Dishani Dasha books and stories free download online pdf in Gujarati

દીશાની દશા

દીશાની દશા

-ઃ લેખક :-

ચેતન શુક્લ

Email : chenamshukla@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“ટીચર તમને આવી જગ્યાએ રહેવાંનું કેમનું ફાવે છે? અમારી સોસાયટીમાં એક મકાન ખાલી થયું છે,જો તમારે ત્યાં આવવું હોય તો કહેજો.”ટ્‌યુશનમાં આવતા રીંકુની મમ્મી બોલી.

“ના બેન ના ત્યાંના ભાડા ના પોસાય.”દીશાએ જવાબ આપ્યો.

“ટીચર તમે એકલા જ આ દિકરી સાથે રહો છો..તે આના પપ્પા ક્યાં બહારગામ છે?”

દિશાના મનમાં એક ઝંઝાવાત સર્જાઈ ગયો પણ મક્કમ મને બોલી”બેન આ દિકરી સિવાય મારૂં આ દુનિયામાં કોઈ રહ્યું જ નથી.”

ટીચરની આંખમાં આંસુ દેખી એણે તરત સામો પ્રશ્ન કર્યો”શું વાત છે કેમ દુખી થઈ ગયા?તમારા જેવા સંસ્કારી આ ચાલીમાં કેવી રીતે રહી શકે છે એ ચિંતાને કારણે જ તમને પૂછ્‌યું કે તમને અહીં કેવી ફાવે છે?” દીશા મનમાં બોલી પણ ખરી કે મને ફાવે એવું આ ચાલીમાં શું હવે તો આ દુનિયામાં જ કશે નથી એવું લાગે છે પણ જાતને સંભાળી જવાબ આપ્યો કે “ઘણી લાંબી કહાની છે બેન!”

“તો મારે એ સાંભળવી જ છે!બોલોપ.હું આજે એ સાંભળીને જ જીશ.”અને તરતજ પોતાના ભુતકાળમાં સરી પડેલી દીશાએ વાત માંડી.

“લો સાંભળો આ દીશાની વાત.”

સ્કુલ અને કોલેજમાં એકથી દસમાં નંબર લાવતી આ દીશા ભણવાની સાથે દરેક એકસ્ટ્રા એક્ટીવીટીમાં ભાગ લેતી અને મેડલ પણ જીતતી પછી એ વક્રુત્વ સ્પર્ધા હોય કે સ્પોર્ટસ.કોલેજ પુરી થવાની સાથે જ ભાભીએ છોકરો શોધવાની શરૂઆત કરવા માંડી.હું ઘણી આનાકાની કરતી પણ પિતા બિમાર હોવાથી દસેક વરસથી ભાઈ જ ઘર ચલાવતો હોવાથી બા પણ ભાભીની કોઈ વાતનો વિરોધ કરતી નહીં.ભાઈ સમીર આખો દિવસ નોકરી કરીને છેક મોડી સાંજે ઘેર આવતો.એટલે આખા ઘરની જવાબદારી ભાભી જ માથે લઈ ફરતી,અને તેના બધા નિર્ણયોમાં સમીરની મૂકસંમતિ રહેતી.

