Oh.. Bhukh books and stories free download online pdf in Gujarati

ઓહ..ભૂખ

શીર્ષક:ભૂખ

ટીક ટીક કરતી ઘડિયાળ પર બધાની જેમ જ મારી પણ નજર હતી,રીસેસ પડવાને થોડીક જ વાર હતી. ઓફિસમાં બધાજ લોકો કામકાજ આટોપી પેટપુજા માટે તૈયારી કરતા હતા. ભૂખ તો મને પણ બહુ લાગી હતી સવારમાં ઉતાવળમાં નાસ્તો પણ થયો નહોતો,ત્યાંજ પ્યુને આવીને મને કહ્યું કે સાહેબ બોલાવે.સાલું એમ થયું કે આ સાહેબોને આવા સમયે જ કેમ કામ યાદ આવતા હશે. ઉતાવળા પગલે હું તેમની કેબીનમાં પહોચ્યો.

ચિંતિત મુદ્રામાં બેઠેલા દવે સર મને જોઇને તરત જ બોલ્યા ઓઝા પેલા ટી.સીને ત્યાં અત્યારે જવું પડશે.મને નવાઈ લાગી કે ટીસી બે કલાક પહેલા જ એની વાઈફની તબિયત ખરાબ હોવાનો ફોન આવવાથી ઘેર ગયો હતો.

મેં પૂછ્યું કે ‘સર શું થયું ?? કેમ એકાએક એને ત્યાં જવાની વાત કરો છો?’

‘ઓઝા એ બધી તો આપણે રસ્તામાં વાત કરીશું પણ ટી.સીની વાઈફે સુસાઈડ કર્યું છે એટલે તાત્કાલિક આપણે ત્યાં પહોંચીએ.’

સાહેબની ગાડીમાં બેઠા પછી કકડીને લાગેલી ભૂખ તો હવે ભુલાઈ ગઈ પણ મગજ ચકરાવે ચડી ગયું હમણાં જ સાંભળેલા આકસ્મિક બનાવ પર.

ટીસી એટલે અમારો તારક ચંદુભાઈ ઘણફાડીયા. એની સરનેમ બોલવામાં અઘરી હતી એટલે શરૂઆતથી જ એનું ટૂંકું નામ ટીસી પડી ગયું. બધા સાથે સામાન્ય રીતે ઓછું બોલતો એ મારી સાથે વધારે ભળતો અને વધારે બોલતો પણ ખરો. કદાચ એટલે જ દવેસાહેબે મને એકલાને આ સમાચાર આપ્યા હશે. મને ખરેખર ચિંતા એ વાતની હતી કે એની વાઈફને છઠ્ઠો મહિનો જતો હતો, દસ દિવસ પછી તો સીમંતની વિધિ હતી.જો કે આ વાત ઓફિસમાં તો હું એકલો જ જાણતો હતો.

ઓફિસથી એનું ઘર શહેરના બીજા છેડે એટલેકે વીસેક કિલોમીટર જેટલું તો દુર ખરું જ. ભરબપોરમાં પણ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર દવે સાહેબ મૂંગા મોઢે ગાડી ચલાવી રહ્યા હતા,કદાચ એ પણ મારી જેમ જ વિચારતા હશે કે યુવાન ટીસી માટે આ કેવી કપરી ઘડી હશે.જેમાં પત્ની અને નાનું બાળક કે જેને દુનિયા જોવાની બાકી હતી એ બંનેને ગુમાવ્યા હતા.

રીંગ રોડ આવતા જ રસ્તામાં દવે સાહેબે મને પૂછ્યું કે ઓઝા પેલા અન્નાને ત્યાં એક કપ ચા પી લઇએ પછી એને ઘેર જઈએ.પણ મારું મન એકદમ અસ્વસ્થ હતું મેં ચા પીવાની પણ ના પાડી.

