Vasiyat books and stories free download online pdf in Gujarati

વસિયત...

POINT OF THE TALK... (17)

"વસિયત..."

"ઓળખ વિના પ્રતિભાવ,આપી દીધો તારા વિશે.
 ન વિચાર્યું મેં,તું શું વિચારીશ, હવે મારા વિશે.
 સમજદારીનો સરપાવ, મળ્યો છે માત્ર માનવને,
 આજે કૃત્ય જોઈ એના,શું કહેવું માણસ સારા વિશે..."
                               - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

હજી તો ત્રણ મહિના પહેલાજ પોતાના વહાલસોયા એકના એક પુત્રનો અગ્નિસંસ્કાર કરી આવેલ એક પિતા આજે ફરી હજારો ગામ લોકો સાથે સ્મશાન યાત્રામાં સૌથી આગળ હાથમાં દેતવાની દુણી પકડી આગળ ચાલી રહ્યો હતો. દુણી માં દેતવાની ઝાળ હતી તો એ ભાઈના હૃદયમાં દુઃખ ની લ્હાય લાગેલી હતી. 

ત્રણ મહિના પહેલા પિતાના રૂપમાં સ્મશાનયાત્રા માં આગળ ચાલતા એ ભાઈનું પાત્ર આજે ભગવાને બદલી નાખ્યું હતું. આજે એ એક પતિના રૂપમાં સૌથી આગળ ચાલી રહ્યો હતો. શ્રી રામ જય રામ જય જય રામ બોલતા બોલતા સ્મશાનયાત્રા માં જોડાયેલા એ હજારો લોકો સ્મશાનમાં પહોંચી ગયા અને ચિતા ખડકાઈ. કંપતા હાથે પોતાનો એક માત્ર સહારો એવી પત્નિ ના પાર્થિવ દેહને એ ભાઈએ મુખાઅગ્નિ દીધી. ભડભડ બળતી ચિતા જોઈ રહેલા લોકો વચ્ચે એ ભાઈ વિશે અંદરો અંદર વાતો ચાલી રહી હતી કે...
"અરેરે... બિચારો મહેલ જેવડા ઘરમાં એકલો રહી ગયો. આ માણસે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું છતાં ભગવાન એને કયા પાપોની સજા આપી રહ્યો છે...!!!"

બાદ, સ્મશાન માંથી સૌ પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. પોતાના ઘેર પરિવાર વિનાનો બની ગયેલો એ ભાઈ સાવ એકલો અટૂલો રહી ગયો. પોતાની લાખો રૂપિયાની સંપત્તિનું હવે શું કરવું એવા સતત એને વિચારો આવી રહ્યા હતા કારણ એ માનવા લાગ્યો હતો કે એના માટે હવે સંપત્તિ કોઈ કામની નથી. ત્યાં અચાનક એના મગજમાં એક ઝબકારો થયો અને પોતાના પ્રશ્નનો એને ઉકેલ મળી ગયો. 

સવારે અગિયાર વાગ્યે બેન્ક ખુલતા પોતાની પાસેની તમામ રોકડ રકમ એને બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધી. સાથે સાથે એ રકમ જ્યારે પાકે ત્યારે એનું શું કરવું એના એગ્રીમેન્ટ પણ બેંકમાં જમા કરાવી દીધા. બેન્ક માંથી એ ભાઈ સીધો જ પહોંચ્યો વકીલ પાસે. વકીલ ની સલાહ લઈ પોતાની મિલકતનું વસિયતનામું કરાવી લીધું. એક દિવસ પહેલા જે લાખો પતિ હતો એ આજે બેન્ક ની ફિક્સ ડિપોઝીટ અને વકીલના વસીયતમાં વહેંચાઈ ગયો હતો. આ બે કામ પુરા કરી થેલામાં માત્ર એક જોડ કપડાં લઈ ગામના કોઈ પણ માણસને ખબર ન પડે એમ રાત્રીના અંધકારમાં એ સુમસામ રસ્તે ગામ છોડી નીકળી ગયો. પોતાના ગામથી દૂર દૂર જ્યાં કોઈ એને ઓળખતું ન હતું એવા ગામમાં જઈ વસ્યો. 

પોતાનો પરિવાર ગુમાવ્યાના આઘાતે એના દિલમાં જે ચોટ કરી હતી એનાથી જાણે એનો જીવનરસ સમાપ્ત થઈ ચૂક્યો હતો. કોઈ પણ મંજિલ, આશા, અપેક્ષા કે મહત્વઆકાંક્ષા વિના અજાણ્યા ગામમાં રખડી રઝળીને એ દિવસો પસાર કરવા લાગ્યો. સમય વીતતો જતો હતો. લોકોએ એ રખડતા માણસનો અવાજ સુદ્ધાં પણ સાંભળ્યો ન હતો. સૌ માનવા લાગ્યા હતા કે આ માણસ બોલી શકતો નહિ હોય. મૂંગો હશે. આ તરફ એના ગામમાં પણ એકાદ માસ પૂરતી એની શોધ ખોળ અને એના વિશે વાતો થતી પણ લાંબો સમય વીતી જતા હવે એના ગામ લોકો પણ એને ભૂલી ગયા હતા. લોકોએ એવું માની લીધું હતું કે પરિવાર ગુમાવ્યાના આઘાતમાં કદાચ એ પાગલ થઈ ક્યાંક ચાલ્યો ગયો હશે અથવા એને પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે. 