એકવાર શહેરમાં સોના-ચાંદીની નાની દુકાન ધરાવતા વેપારીના પુત્રનું માંગુ મારા માટે આવ્યું.એકબીજાને જોવાનું ગોઠવાઈ ગયું અને એ જ સાંજે તેમના તરફથી હકારનો મેસેજ પણ આવી ગયો.ઘરમાં તો જાણે આનંદનો માહોલ હતો પણ હું કોઈ વાતે તૈયાર નહોતી.સમીર બોલ્યો કે ‘તને ધવલકુમાર જેવો સીધોસાદો છોકરો પણ પસંદ નથી એવું કેમ?’ પણ જ્યારે મેં તેની સાથે કરેલી વાતચીતનો અહેવાલ આપ્યો તો પણ ભાભી તરત જ તાડૂકીઃ’દીશાબેન ને ક્યાંક બહાર જ ગોઠવાવું લાગે છે એટલે જ આ બધા નાટક કરે છે,બાકી આ જમાનામાં આટલો સંસ્કારી છોકરો ક્યાં મળે છે?! ધવલકુમારના બનેવી પણ કેટલા સારા છે ચોક્ખું જ કહી દીધુ કે ‘દહેજમાં ખાલી એક જોડ કપડા સાથે છોકરી જોઈએ છે ભગવાને અમને પૈસા તો ઘણા આપ્યા છે બસ લક્ષ્મીના રૂપે દીશા ઘરમાં પગલા પાડે તો અમે ધન્યતા અનુભવીશું.’બધી ચર્ચાઓને અંતે બાએ સમજાવી કે એ ઘરમાં તું અહીં કરતા વધારે સુખ સાહ્યબીથી રહી શકીશ અને અમે મા બાપ તને આમ સુખી ઘરમાં પરણાવીએ ને તો અમને મર્યા પછી પણ જીવને રાહત રહેશે.

એકજ મહિનામાં લગ્ન લેવાઈ ગયા.પ્રથમ રાત્રીએ જ જુવાનીના સપનાઓ વેરવિખેર થવા માંડયા.એ રાત્રે ધવલ રૂમમાં આવ્યો અને થાકી ગયો એમ કહી પડખું ફેરવી સુઈ ગયો.બીજે દિવસે સવારે જીજાજીએ મને જણાવ્યુ કે પરમદિવસે જયપુર જવા માટે કાર બુક કરાવી દીધી છે આજે કપડાની ખરીદી જે કરવાની હોય તે કરી લેજે.બપોરે રીક્ષા કરીને દુકાને આવી જજો.મનમાં હરખ થયો કે બહારગામ જીશું એટલે એકબીજાને સમજવાની તક પણ મળશે.ત્રણ દિવસ ઘરમાં રહી એમાં એટલો ખ્યાલ આવ્યો કે આખા ઘરનું અને દુકાનનું તંત્ર જીજાજીના જ હાથમાં હતું.નણંદમાં પણ ટીપટોપ થઈને ફરવા સિવાય કોઈ આવડત ન હતી.ધવલ તો જાણે મારામાં કરંટ હોય એમ મારાથી દૂર રહેતો અને જીજાજી ગમે તેવી વાતમાં મારા ખભે હાથ મુકતા,કંઈ પણ વાત કરવાના બહાને મારા ગાલે ટપલી મારી લેતા.મારા અણગમાને અવગણીને પણ એ આ બધી છુટ લેતા.ઘરના બધા સભ્યો પર એમનો રૂઆબ રહેતો.સાસુ સસરા પણ ધવલને કોઈ મહત્વ નહોતા આપતા.ધવલ દુકાનેથી ઘરમાં પાછો આવીને એક ખૂણામાં ટૂંટિયુ વાળી ટીવી સામું બેસી રહેતો.જેમ તેમ ત્રણ દિવસ પછી સાંજે જયપુર જવા માટે કાર આવી ત્યારે ખબર પડી કે જીજાજી પણ સાથે આવે છે.નણંદને પુછ્‌યું તો એ બોલી કે એમને જયપુર બાજુ ધંધાનું કામ છે એટલે એ સાથે આવે છે.જયપુરમાં એક આલિશાન રિસોર્ટમાં કોટેજ બુક કરાવ્યું હતું.જીજાજીએ મારા ખભા પર હાથ મુકીને કહ્યું કે કેવી લાગી વ્યવસ્થા? આ ધવલનામાં તો કોઈ ઠેકાણા જ ક્યાં છે?એટલે તો મારે પણ આવવું પડયું.થોડીવારમાં જ વેઈટર એ કોટેજમાં દારૂની બોટલ અને ત્રણ ગ્લાસ મુકી ગયો.હું કંઈ બોલુ એ પહેલા તો ધવલ ખુશીના માર્યો જીજાજીને ભેટી પડયો.જીજાજીએ ત્રણ ગલાસમાં દારૂ કાઢ્‌યો મારી આનાકાની થતાં જીજાજીએ ફોન કરીને મારા માટે કોલ્ડડરીંક મંગાવ્યુ જે મારા શારિરીક પતનનું કારણ બન્યું.કોલ્ડડરીંકમાં કેફી પદાર્થ પીવડાવીને એ રાત્રે જીજાજીએ મારા શરીરનો ઉપભોગ કર્યો.સવારે મોડેથી ભાન આવ્યું ત્યારે મારા પલંગમાં જીજાજી પણ મારી જેમ જ વસ્ત્રવિહીન અવસ્થામાં હતાં.દોડીને બહારના રૂમમાં સુતેલા ધવલને ઉઠાડવાની કોશિષ કરી પણ દારૂના નશામાં એ બેભાન જ હતો.સાંજે ભાનમાં આવ્યા પછી ફરી એ લોકો દારૂ પીવા માંડયા,મારી ફરિયાદની ધવલ પર અસર નહોતી ને જીજાજીને અફસોસ નહોતો.આમ બે દિવસ સતત જીજાજીએ દારૂના નશાની આડમાં એ અજાણ્‌યા શહેરમાં શારિરીક અત્યાચાર કર્યો.જેમાં ધવલની મૂકસંમતિ હોય તેવું લાગ્યું.