ટી.સીના ફ્લેટમાં પહોંચ્યા ત્યારે પાર્કિંગમાં થતી ચણભણ પરથી ખ્યાલ આવ્યો કે લગભગ ખાવામાં કે પીવામાં ઝેર લીધું છે અને પોલીસ કેસ થયો છે.પાર્કિંગમાં ભેગું થયેલું ટોળું લગભગ પચ્ચીસેક જણાનું હતું એનાથી વિપરીત બીજા માળે એના ઘેર ખાલી પાંચેક જણા ઉભેલા દેખી અમને પણ નવાઈ લાગી. ટીસી નિરાશ મોઢું લઇ ડ્રોઈંગરૂમમાં ખુરશીમાં બેઠો હતો. નિરાશા અને વિષાદગ્રસ્ત ચહેરા વચ્ચેના ભેદ હું બરોબર જાણતો હતો. ટીસી ના મમ્મી-પપ્પા એમના કોઈ સગાની જોડે વાત કરી રહ્યા હતા. ટી.સીની કુંવારી મોટીબેન વારે વારે અંદરના રૂમમાંથી બહાર આવીને મમ્મી-પપ્પા જોડે વાત કરી પાછી અંદર જતી અમે ઘણી વખત જોઈ. ટીસી સાથે વાત કરતા એટલું જાણવા મળ્યું કે સવારે થોડું મોડું ઉઠવાથી મમ્મી જોડે થોડી ગરમાગરમી થતા એણે ઉંદર મારવાની દવા ગટગટાવી દીધી.

ઓફિસમાંનો ટીસી ક્યાંક ગાયબ હોય એવું લાગ્યું, અમે જેની સાથે વાત કરી રહ્યા હતા એ જાણે કોઈ બીજો જ ટીસી હોય એવું અમે અનુભવ્યું.ઓફિસમાં ધીરગંભીર દેખાતો ટીસી અહિયાં તામસી લાગતો હતો.બે ત્રણ વખત એણે એની મોટીબહેનને કોઈક વાતના સંદર્ભે એવું કીધું કે એમને કહી દે કે જે થતું હોય એ કરી લે. આટલા વર્ષોના અનુભવ પછી હું ક્યાંક ખોટો પડતો હોઉં એવું લાગી રહ્યું હતું. સામાન્ય રીતે ટીસી થોડે અંશે રોમેન્ટિક સ્વભાવનો હતો. ક્યારેક ક્યારેક મને શાયરીઓ પણ સંભળાવતો. નાનપણમાં અનાથ થયેલી એની પત્નીનો ઉછેર ગામડામાંજ એના કાકાને ત્યાં થયેલો હતો. ક્યારેય એણે એની પત્ની વિશે મને ફરિયાદ પણ નહોતી કરી.એના ગંભીર સ્વભાવને કારણે એ પારિવારિક રીતે ક્યારેય કોઈની સાથે ભળતો નહિ.ઓફીસના કોઈ ફંકશનમાં પણ ક્યારેય એ સજોડે આવેલો નહિ.થોડા જુનવાણી વિચારો ધરાવતા એને ક્યારેય પત્ની સાથે અણબનાવ હોય એમ જાણવા મળ્યું ન હતું. હા ક્યારેક ક્યારેક રસોઈની બાબતમાં એની આવડતને કારણે કે એકદમ ઓછાબોલી અને શાંત સ્વભાવની છે એવા એની વાતોમાં વખાણ આવી જતા હતા.

એકાદ કલાકમાં બહારગામથી થોડા સગાઓ આવી પહોંચ્યા. અમને ખબર પડી કે અડધા કલાક પછી ડેડ બોડી સીધી સ્મશાને લઈને આવશે એટલે અમારે બધાને ત્યાં પહોંચવાનું છે. એક પછી એક બધા વાહનો લઈને નીકળવા માંડ્યા હજુ ટીસી એમનો એમજ ત્યાં બેઠેલો જોઈ અમે પૂછ્યું તો ખબર પડી કે એનાથી સ્મશાને ન આવી શકાય.વધુ ચર્ચા ત્યાં ન કરતા અમે પણ સ્મશાને પહોંચી ગયા.રસ્તામાં દવે સાહેબે કીધું એટલે ખબર પડી કે બીજા લગ્ન કરવાના હોય તો પતિ એની પત્નીની અંતિમયાત્રામાં સ્મશાને ન જઈ શકે.

