Gandhivichar Manjusha - 14 books and stories free download online pdf in Gujarati

ગાંધીવિચારમંજૂશા - 14

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૪. શ્રમની પ્રતિષ્ઠા

જીર્ઙ્મંર ૈજ ંરી જૈહ એવું બાઇબલમાં કહેવાયું છે. ગાંધીજી પણ આ વિચાર સાથે પૂર્ણ સહમત હતા. તેમણે શ્રમ કે જાત મહેનતની વકીલાત કરતી વખતે તે પુરવાર કર્યું છે.

ગાંધીની બધી જ વાતમાં સત્ય અને અહિંસા કેન્દ્ર સ્થાને રહેલાં છે. સત્ય પામવાના સાધન તરીકે તેમણે અહિંસાનો ઉપયોગ સૂચવ્યો છે. અહિંસાની આટલી સૂક્ષ્મ વિચારણા ભાગ્યે જ ક્યાંય જોવા મળે. પ્રત્યેક મનુષ્યે પોતાનાં કાર્યો પોતે કરી લેવાં તેમાં જ અહિંસા છે તેવો તેમનો મત હતો. શ્રમની પ્રતિષ્ઠા તેમણે બહુ ઊંચી આંકી છે. આ સંદર્ભમાં તેમના વિચારોનું મનન કરીએ.

શ્રમઃ અહિંસાનો માર્ગ

ગાંધીજી કહે છે કે કુદરત ઇચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઇએ. તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ તેટલા પ્રમાણમાં પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું અહિંસાના પહેલા જ પાઠના ભંગ સમાન છે. જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કશો અર્થ નથી, અને આળસુ માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે.

રોટીને સારૂં પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઇએ. શરીર વાંકું વાળવું જોઇએ એ ઇશ્વરી નિયમ છે. ગાંધીજી આ સંદર્ભમાં વિખ્યાત ચિંતકોનો આધાર આપે છે અને કહે છે કે આ શોધ ટોલ્સટોયની નથી, પણ બહુ અપરિચિત લેખક બોન્ડારૅફની છે. તેને ટોલ્સટોયે પ્રસિઘ્ધિ આપીને અપનાવી. તેમણે આ સંદર્ભમાં ભગવદ્‌ગીતાનો આધાર પણ આપ્યો છે. તેમણે ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયનો આધાર આપી કહ્યું છે કે યજ્જ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે તેવો કઠિન શ્રાપ અયજ્જ્ઞને છે. તેમણે કહ્યું છે કે બુઘ્ધિ પણ એ વસ્તુ ભણી આપણને લઇ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય? બાઇબલ કહે છેઃ “તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે”. કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળોટ્‌યા કરે ને તેનાં મોમાં કોઇ ખાવાનું મૂકે ત્યારે ખાય તો તે લાંબો વખત ખાઈ નહીં શકે. તેથી તે વ્યાયામાદિ કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તો પોતાના જ હાથ-મો હલાવીને. જો અંગકસરત બધાને કરવી જ પડે છે તો રોટી પેદા કરવાની જ કસરત સહુ કાં ન કરે? વળી, તેમણે તો આ સાથે ખેતીનો પણ મહિમા કર્યો છે અને કહ્યું છે કે ખેતીથી રોટી કમાવી તે શ્રમનો માર્ગ છે. દુનિયાના નેવું ટકા કરતા પણ વધારે લોકોનો નિર્વાહ ખેતીથી ચાલે છે. આનું અનુકરણ બાકીના દસ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય! એટલે કે ગાંધીના મતે શ્રમ સુખ, શાંતિ અને આરોગ્યની ચાવી છે.

શ્રમની પ્રતિષ્ઠા સર્વોદય સમાજ માટે

ગાંધીજીએ પોતાની વિચારણાને છેવટે તો સર્વોદય સમાજ માટે મૂકી છે. સર્વોદય ત્યારે જ શક્ય છે જ્યારે શ્રમનો મહિમા થાય અને પ્રત્યેક મનુષ્ય તેને અપનાવે, પણ તે પશુશ્રમની વાત નથી કરતા. તેમણે ખેતીનો સંદર્ભ આપી કહ્યું છે કે ખેતીની સાથે બુઘ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી ઘણી હાડમારીઓ સહેજે દૂર થાય. વળી, જાત મહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે તો ઊંચનીચનો ભેદ ટળી જાય. સમાજમાં વ્યાપેલી ઉચ્ચાવચ્ચતાને નિર્મૂળ કરવા માટે અને આર્થિક અસમાનતાને નાથવા માટે ગાંધીજી શ્રમની પ્રતિષ્ઠા કરે છે.

