Vibhano Aapghaat books and stories free download online pdf in Gujarati

વિભાનો આપઘાત

વિભાનો આપઘાત ?

થોડીવાર પહેલા જે ઓફિસમાં હાહાકાર હતો ત્યાં અત્યારે એકદમ સન્નાટો હતો. કંપનીના માલિક સુધીર કોષ્ટીની કેબીનના સોફા પર એમની ગેરહાજરીમાં આસીસ્ટંટ વિભાની લાશ પડેલી મળી હતી . વિભાના મોઢામાંથી ફીણ નીકળેલા જોઈ એમ સમજી શકાય તેમ હતું કે એણે થોડા સમય પહેલા જ ઝેર પીધું છે. સુધીરની ગેરહાજરીમાં તેની કેબિનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ઠાકોર કેબીનમાં રહેલી વસ્તુઓની ઝીણવટભરી તપાસ કરી રહ્યા હતા. બે કોન્સ્ટેબલ બહાર પટાવાળાને સાથે રાખીને ઓફીસ વિષે માહિતી એકઠી કરી રહ્યા હતા. રાઈટર નેવાસિંહ પરિસ્થિતિનો ક્યાસ કાઢી કાગળમાં વારે વારે કંઈક લખવામાં મશગુલ હતો. ઈન્સ્પેક્ટરે બહાર આવીને ઓફીસના કર્મચારી રેહાનને ફરી પૂછ્યું કે મિ.સુધીરને આવતા કેટલી વાર થશે એમને ફોન કરે અડધો કલાક થવા આવ્યો. રેહાને ફરી એજ જવાબ આપ્યો કે ‘એ હવે આવવા જ જોઈએ, ટ્રાફિકમાં મોડું થયું હશે.’

ઇન્સ્પેક્ટરે પૂછ્યું તો ઓફીસના પટાવાળા કાલુના કહેવા પ્રમાણે આજે રાબેતા મુજબ સવારે ઓફીસ દસ વાગ્યે ચાલુ થઇ કોષ્ટી સાહેબ પણ રોજની જેમ દસ વાગે અહી આવી ગયેલા. વિભાબેન દસેક મિનીટ વહેલા આવી ગયા હતા. અગિયારેક વાગ્યે સાહેબ કોઈ કામ માટે બહાર ગયા ત્યારે વિભાબેનને કંઇક ફાઈલની વાત કરીને ગયા હતા. સાહેબ મારે તો બેન્કનું કામ હતું એટલે બાર વાગ્યાની આસપાસ હું વિભાબેનને કહીને નીકળ્યો ત્યારે એ સાહેબની કેબીનમાં બેઠા કશુંક લખી રહ્યા હતા. હું એમને કહીને નીકળ્યો ત્યારે તો કશું એવું નહોતું લાગ્યું કે એ આવું કરશે. આટલી નાની ઉંમરે તે કંઈ આત્મહત્યા કરાય? સાહેબ હું તો બેન્કમાંથી સીધો સામે લારી પર જમવા ગયો અને દોઢ વાગ્યે આવીને જોયું તો.....સોફા પર વિભાબેન આવી હાલતમાં હતા. રેહાનભાઈએ મારી બુમ સાંભળી એટલે એ પણ અંદર આવ્યા. રેહાનભાઈએ પહેલો જ તમને ફોન કર્યો અને તરત જ કોષ્ટીસાહેબને કર્યો.

થોડીવારમાં જ કોષ્ટીસાહેબ આવી ગયા. રીમલેસ ચશ્માં પહેરેલા ઉજળો વાન ધરાવતા ચાલીસેક વરસની ઉંમરના સુધીર કોષ્ટી થોડી ફાંદ બહાર નીકળી હોવા છતાં એકદમ ડેશિંગ લાગતા હતા. ઇન્સ્પેક્ટર સાથે હાથ મિલાવી એ પોતાની કેબીનમાં ગયા. સોફા પર પડેલી વિભાની લાશ જોઈ એમની આંખોમાં ગમગીની છવાઈ ગઈ.

