Aaghat books and stories free download online pdf in Gujarati

આઘાત

આઘાત

સીમાના થાકેલા શરીર પર ગરમ પાણીના શાવરથી એને એવું ગમતું હતું કે જાણે બેડ પર સૂતેલો સઁજય ચોરપગલે આવી હળવે હળવે એના પહોળા પંજાથી સીમાની પીઠને મસળી રહ્યો હોય! એ એવી જ મંત્રમુગ્ધ અવસ્થામાં નહાતી રહી. પણ એની આશા ઠગારી નીકળી. ના તો સંજયના પગલાં જોયા કે 'હાય હની, હલ્લો સીમી.. સિમ્મી સિમ્મી ' નો લ્હેકો સંભળાયો.

એણે રિસામણી ખીજમાં બૂમ પાડી : 'ડોક્ટર સાહેબ પાર્ટીમાં વિસ્કીના પેગ પર કાપ રાખવો તો ને? દિવસે દર્દીઓને સલાહ આપો કે 'નો મોર ધેન ટૂ '..

'અરે બાબા હું ક્યાં રોજ પીઉં છું ? કોક વાર પાર્ટીમાં રિલેક્સ થાઉં.. બે હાથ જોડ્યા બસ. હવે તો પાસે આવ. શાવરમાંથી સાબુ -શેમ્પુની મદહોશ કરે તેવી મસ્ત સુગંધ આવે છે, તડપાવ નહીં..'

સીમાએ ભીના વાળ પર ટોવેલ વીંટાળ્યો સફેદ રોબ પહેરી ચત્તાપાટ સૂતેલા સંજયની છાતી પર માથું મૂકી એને બાહુપાશમાં લીધો.

ઉપરના બેડરુમમાથી કોલેજ જવા નીચે આવેલી નિકીએ મમ્મીના બેડરૂમનું બારણું ખૂલ્લું જોઈ ડોકિયું કર્યું. એ માથે વીજળી પડી હોય તેમ ચોંકી ઊઠી !

લગભગ નગ્ન હાલતમાં, ભીના શરીરે મમ્મી ખાલી બેડ પર આળોટી ' સંજુ, સંજય ઊઠ 'કહેતી ડેડીને બાથમાં લઈ જાણે ચુંબનો કરતી હોય તેમ હોઠને દબાવતી પુચકારા બોલાવતી હતી.

નિકીના પગ ધ્રૂજી ગયા, શરીરમાં બર્ફીલી હવાનું લખલખું આવી ગયું, તે મમ્મીને સમજી શકી નહિ.

***

પરદેશથી આવેલા ડોક્ટર્સની પાર્ટીમાં જ પાપાને ચકકર આવેલા ને તૂટી પડતા ઝાડની જેમ જમીન પર પટકાયેલા. બ્રેઈન હેમરેજથી કોમામાં ચાલ્યા ગયેલા.

હોસ્પિટલમાંથી ડોક્ટરનો ફોન આવ્યો ત્યારે બન્ને માં-દીકરીએ પહેરેલે કપડે કારને દોડાવેલી, રોડ પર જાણે અંધકાર છવાઈ ગયો હતો, કઈ દિશામાં જવું તે ય સૂઝતું નહોતું. માંડ પહોંચ્યાં ત્યારે જોયું પાપાને ઓક્સિજન પર રાખ્યા હતા.

સંજયની નાજુક હાલત જોઈ સીમા બેડ આગળ જ જીવતી જાગતી થાંભલો થઈ ખોડાઈ ગઈ. નિકી ઇમરજન્સી રુમમાં આખી રાત પાપા સહેજ જાગે, હાલે તેની રાહ જોતી બેસી રહી. સીમા થીજી ગઈ હતી. તે ઘડીએ નિકી પાપા-મમ્મી બન્ને કોમમાં હોય તેવી ખળભળી ઊઠી ! ઝાડ જેવું અડીખમ જો કડડભૂસ થઈ જાય તો ડાળ, પાંદડાં ક્યાંથી ટકવાના? પોતે જાણે સહારા વિનાની ડાળી જેવી તેજ હવામાં ફગોળાતી હતી.

પછીના દસ દિવસ ભાવવિહોણા ચહેરે સીમાએ સંજયની અંતિમવિધિ પતાવી.

