Khulaso books and stories free download online pdf in Gujarati

ખુલાસો

શીર્ષક:ખુલાસો

રેલ્વેસ્ટેશન પર રીમાને લેવા આવેલો કરન વિચાર કરતો હતો કે રીમા જેવી છોકરી આ જમાનામાં પણ હોય ખરી..? આટલી સરળ અને સુશીલ છોકરી તો ભાગ્યે જ કોઇના નસીબમાં હોય..! વાત પણ સાચી હતી. છેલ્લા એક વરસથી રીમા કરન સાથે લીવ-ઇન રીલેશન ધરાવતી હતી પણ ક્યારેય એની સાથે કોઇ બાબતમાં ઝગડો થયો હોય એવું એને યાદ ન હતું.
રીમા એક મોટી હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. એકાદ વરસ પહેલા કરન તેના કોઇ સબંધીની ખબર કાઢવા આવેલો ત્યારે રીમા સાથે તેની પહેલી મુલાકાત થયેલી. દેખાવમાં સામાન્ય કહી શકાય તેવી રીમાના શરીરનો બાંધો એકદમ સપ્રમાણ હતો. મારકણી આંખો ધરાવતી રીમા વાત કરે ત્યારે તેની આંખો જ બોલતી હોય તેવું લાગે. હોસ્પીટલમાં પેશન્ટની આસપાસ ફરતી અને પેશન્ટના નજીકના સગા સાથે વાત કરતી રીમામાં નર્સની નોકરીને કારણે સાહજીક રીતેજ સૌમ્યતા આવી હશે તેમ લાગે.સાંજે હોસ્પીટલની બહાર નીકળતી રીમાને જોઇને કરને અનાયાસે ક્યાં જવું છે તેમ પૂછી લીધું હતું અને સ્ટેશન સુંધીની લીફ્ટ એણે માંગી લીધી,ત્યારે કરને મોબાઇલ નંબર માંગી લીધો.....બસ એ પછી થોડા સમયની મિલન મુલાકાતમાં બંને જણા એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા.
હોસ્પીટલમાં રીમાની નાઇટ ડ્યુટી જ હતી તેથી દિવસે જ્યારે કરન કહે ત્યારે એ હોસ્ટેલમાંથી નીકળીને મળી શકતી હતી.
શહેરને એક છેવાડે આવેલ સોસાયટીમાં રહેતો કરન વતનમાં જમીનો ધરાવતા સુખી પરિવારનું એકમાત્ર સંતાન હતું. સાયન્સ ગ્રેજ્યુએટ કરન એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં સેલ્સ મેનેજર હતો. ત્રણેક વરસ પહેલાજ એના લગ્ન થયા હતા અને છ મહિના પહેલા જ એક દીકરીનો બાપ બન્યો હતો. રીમા આ બધીજ બાબતથી અજાણ હતી.

હોસ્ટેલમાં રહેતી રીમા સમક્ષ એકવાર કરને પ્રસ્તાવ મુક્યો કે મારા સબંધીનું ઘર ખાલી છે જો તારે ત્યાં રહેવું હોય તો કહેજે. તને ભાડા વગરનું મકાન અને મને તારા જેવી સંગીની મળશે. રીમાએ પ્રસ્તાવ પર તરત જ મંજુરી આપી દીધી અને બંને જણાએ સમજુતીથી ત્યાં પતિ-પત્નીની જેમ રહેવાનું ચાલુ કરી દીધું હતું. અઠવાડિયામાં ચાર દિવસ ટુરમાં રહેતો કરન શહેરમાં હોય ત્યારે રીમાના હાથનું બનાવેલું જ જમવાનું જમતો.