ઇન્સ્પેક્ટરની સામું જોઈ એ બોલ્યા; ‘પત્નીને એકાએક ડોક્ટર પાસે લઈ જવાનું હતું. એટલે એ અહી આવી અને એ પછી હું વિભાને થોડું કામ સોંપી અહીંથી ગયો. એટલીજ વારમાં એને શું થયું હશે?’

‘તમે અહીંથી ગયા ત્યારે એ રોજની જેમ એકદમ સ્વસ્થ હતી?’

‘હા સાહેબ એકદમ સ્વસ્થ હતી. કોઈ કામ બાબતે પણ એની પર દબાણ ન હતું. આજે તો કામ પણ રૂટીન હતું.’ કોષ્ટીસાહેબે ઈન્સ્પેક્ટરને જવાબ આપ્યો.

એટલી વારમાં જ વિભાના પિતાજી ત્યાં આવી ગયા. એમના આક્રંદે ઓફીસના વાતાવરણને સન્નાટામાંથી ગમગીનીમાં પરિવર્તિત કરી દીધું. રેહાન વિભાના પપ્પાને પકડીને કેબિનમાંથી બહાર લઈને આવ્યો અને સોફામાં બેસાડ્યા.

થોડીવારે એમ્બ્યુલન્સ આવી વિભાની લાશને પોસ્ટમોર્ટમ કરવા માટે લઇ જવામાં આવી. પેલા રાઈટર અને એક કોન્સ્ટેબલને ત્યાં હાજર લોકોના બયાન લઈને ચોકી પર આવવાનું કહી ઇન્સ્પેક્ટર નીકળી ગયા.

****

વિભાના ઘરે ગમગીની છવાયેલી હતી માં વગરની અને પિતાએ ઉછેરેલી એકની એક પુત્રીનું આ રીતે થયેલું મૃત્યુ ત્યાં હાજર બધા માટે ચર્ચાનો વિષય બની રહ્યું હતું. બધા લોકો પોતપોતાની રીતે મનફાવે તેવા તર્ક દોડાવતા હતા કોઈ કહે કે માં વગરની છોકરી મોટી થાય ત્યારે સાચવવી બહુ અઘરી છે. કોઈ પાછું એમ કહે કે છોકરીઓ નોકરી કરવા ઘરની બહાર નીકળે એટલે સ્વછંદી થઇ જાય છે. પડોશીઓ ના મત પ્રમાણે વિભા બહુ સૌમ્ય અને સંસ્કારી છોકરી હતી. એના પપ્પાનું એ એટલું ધ્યાન રાખતી કે લોકોને ઈર્ષ્યા આવે. એક સગા તો પાછા એમ બોલ્યા કે અમે તો એક સારો છોકરો બતાવ્યો પણ હતો કોણ જાણે શું હશે એ છોકરીએ પસંદ જ ન કર્યો. એટલામાંજ સરકારી એમ્બ્યુલન્સ વિભાની ડેડ બોડી લઈને આવી પહોંચી. સવારે હસતી હસતી ઓફીસ ગયેલી એ યુવાન છોકરી બધા માટે એક બોડી બની ગઈ. રેહાન વિભાના પપ્પાની સાથે જ હતો. એમના નજીકના બે ત્રણ સગા પણ એમની સાથે એમ્બ્યુલન્સમાંથી ઉતર્યા. ભારે રોકકળ વચ્ચે એને ઘરમાં લાવવામાં આવી. પોસ્ટમોર્ટમ કરેલું શરીર વધારે વખત રાખી ન શકાય એટલે ઘરના બીજા મોભીઓએ આગળની વિધિ માટેની તૈયારી આરંભી દીધી. કોઈની રાહ જોવાની હતી નહિ એટલે કલાકેકમાં તો સ્મશાનમાં લઈને પહોંચી ગયા.