ક્યારેક નિકીને લાગ્યું મમ્મી કઠણ હૈયાની થઈ છે. કે પછી પાપાના મુત્યુના શાપથી પથ્થર થઈ છે ?

મમ્મીની આંખો સામે જોવાની નિકીની હિંમત નથી.આવી ભાવશૂન્ય સફેદ કોડી જેવી આંખ મમ્મીની ન હોય ! શું મમ્મી પાપાને યાદ કરી આંસુ સારતી નહિ હોય ! રાત્રે જાગતી હોય તો આંખને ખૂણે લાલાશ દેખાય, પણ ના આ તો જાણે પથ્થરની મૂર્તિની આંખો સ્થિર ! ના ભીનાશ કે વિરહ !

'પણ આજે તો મમ્મી એકદમ મુડમાં છે,પાપા સાથે લહેકામાં વાતો કરે છે,

આ શું મમ્મી હસે છે, ને પાપાને વ્હાલ કરતી હોય તેમ આનન્દમાં આળોટે છે?' નિકીના પગમાંથી તાકાત ગાયબ થઈ ગઈ હતી.તેણે મહામહેનતે પર્સમાંથી ફોન શોધી ઘડીક મુંઝાઇને પૂતળા જેવી ઊભી રહી ગઈ, એણે બે દિવસ પહેલાં યુનિવર્સીટીમાં ગયેલા નાનાભાઈ વિકીને ફોન જોડ્યો. રીગ વાગતા પહેલાં જ મસેજ આવ્યો, શું કહેવું તે નિકીને ન સમજાતા,

'જયારે ટાઈમ મળે ત્યારે તરત મને કોલ કરજે ' કહી ફોનમાં બીજો કોન્ટેક નંબર શોધવા લાગી.

***

નિકીએ તાત્કાલિક ડો, શર્માના અરજન્ટ કેરમાં ફોન કર્યો. ડેડીના મિત્ર હતા તેથી તેમણે નિકીને સમજાવી:

' તું ગભરાઈશ નહીં, તારી મમ્મી હજી સંજય ન હોવાના સત્યને સ્વીકારતી નથી. તેથી તેને દર્દનો અહેસાસ થયો નથી, એકાએક થયેલા સંજયના મૃત્યુનો આઘાતને તેનું મન ફીલ નથી કરતું '.

નિકી ચિતામાં બોલી ઊઠી ; 'અંકલ મમ્મી અત્યારે પાપાને પ્યારમાં વળગી પડી છે, ખૂબ મસ્તીમાં છે.'

'નિકી, તારી મમ્મી એકવાર હૈયાફાટ રડી લે, તો બરફ થઈ ગયેલો એનો શોક પીગળે '

'પણ અંકલ મારી મોમ પાગલ... નિકીને ડૂસકું આવી ગયું. '

'એવું કાંઈ નહીં થાય, તું સ્વસ્થ થા.' ડોકટરે આશ્વાસન આપ્યું.

'હું શું કરું ? તમે ટ્રીટ કરશો?'

'હા. હું એની સાથે વાતચીત કરી મન શાંત થાય તેવી દવા લખી આપીશ. હું કલાકેકમાં તારે ધેર આવીશ, તું ડોરનું લોક ખૂલ્લું રાખજે '

નિકી થેક્યું કહી ફોન મૂકવા ગઈ ત્યાં ડોક્ટર બોલ્યા:

'હાલ હું કહું તેમ તારે કરવાનું છે'.

' મને કહો.. શું કરું ?'

'તું જરા ય અવાજ કર્યા વિના મમ્મીના બેડરૂમમાં જા.તારા પાપાનું ફેવરિટ શર્ટ પહેર.એમને ગમતું કોલોન લગાવ ને ધીરે રહી બેડમાં સરકી જા.'

નિકીનો શ્વાસ અધ્ધર થઈ ગયો " એવું નાટક કરવાથી મમ્મી ગુસ્સે નહિ થાય?'

ડોક્ટર કહે: 'ગુસ્સે થવા દે, ખીજાયને બૂમો પાડે તો પાડવા દે '.

'એમ કરવાથી શું ફાયદો ?'

'એનું મન સંવેદનશૂન્ય થઈ ગયું છે.''

'અન્કોસ્યસ ?'

'ના એમ તો હરેફરે છે પણ સંજયની માંદગી અને મુત્યુના બનાવ પ્રત્યે જડ (બહેરું) થઈ ગયું છે.'

