Mandir in Gujarati Short Stories by Chetan Shukla books and stories PDF | મંદિર

મંદિર

શીર્ષક-મંદિર

મંદિરની બહાર નીકળીને દરવખતની જેમ ફૂટપાથ પરના બાંકડા પાસે નજર ગઈ પણ આજે ત્યાં કોઈ બેઠું ન હતું.મને નવાઈ લાગી અને જાણે ત્યાં કોઈ શૂન્યાવકાશ નો ભાસ થયો.ફરી મનમાં વિચાર કરી જોયો કે આજે મંગળવાર જ છે ને? ત્યાં એક ભિખારણ કૈક અષ્ટમ-પષ્ટમ બોલતી ભીખ માંગતી આવી પહોંચી.ખીસામાંથી દસની નોટ કાઢીને મેં તેને આપીને રવાના કરી.પણ છતાં કૈક ખૂટતું હોય તેવા અહેસાસ સાથે મેં ત્યાંથી મારા વાહન તરફ પગ માંડ્યા.

દરરોજ ઓફીસ જતા રસ્તામાં આવતા મંદિરમાં દર્શન કરવા જવાનો મારો રીવાજ થઇ ગયો હતો.ક્યારેક ક્યારેક મંદિરમાં દસની નોટ મુકતો,પણ દર મંગળવારે બહાર ફૂટપાથ પર બેસતા સિત્તેરેક વરસના એક કાકા અને તેની બાજુમાં એક તેટલીજ ઉંમરના લગતા સફેદ મેલી સાડી પહેરેલા એક માજીને દસની નોટ અચૂક આપતો.છેલ્લા બે-ત્રણ વરસનો આ નિત્યક્રમ થઇ ગયો હતો.

એક વખત થોડી વાત કરતા ખબર પડેલી કે એમણે અઠવાડિયાના દરેક દિવસો એક ચોક્કસ મંદિર માટે ફાળવેલા હતા.કાકા બંને આંખે અંધ હતા એટલે તેઓ હાથમાં પેલી ખટ-ખટ અવાજ કરતી લાકડી સાથે આવતા.પેલા માજી તેમને હાથ પકડીને દોરવણી કરતા એ જગ્યાએ આવીને લઇ આવતા પછી આખો દિવસ અહી બેસતા.મને થતું કે આ ઉંમરે તેમના બાળકો જવાબદારી નિભાવતા નહિ હોય એથીજ અહી તેમને બેસવું પડતું હશે પણ નવાઈની વાત એ છે કે તે બંને ક્યારેય ભીખ માંગતા ન હતા.તમે તેમની નજીક જાઓ તો પણ તે બંને હાથ લાંબો ન કરતા.ખીસામાંથી નીકળેલો હાથ જો તમે લાંબો કરો તો જ તેમનો હાથ લાંબો થતો.માજી જય સીયારામ બોલીને દાન સ્વીકારતા પછી પેલા કાકાને તમે સંબોધન કરો તો જ તેઓ હાથ લંબાવતા.મને આ મજબુરીમાં જાળવી રાખેલી તેમની ખુમારી ગમતી.અંધ હોવાને કારણે કાકા વજન કરવાનું મશીન લઈને બેસતા.કોકનો પગરવ સંભળાતા તે હાથમાંનું કપડું લઇ મશીન પર ફેરવતા.કેટલાય માલેતુજારો ત્યાં આવતા ને હાથમાંના થેલામાંથી ત્યાં બેઠેલા ગરીબોને કંઇક ને કંઇક વહેચે અ ખૂણામાં બેઠેલા કપલ પર તેમની નજર પડી તો બરાબર નહીંતો જય સીયારામ.

આજે કોઈક કારણસર તે બંને દેખાયા નહિં એટલે જાણે મંદિરની પૂજા અધુરી રહી હોય તેવું લાગ્યું.અને હું તો વિચાર કરતો કરતો ઓફિસની દિશા તરફ મન અને તન ને લઇ ગયો.