ઘેર પાછા ફરીને જ્યારે નણંદને વાત કરી તો ખબર પડી કે ધવલ નપુંસક છે એ વાત ઘરના બધા જાણતા હતા.જયપુરથી પાછા આવ્યા એજ દિવસે સાસુ સસરા ચારધામની યાત્રા પર નીકળી ગયા સાથે નણંદ પણ એમની હાથલાકડી તરીકે ગયા.એ વખતે પિયર પાછા જવાનું મન બનાવ્યું પણ તરત જ કન્યાવિદાય સમયના ભાભીના વેણ યાદ આવ્યા કે હવે આ ઘરને પારકુ સમજવું સાસરેથી ઠાઠડીમાં જ બહાર નીકળજે.આ શહેરમાં કોઈ નજીકના સગા પણ નહીં કે જ્યાં મન હલકું કરી શકાય.હવે ઘરમાં જીજાજીને મોકળુ મેદાન મળી ગયું હતું.ધવલને દારૂની બરાબર લત લગાડી દીધી હતી.દુકાનેથી આવીને હવે એ એકલો દારૂ પીતો અને જયપુરનો સિલસિલો અહીં પણ ચાલુ થઈ ગયો.ભરજવાનીમાં માણવા માટે વિચારેલી બધીજ ઈચ્છાઓ હવે ધવલ પુરી નથી કરી શકવાનો એની ખાતરી થઈ ગઈ હતી.આવા એક અતિ નાજુક તબક્કામાં જીજાજીનો સાથ ગમવા માંડયો હતો.મન સાથેના કાયમના વિદ્રોહમાં તન હંમેશા જીતતું.તનની ઈચ્છાઓ પુરી થતી હોય ત્યારે મન ગુંચળુ વાળીને ખૂણામાં રડતું.ધવલના મુખ પર ક્યારેય મારા તરફ પ્રેમભાવ દેખાતો જ નહીં ત્યારે એક જ સવાલ થતો કે આ લોકોએ ધવલના લગ્ન કેમ કર્યા હશે.પણ એ વાત પણ જીજાજી નશામાં બોલી ગયા કે એમને તો વારસદાર જોઈએ છે.ધવલ જેટલો વધારે નશો ક્યારેક જ જીજાજી કરતા.કારણકે એમને રસ મારામાં જ વધારે હતો.એકાદ મહિનો ઘરમાં આમજ ચાલ્યું.જેને હું મારા જીવનની મોટી ભૂલ સમજુ છું.હું ખરેખર ત્યારે જેટલી નાદાન હોઈશ તેટલી જ મૂરખ હોઈશ.