બધા સગાઓની હાજરી હોવાથી રેહાન થોડા સમયમાં જ સ્મશાનમાંથી વિભાના પપ્પાની મંજુરી લઇ નીકળી ગયો. આખા રસ્તે રેહાન વિભાના જ વિચાર કરતો રહ્યો.

*******

વિભાના કેસના કાગળિયાં જોતા ઇન્સ્પેક્ટર શર્માએ કોન્સ્ટેબલ ડામોરને પૂછ્યું; ‘શું લાગે છે આ કેસમાં ત્યાં ઓફિસમાં તમને કશું અજુગતું કે શંકા કરવા જેવું લાગ્યું’તું?’

‘ના સાહેબ, કેબીનમાં સોફામાં પડેલી લાશ અને ટેબલ પર પડેલા કોલ્ડડ્રીન્કસના ગ્લાસને જોતા તો સ્પષ્ટ આપઘાતનો કેસ લાગે છે.’

‘પણ ડામોર કોઈ ચિઠ્ઠી મળી નથી ને ...??’

‘ના કોઈ ચિઠ્ઠી નથી મળી, એ એક વિચારવા જેવું છે. બાકી આવા કેસમાં લોકો ચિઠ્ઠી લખીને જાય એટલે આપણું અડધું કામ આસાન કરી દેતા હોય છે.’

‘એ છોકરીના બાપા તો ફરિયાદમાં એમ લખાવે છે કે મને કોઈની પર શંકા નથી, ને પાછા એમ કહે છે કે મારી દીકરી આપઘાત ન કરે.’ ઇન્સ્પેક્ટર બોલ્યા

‘પણ સાહેબ આજે તો પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવી જ જવાનો છે ને એટલે દુધમાં પાણી કેટલું એ ખબર પડી જવાની.’

‘ડામોર તેં એ જોયું કે કોષ્ટીસાહેબ આવ્યા પછી એમણે લાશ દેખી ત્યારે કેટલા દુખી લાગતા હતા. અને પેલો રેહાન તો છોકરીના બાપાના રુદન વખતે પણ સ્વસ્થ હતો. મને લાગે છે કે કોષ્ટી સાહેબની વાત સાચી હશે કે કદાચ એ રેહાને જ એને અંધારામાં રાખી પીવડાવ્યું હોય.’

‘પણ સાહેબ એ શું કામ પીવડાવે કોઈ કારણ વગર આવી સુંદર છોકરીની હત્યા તો કોઈ ન કરે ને?’

‘ડામોર તું તો જાણે જ છે ને કે આ સુંદરતા જ બધી મુસીબતોની જડ હોય છે. એક કામ કર તું પહેલા કડક ચા પીવાની વ્યવસ્થા કર. એમનેમ આ મગજ પર બહુ જોર નથી કરવું.’

‘હા સાહેબ કેમ નહિ હમણાં જ લાવું. ત્યાં સુંધી એક કામ કરોને ફોન કરીને પોસ્ટમોર્ટમનો રીપોર્ટ પૂછી લો અત્યાર સુંધીમાં પ્રાથમિક રીપોર્ટ તો આવીજ ગયો હશે.’

ચા નું નામ સાંભળીને ડામોરના પગમાં ચા પીધા વગર જ સ્ફૂર્તિ આવી ગઈ. એના ગયા પછી ઈન્સ્પેક્ટરે ફોન કરીને માહિતી માંગી. પ્રાથમિક રીપોર્ટમાં પહેલું તારણ તો સાચું હતું કે એનું મૃત્યુ ઝેર પીવાથી થયું છે પણ બીજી માહિતી ચોંકાવનારી નીકળી કે એના પેટમાં પાંચ સપ્તાહનો ગર્ભ હતો.

ઈન્સ્પેક્ટરે ઓફીસના પટાવાળા કાલુને ચોકી ઉપર બોલાવ્યો.

‘વિભાના સ્વભાવ વિશે તું શું જાણે છે?’

ઈન્સ્પેક્ટરે પુછેલા પ્રશ્નના જવાબમાં કાલુ બોલ્યો; ‘વિભાબેન તો બહુ સીધાસાદા અને શાંત સ્વભાવના હતા. કોઈની સાથે ઉંચે અવાજે વાત કરતા ન હતા.’