સ્મશાને આવેલા લોકો હંમેશની મુજબ પોતપોતાના ટોળા બનાવી ચર્ચા કરતા જોવા મળ્યા.પેટમાં લાગેલી ભૂખ ક્યારેક ક્યારેક એ તરફ વિચારવા મજબુર પણ કરતી હતી પણ હવે એ તરફ હું વિચારી શકતો જ ન હતો. એટલામાંજ ટીસીના મામા બે પોલીસવાળાને લઈને અમને શોધતા આવી પહોંચ્યા. એ લોકોએ ટીસી આજે સવારે ઓફીસ આવ્યો હતો? કેટલા વાગે ત્યાંથી નીકળ્યો? એવા થોડાક સવાલો પૂછીને એમના ચોપડામાં જવાબો નોંધ્યા અને જીપમાં બેસી પાછા જતા રહ્યા. થોડીવારમાં જ એમ્બ્યુલન્સ આવી પહોંચી. ટીસીના સાસરીપક્ષના થોડા સગાઓ પહેલેથીજ દરવાજા પાસે રાહ જોઇને ઉભા હતા. એમ્બ્યુલન્સના સ્ટ્રેચર પરથી ડેડ બોડી સીધી ઠાઠડી પર મુકીને આવતા લોકોનું દ્રશ્ય ક્યારેય ન ભૂલાય એવું હતું. ઠાઠડી પર ઢાંકેલું સફેદ કપડું ઠેકઠેકાણે લોહી વાળું થયેલું હતું. પોસ્ટમોર્ટમ કરીને તરત બોડીને સીધું અહી લાવવામાં આવેલું હતું પણ માતાના મૃતદેહની વચોવચ મૃત બાળક પણ બાંધ્યા વગરની એ ઠાઠડીમાં આમતેમ હાલી રહ્યું હતું. એ દ્રશ્ય મારા માટે બિહામણું હતું. જે બાળક દુનિયામાં આવ્યું જ નથી એને પેટમાં જ મારી નાખતા માતાનો જીવ કેમ ચાલ્યો હશે,એનો શું વાંક હતો? ટીસીની ઘેરહાજરી તો બરોબર પણ મને તો અહી મૃતદેહ જોઇને રડે એવું પણ કોઈ દેખાયું નહિ. બાળકનું અકલ્પ્ય ચિત્ર મારા નજર સામેથી ખસીને ચિતા પર ગોઠવાઈ રહ્યું હતું. સફેદ કપડામાં છુપાયેલું મૃત બાળક જાણે આજીજી કરી રહ્યું હોય તેમ મને લાગ્યું. અગ્નિદાહની વિધિ હવે મારાથી નહિ જોઈ શકાય એ હું સમજી ગયો હતો. થોડે દુર મુકેલા એક બાંકડા પર જઈને હું બેસી ગયો કે ફસડાઈ ગયો એજ ખબર ન પડી. થોડીવારે દવે સાહેબ મારી બાજુમાં આવી બેઠા બે હાથ માથે મૂકી બેઠેલો જોઈ એ તરત બોલ્યા કે ‘ચક્કર જેવું લાગે છે કે શું?’ મેં ખાલી માથું ધુણાવી ના પાડી.

પાછા એ તરત બોલ્યા ‘ઓઝા મને તો ઘણીવાર ભૂખ્યા પેટે આવું થઇ જાય છે પણ આજે તો હું ઘેરથી ભારે નાસ્તો કરીને નીકળ્યો છું એટલે મને વાંધો નથી, એવું લાગતું હોય તો ચલ બહાર કીટલીએ ચા-પાણી કરી લઇએ.’