'મને સમજાતું નથી અંકલ ' નિકી રડી પડી.

' તારે અચેતન પડી રહેવાનું, તારા શરીરને હલાવે, છાતીમાં માથા પછાડે તારે મડદાની જેમ પડી રહેવાનું. ' ડોકટરે એને સમજાવી.

'મને તો ડર લાગે છે. મારા ભાઈની રાહ જોઉં ? '

'બી બ્રેવ, તું કરી શકીશ, એ સંજયની ગેરહાજરી મહેસૂસ કરે તે માટે તું મમ્મીને ગુસ્સે કરજે, એ બધાંને ધિક્કારશે..ને એમ કરતા એના સખત થઈ ગયેલા મનની ગુફામાંથી આંસુનું ઝરણું વહી આવે!'

'એ મને ધિક્કારે તો હું શું કરું?' નિકીએ પૂછ્યું.

' બસ હાલ્યા ચાલ્યા વિના પડી રહેવાનું.'

નિકી ડરની મારી થર થર ધ્રૂજતી હતી તે બોલી : 'અંકલ તમે આવી જાવ "

'પણ પોતાનું માણસ જ થીજેલી સીમાને ઓગાળી શકે.' ડોકટરે નિકીને સમજાવી.

'તમે આવો ત્યાં સુધી નાટક કરીશ.'નિકીએ ફોન બંધ કર્યો.

ધડકતા હૈયે મમ્મીના બેડરૂમમાં ગઈ. આંસુને રોકી ક્લોઝેટ ખોલી પાપાનું ફેવરિટ ચેક્સવાળું શર્ટ પહેરી બાથરૂમમાં જઈ કોલોન લગાડયું.

સીમા હજી બેડ પર હાથ ફેરવી 'માય ડિયર, ઊઠ ને ?'કહેતી પ્યારમાં મસ્ત હતી.

નિકીએ રાત્રે પાપા મોડા આવે ત્યારે ચોર પગલે બેડની ખાલી બાજુ સરકી જતા તેવી નકલ કરી. કોલોનની સુવાસથી સીમા ઉત્તેજિત થઈ : 'સઁજુ ' કહેતી નિકીને ભીંસમાં લીધી.

નિકીને બે પથ્થર વચ્ચે પિસાતી હોય તેમ ગૂંગણામણ થઈ, શ્વાસ લેવાયો નહિ, તેને લાગ્યું તેનાથી ચીસ પડાઈ જશે તે શ્વાસ રોકીને પડી રહી.

સીમા એક ઝાટકા સાથે હાથ છોડી દૂર જતી રહી.....

***

ડોક્ટર રૂમની બહાર ઊભા છે. બૂમાબૂમ, ધમાધમી રૂમમાં ચાલી રહી છે ત્યાં કોઈના પડવાનો અવાજ આવે છે.....ને તેમણે નિકીને બેડ પરથી નીચે ગબડી જતા જોઈ.તેઓ દોડીને રૂમમાં આવ્યા, નિકીને ઇશારાથી મૂગી કરી.

'સીમા, સંજય ક્યાં છે?' ડોકટરે સીમાનો હાથ હલાવ્યો

'તમે સાથે સેમિનારમાં ગયા હતા ને?'

' હા, ત્યાં એને ચક્કર આવેલા, પડી ગયેલો '

'પછી ?'

'એને બ્રેઈન હેમ્બરેજ થઈ ગયેલું, તું અને નિકી દોડતા હોસ્પિટલમાં આવેલા, પણ પછી કોમામાં જ હી પાસ્ડ અવે '

'એનું ડેડ બોડી...ફુનરલ કહેતા સીમાના ગળામાંથી....

રુંધાયેલો, દબાયેલો તીણો અવાજ.. સોંસરવું વાગેલુ તીર ખેંચાયું ને જાણે લોહી વહી રહ્યું છે. ,આંખોમાં વેદનાનો ચિત્કાર ધેરાયો. સંજયના શબને જોઈ આઘાત પામેલી સીમા ઘરની દિવાલોને રડાવતી હતી.

નિકીથી મમ્મીનું રુદન સહેવાયું નહિ, તે મમ્મીને વળગી ફરી પાપાને ગુમાવી રહી.

તરૂલતા મહેતા