A new beginning - 6 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ - 6

“સતિષ આ શું? તે ડ્રીંક કર્યું છે? તુ ક્યારથી શરાબી થઈ ગયો?”

“એય હું ... હું શરાબી નથી. હું શરાબ નથી પીતો. યુ નો આઈ એમ ડિસેન્ટ બોય! ચિપ્સ લાવને. મારી સાથે ખોટી માથાકુટ નઇ કરવાની. લાવ ચિપ્સ દે.” સતિષ પીધેલી હાલતમાં કહેવા લાગ્યો.

“ડિસેન્ટ બોય? હં ડિસેન્ટ બોય? ચિપ્સ જોઈએ છે? લે ખા.” કહી ખેંગારે સતિષને તમાચો માર્યો.

“મેં મેં લાફો નથી માંગ્યો ચિપ્સ દે.” સતિષ હસવા લાગ્યો.

“યાર..તે આ રસ્તો કેમ પકડ્યો? શુ થયું છે તને? પ્લીઝ વાત શુ છે એ મને જણાવ. નહિતર હજી તો તમાચો માર્યો છે. જો વધારે ગુસ્સો અપાવ્યો છે ને તો સીધો તળાવમાં ફેંકી દઈશ.” ખેંગાર ગુસ્સેથી બોલ્યો.

“બસ હવે એ જ બાકી હતુ. આવ ખેંગાર મને ફેંકી દે તળાવમાં. હવે કઈ પણ જીવવા જેવું નથી. હવે ઝીંદગી જીવવી નથી પણ કાઢવી છે. નફરત છે મને આ ઝીંદગીથી.” સતિષની આંખમાં આંસુ આવી ગયા.

“એ સતિષ. મારી સામે જો. હજી ઘણું બધું બાકી છે. તુ આમ કેમ બોલે છે? જો હું તારો જીગરી છું ને? વાત શુ છે એ મને જણાવ. હું કઈક રસ્તો કાઢીશ.” ખેંગારે કહ્યું.

“હવે તને..બીજું..શુ કહું? ફરી કોઈ છોકરી પ્રત્યે સાચી લાગણી રાખી હતી. એ આરુને માત્ર ફ્રેન્ડશિપનો પ્રસ્તાવ મોકલ્યો કે તેને ધડ દઈને ના પાડી દીધી. આજ ખબર પડી કે હું એટલો ખરાબ માણસ છુ કે કોઈનો મિત્ર બનવા લાયક પણ નથી. એવું નહતુ કે હું માત્ર તેનો મિત્ર બનાવવા માંગતો હતો. હું એ મિત્રતાને આગળ વધારી પ્રેમનું નામ આપવા માંગતો હતો. પણ હવે એ બધું… એક મિનિટ હું પહેલા સુઈ જાવ..તુ ચિપ્સ કેમ નથી લાયો? તુ મારુ કેમ નથી માનતો? જા ચિપ્સ લઈ આવ.” કહી સતિષ જમીન પર પડી ગયો.

“એય સતિષ ઉઠ યાર. આ શું આદરી છે? ઉઠને.” ખેંગાર તેને ઉભો કર્યો.

ખેંગારને થયુ કે સતિષ કદી શરાબ નથી પીતો તેથી પહેલી વખત વધારે પીવાને કારણે તે ઉઠી શકતો નથી. તેણે ઘણી મહેનતથી સતિષને પોતાની બાઇક પર ચડાવ્યો. તેણે તેના એક મિત્રને કોલ કરી ત્યાં બોલાવ્યો. તેનો મિત્ર આવ્યો અને તેની મદદ લઇ ખેંગારે સતિષને પોતાના ઘરે લઈ સુવડાવી દીધો. તેણે સતિષના ભાઈને કોલ કર્યો,

“ભાઈ, આજે મારા ભાઈનો જન્મદિવસ છે. તેથી મારા ઘરે અમે પાર્ટી રાખી છે અને બધા મિત્રો ભેગા થયા છીએ. તો સતિષ કાલ આવશે. તો તમને કોઈ વાંધો નથીને?”

“ના ના. પણ તને ખબર તો છે ને કે તેને કોઈ વ્યસન નથી. તો તેને કોઈ ફોર્સ ન કરતા. બાકી એન્જોય કરો.” સતિષનો ભાઈ કહેવા લાગ્યો.

“હા વાંધો નય તેની ચિંતા ન કરતા. અહી કોઇપણ એવી વસ્તુ નથી લાવ્યા.” ખેંગારે કહ્યું.

