક નિર્દોષ આત્માને કેદમાંથી મુક્ત કરાવવાનો હતો.
“ઓકે… તો હવે આપણે અર્ધાંગાસુરને આઝાદ કરાવવા માટે શું કરવાનું છે?” શ્યામે ઉત્સુકતાથી પૂછ્યું.
ભગવાન સમજાવવા લાગ્યા,
"અત્યાર સુધી આપણે પાતાળનો જે ભાગ જોયો એ ભયાનક રાક્ષસોને કેદ કરવા માટેનું એક જાદૂઈ કેદખાનું હતું."
"જે ગુફામાં આપણે અર્ધાંગાસુરને મળ્યા હતા, એવી અહીં અનેક ગુફાઓ છે. દરેક ગુફામાં ભયંકર રાક્ષસો અને ગુનેગારો કેદ છે."
"એમાંથી અમુક તો એટલા ખતરનાક છે કે જો તેઓ મુક્ત થઈ જાય, તો સમગ્ર પાતાળલોકમાં વિનાશ મચી જાય."
"તેથી આપણે બધાને નહીં… માત્ર અર્ધાંગાસુરને જ મુક્ત કરાવવાનો છે."
"આ દરેક ગુફાના પ્રવેશદ્વાર પર એક અદૃશ્ય જાદુઈ આવરણ છે, જે કેદીઓને બહાર આવવાથી રોકે છે. એ આવરણ એક શક્તિશાળી રાક્ષસના જાદુથી બનાવવામાં આવ્યું છે."
"જો એ રાક્ષસ મરી જાય, તો બધા કેદીઓ મુક્ત થઈ જશે. એટલે આપણે તેને મારવાનો નથી… પરંતુ એવું કંઈક કરવાનું છે કે જેથી માત્ર અર્ધાંગાસુરની ગુફાનું જ જાદુ નષ્ટ થાય.”
“સમજી ગયો,” શ્યામ બોલ્યો.
“એટલે આપણે તેને મારવાનો નથી… પરંતુ અર્ધાંગાસુરની ગુફાનો દરવાજો ખોલવા માટે મજબૂર કરવાનો છે."
"પણ એ રાક્ષસ છે કોણ?”
ભગવાન ધીમેથી બોલ્યા,
“તે રાક્ષસ છે.. અરિષ્ટાસુર.”
ક્રમશઃ
Dr Dipak kamejaliya
"શિલ્પી"