જાત્રા કરીને આવ્યા પછી સાસુએ અઠવાડિયું પિયર રહેવા મોકલી.જે દિવસે પિયર પહોંચી એજ દિવસે ભાઈના સ્કૂટરને અકસ્માત થયો પાછળ બેઠેલા પપ્પાને બ્રેઈન હેમરેજ થયું.ભાઈને સામાન્ય ફ્રેક્ચર થયું પણ પપ્પા પંદર દિવસ કોમામાં રહ્યા અને પછી અવસાન પામ્યા.ઘરમાં ભાભીએ કકરાટ માંડયો કે દીશાના પગલે જ આવું થયું એના પગલા જ અપશુકનિયાળ છે,હવે ઘરમાં રહેશે તો એના ભાઈને પણ ભરખી જશે.એના પેટમાં જે બાળક છે એના ગ્રહો આ ઘરને પણ ભરખી જશે.પપ્પાના અવસાનના બીજા દિવસે ધવલ અને સાસુ-સસરા બેસવા આવ્યા ત્યારે પણ ભાભીએ કુટુંબના ગણ્‌યા ગાંઠ્‌યા લોકો વચ્ચે પણ ફજેતો કર્યો.એટલે હું એમની સાથે સાસરે પરત જતી રહી.બે જીવ થવાની વાત સાંભળી સાસુ સસરા બંને રાજીના રેડ થઈ ગયા.ધવલના મુખ પર પણ પહેલી વાર ખુશી દેખાઈ.એજ રાત્રે ધવલ સાથે ચડભડ થઈ અને મેં ધવલને મ્હેંણુ માર્યુ કે તું તો નપુંસક છું.બસ એજ રાત્રે એને ખેંચ આવી.તાત્કાલિક હોસ્પીટલ લઈ ગયા પણ એ પેરાલીસીસનો શિકાર બની ગયો.

ધવલની માંદગી માટે ઘરના દરેક સભ્ય મને જ દોષી માનતા.એકાદ મહિનો હોસ્પીટલમાં મન મુકીને સેવા કરવા છતાં કોઈની મારા તરફ કૂણી લાગણી નહોતી.હા ક્યારેક જીજાજી બધાની ગેરહાજરીમાં મારા વખાણ કરતા પણ એના મૂળમાં તેમની આંખોમાં વાસનાના સાપોલીયા જ રમતા દેખાતા.મારો તેમની તરફનો તિરસ્કાર જોતા હવે એ પણ બધાની સામે મારા માટે જેમ ફાવે તેમ બોલતા.ડૉક્ટરે જ્યારે ચેતવણી આપી કે આવા પેશન્ટને ક્યારેય નશાની આદત ન હોવી જોઈએ,એ બાબત જીવલેણ સાબિત થઈ શકે છે.મને ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે જીજાજીએ મારી જીંદગી સાથે કેટલી મોટી રમત રમી હતી.

ધવલને આવી હાલતમાં ઘેર લાવવામાં આવ્યો.પેટમાં ઉછરી રહેલા બાળકનો આનંદ જાણે ઘરમાંથી ઓસરી ગયો હતો.મને ધવલની દયા આવતી હતી.હું સતત ખડેપગે તેની સેવા કરતી.ખબર કાઢવા આવેલા અમુક સગાઓના મોંઢે વાત સાંભળીને મને હવે ખાતરી થઈ ગઈ હતી કે ધવલને આ ખેંચ આવવાની બિમારી નાનપણથી જ હતી.એના લગ્ન કરવા માટેની સમજાવટ પણ જીજાજીએ જ કરી હતી.જીજાજીની ખોરી દાનત વિશે ઘર આખુ અંધારામાં હતું.સસરાના ધંધામાં એ સર્વેસર્‌વા બની બેઠા હતા.ઘરમાં તેમની જોહુકમી ચાલતી હતી.નણંદ પણ હવે ઘરમાં મારા વિરૂધ્ધ અત્યંત નીચલી કક્ષાના આક્ષેપ કરતી.સાસુ પણ બોલતા કે તારા પગલે જ ધવલની આવી હાલત થઈ છે. હું મનોમન બધુ સાંભળી લેતી અને ધવલની સેવામાં મારૂ લક્ષ રાખતી.ધવલની દયામણી આંખો મારા તરફ અગમ્ય ભાવ દર્યાવતી જે સમજવું મારા માટે મુશ્કેલ હતું!