‘તો શું રેહાન સાથે વિભાને કોઈ સંબંધ હતો ખરો, મારો મતલબ કે ઓફીસ સિવાયનો સંબંધ.’

‘હા સાહેબ, વિભાબેનનું રેહાન સાથે ચક્કર હોય એવું તો લાગતું હતું. સાંજે એ બંને ઘણી વખતે સાથે જતા હતા. સવારે તો લગભગ સાથે જ આવતા હતા. બે ચાર વખત તો મેં વિભાબેનને રેહાનની બાઈક પાછળ ચોંટીને બેઠેલા પણ જોયા છે. શી ખબર એ દિવસે મારા ગયા પછી કદાચ રેહાન સાથે કોઈ બોલાચાલી થઇ હોય અને આવું પગલું ભર્યું હોય એવું પણ બને.’

‘તને જે વિષયનો પ્રશ્ન પૂછ્યો હોય એનો જ જવાબ આપજે વધારે સ્માર્ટ ન થઈશ પગલું કોણે કેવી રીતે ભર્યું છે એ બધું અમને ખબર પડી ગઈ છે. બસ એકાદ વેંતનું જ છેટું છે પછી ત્યાં પેલો ડંડો લટકાવેલો દેખાય છે ને એ ત્યાં નહિ હોય.’ ઈન્સ્પેક્ટર આમ કડકાઈથી બોલ્યા અને પોતાની ખુરશી પરથી ઉભા થયા.

કાલુની આંખોમાં એકાએક ભય ડોકાયો એમ જાણી પેલા ઈન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને સંબોધીને બુમ પાડી; ‘ડામોર આને અહીંથી લઇ જા ઘેર મૂકી આવ. આ ગરીબડા લોકોને હવેથી અહી બોલાવી હેરાન ના કરીશ.’

‘ના ના સાહેબ એ તો હું જાતે જતો રહીશ. સાહેબ તમારો આભાર.’ કાલુ ત્યાંથી હાથ જોડીને ઉભો થયો અને બહાર નીકળી ગયો.

ઈન્સ્પેક્ટરે ડામોર સામું જોઇને આંગળી હલાવી ઈશારો કર્યો એટલે ડામોરે માથું ધુણાવ્યું અને એણે ઈશારા મુજબ એનો પીછો કરવાની તૈયારી આરંભી દીધી. કાલુ ચોકીમાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી થોડે દુર આવેલી કીટલીએ પહોંચ્યો. આજુબાજુ જોઈ એણે બીડી સળગાવી પછી રીક્ષામાં બેસી ગયો. આજે સાદા ડ્રેસમાં આવેલા ડામોરે એને રીક્ષામાં બેઠેલો જોઈ પોતાનું બાઈક ચાલુ કર્યું અને એક સલામત અંતરે ચલાવી એનો પીછો કર્યો.

*****

સાંજે રેહાનને ચોકી ઉપર બોલાવ્યો. સામાન્ય પૂછપરછ કરતાં ઇન્સ્પેકટરને એવું લાગ્યું કે રેહાન કદાચ આ પૂછપરછને ગંભીરતા થઈ લેતો નથી અથવા એ જાણી જોઇને શાણો બનવા માંગે છે. ઈન્સ્પેક્ટરે થોડી કરડાકીથી પૂછ્યું તો પણ એના જવાબો વિભાની આત્મહત્યા વિષેની કોઈ કડી સુલઝાવે તેવા લાગ્યા નહી. આડકતરી રીતે પુછેલા કોઈ પ્રશ્નોમાં એની અને વિભા વચ્ચે શરીરસંબંધ બાંધ્યો હોય તેવા ગાઢ સંબંધ હોવાનો ખુલાસો થયો નહિ. ઇન્સ્પેક્ટર આ બાબત અત્યારે જણાવા માંગતા ન હતા એટલે એમણે વિભા સગર્ભા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો ટાળ્યો. રેહાન પોતે પણ આ ઘટનાથી સ્તબ્ધ હોય એમ લાગ્યું. ઈ પોતે પણ એવું માનતો હતો કે વિભા આ રીતે એકાએક આત્મહત્યા કરે એ એના માન્યામાં પણ નથી આવતું. વિભા સાથેના એના સંબંધો એક મિત્ર કરતા વધારે હતા અને એટલેજ એને એવું લાગતું હતું કે કોઈ એવી મુશ્કેલી હોય તો એ મને જરૂર કહેતી. પણ એવું કેમ ન થયું. પછી થોડા જરૂરી લાગતા પ્રશ્નો પૂછી ઈન્સ્પેક્ટરે રેહાનને ચેતવણી આપીને રવાના કર્યો કે ગમે ત્યારે તને બોલાવીએ ત્યારે તારે અહી આવવું પડશે.