ખેંગારે સતિષના ભાઈને બહાનું બનાવી મનાવી લીધો. સતિષ હજુ નશામાં હતો.તેને એવી હાલતમાં જોઈ ખેંગાર બોલી ઉઠ્યો,

“કેટલો અડગ મનનો હતો આ? અને આજ ઝેરને હોઠે લગાવી પડ્યો છે. આને હજાર વાર સમજાવ્યો હતો કે રહેવા દે આ તારા કામની વસ્તુ નથી. પણ છેવટે તો તેણે બરબાદીનો જ માર્ગ અપનાવ્યો. હવે આ મારાથી નહી માને ભૂરા. હવે આ મારાથી નહી માને.”

“તો ખેંગારભાઈ તમારા મિત્રનું જીવન આમજ બરબાદ થઇ જશે? કોઈ ઉપાય નથી?” ભૂરો કહેવા લાગ્યો.

“ના ભૂરા એ અમારા રહેતા બરબાદ નહિ થાય. મારે હવે નરેશને જ કહેવું પડશે કારણ કે તે જ આને સમજાવી શકશે. જોકે મેં તેને થોડીવાર પહેલા કોલ કરી બોલાવી લીધો છે. તે કાલ સવારે અહી આવી જશે. ચાલો આ ભલે આરામ કરતો. આપણે જમીને સુઈ જઈએ.” ખેંગારે કહ્યું.

ખેંગારના કહેવા મુજબ નરેશ આવી ગયો. ખેંગારે સતિષની બધી વાતો જણાવી દીધી. તે સાંભળી નરેશ ખૂબ ગુસ્સે થયો અને કહેવા લાગ્યો,

“તેણે નશો કર્યો એ વાત તુ મને અત્યારે જણાવી રહ્યો છે! તે મને વહેલા જ કીધું હોત કે સતિષ કોઈ છોકરીને પ્રપોઝ કરવાનો છે તો હું વહેલા જ આ નોબત ન આવવા દેત. પણ મેં સમજાવ્યા પછી તેણે ફરી બીજી છોકરીને પ્રપોઝ કરવાનું વિચાર્યું કેમ? કઈ સમજાતું નથી.”

“એમાં એવું છેને નરેશ કે પ્રપોઝ કરવાનું સજેશન મેં આપ્યું હતુ. કારણ કે એ એક છોકરી પાછળ પોતાનું જીવન બરબાદ કરી રહ્યો હતો. મને થયું કે તેના જીવનમાં બીજું કોઈ આવશે તો તે શ્રીને ભૂલી જશે અને ત્યાંથી તેની નવી શરુઆત થશે. પણ મેં જેવું વિચાર્યું હતુ એના કરતા બધું ઉલટું થયું છે. મને માફ કરજે નરેશ પણ મને ખબર નહતી કે તે આ રસ્તો પણ અપનાવી શકે છે.” ખેંગારે કહ્યું.

“તે વિચાર્યું એ બરાબર છે પણ સાથે તારે એ તો જોવું હતું કે સતિષ ખૂબ જ ઈમોશનલ માણસ છે. તને ખબર નથી પણ ફિલ્મોએ તેની માનસિકતા બદલાવી નાખી છે. તેને પણ જીવનમાં એક લવ સ્ટોરી જોઈએ છે. પણ તેને ગમતી વ્યક્તિ તેને મળે એવું જરૂરી થોડી છે? મને કહેતા દુખ થાય છે કે સતિષ જેને પ્રેમ સમજે છે એ પ્રેમ નથી અને એ માનવા પણ તૈયાર નથી. મેં લાખ કોશિશ કરી હતી તેને પ્રેમ અને ભ્રમ વચ્ચેનો અંતર સમજાવવાની પણ હું નિષ્ફળ રહ્યો. હવે તો તેના જીવનની કોઈ હિરોઈન જ તેને બદલી શકશે.” નરેશે કહ્યું.

“તો નરેશ. આપણે બસ શાંતિથી સતિષને દુખી થતો જોયા કરવાનો?” ખેંગારે પૂછ્યું.