ટુરના બહાને કરન અઠવાડિયામાં ચાર દિવસ પોતાની પત્ની-પરિવાર સાથે જ વિતાવતો અને બાકીના દિવસો એ રીમા સાથે વિતાવતો ત્યારે પત્નીને ઓફીસ-ટુરમાં જાઉં છું તેવું જણાવતો. મોટેભાગે નાઈટ શિફ્ટમાં નોકરી કરતી રીમા દિવસ દરમ્યાન ઘેર હોવાથી સવારે વહેલો નીકળેલો કરન બપોરે તો જમવા ત્યાંજ જતો.પોતાની જાતને નસીબદાર માનતો કરન રીમાના મૃદુ સ્વભાવથી અંજાઈ ગયો હતો. હોસ્પીટલમાં દર્દીઓની સેવા કરતી રીમા ઘેર આવીને કોઈ કચાશ રાખ્યા વગર કરનની પ્રેમ-સેવા કરતી. કરન સાથે હોટલોમાં જમવાનું, મોંઘા થીયેટરોમાં પિક્ચર જોવા જવાનું,શોપિંગ મોલમાં ફરવું,ખરીદી કરવી, આ બધું તો રીમાને રીઝાવતું જ હતું અને સાથે મનગમતી અને મોંઘી ભેટ પણ મળતી એ લટકામાં. રીમાએ કરનને જરૂર જણાવ્યું હતું કે એના ફેમિલીમાં કોણ છે અને પોતાને માથે જવાબદારી છે પણ જયારે કરનના ફેમીલી કે ઘર વિષે વાત થાય ત્યારે જરૂર કરન રીમાને ગોળ-ગોળ ફેરવતો પણ રીમા ક્યારેય એના ઘર વિષે ઊંડી ઉતરતી ન હોવાથી કરન માનસિક રાહત અનુભવતો. હા ક્યારેક એની સાથે નોકરી કરતા એકાદ-બે જણા સાથે રીમાનો પરિચય કરાવ્યો ત્યારે એ એવી રીતે ઓળખાણ આપતો કે આ મારી ક્લોઝ ફ્રેન્ડ છે અને આ શહેરમાં વસતી મારી પોતાની આગવી દુનિયા છે.

પરસ્પર સમજુતીથી શરુ થયેલો કોઈપણ સંબંધ થોડા સમય બાદ એકબીજા પર હક જમાવવાના પડાવ પર જરૂર પહોંચે જ છે અને એ પછી એમાં આંશિક તણખા ઝરવાના ચાલુ થાય જે ક્યારેક મોટી હોળીનું સ્વરૂપ ધારણ કરતો હોય છે.પણ અહી તેનાથી તદ્દન વિપરીત હતું, એકબીજાની આંગળીઓ રમાડતા સાથે ચાલતા ચાલતા માર્ગમાં ફંટાઈ પણ જાય અને પાછા ચાર રસ્તે ભેગા થઇ પાછા હાથ પકડીને ચાલવા માંડે. સફરનું આવું ગણિત તો ક્યારેક જ જોવા મળે.

એકવાર રીમા હોસ્પીટલથી મોડી આવેલી તેથી કરન બપોરે આવ્યો ત્યારે તાળું હતું. આ બાબત પર થયેલી કોઈ ચર્ચામાં કરન જયારે વધારે પડતો ગુસ્સો કરે છે ત્યારે રીમા એકદમ શાંતિથી પૂછે છે કે 'તમે કયા સંબંધે મારી પર આટલા બધા ગુસ્સે થયા?' રીમાની વાત સાંભળી કરન એટલો જ જવાબ આપે છે કે 'સાચું કહું તો તારી વાતનો અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી.' એ સિવાય ક્યારેય બંને એકબીજા સાથે ઝઘડ્યા હોય તેવું બન્યું ન હતું. સોસાયટીમાં પણ લોકો તો આ બંને ને પતિ-પત્ની જ માનતા હતા.

રાહ જોઈ થાકેલા કરને સ્ટેશને તપાસ કરી એટલે જાણવા મળ્યું કે ટ્રેન અડધો કલાક લેટ છે. કરન પાછો પાર્કિંગમાં આવેલ ચાની કીટલીએ આવીને બેસી ગયો. પાછું એનું મગજ વિચારવા માંડ્યું કે રીમાની ઉંમર હજુ એકવીસ વરસ છે હું એને મારું સત્ય બતાવી દઉં એ એના અને મારા હિતમાં જ છે. એ કદાચ મારી સાથે લગ્નની આશા રાખીને બેઠી હશે પણ મારાથી તો એ શક્ય જ નથી.

આ વખતે જયારે એક અઠવાડિયું રીમા એના વતન ગઈ એ સમયમાં કરને ફક્ત એજ દિશામાં વિચાર્યું છે કે ક્યારેય કોઈ માંગણી કે ફરિયાદ ન કરતી રીમાને હું પરણિત છે એમ કેમ કરી જણાવવું? આટલા વખતથી હું એને અંધારામાં રાખી રહ્યો છું, ક્યાંક આજના પેપરમાં આવેલા પેલા કિસ્સાની જેમ જો રીમા પણ ક્યારેક આત્મહત્યા કરવા જેવું પગલું ભરે તો...??? હું તો ક્યાંયનો ના રહું. છેવટે આજે એણે મન મક્કમ કરીને જણાવવાનું નક્કી કરેલું હોવાથી વધારે બેચેની અનુભવી રહ્યો હતો.વરસથી રીમાને પત્નીની જેમ ભોગવતો કરન અત્યારે દુઃખ,ગ્લાની અને અસલામતીની મિશ્ર લાગણીઓ સાથે પરસેવાથી રેબઝેબ થઇ ચા પી રહ્યો હતો.