********

વિભાની આત્મહત્યા થયે આજે એક અઠવાડિયું થઇ ગયું હતું. સુધીર કોષ્ટી રોજની મુજબ દસ વાગે ઓફીસ આવી ગયા. રેહાન હવે બધું ભૂલીને સ્વસ્થ થઈને કામ કરતો હતો. પ્યુન કાલુ ઓફિસમાં દેખાયો નહિ એટલે કોષ્ટીએ રેહાનને પૂછ્યું. રેહાને પણ કીધું કે ‘સર એ હજુ દેખાયો નથી, મેં એને ફોન કરી જોયો પણ એનો ફોન સ્વીચઓફ આવે છે.’

‘આ લોકોની આ જ એક તકલીફ છે ગમે ત્યારે રજા પાડી દેવાની. એક તો આ વિભાને હિસાબે ચાર દિવસનું કામ સફર થયું છે અને આવ લોકોને તો કોઈ જવાબદારીનું ભાન હોય જ નહિ.’ કોષ્ટી બબડતા બબડતા પોતાની કેબીનમાં ગયા.

થોડીવારમાં કોષ્ટીએ પાછા બહાર આવીને રેહાનને કીધું કે ‘પેલા વિનસમાંથી કોઈ માણસ ડોક્યુમેન્ટ લેવા આવશે તો એને અંદર કેબીનમાં મોકલજે.’

રેહાન સમજી ગયો કે કાલે એ કોઈની સાથે વાત કરતા હતા કે સિંગાપુરનું એક્ઝીબીશન એટેન્ડ કરવા જેવું છે એટલે કોષ્ટી સર ત્યાં જવા માટેના વિઝા માટેજ વિનસમાં કોન્ટેક્ટ કર્યો હશે. થોડીવાર પછી વિનસમાંથી આવેલા માણસને કેબીનમાં મોકલી રેહાન પોતાની જગ્યાએ બેઠો અને પાંચેક મીનીટમાં જ ઇન્સ્પેક્ટર ઠાકોર અને બે કોન્સ્ટેબલ અંદર આવ્યા. રેહાન ઉભો થઇ ગયો અને એ લોકોને બેસવા જણાવ્યું. ઇન્સ્પેક્ટર ઠાકોરે કોશ્તીને મળવું છે એવી વાત કરી તો રેહાન બોલ્યો કે હા એ પણ આવી જ ગયા છે. અંદર મીટીંગ ચાલે છે એક વિઝા એજન્સીના એક્ઝીક્યુટીવ એમને મળવા આવ્યા છે. ઇન્સ્પેક્ટર મલકાયા અને ત્યાં બેસવાને બદલે સીધા કોષ્ટીની કેબીનમાં ઘુસી ગયા. આમ એકાએક ઇન્સ્પેકટરને અંદર આવેલા જોઈ કોષ્ટીને પરસેવો છૂટી ગયો. રેહાન પાછળ પાછળ કેબીનમાં આવી કશું બોલે એ પહેલા ઈન્સ્પેક્ટરે કોષ્ટીને જાણાવ્યું; ‘મિસ્ટર કોષ્ટી ચલો અમારી સાથે પોલીસ સ્ટેશન,’