“ખેંગાર આપણા હાથમાં છે એ આપણે જરૂર કરીશું પણ તેના મનમાંથી પ્રેમને કાઢવો એ આપણા હાથની વાત નથી. એ સમય જરૂર આવશે જયારે સતિષને પ્રેમ વિશેની સાચી ઓળખ થશે. અત્યારે આપણું કામ એટલું જ છે કે આપણે તેને વ્યસનથી દુર રાખીએ. તો એ ઝખ્મી દિલ છે ક્યાં?” નરેશે પૂછ્યું.

“એ સુતો મારા રૂમમાં.” ખેંગારે કહ્યું.

“એક કામ કર મને એક સારી લાકડી આપ. જવાનીનો જોર ચડ્યો છેને ઉતારી નાખું.” નરેશે કહ્યું.

“તો શું તુ તેને મારીશ? જો ભાઈ એ આપણું કામ નથી. આપણે તેના માત્ર મિત્ર છીએ.” ખેંગારે કહ્યું.

“એ માત્ર મારો મિત્ર નથી. એ મારા નાના ભાઈ જેમ છે. ભટકેલા નાના ભાઈને સાચા રસ્તે લાવવો એ મોટાભાઈની જવાબદારી છે. અત્યારે તેને મિત્રની નહિ પણ મોટાભાઈની જરૂર છે.” નરેશે કહ્યું.

ખેંગાર નરેશને તેના રૂમમાં લઇ ગયો. નરેશે સતિષને લાકડીથી મારીને ઉઠાડ્યો. સતિષ લાકડીના મારથી જાગી તેને ન મારવા માટે કહેવા લાગ્યો. તેને વિનંતી કરતો જોઈ નરેશ અટકી ગયો અને કહેવા લાગ્યો,

“તારી જુવાની આ લાકડીનો માર ખમવા માટે પણ તૈયાર નથી અને તારે દારૂ પીવો છે? આ દારૂ પીવાનો રસ્તો તને કોણે બતાવ્યો? હજી તો એટલો માર્યો નથી પણ ગુસ્સો તો એટલો આવે છે કે તને મારી નાખું. શું જરૂર હતી તારે દારૂ પીવાની?”

“નરેશ હું બસ આરુને ભૂલવા માંગતો હતો.” સતિષે કહ્યું.

“પહેલા શ્રી અને હવે આરુ. તે શું છોકરીઓને મજાક સમજી છે? એક છોકરી પ્રેમિકા અને પત્નીથી ઉપર બીજું કઈ ન હોઈ શકે? તે શું માત્ર પુરુષોની જરૂરિયાત સંતોષવાની કોઈ ચીજ છે? ઘરમાં કોઈ કામ કરવા માટે જોઈએ છે તો સ્ત્રી જોઈએ. વંશ વધારવો છે તો સ્ત્રી જોઈએ. શું છે આ બધું? આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે એ તો મને સમજાતું જ નથી. શું એક છોકરી તને પોતાનો નિર્ણય પણ ન કહી શકે? શું તેની પસંદ નાપસંદ એ પણ તારે નક્કી કરવાની? મને એમ હતું કે તુ સ્ત્રીની રીસ્પેક્ટ કરતો હઇશ પણ તારા મનમાં તો સ્ત્રી એટલે હાસિલ કરવાની કોઈ વસ્તુ. જા જા તને મિત્ર કહેવો એ પણ હવે મિત્રતાનું અપમાન હોય એવું મને લાગી રહ્યું છે. પેલી આરુએ તને પોતાનો જવાબમાં ના કહી એમાં તો તુ દારૂના રવાડે ચડી ગયો. એ છોકરી સારી કહેવાય કે બાકી છોકરીઓની જેમ તને જવાબ માટે રાહ ન જોવરાવી. નહિતર બે ત્રણ મહિના પછી જો તેણે તને આવો જવાબ આપ્યો હોત તો તને કેટલું દુખ થાત? હવે તને સમજાવવો બેકાર છે. હું તને સુધારવા નથી આવ્યો. તને કહેવા આવ્યો છું કે જ્યાં સુધી તુ સ્ત્રીની રીસ્પેક્ટ કરતા ન શીખે ત્યાં સુધી તારો આ ચહેરો મને બતાવતો જ નહિ. શ્રી સાચી છે જે તને કાયર સમજે છે. આવી નાની નાની વાતોમાં તુ આવા મરવાના અને જીવનને બરબાદ કરવાના રસ્તા અપનાવે છે એ કાયરતા નથી તો બીજું શું છે? એક સ્ત્રી વિષે તારી માન્યતા આટલી મર્યાદિત હશે એ મને ખબર નહતી પણ હવે ખબર પડી ગઈ છે. માટે મેં નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સ્ત્રીની તારા મનમાં અને દિલમાં રીસ્પેક્ટ નહિ આવે ત્યાં સુધી હું અમદાવાદથી પાછો નહિ આવું. કારણ કે મારામાં એટલી હિમત નથી કે તારી જેવા માણસ સાથે બે ક્ષણ પણ વિતાવું. ખેંગાર આને તેની રીતે જીવવા દે. તુ ચાલ મને સ્ટેશન ડ્રોપ કરી જા. ચાલ મારે વધારે આને સહન નથી કરવો.” નરેશ ગુસ્સે થઇ કહેવા લાગ્યો.

