Anmol Bhet books and stories free download online pdf in Gujarati

અનમોલ ભેટ

રીના અને લીના બન્ને જોડિયા બહેનો છે. રીના થોડી ઊચી અને ભરાવદાર છે, ટેનિસની રમતમાં ઘણા મેડલ જીતી છે. કિશોરી થઈ ત્યારથી મિત્રો સાથે પાર્ટીમાં જવાની શોખીન, લીના નાજુક અને નમણી છે. ગીતો સાભળે અને પુસ્તક વાચે, બન્ને બહેનો જોડિયા હતી, પણ હજારો માઈલો અને વર્ષોનું અંતર તેમની વચ્ચે પડી ગયું હતું, સોળ વર્ષ પછી તેમનો જન્મ દિવસ મે મહિનામાં શનિવારે સાથે ઉજવાશે. તેમની મમ્મી આનદથી ઘેલી થઈ હતી, યોગાનું યોગ બીજે જ દિવસે મધર્સ ડે પણ હતો. રીના ઉત્સાહમાં અનેક યોજનાઓ ઘડતી હતી. લીનાનું મન ક્યાય દૂર ઉડતું હતું, મધર્સ ડે શબ્દ તેના હદયમાં ડંખ મારતો હતો.

રીના એના મિત્રો સાથે જન્મ દિવસની પાર્ટી કેમ ગોઠવવી તે વિચારતી હતી, એને ખબર હતી કે રાત્રે બહાર જવાની મમ્મી મનાઈ કરશે, તેમાં આ વર્ષે એની જોડિયા બહેન લીનાનો પ્રશ્ન પણ ખરો. લીનાનો એની સાથે કોઈ મેળ જામતો નથી. એ બે મહિના પહેલાં ઇન્ડિયાથી આવી હતી. એને મમ્મી -ડેડી, બહેન અજાણ્યા લાગતા હતા. આ ઘર એનું નહોતું, આ દેશ પારકો હતો, સાવ એકલી અટૂલી હોય તેમ બારી પાસેની ખુરશીમાં કોઈ પુસ્તક લઈ બેસી રહેતી, કે પછી આઈ ફોનમાં; ગીતોમાં મસ્ત રહેતી, ન એ કોઈ સાથે હસી;ખુશીથી વાત કરતી કે જિજ્ઞાસાથી કોઈ વાતમાં રસ લેતી,

એમની મમ્મી સારિકા આજે સવારથી ખરીદી કરવા એની સાહેલી સાથે ઉપડી હતી. રીનાએ સ્કૂલેથી આવી, લીનાને પૂછ્યું ;’મમ્મી કેટલા વાગ્યે આવશે? લીનાનું ધ્યાન એના સંગીતમાં હશે, એણે રીના આવી તે તરફ ન જોયું, એના પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહિ, એટલે રીના ગુસ્સે થઈ, પોતાના રૂમમાં જતી રહી, જન્મદિવસની પાર્ટીમાં એ એના મિત્રો સાથે રાત્રે બહાર જાય ત્યારે લીનાને કેવી રોતે સાથે લઈ જવાય? બઘાં એની આ કોઈની સાથે મજાક મશ્કરી ન કરતી મૂગી રહેતી બહેનની બરોબરની ઉડાવશે।કોઈ વળી પૂછશે આજ સુધી ક્યાં સંતાઈ ગઈ હતી ? કોને ખબર કેટલું રહેવાની છે?

રીના અને એનાથી બે વર્ષે મોટો ભાઈ કેતન મમ્મી ડેડી સાથે શાર્લોટ શહેરના પોશ વિસ્તારમાં વર્ષોથી રહેતા હતા. એમનું પાંચ બેડરૂમનું મોટું ઘર હતુ, એનો ભાઈ કેતન બોસ્ટનની યુનીમાં ભણતો હતો. લીના હજી એને મળી નહોતી।રીનાએ એક વાર મમ્મીને પૂછ્યું હતું કે એની બહેનને ઇન્ડિયા કેમ મોકલી હતી? ત્યારે એ સાતેક વર્ષની હતી, મમ્મી કહેતી તું તોફાન કરીશ તો તને પણ મોકલી દઈશ, હવે બન્ને બહેનો સમજણી થઈ હતી, રીનાને ફરીવાર એનો એ જ પ્રશ્ન મનમાં ચકડોળે ચઢયો હતો. આજે ઘરમાં બે બહેનો એકલી છે. રીનાને થયું લાવ લીનાને જ પૂછું, એ નીચે આવી, તે વખતે લીના રસોડામાં ઉભી હતી. રીનાએ પૂછ્યું ;’ભૂખ લાગી છે? ’ ‘ હા લીના બોલી, રીના આપણે નૂડલ્સ બનાવીએ લીનાએ કહ્યું મમ્મી ;ડેડી નો પણ જમવાનો સમય થશે. શાક કાપેલું તેયાર છે. તે બનાવી દઉં, રીનાને નવાઈ લાગી તેણે પૂછ્યું તને રસોઈ કરતા આવડે છે? લીના બોલી, દીદીમાંને રસોઈમાં મદદ કરતી।ઘરમાં એટલા મહેમાનો આવે કે દીદીમાં થાકી જાયએમની મમ્મી સારિકાની મોટીબેન સરલાને સૌ દીદીમાં કહેતા, એઓ વડોદરામાં અલકાપુરી સોસાયટીમાં નીરવ નિવાસમાં રહેતા હતા. લીનાનું આજસુધી એ જ ઘર હતું, અહી શાર્લોટના વિશાળ ઘરની બારીમાંથી એ અલકાપુરીના બગીચામાં ખીલેલા મોગરા કરેણ મધુમાલતી ના ફૂલોને જોતી હતી. એક નાની લીના ફૂલોને ચુંટીને દીદીમાંના પાલવમાં આપતી હતી. દીદીમાંના પાલવમાંથી આવતી ઘીની દિવેટની અને