ટ્રેનમાં બેઠેલી રીમા પણ કરનને મળવા અધીરી થઈ હતી એટલે ટ્રેન લેટ છે એ જાણી નિરાશ થઇ ગઈ હતી. રીમા પણ અધીરાઈ સાથે વિચારી રહી હતી કે હું જયારે કરનના હાથમાં આ કવર મુકીશ તો એના પ્રતિભાવ કેવા હશે? ગુજરાત બહાર સાવ નાના ગામડામાં રહેતી રીમા શહેરમાં આવી ત્યારે જ એણે નક્કી કર્યું હતું કે આટલા મોટા અજાણ્યા શહેરમાં જો એકલું રહેવાનું આવશે તો મારા જેવી સીધી-સાદી છોકરી માટે શક્ય જ ન હતું. એક વરસ નર્સિંગનું ભણી ત્યારે હોસ્ટેલમાં જ ખાવું-પીવું-રહેવું હતું એટલે ચાલી ગયું, પણ જેવી હોસ્પીટલમાં જોબ ચાલુ થઇ એટલે હોસ્ટેલમાંથી પણ ત્રણ મહિનામાં ખાલી કરવાનું અલ્ટીમેટમ આવી ગયું. કરન સાથે થયેલી દોસ્તી દ્વારા શહેરમાં એક પોતાનો માણસ મળી ગયો એવી લાગણી થવા માંડી હતી. ત્રણ ભાઈ-બહેન અને અશક્ત માતા એમ ચાર સભ્યોના કુટુંબને પાલવવાની જવાબદારી પોતાને માથે હતી એટલે દરેક પરિસ્થતિને અનુરૂપ થવા પ્રયાસ કરવો એ મજબૂરી પણ હતી.

ઉચ્ચ શિક્ષિત ડોકટરો દ્વારા કરાતી અભદ્ર કોમેન્ટ કે એમની વાસનાલોલુપ નજરો વચ્ચે રહેતી રીમા પોતાની જાતને હોસ્પીટલની બહાર અસલામત ગણતી હતી.એવા કારણને લીધે જ પોતાની જાતને કરન સમક્ષ ધરવામાં એણે આનાકાની નહોતી કરી. પોતે જાણતી હતી કે પુરુષના સહારા વગર રહેવું આ શહેરમાં લગભગ અઘરું છે. દરેક પુરુષની જેમ કરન વાસના ભૂખ્યો તો હતો જ,પણ એ સિવાય એક સંવેદનશીલ મિત્ર પણ હતો એજ એનું જમા પાસું હતું. એક ટાઇમ હોસ્પીટલમાં જમતી રીમાનો ઘરનો કરીયાણા સિવાયનો બધોજ ખર્ચો કરન ઉપાડતો હતો.પોતાના સ્વાર્થને કારણે લગ્ન કરી લેવાની ઉતાવળ એણે નહોતી કરી પણ કદાચ કરન જરૂર ચાહતો હશે એમ એ માનતી હતી. આથી જ કરનથી છુપાવીને એણે ગલ્ફ દેશમાં નોકરી કરવા માટેની તૈયારીઓ કરેલી. એ પોતે જાણતી હતી કે જો કરન જાણશે તો એ સબંધ તોડી નાખશે અને વિદેશની નોકરીઓનું તો કશું નક્કી હોતું નથી ક્યારે મળે?

ટ્રેનની બારીમાંથી દેખાતા અને તરત જ અદ્રશ્ય થતા ચિત્રોની જેમ રીમા પણ પોતાના માનસપટ પર છવાઈ જવા માંગતા કેટલાક અનુભવો પર સફેદ કુચડો ફેરવવા મથતી રહી.એક હાથમાં દુબઈની હોસ્પીટલનો એપોઇન્ટમેન્ટ લેટર અને પરમદિવસની ફ્લાઈટની ટીકીટ મુકેલા કવરને રાખી બીજા હાથથી પંપાળતી રહી.