આ ઘટનાને સાતેક વર્ષ જેટલો સમય વીતી ચુક્યો હતો. અને એ દિવસે ગામમાં ગ્રામ પંચાયત ના પ્રાંગણમાં આખું ગામ ભેગું થયેલું હતું. બનાવેલા સ્ટેજ પર બેંકના મેનેજર, વકીલ સાહેબ અને ગામના સરપંચ તથા બીજા બે પાંચ પ્રતિષ્ઠિત માણસો બેઠેલા હતા. સરપંચ સાહેબે ઉભા થઇ પોતાના વક્તવ્યની શરૂઆત કરતા કહ્યું...
"આજે આપણા ગામ માટે વસિયત નો દિવસ છે. વર્ષો પહેલા ગામ છોડી ગયેલ એ અભાગીયા માણસ વિશે બીજી પણ બે પાંચ વાતો કરી અને ત્યારબાદ વકીલ સાહેબે ઉભા થઇ પોતાનું વક્તવ્ય આપવું શરૂ કર્યું...
"આજના મારા વક્તવ્યમાં માત્ર અવાજ જ મારો છે. બાકી શબ્દો તો એ દેવદૂત સમાન એ ભાઈના છે જે સાત વર્ષ પહેલાં ગામ છોડી ક્યાંક ચાલ્યો ગયો છે..."
વકીલે વસિયતનું વર્ષો પહેલાનું પાનું ખોલ્યું અને એ વાંચ્યું...
"મારી તમામ સંપતિ જે સાત વર્ષ પછી મારા ગામને આપવામાં આવે. આ સંપત્તિની અધિકારી મારા ગામની તમામ દીકરીઓ હશે. જે જે દીકરીઓના લગ્ન થતા જાય એ દીકરીઓને મારી સંપતિમાંથી કરિયાવર મળતું રહે... બેંકમાં મુકેલ મારી રોકડ રકમ જે સાત વર્ષ બાદ બમણી થઈ જશે એમાંથી પણ મારા ગામના દીકરા અને દીકરીઓ માટે શિક્ષણની સારી વ્યવસ્થા ગોઠવાય...
મારા માટે આ સંપત્તિ હવે કોઈજ કામની નથી. હું પુરા ભાન માં અને મારી મરજીથી આ વસિયત બનાવી રહ્યો છું..."

વકીલ દ્વારા વસિયત વંચાઈ ગઈ. સૌ ગામ લોકો તો આભા બની ગયા. સૌને મનોમન થતું હતું કે આજે એ ભાઈ હાજર હોત તો સૌ એને છાતી સરસો ચાંપી લેત... એ મહાન દાનવીર ના માનમાં સૌએ તાળીઓનો વરસાદ વરસાવી દીધો. 

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સભામાં સૌથી છેલ્લે ઉભેલો એક ભિખારી જેવો અને દેખાવે ભયાનક લાગતો માણસ તાળીઓનો ગડગડાટ સાંભળી ગભરાઈ ગયો. અને આમ તેમ સૌની સામે અચરજ થી જોવા લાગ્યો. એને એ પણ ભાન ન હતું કે ગામ લોકો દ્વારા પડાઈ રહેલ આ તાળીઓ માંથી આવતો મધુરો ધ્વનિ ગામ પ્રત્યેના એના સમર્પણ,ત્યાગ અને દાન નું જ સુમધુર સંગીત છે...

સમારંભ પૂરો થતાં ત્યાંથી વિદાય થઈ રહેલા લોકો ની નજર એ ભિખારી જેવા ભયાનક માણસ પર પડી. વધી ગયેલ દાઢી અને વાળ , ફાટી ગયેલા કપડામાં રખડતો રઝળતો વર્ષો બાદ અનાયાસે પોતાના જ ગામમાં આવી ગયેલ એ દાનવીર ને લોકો ઓળખી પણ ન શક્યા. ગામમાં આવો પાગલ અને ભયાનક માણસ કોઈ નુકશાન ન કરી જાય માટે એને ગામમાંથી તગેડી મુકવા લોકો એને મારવા લાગ્યા. પોતાનો જીવ બચાવવા એ ત્યાથી ભાગ્યો અને પાછળ લોકોનું ટોળું પણ...
"મારો... મારો... અહીંથી ભગાડો આ પાગલ ને..."  
એવી બુમો પાડતું એની પાછળ મારવા દોડ્યું...

● POINT :- 
જીવનની આજ મોટી કરુણતા છે. આપણાં સૌની આજ તો સૌથી મોટી ખામી છે કે આપણે કશું વિચાર્યા વિના કે સાચી હકીકત જાણ્યા વિના જ આપણાં મસીહા ને પણ ધૂતકારીએ છીએ... નફરત કરીએ છીએ એનાથી...

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'   (શંખેશ્વર)