ભાઈ અને ભાભી જ્યારે ખબર પૂછવા આવતા ત્યારે બધાની હાજરીમાં કહેતા કે ચિંતા ના કરીશ અમે બેઠા છીએ ને!

છેલ્લા મહિનો ચાલતો હતો ત્યારે મને પિયર તેડી ગયા.મારા માટે એ બાબતની પણ કોઈ ખુશી ન હતી,ધવલને આ હાલતમાં મુકીને જવુ ગમતું ન હતું પણ સામાજીક રિવાજોના બંધન હતા એટલે છૂટકો જ ક્યાં હતો.

કરમની કઠણાઈ કોઈ રીતે મારો પીછો છોડતી ન હતી.કૂખેથી દિકરી અવતરી એવા સમાચાર સાંભળી સાસરેથી કોઈ આવ્યું નહીં પણ બીજા દિવસે ધવલને ફરી ખેંચ આવી અને એ ઈશ્વરશરણ થઈ ગયો.

કાચા દિવસોમાં ખરાબ તબિયતને કારણે હું જી શકી નહીં.એવામાં સાસરેથી તો એવું કહેણ આવી ગયું હતું કે સમીરભાઈ તમારી બેનને હવે ત્યાં જ રાખજો અહીં મોકલવાની જરૂર નથી.એકવીસ વરસ જે ઘરમાં પસાર થયા હતા એ ઘરના લોકોને એક જ મહિનામાં હું ભારરૂપ લાગવા માંડી હતી.ભાભી હવે બેફામ બનીને બોલતી,કયારેક બાની આંખોમાં પણ આંસુ આવી જતા પણ એ પણ લાચાર હતી.ફુલ જેવી દીકરી પણ પિયરમાં બધાને ભારે લાગવા માંડી.ભાઈએ મને સાસરે જવા માટે સમજાવી તો મેં ધરાર ઈન્કાર કર્યો ત્યારે ભાભી ગુસ્સામાં એવું બોલી કે સાસરા વાળાએ સંઘરવાની ના પાડી છે પણ ગામના કુવાઓ તો મા-દિકરીને સંઘરવા તૈયાર જ છે ને!મને એ સમયે ભાભીની સલાહ માનવાની ઈચ્છા હતી પણ દિકરીને કારણે હું હિંમત કરી શકી નહી.

એકવાર મોડી રાત્રે મેં ભાઈ અને ભાભીને વાત કરતા સાંભળ્યા કે જીજાજીએ ઓફર મુકી છે કે એમની સાથે મોકલવા મને રાજી કરી દેશો તો એક લાખ રૂપિયા એ આપવા તૈયાર છે.

“બસ બહેન બીજે દિવસે જ હું માવતરનું ઘર છોડીને નીકળી ગઈ અને અહીં આવી ગઈ ત્રણ વરસ થયા.અહીં આવ્યે ટ્‌યુશન કરીને મારૂ ઘર ચાલે છે.જીવનના આ ઘટનાચક્રમાં હજુ હું નક્કી નથી કરી શકી કે કોનો દોષ કાઢવો? આ દીશાની દશા વિશે જાણવા વાળા તમે પહેલા છો.”