સર્વોદયના સિદ્ધાંતમાં ખેડૂતનું શ્રમપ્રચૂર જીવન જ ખરૂં જીવન છે તેમ દર્શાવનારા ગાંધીજીએ અહિંસક સમાજની સર્વોદય આધારિત રચના માટે શ્રમની પ્રતિષ્ઠા કરવાની ભલામણ કરી છે. તેમણે જણાવ્યું છે કે શ્રમની સૂગ અગાઉ કદી ન હતી. શ્રમની સૂગ હવે તો એટલી ઊંડી ઊતરી ગઇ છે કે તે વર્ણવ્યવસ્થામાં પણ પ્રવેશી ચૂકી છે. શ્રમ અમુક વર્ણની જ જવાબદારી ગણાય છે. આ સમાજની સુખ, શાંતિ અને આરોગ્ય હણનારી બાબત સાબિત થાય. તેથી તેનાથી જેટલો ઝડપથી છુટકારો મેળવી શકાય તેટલું સમાજના હિતમાં ગણાય.

માલિક-મજૂરનો ભેદ સર્વવ્યાપક થઇ પડયો છે ને ગરીબ ધનિકની અદેખાઇ કરે છે. જો સહુ રોટી પૂરતી મજૂરી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય, ને પછી પણ ધનિક વર્ગ રહેશે તે પોતાને માલિક નહીં માને પણ પોતાને ધનના કેવળ રખેવાળ કે ટ્રસ્ટી માનશે, ને તેનો મુખ્યપણે ઉપયોગ કેવળ લોક-સેવા અર્થે કરશે. ગાંધીની વિચારણામાં અખંડતાનું લક્ષણ છે. તેમના બધા વિચારો છેવટે અહિંસક સમાજની રચના માટે છે. તેથી તેમના વિભિન્ન વિચારોને સાથે જોવાથી તેમાં સળંગસૂત્રતાનાં દર્શન થશે. શ્રમનો મહિમા દર્શાવતી વખતે તેમણે આખીયે વાતને ટ્રસ્ટીપણાના સિદ્ધાંત સાથે જોડી તે આ બાબતનો પુરાવો છે.

શ્રમ સહુની જવાબદારી

શ્રમ એ કોઇ વર્ગ વિશેષની જવાબદારી નથી. પ્રત્યેક વ્યક્તિ પોતાના કાર્યો પોતે કરે તે જ ઇષ્ટ છે. જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્‌મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાત મહેનત રામબાણરૂપ થઇ પડે છે. આ મહેનત ખરૂં જોતાં તો ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા તેવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરશે એટલે કે કાંતવાની, વણવાની, સુતારની, લુહારની ઇત્યાદિ ઇત્યાદિ. સહુએ પોતપોતાના સફાઇ કામદાર તો થવું જ જોઇએ. ખાય છે તેને મળ ત્યાગ તો કરવાનો જ છે. મળ ત્યાગ કરે તે જ પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે.

ગાંધીજીએ શ્રમને વર્ગવિશેષ સાથે જોડવા સામે પણ વાંધો રજૂ કર્યો છેઃ “જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઇક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયા લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્ય પોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્‌યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્‌યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઇએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાત મહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે જ ક્ષણથી ધર્મને જુદી રીતે સમજતો થશે.”

શ્રમ દ્વારા સમસ્યા ઉકેલ

ગાંધીજી આપણી સમસ્યાઓના ઉકેલ તરીકે શ્રમને અપનાવવાની ભલામણ કરે છે. તેમણે આ વાતને બહુ જ વિલક્ષણ રીતે આ મુજબ કરી છેઃ “સૌ પોતપોતાની રોટી માટે શરીરશ્રમ કરે તો સૌને પૂરતો ખોરાક અને પૂરતી ફુરસદ મળી રહે. પછી વધારે પડતી વસ્તીની બૂમ નહીં હોય, રોગ નહીં હોય અને આજે ચારે બાજુ નજરે પડતાં દુઃખો નહીં હોય. આ મજૂરી યજ્જ્ઞનું ઊંચામાં ઊંચું સ્વરૂપ હશે. અલબત્ત, માણસ તેના શરીર દ્વારા કે બુઘ્ધિ દ્વારા બીજી અનેક વસ્તુઓ કરશે પણ તે બધી સાર્વજનિક લાભને માટે કરેલી મહેનત હશે. પછી કોઇ તવંગર નહીં હોય ને કોઇ ગરીબ નહીં હોય; કોઇ ઊંચ કે નીચ નહીં હોય; કોઇ સ્પૃશ્ય કે અસ્પૃશ્ય નહીં હોય.” આમ, ગાંધીજીએ શ્રમને યજ્જ્ઞના સ્વરૂપે દર્શાવી તેની પ્રતિષ્ઠા કરી છે.