મોગરાની સુગંઘને એ મિસ કરતી હતી. એ દીદીમાંના પાલવ વગર હિજરાતી હતી, અહી મમ્મી એનું ખુબ ધ્યાન રાખતી, રાત્રે ગુડનાઈટ કહી વ્હાલ કરતી, ત્યારે એના ગાઉનમાંથી આવતી ક્રીમ અને સેન્ટની સુગંઘથી એને મનમાં હીબકું (રડવું) આવી જતું।

રીનાએ એના મનને હેરાન કરતો પ્રશ્ન પૂછ્યો તું વડોદરા દીદીમાંને ઘેર કેમ રહેતી હતી ? લીનાના મૂ રઝાએલા ચહેરાને જોઈ તે પસ્તાઈ, એણે લીનાના બન્ને હાથ પોતાના હાથમાં ઝૂલાવતાં કહ્યું સીસ તું મારી જોડે પાર્ટીમાં આવીશ? રીનાના મનમાં એમ હતું કે લીના ના જ પાડશે, પણ તેની બહેને હકારમાં માથું હલાવ્યું,

લીનાએ કહ્યું, દીદીમાં રજા આપે ત્યારે વડોદરા પણ હું પાર્ટીમાં જતી, પણ દસ વાગ્યે ઘરભેગા,

રીનાએ મો મચકોડી કહ્યું અહી તો પાર્ટી શરુ દસ વાગ્યે થાય.

લીનાના ચહેરા પર આશ્ચર્ય ઉભરાયું, તેણે પૂછ્યું, મમ્મી રજા આપશે?

રીના કોઈ પ્લાન બનાવતી હોય તેમ બોલી, રજા તો નહી આપે. પણ આપણે મારા મિત્રો જોડે જઈશું, પછી દસ વાગ્યે મમ્મીને ફોન કરીશું કે અમે રાઈડની રાહ જોઈએ છીએ. વળી કલાકેક રહી ફરી ફોન કરીશું કે અમે નીકળીએ છીએ. એમ મોડા આવીશું, તારો અવાજ ફોન પર સાંભળશેએટલે એને શંકા નહી જાય.

લીના બોલી ઉઠી, ના, ના, મમ્મી કેટલી ચિતા કરશે, ડેડીને પણ આરામ નહી કરવા દે, ડેડીનું બી. પી. વધારી દેશે,

રીના એકદમ ગુસ્સે થઈ બોલી તું શું કામ એ લોકોની ચિતા કરે છે ? તું નાની હતી ત્યારે એવું તોફાન કરતી કે મમ્મીને ગમતી નહોતી, તને વડોદરા મોકલી દીઘી હતી.

ઘણા દિવસથી લીનાએ દબાવી રાખેલો ડૂમો નીકળી ગયો. તે બારી પાસેની ખુરશીમાં બે હથેલી વચ્ચે મો દબાવી હીબકા ભરવા લાગી, હવે રીનાને ખરેખરો પસ્તાવો થયો. એનો જીવ બળવા લાગ્યો

અરે, આ હું શું બોલી ગઈ, પિસ્તોલમાંથી ગોળી નીકળી ગઈ, .

