Gandhivichar Manjusha - 13 books and stories free download online pdf in Gujarati

ગાંધીવિચારમંજૂશા - 13

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૩. સર્વોદયઃ ગાંધીની મૂલ્યવાન ભેટ

ગાંધીજીએ કહ્યું છે કે જગતને તેમણે કશું નવું આપવાનું નથી; સત્ય અને અહિંસા તો સદીઓથી ચાલ્યા આવે છે. આ વિધાનમાં તેમની નમ્રતા પ્રગટે છે. ગાંધીજીએ એમના જીવનકાળ દરમિયાન કોઇને કશું શીખવવા માટે કશું કર્યું નથી. તેમણે સદાકાળ પોતાને એક વિદ્યાર્થીનાં સ્વરૂપમાં રાખી સતત શીખવાની મથામણ કર્યા કરી છે. તેમનું જીવન જ પ્રયોગશીલ રહ્યું છે. તેથી તો તેમની આત્મકથાને એક ઓળખ ‘સત્યના પ્રયોગો’ એવી આપી. તેમના જીવનમાં આ પ્રયોગશીલતાને કારણે અનેક મૌલિક બાબતો પ્રવેશી અને તે રીતે જગતને તેમણે ખૂદની મૌલિકતાનો અત્યંત સાહજિક ઢબે પરોક્ષ પરિચય આપ્યો. આવી જ એક મૂલ્યવાન મૌલિક ભેટ એટલે સર્વોદય.

સર્વોદયનો ઉદય

ગાંધીજીને ભેટ મળેલા “અન્ટુ ધીસ લાસ્ટ” પુસ્તકના સડસડાટ વાંચનથી તેમના વિચાર જગતમાં તોફાન મચ્યું અને તેમના જીવનમાં ઝંઝાવાતી ફેરફારો થયા. પુસ્તક-વાચનના અંતે તેમણે સર્વોદયનો વિચાર વિકસાવ્યો અને તેનો તુરંત અમલ કરવા માંડયો. ભારતીય સંસ્કૃતિમાં ઘડાયેલો મોહનદાસ કરમચંદ ગાંધીનો માહલ્યો હિંદુ પરંપરાની આંગળી પકડી “સર્વેત્ર સુખીન સન્તુ” ગાતો હતો અને રટતો હતો. તેમના ઉપર રસ્કિનના ઉક્ત નિર્દિષ્ટ પુસ્તકના વાચનની પ્રબળ અસર થઇ. તેમણે તેમનામાં બેઠેલા વિદ્યાર્થીને ઝંઝોડયો અને એક નૂતન વિચાર જીવનમંત્રની જેમ સ્વીકારાયો. રસ્કિનના એ પુસ્તકનો સીધો સંદેશ તો અંત્યોદયનો હતો, પણ ગાંધીએ તેમાં પોતાનો મૌલિક પાસ ચડાવ્યો અને સર્વોદયની વિચારધારા અસ્તિત્વમાં આવી. અંત્યોદયને સ્થાને સર્વોદયની પ્રસ્તુતી જ ગાંધીની મૌલિકતાને પ્રગટાવે છે. રસ્કિનની વિચારધારા જ્યાં અટકે છે ત્યાંથી ગાંધી તેને આગળ ધપાવે છે. આ આગળનો વિચાર-પ્રવાસ એટલે જ સર્વોદય.

સર્વોદયના સિદ્ધાંતો

‘અન્ટુ ધીસ લાસ્ટ ‘ ના વાચન પછી ગાંધીજીએ સર્વોદયના ત્રણ સિદ્ધાંતો તારવ્યા. તે આ મુજબ હતાઃ

૧.બધાનાં ભલામાં આપણું ભલું છે.

૨.વાળંદ અને વકીલના કાર્યનું મૂલ્ય સમાન ગણાવું જોઇએ. સૌને આજીવિકા મેળવવાનો સમાન અધિકાર છે.

૩.ગામડાના ખેડૂતનું શ્રમપ્રચૂર જીવન જ ખરૂં જીવન છે.