“નરેશ પ્લીઝ યાર મને માફ કરી દે. પ્લીઝ હું તને ગુમાવવા નથી માંગતો. હવેથી તુ જેમ કહીશ એમ જ થશે. યાર મારી સાથે આમ ન કર.” સતિષ કહેવા લાગ્યો.

“સતિષ તુ ગમે તે કર મને તારા પર જરા પણ ભરોસો નથી. તુ ગમે તે કર મારો નિર્ણય તારા વિચારોની જેમ બદલી નથી જવાનો. એય ખેંગાર તને લખીને આપવું પડશે કે અહીંથી મને લઇ જા.” નરેશ કહેવા લાગ્યો.

ખેંગાર નરેશના કહેવા પ્રમાણે પોતાની બાઈક લઇ આવ્યો અને નરેશને બેસાડી ત્યાંથી નીકળી ગયો. નરેશની વાતોએ સતિષને રડાવી નાખ્યો અને તે ત્યાં જ રડતો રહ્યો.

“નરેશ તારી બધી જ વાતો એકદમ સાચી હતી પણ આવી રીતે સતિષને આમ અચાનક છોડી જવું તને યોગ્ય લાગે છે? મને તો એ બરાબર નથી લાગતું.” ખેંગારે કહ્યું.

“બરાબર તો મને પણ નથી લાગતું ખેંગાર પણ જો આપણે તેને આ માટે મદદ કરશું તો તે તેની અંદર છોકરીઓ વિષે ખોટી માન્યતા ધરાવશે. ફિલ્મોમાં જેવી રીતે એક સ્ત્રીને રજુ કરવામાં આવે છે એ જોઇને સતિષ પણ એમ માને છે કે તેના જીવનમાં પણ એક છોકરી હોવી જોઈએ. હું માનુ છુ કે પ્રેમ કરવો, કોઈના પ્રત્યે લાગણીઓ સેવવી અને કોઈ ખાસ વ્યક્તિની ઝંખના કરવી કોઈ ગુનો નથી. એ પણ જીવનનો અનમોલ ભાગ છે. પણ તે જેને પ્રેમ સમજે છે એ એક પ્રકારે તો જોહુકમી હોય એવું લાગે છે. આ જોને આરુએ તેને પોતાનો જવાબ આપ્યો અને એ સતિષને ન ગમ્યો એ વાતને લઈને તે કેવું જીવન જીવી રહ્યો છે. ખેંગાર મને પ્રેમ વિશેની કોઈ ખાસ સમજ નથી પણ હું એટલું જરૂર જાણું છું કે પ્રેમ જીવન આપે છે. વ્યક્તિને જીવતા શીખવે છે પણ કદી કોઈના જીવનને બરબાદ કરતો નથી. ફર્ક એટલો જ હોઈ છે કે તમે પ્રેમને કઈ રીતે જુઓ છો.” નરેશે કહ્યું.

“તો તે અમદાવાદ જવાનું નક્કી કરી જ નાખ્યું છે? પણ મારું માનવું છે કે આપણે સતિષને થોડો સમય આપવો જોઈએ. સમય જતા તે સમજી જશે. તો તુ અમદાવાદ ન જા.” ખેંગારે કહ્યું.

“તને એમ લાગે છે કે હું સતિષથી ગુસ્સે થઇ અમદાવાદ જઈ રહ્યો છું? એવું કઈ નથી. મારે થોડું કામ બાકી છે. મારે જવું જરૂરી છે. સતિષ માટે અહી આવ્યો હતો. ચિંતા ન કર હવે જિંદગી તેને સાચા પ્રેમની ઓળખ કરાવશે. તેને થોડા સમય માટે એકલો છોડી દેવો જ તેના માટે સારું છે. દુખ તો મને એ વાતનું છે કે તે દવેસરનો મોટો ફેન છે, તેમને પોતાના રોલ મોડેલ માને છે તો તેમની સમજાવેલી વાતો સતિષ કેમ સમજતો નથી? વાંધો નય કોઈ કામ પડે તો કોલ કરજે અને ખાસ તો સતિષનું ધ્યાન રાખજે. મારું કામ પૂરું થતા હું પાછો આવતો રહીશ. ઓકે હું નીકળું.” નરેશે કહ્યું.