એણે બહેનને વાગેલા ઘાથી જાણે આખું ઘર ઘણઘણી ઉઠ્યું હોય તેવું અનુભવ્યું, કાચની કેબીનેટો તૂટીને કચ્ચરઘાણ થઈ ગઈ, એ ઘીરે પગલે બહેનની પાસે આવી પણ એના પગમાં કાચની કરચો વાગ્યાથી લોહી નીકળતું હતું,

એનો અવાજ ગળગળો થઈ ગયો. તે બોલી, સોરી, લીના, હું મમ્મીને સમજી શકી નથી, એ તને મિસ કરતી હશે, તે તારા માટે મને આપે તેવી ભેટ લેતી, તને મળવા અમે વડોદરા આવતા ત્યારે મમ્મી કહેતી આપણે તારી બહેનને અમેરિકા લઈ આવીશું તમે બન્ને બહેનો મઝા કરજો, લીનાએ રડતાં પૂછ્યુંતું મને મિસ કરતી હતી? રીનાએ ડોકું જોરથી હલાવી હા પાડી, બન્ને બહેનો નાની બાળકીઓની જેમ રડતાં રડતાં એકબીજાને વળગી પડી.

રીના કહે હું નાની હતી ત્યારે કેતન એના ભાઈબંઘ સાથે રમવા ઉપડી જતો ત્યારે હું જીદ કરતી કે મને સિસ્ટર લાવી આપ. મમ્મી રડતી, પછી ઘાટો પાડી કહેતી, તું પજવીશ તો તને ઇન્ડિયા મોકલી દઈશ, લીના ખુશ થઈ બોલી તું વડોદરા આવી હોત તો કેરમ અને સંતાકૂકડી રમવાની કેવી મજા કરત. !

રીના બોલી સીસ, આપણે પાર્ટીમાં મજા કરીશું, મમ્મીને ખોટો ફોન કરવાનો, મારા મિત્રો એવું જ કરે છે.

લીના કહે, મારું મન માનતું નથી. પછી વિચારીશું, બન્ને જોડિયા બહેનો હતી, પણ લીનાને લાગ્યું એની નાની બહેનનો પ્લાન બરોબર નથી. દીદીમાં કહેતા માને છેતરીએ એ ભગવાનને છેતરવા જેવું છે.

ડોરબેલ સાંભળી બન્ને બહેનો દોડી, બન્નને ખુશમાં જોઈ મમ્મી -ડેડીના ચહેરા ખીલી ઉઠ્યા, સારિકાના હાથમાંથી બેગ લઈ લીનાએ અંદર મૂકી, વિનોદે બન્નેને ટપલી મારતા કહ્યું, આજે શું વાત છે?

સારિકા રસોડામાં આવી, રસોઈ તેયાર જોઈ ખુશ થઈ ગઈ, તેણે તાળી પાડી વિનોદને બોલાવ્યો, તે બોલી જો મને આજે જ મધર્સ ડેની ભેટ મળી ગઈ વાહ અપણા માટે ડીનર તેયાર વિનોદ રાજી થઈ બોલ્યો। સારિકા બન્ને દીકરીઓને ખભે હાથ મૂકી પોઝ આપતા બોલી અમારો ફોટો લઈ લે, આજ રાત્રે કેતન આવે ત્યારે આપણો ફેમિલી ફોટો લઈશું, વિનોદે કહ્યુંસારિકા, તું શું કામ અઘીરી થાય છે? આપણે નિરાતે ઘણા બઘા ફોટા લઈશું, અત્યારે બરોબરની ભૂખ લાગી છે. સારિકા લીનાને વ્હાલ કરતાં બોલી દીદીમાં પાસે બધું શીખી ગઈ રીના કહે મમ્મી, સલાડ નુડલ્સ, રાયતું મેં બનાવ્યાં છે. સારિકા બોલી, હવે તારી બહેન પાસેથી દાળ શાક રોટલી પણ શીખી લેજે, રીના કહે, મને દેશી ખાવાનાનો શોખ નથી. વિનોદે બીજી વાર દાળ લેતાં કહ્યું, મને તો આજે મઝા આવી ગઈ

બધાં નિરાતે બેઠાં એટલે સારિકાએ શોપીગની બેગો ખોલવાની તૈયારી કરી. તે બોલી, અમે તમારા માટે શું ભેટ લાવ્યા છીએ, બોલો, જે સાચું કહેશે તેને બે ભેટ મળશે, લીનાએ પૂછ્યું , ડેડી તમે પણ મમ્મી જોડે શોપીગમાં ગયા હતા? વિનોદ બોલ્યો, તારી મમ્મીને ખુશ કરવા મેં અડઘી રજા લીઘી હતી. સારિકાના મુખ પર ઉદાસીનતા ઉભરાઈ, તે બોલી, ડેડી ને બસ કામ ને કામ, છોકરાઓ મોટા થઈ ગયા, પહેલાં બબ્બે જોબમાં વ્યસ્ત રહેતા, તેથી જ ડીલીવરી ટાણે દીદીમાને મદદ માટે આવવું પડ્યું હતું, મારાથી ત્રણ છોકરાઓનું કામ થતું નહિ, દીદીમાની એક દીકરીને પોતની સાથે વડોદરા લઈ જવાની વાત મેં અને ડેડીએ સ્વીકારી, પછી તો દીદીમાને લીનાની એવી માયા લાગી કે સોળ વર્ષો નીકળી ગયા, લીનાને થયું દીદીમાં હોશે હોશે અને પ્રસનતાથી એના જન્મની, બાળપણની વાત કરતા, મમ્મી દુ ;ખી થઈ હતી, એવી તો એને ધારણા પણ નહોતી, એની બહેન ખોટું સમજી હતી. મમ્મીને તે રીના જેટલી જ ગમતી હતી. લીના ને આજસુધી અજાણ્યું લાગતું ઘર પોતાનું લાગ્યું, પોતાના, કુટંબમાં આવી હોય તેમ રાજી થઈ, વડોદરા એ નિશાળેથી ઘેર આવતી ત્યારે દીદીમાને વળગી પડતી, દીદીમાં એને વ્હાલથી કહેતાં, તારું બાળપણ હજી ગયું નથી. લીનાને મમ્મીને ભેટી પડવાનુ મન થયું, એ દોડીને ભેટવા ગઈ પણ સોળ વર્ષની યુવતી અટકી ગઈ, એનું બાળપણ દીદીમાંના ખોળામાં હતું,