‘અરે સાહેબ આમ એકાએક..? બેસો તો ખરા જો તમને વાંધો ન હોય તો આ એક મીટીંગ પતાવી દઉં પછી જઈએ ત્યાં સુંધી હું ચા મંગાવું.’ અઢાર ડીગ્રી તાપમાનથી ચિલ્ડ થયેલી કેબીનમાં આવું બોલતા બોલતા કોષ્ટીને પરસેવો લુછવો પડ્યો.

‘સોરી ....હું અહી બેસીસ તો પણ તમારા કીધેલા બંને કામ પુરા થવાના નથી કારણકે ચા મંગાવા માટે તમારી પાસે તમારો પ્યુન કાલુ છે નહિ. એ અત્યારે મારી કસ્ટડીમાં છે. અને બીજું આ તમે જે મીટીંગ કરવાના છો એ વિઝાની હવે તમારે જરૂર નથી, કારણકે તમારો વિઝા તો હું લઈને જ આવ્યો છું’ એમ કહીને ઈન્સ્પેક્ટરે ધરપકડનું વોરંટ કોષ્ટી સમક્ષ રજુ કર્યું.

બે મિનીટ સુંધી માથું નીચું કરી પોતાના વાળ પકડીને બેઠેલા કોષ્ટીએ કોઈ પ્રતિકાર ન કર્યો ઉભા થઈને એટલું જ બોલ્યા કે ‘તમે અત્યારે ભલે ધરપકડ કરો પણ એ કામ કરવાવાળો કાલુ છે. કાલુના કહેવાથી તમે માની લીધું કે આ બધું મેં કરાવ્યું પણ હું નિર્દોષ છું મારી જાતને બચાવવા માટે હું સુપ્રીમ કોર્ટનો વકીલ રોકીશ.’

‘મને તો પહેલે દિવસથી શક હતો કે વિભાની જાણ બહાર એને ઝેર આપવામાં આવ્યું હશે. એ શંકા જ મને અહી સુંધી દોરી લાવી છે’ ઈન્સ્પેક્ટર કોષ્ટીને હાથકડી પહેરાવતા બોલ્યો.

જીપમાં બેઠા પછી ઈન્સ્પેક્ટરે કોષ્ટીને કીધું કે ખુનનો આરોપ તારા ઉપર મુકવામાં આવ્યો છે અને મદદગારી માટેની કલમ કાલુ ઉપર લગાવવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં થયેલી પૂછપરછ પછી તરત તારા ઘેર મળવા આવેલા કાલુએ પછી બારમાં જઈને મોંઘી બોટલ ખરીદી ત્યારે જ શંકા પાકી થઇ હતી. એ કારણોસર બે દિવસ પહેલા ડામોરે કાલુને બરાબર દારુ પીવડાવ્યો એટલે નશામાં એ બધુજ બકી ગયો. અધૂરામાં પૂરું એના મોબાઈલમાં કોલ રેકોર્ડર રાખેલું છે જેની એને પણ ખબર નહોતી, જેમાં તમારા બંનેની વાતો રેકોર્ડ થયેલી મળી છે એટલે અમારા માટે તો એકદમ આસાન કામ છે. બસ હવે અમારે કોર્ટમાં એટલુજ પુરવાર કરવાનું છે કે વિભાની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવાના બદલામાં ફાર્મ હાઉસમાં કરેલી ઐયાશીઓ છાપરે ચડીને પોકારે એવી સ્થિતિનું નિર્માણ થયું. ઘરસંસારમાં આગ લગાડી શકે તેવી વિભાને એબોર્શન માટે જયારે મનાવી ન શકાયું એટલે આ હત્યા કરવામાં આવી છે.

કોષ્ટીને જીપમાં બેઠા બેઠા જ જેલના સળિયા પાછળ બેઠો હોય તેવો આભાસ થયો.

******(The End)*******