બરાબર એક અઠવાડિયા પછી આજે મંગળવારે સવારે ઘેરથી મંદિર પહોંચ્યો.સ્કુટર પાર્ક કરતા જ અનાયસ એ બાંકડા તરફ નજર ગઈ.માજી એકલા જ ત્યાં બેઠેલા દેખાયા.મનમાં કેટલાય પ્રશ્નો સાથે મંદિરમાં ગયો.ભગવાનના દર્શન કરતા કરતા પણ પેલા અંધ કાકા ન દેખાયા તેના વિચારો આવ્યા.મંદિરની બહાર નીકળીને પેલા માજી પાસે ગયો,માજીએ તરત કપડાથી વજન કરવાનું મશીન સાફ કર્યું.મેં ખીસામાંથી હાથ બહાર કાઢ્યો ખીસામાં જુદી મુકેલી દસની બે નોટો બહાર કાઢીને માજીને પૂછ્યું કે પેલા કાકા ક્યાં ગયા? માજીએ સાવ શુષ્કતાથી જવાબ આપ્યો કે એ તો ભગવાન રામ પાસે પહોચી ગયા.મેં બીજી દસની નોટ પણ એમના તરફ ધરતા કહ્યું કે લો આ ગયા મંગળવારે તમે નો’તા આવ્યા ને??...તે..!!!

“જય સીયારામ બેટા ...ભગવાન તમને સુખનો ભંડાર આપે....!!”તેમ બોલતા માજીએ દસની થોડી મેલી દેખાતી નોટને થોડા મેલા થયેલા હાથથી એવાજ મેલા થયેલા સફેદ સાડલાની ગાંઠમાં ઉમેરી દીધી.

“તે કાકા શું બીમાર હતા...??”મારી જીજ્ઞાસાવૃત્તિએ પણ તરત જ પ્રશ્ન પૂછી લીધો.

“ના રે ના ...ગયા મંગળવારે જ રોડ ક્રોસ કરતી વખતે એક ગાડીવાળાએ તેમને ઉડાડી દીધા...”માજી અટકતા અટકતા બોલ્યા.

“શું વાત કરો છો ..???..ક્યાં...???”કોને ખબર ??મને પણ જાણે આઘાત લાગ્યો હોય તેવું મારું રીએક્શન હતું.

માજીએ કહ્યું “અહીંથી થોડેક જ આગળ બસ સ્ટેન્ડેથી રોડ ક્રોસ કરવા ગયા એમાં બિચારા અંટાઈ ગયા.”

ત્યાં મને તરત જ યાદ આવ્યું કે હા એ દિવસે તો મેં રસ્તામાં ટોળું દેખ્યું’તું પણ ઓફીસ પહોંચવાની ઉતાવળ હોવાથી હું જોવા પણ નહોતો ઉભો રહ્યો.મેં તરત જ માજીને બીજો પ્રશ્ન પૂછી લીધો કે “માજી તમારે કોઈ છોકરા છૈયા નથી ???”

“ના મારે તો કોઈ જોવાવાળું ય નથી ને રોવાવાળું ય નથી” માજીએ તરત જ ઉત્તર આપ્યો.

“કેમ..??તો આ કાકા હતા એ ...??!!!”મારી વાત સમજી ગયેલા માજીએ મને અધવચ્ચેથી અટકાવીને કહ્યું કે “દીકરા હું તો બાળવિધવા થઇ ગઈ હતી વરસો સુધી એક આશ્રમમાં સેવા આપ્યા પછી તેઓએ પણ મને અશક્ત થઇ ગયેલી જાણીને કાઢી મૂકી” ....આંખમાંના આંસુ લૂછતાં બોલ્યા કે “બસ ત્યારથી એટલેકે લગભગ ચારેક વરસથી હું આ શહેરમાં આવી ગઈ છું અને આ કાકા તો ………બચારા હાચું કહું તો ભગવાનના માણસ હતા”

હવે મને ખરેખર જાણવાની તાલાવેલી થઇ ગઈ એટલે હું બાજુમાંની કીટલીએ ગયો બે ચા નો ઓર્ડર આપ્યો અને પાછો પેલા બાંકડે આવીને બેસી ગયો.