રીના ઉઠીને મમ્મીને ભેટી પડી. સોરી મમ્મી, હું સાવ અણસમજુ હતી, મમ્મીએ એને હળવેથી ધબ્બો મારતા કહ્યું, હજી એવી જ તો છુ રીના દોડીને લીના પાસે ગઈ, પછી લટકો કરી બોલી, લે આ તારી સમજુ દીકરી આવી ગઈ, હવે હેપી!

બીજે દિવસેહેપી બર્થ ડેના અવાજથી બન્ને બહેનો રૂમની બહાર દોડી આવી. કેતન ભેટની બેગ લઈને આડી અવળી ઘુમાવતો હતો. રીના ગુસ્સામાં આવી, મૂકી દે મૂકી દે કહેતી કેતનની પાછળ દોડી, લીના એમને જોઈ હસતી હતી. કેતન એની પાસે આવી એની આસપાસ ચકરડી મારવા લાગ્યો, ડેડી બોલ્યા, આને તો હવે બે જણાને સતાવવાની મઝા આવે છે. સારિકા એમના ફોટો લેતી હતી. વિનોદે એની મશ્કરી કરીતારા ત્રણે રતન નાસી નથી જવાના તે ફોટા લીઘા કરેછે।

બન્ને બહેનોને ભેટમાં પાર્ટીના ડ્રેસ અને ઊચી એડીના ચમકદાર સેન્ડલ મળ્યા હતાં, પાર્ટીમાં શોભે તેવી નાનકડી પર્સ અને મેક- અપ કીટ પણ હતાં, રીના મમ્મીને વ્હાલ કરતા બોલી મને આજે રાતની પાર્ટી

માટે સરસ ડ્રેસ મળી ગયો. થેંક્યું મોમ, એને પાર્ટીમાં જવાની સમ્મતિ મળી ગઈ,

લીના ડ્રેસ હાથમાં લઈ ઉભી હતી. એનાથી મમ્મીને વ્હાલ ન કરાયું પણથેક્યુંબોલતા આંખોમાંથી આંસુ ટપકી પડ્યું, મ્મ્મ્મી એને ભેટી પડી. હળવી થતા બોલી જાવ ડ્રેસ પહેરી જુઓ.

રીનાઅને કેતન મઘર ડે ની ભેટ લેવા બહાર જતા હતા, કેતને લીનાને બોલાવી, બઘા સાથે ગઈ, તેઓ મોલમાં બઘે ફર્યા, લીનાને કઈ સૂઝ પડી નહિ, તે વિચારતી હતી કે દીદીમાં માટે શાલની ભેટ લેવાય, પણ મમ્મીને એવું તે શું આપું કે એમની મારા વિનાના સોળ વર્ષોની ઉદાસીનતા ચાલી જાય. રીનાએ ઉતાવળ કરી, મમ્મી માટે, તારે શું લેવું છે? લીનાએ ઘીમેથી કહ્યું, જાદુઈ છડી તને મશ્કરી કરતાં આવડે છે, તેની જાણ થઈ, રીના બોલી।

સૌએ ભેટ આપી. લીના માથું નમાવી મમ્મીને પગે લાગી, સારિકાએ એને હદયસરસી ચાંપી, રીના બોલી, તારી ભેટ બતાવ લીનાએ હાથમાં દબાવી રાખેલો ફાટેલો કાગળ મમ્મી સામે ધર્યો,

સારિકા નવાઈ પામી બોલી, અરે, આ શું છે? તારી ઇન્ડિયાની રીટન ટિકીટ ? લીના મમ્મીનો હાથ પકડી બોલી, મધર્સ ડેની ભેટ.