‘ના સર ભૂખ તો શું પાણી પીવાની પણ ઈચ્છા મારી ગઈ છે પેલું ડેડબોડીનું દ્રશ્ય હજુ આંખ સામે તરવરે છે.’

મારો જવાબ સાંભળી દવે સર કંઈ બોલે એ પહેલા મારા ફોનની ઘંટડી રણકી. દીકરીનો જ ફોન હતો ઓફિસથી આવતા મોડું થાય એટલે એ ફોન કરે જ. દરેક પત્નીઓની જેમ મારી પત્નીએ પણ દીકરી વડે ફોન કરાવી હાથમાં ફોન લીધો. રોજની જેમ જમવામાં ખીચડી સાથે શું બનવું એમ પૂછ્યું. હું એને ટૂંકમાં એટલું જ સમજાવી શક્યો કે હું આજે કશું જ જમી નહિ શકું.

એકાદ કલાકે સ્મશાનમાંથી બહાર નીકળ્યા ત્યારે મારા મન પર મણ મણનો બે પ્રકારના બોજ હતો. પેલા દ્રશ્યથી વિચલિત થયેલું મન ત્યાં ટીસીના સગા દ્વારા જાણવા મળેલી વાતથી વધારે ભારે થઈ ગયું હતું. દવે સાહેબના કહેવા મુજબ ટીસીને મળીને ઘર તરફ જવાનું હતું. પણ આખે રસ્તે હું એમજ વિચારી રહ્યો કે શું ટીસી આવું કરી શકે..? એના દુરના ફુઆ જે પોલીસમાં હતા એમના કહેવા મુજબ આગલી રાત્રે સાસુ જોડે ઝગડો થયા બાદ ટીસીએ સવારે એની પત્નીને ચામાં ઝેર આપ્યા બાદ એવું કીધું કે તું રૂમમાં અંદર બંધ કરીને સુઈ જા હું ઓફિસેથી એકાદ કલાકમાં પાછો આવું છું ત્યારે જ ઉઘાડજે એટલે મમ્મી જોડે કોઈ વાદવિવાદ ન થાય અને હું આવીને તને તારા પિયરમાં મુકવા આવીશ.એ બિચારી ભોળી રૂમ બંધ કરીને સુઈ ગઈ એ ઉઠી જ ન શકી.એટલે પોલીસ તપાસમાં એવું લાગે કે આ આત્મહત્યા છે અને સાસરી પક્ષવાળા પણ એવુંજ માને. ઇન્સ્પેકટરને થોડા રૂપિયા ખવડાઈ દીધા એટલે હવે ટૂંકમાં પતી ગયું.

ટીસીના ઘરના દાદરા ચડતી વખતે મને એવું લાગ્યું કે હું મહિનાથી બીમાર છું. નવાઈની વાત તો એ હતી કે ફ્લેટમાં બધુંજ સામાન્ય હતું ટીસીના ઘર નીચે પણ બપોરની જેમ કોઈ માણસ ના દેખાયા. અમે ટીસીના ઘરનું બારણું ખખડાવ્યું. ટીસીની મોટી બહેને દરવાજો ખોલ્યો અને અંદરનું દ્રશ્ય આંચકો આપે તેવું હતું. ડ્રોઈંગરૂમમાં વચ્ચોવચ ચાર પાંચ તપેલા-તાવડીની આજુબાજુ ટીસી અને એના માતા-પિતા સાથે બેસીને આરામથી જમવા બેઠા હતો.

ફ્લેટની બહાર નીકળી તરત જ મેં પત્નીને ફોન કર્યો કે મને બહુ કકડીને ભૂખ લાગી છે અડધો કલાકમાં આવું છું,જમવાનું તૈયાર રાખજે.

-----(સત્ય ઘટના પર આધારિત)------