“તો માજી પેલા કાકા તમારા કશું નહોતા થતા??”મારા મનમાં ઘુમરાઈ રહેલા પ્રશ્ન ને મેં જાણે તેમની સમક્ષ મુક્યો.

“ના દીકરા ..હું તો એમને છેલ્લા બે વરહથી ઓળખું ..પણ હા એમના ઘર વિષે બધું જાણું છું.બિચારા સાવ ગરીબ અને આંખે અંધ એટલે પોતાના ઘરમાં જ એકના એક દીકરાને આશરે થઇ ગયેલા.ઘણી વખત એ વાતો વાતોમાં તેમની હૈયાવરાળ કાઢતા એટલે મને ખબર.

એટલામાં જ કીટલી પરથી મંગાવેલી બે ચા આવી ગઈ.એમાંથી એક ચા માજીને આપતા માજીની આંખોમાં આવેલા ઝળઝળિયાં હું સ્પષ્ટ દેખી શકતો હતો.મારાથી ‘ચા જોડે બિસ્કીટ ખાવા છે’ એમ પુછાઈ ગયું જેનો જવાબ પણ ડોકું ધુણાવી હકારમાં મળ્યો.

ધીમે ધીમે ચા પીતા માજી બોલ્યા કે “બેટા રોજ સદાવ્રતમાં જે ખાવા મળે એ ખાઉં છું,આ દહ રૂપિયાની ચા પીધે વરસ થઇ ગ્યું હશે.”

‘વાંધો નઈ પી લો આરામથી પછી મને કહો કે શું થયું પેલા કાકાને?’મારી પણ અધીરાઈ વધતી જતી હતી.

થોડીવાર પછી માજી બોલ્યા:’એ કાકાનું નામ માવજીભાઈ હતું,અમદાવાદમાં કોઈ મિલમાં નોકરી કરતા હતા ત્યારે સુખી હતા.પણ મિલ બંધ થઇ ગયા પછી તેમની તકલીફો ચાલુ થઇ ગઈ.થોડા વરહો પછી થયેલા કોઈ અકસ્માતમાં એમની ઘરવાળી ગુજરી ગઈ અને માવજીભાઈની બંને આંખો જતી રહી.કોઈ હાઉસીંગ કોલોનીમાં પોતાનું મકાન હતું અને એકજ દીકરો હતો ઈજ એમના માટે ભગવાનના આશીર્વાદ જેવા હતા.પણ હે કળજુગ....જે દીકરાને પેટે પાટા બાંધીને ઈમણે ભણાવ્યો અને અરરર ....હે ભગવાન ઈજ દીકરો પાછલી ઉંમરમાં એમના માટે તૂટેલી ફૂટેલી લાકડીય ના બની શક્યો બોલો.

‘ના હોય એવો નીકળ્યો દીકરો ..???’....કૈક અજાણ્યા સાવ પોતીકા લાગતા ભાવ સાથે અવગત રહેવાના શબ્દો બહાર નીકળી ગયા.

‘હાસ્તો...એવા દીકરાને શું કરવાના જેને માટે જીવનના આટલા વરહ ઘહરડા કર્યા હોય ઇજ તમને આવી દશામાં મૂકી દે?અરે બીજા શહેરમાં ભણવા ગયો તે ભણીને ત્યાંથી વહુ પણ જાતે લઇ આયો બોલો ...ને ઈમના કરમ ફૂટલાં હશે બીજું શું ?તે જુનું મકાન વેચી વસ્તીથી થોડું દુર નવું મકાન લીધું,ને મહિનામાં જ ઈમને કાઢી મેલ્યા બોલો...આ ગરીબડો માણસ પાછો પોતાના જુના મકાનની બાજુમાંજ કોઈ ચાલીમાં રેવા આઈ ગ્યો..એ બિચારો કરેય હું ??વરહમાં એકાદ બે વાર દીકરો આઈને મલી જાય.થોડા પૈસા આલી જાય પણ એટલાથી થાય હું ?બિચારા મંદિરની બારે બેહી રે,જેમ તેમ દાડા કાઢતા ..લો ને હાત વરહ થઇ જ્યા...’