ગાંધીજીએ સર્વોદયના આ સિદ્ધાંતોને જીવનમાં સુપેરે ઉતારી ચરિતાર્થ કર્યા હતા. તેમનો રામરાજ્યનો ખ્યાલ આ સર્વોદયની વિચારણા ઉપર જ આધારિત હતો. સર્વોદય સમાજ એ જ તેમને મન રામરાજ્ય. આ ખ્યાલ મૂળમાં તો આર્થિક છે. અર્થ વ્યવસ્થાની પુનઃસ્થાપના દ્રારા તેને સિદ્ધ કરી શકાય. ગાંધીજી જાણતા હતા કે આ બાબત જલદ છે અને તેનું એકાએક અમલીકરણ શક્ય નથી. પરંતુ તેમનો આગ્રહ સર્વોદય સમાજની રચના માટે હતો. બધાનાં ભલામાં આપણું ભલું છે તેવી વિચારણા સાથે વાળંદ અને વકીલનાં કાર્યનાં સમાન મૂલ્યનો ખ્યાલ વણાયેલો હતો. સમાજમાં બધાની નિશ્ચિત મહત્ત્વ ધરાવતી જગા છે, સ્થાન છે. આથી કોઇ કોઇનાથી ઓછા મહત્ત્વનું નથી. સૌનું મહત્ત્વ સૌના સ્થાને છે. જ્યાં જેની જરૂરત છે ત્યાં તેનું મહત્ત્વ છે. જ્યાં સોઇનું કાર્ય છે ત્યાં તલવાર નકામી છે અને જ્યાં તલવારનું કાર્ય છે ત્યાં સોઇ નકામી છે. બંને પોતપોતના સ્થાને અતિ મહત્ત્વના છે. આજ રીતે સમાજમાં પ્રત્યેક મનુષ્ય પોતાના સ્થાને મહત્ત્વપૂર્ણ છે. કોઇના કાર્યને નીચું કે ઊંચું આંકવું તે ભૂલ ભરેલી સમજ ગણાય. વળી, સર્વોદયના સિદ્ધાંતોમાં શ્રમનું મૂલ્ય આંકવામાં આવ્યું અને તે પણ ખેડૂતના જીવનના સંદર્ભમાં. ખેડૂતનું જીવન ખરૂં જીવન છે તેનો એક સંદેશ શહેરીકરણ અને ઉદ્યોગોના કેન્દ્રીકરણથી ગ્રામસંસ્કૃતિ તરફ લઇ જનારો છે. ખરૂં ભારત ગાંમડામાં વસે છે અને તેથી જ ત્યાંનું જીવન ખરૂં છે. ખેતી જ સાચો વ્યવસાય છે અને તે જ ટકાવી રાખનારૂં પરિબળ. આ રીતે, સર્વોદયના આ ત્રણ સિદ્ધાંતોમાં ગાંધીએ આર્થિક વ્યવસ્થાનો ઉત્તમ પરિચય આપ્યો અને સમાજમાં ઉદાત્તતા લાવવા તરફ ધ્યાન ખેંચ્યું.

સર્વોદય સમાજ

ગાંધીજીએ પોતે સર્વોદય સમાજ વિશે કહ્યું નથી. બલ્કે એમને સર્વોદય સમાજના ચિત્રની રચના કરવા કહેવામાં આવ્યું છે ત્યારે તેમણે તે વાત ટાળી છે. સર્વોદય સમાજ અઘરી બાબત છે. આવા સમાજની રચના આડે ઘણાં અંતરાયો છે તેમ છતાં સર્વોદયના સિદ્ધાંતો ચર્ચામાં છે. જો કે સર્વોદય વિચારને ગાંધીજીની ગેરહાજરીમાં નબળો પડતા વાર નથી લાગી. તેની સામેના અવરોધોએ આ વિચારને ખોખરો કરી નાખ્યો છે અને સર્વોદય સમાજની રચના સામે પ્રશ્નો ઊભા કરી દીધા છે.

સર્વોદય સમાજનાં કેટલાક લક્ષણો ગણાવાયાં છેઃ

૧.હાથે કામ કરવાનો આગ્રહ અને સાદું જીવન

૨.પરિવાર, ગ્રામ કે ક્ષેત્ર સ્વાવલંબન

૩.કાંચનમુકિત

૪.સામાજિક ન્યાય, જેમાં દરેક વ્યકિતને કામ અને રોટીનો અધિકાર હોય.

૫.સામૂહિક મિલકત

જે સમાજ આ લક્ષણો ધરાવતો હોય તે સર્વોદય સમાજ છે તેવું પણ આંખો મીંચીને કહી શકાય નહીં. આ લક્ષણો સ્થૂળ અર્થમાં જોવાના નથી, તેનાં સૂક્ષ્મરૂપે સિદ્ધ કરવાના છે. તેથી જ સર્વોદય સમાજની કસોટી માટે વ્યકિતત્વ વિકાસને સ્વીકારવો જોઇએ. વ્યકિતત્વ વિકાસ ન થતો હોય તેવા ઉપરોક્ત લક્ષણો ધરાવતા સમાજને સર્વોદય સમાજ ગણી ન શકાય.

સર્વોદય સમાજની વિશેષતા

સર્વોદય સમાજની બે વિશેષતા આ મુજબ સ્પષ્ટ થાય છેઃ સ્વરોજી અને સહકાર. એટલે કે સર્વોદયની વિચારધારા પર રચાયેલા સમાજમાં સ્વરોજીને મહત્ત્વ હશે. સ્વરોજી એટલે જેને અંગ્રેજીમાં જીીઙ્મક-ીદ્બર્ઙ્મઅદ્બીહં કહેવામાં આવે છે તે. કોઇ કોઇનો આશ્રિત ન રહે. દરેક પોતાની આજીવિકા સ્વયં સર્જે. આની સાથે જ બીજો એક ખ્યાલ વિશેષ રીતે ગૂંથાય છે અને તે છે સહકાર. સ્વરોજી માટે મથતા પ્રત્યેકમાં સહકારનો ભાવ હોવો જોઇએ. બધા સાથે મળી ને વિકસે તેવી ભાવના જરૂરી છે.

આ રીતે, ગાંધીએ સર્વોદયનો ખ્યાલ જગતને બહુમૂલી ભેટના સ્વરૂપે આપ્યો છે.