મનમાં થતી અકળામણ શરીરની તાકાત નીચોવી રહી હતી છતાં પણ આજે આખું શરીર ભારે થઈને સાંભળતું હતું એવું લાગતું હતું ‘તો માજી એમનું ઘર આ મંદિરની આવકથી જ ચાલતું ?’

‘શેનું ઘર ???....રાતે હુઈ જવા માટેનો ખાલી આશરો હોય એને ઘર થોડું કેવાય?’

હવે મારું બધુજ ધ્યાન એ માજી પર આવીને અટકી ગયું.’તે તમે ક્યાં રહો છો માજી?’

‘ હું તો ભઈ વિવેકાનગર પેલી લાલબસનું છેલ્લુ સ્ટેન્ડ.ત્યાં એક જોગણીમાનું મંદિર છે એને ઓટલે.’માજીએ ધોળા વાળ પરથી સરકી ગયેલા સાડલાને સરખો કરતા જવાબ આપ્યો.

‘મંદિરના ઓટલે આવી ઠંડીમાં ??’મેં કુતુહુલથી પૂછ્યું.

‘ભઈ હવે બધુય સહન થાય છે,મંદિરના પુજારી બહુ હારા છે કે રેવા દે છે એના બદલામાં હું હવારે ઉઠીને મંદિરનું ચોગાન ને એમની રૂમ વાળીને સાફ કરું છું ..બસ.’માજીના ચહેરા પર જિંદગી વિષેની કોઈ ફરિયાદની રેખા દેખાતી ન હતી.

એકાએક મક્કમ મન કરી મેં પૂછ્યું કે ‘માજી શું નામ તમારું ચાલો હું તમારા રહેવાની વ્યવસ્થા કરી આપું.’

‘નામ તો મારું સરયુ છે પણ આશ્રમમાં રહેતી ત્યારથી બધા મને સરીબેન કહેતા.’

એક રિક્ષાને ઉભી રખાવી મેં માજીને અંદર બેસાડી રિક્ષાવાળાને સરનામું સમજાવી હું પણ સ્કુટર લઇ એની પાછળ ઉપડ્યો.સ્કૂટરની દિશા સાથે મને મારી પણ સાચી દિશા સમજાતી હોય એવું હું અનુભવી રહ્યો હતો.

રીક્ષાની સાથે હું પણ “કબીર ઘરડાઘર”ના દરવાજે એક ચોક્કસ મનોસ્થિતિ સાથે પહોંચ્યો.માજીને અંદર લઇ જઈ વ્યવસ્થાપક ભવાનીદાસને ઓળખાણ કરાવી કે આ મારા દુરના માસી છે અને એમની અહી રહેવાની વ્યવસ્થા કરવાની છે તેમ વાત કરી.માજીના મુખ પર આનંદમિશ્રિત કુતુહલની લાગણી જે હું જોઈ રહ્યો હતો એ તરત જ એ સાંભળીને વિખરાઈ ગઈ કે ‘ભાઈ તમને તો ખબર જ છે ને કે હવે ઘરડાઘરમાં પણ અગાઉથી નોંધાવું પડે છે.’

સરીબાએ નિરાશાથી હાથમાં પાછી પકડેલી એમની થેલી ફરીથી નીચે મુકતો હું બોલ્યો ‘હા ભવાનીકાકા એ વાત હું જાણું છું પણ હું તો ફક્ત લેવડદેવડ કરવા જ આવ્યો છું.આજે મારી મમ્મીને હું કાયમ માટે પાછી લઇ જાઉં છું એના બદલે આ મારા માસીને મૂકી જઉં છું.’

અને થોડીવાર પછી હું એકના બદલે બે માં ના હેતભર્યા વહાલથી ભીંજાતો રહ્યો.

ચેતન શુક્લ

9824043311