“હા ઠીક છે. મને પણ તારો નિર્ણય યોગ્ય લાગે છે. બાય અને જેમ બને તેમ વહેલા આવવાની કોશિશ કરજે.” ખેંગારે કહ્યું.

ખેંગારે નરેશને અમદાવાદ જવા માટે વિદાય આપી બાઈક લઈને તેના ઘરે ચાલ્યો ગયો. આ તરફ સતિષ થોડો વધારે ઈમોશનલ થઇ મહાદેવના મંદિરના એક બાંકડા પર બેસી નરેશે ગુસ્સામાં કહેલી વાતોને યાદ કરી તેના પર વિચાર કરી રહ્યો હતો એવામાં તેને સામેના બાંકડા પર એક કપલ દેખાયું. તે કપલ કોઈ વાતને લઈને એકબીજા સાથે ગુસ્સામાં ચર્ચા કરી રહ્યું હતું. સતિષ કાન માંડી તેઓની વાતો સાંભળવા લાગ્યો. એ કપલમાં પત્ની બોલી રહી હતી,

“લગ્ન પછી તમે આમ અચાનક બદલાઈ જશો એ મને ખબર નહતી. તને હદથી વધારે પ્રેમ કરું છું કહીને તમે મને છેતરી છે. શું તમને નથી લાગતું કે આપણું પણ એક સારું જીવન હોવું જોઈએ? અને સારું જીવન કમાણી વગર શક્ય છે? છેલ્લા બે મહિનાથી હું તમને કોઈ જોબ કરવાનું કહી રહી છુ પણ તમારે તો ભાઈબંધો સાથે ટાઇમપાસ જ કરવો છે.”

“મેં ક્યારે કહ્યું કે હું તને પ્રેમ નથી કરતો? પણ તારી વાતો પરથી મને લાગી રહ્યું છે કે તને મારા કરતા પૈસા વધારે વ્હાલા છે. આપણા લગ્નના આજકાલ કરતા પાંચ મહિના નીકળી ગયા પણ છેલ્લા બે મહિનાથી તુ જે મને જોબ માટે ટોર્ચર કરે છે ને તેનાથી હું હવે ગળે આવી ગયો છું. લગ્ન પહેલા તો તને મારા ટાઇમપાસથી કોઈ પ્રોબ્લેમ ન હતો તો હવે તને શું પ્રોબ્લેમ છે? છેલ્લા બે વર્ષથી તારી સાથે સમય વિતાવતો હતો હવે તો મારા મિત્રો સાથે મને સમય કાઢવા દે. શું કમી છે આપણા જીવનમાં? પપ્પા માંગીએ એ લઇ આપે છે. કાકા પણ કોઈપણ વસ્તુ માટે ના નથી પાડતા. તો વારંવાર તુ મને જોબ માટે શા માટે ફોર્સ કરે છે?” પતિએ કહ્યું.

“હું તમને ટોર્ચર કરું છું? તમને જોબ કરવા કહેવું તમને ટોર્ચર લાગે છે? મને તમારા જોબ કરવા ન કરવાથી કોઈ ફર્ક નથી પડતો પણ જીવનમાં સ્વાભિમાન જેવું પણ કઈક હોય છે. તમને મજા આવતી હશે બાપના પૈસા ઉડાડવાની પણ મને એ જરા પણ પસંદ નથી. મને તમારી સાથે લવ મેરેજ કરવાનો કોઈ શોખ નહતો. હું તમારું સારું થોબડું જોઇને તમારી સાથે લગ્ન કરી અહી નથી આવી. એ સમયે મને એવું લાગતું હતુ કે તમે તમારી જાત મહેનતે આપણા જીવનમાં રંગ ભરશો પણ મારી માન્યતા ખોટી હતી. પપ્પાની વિરૂદ્ધ જઈને તમારી સાથે લગ્ન કર્યા એ મારી ભૂલ હોય એવું લાગી રહ્યું છે. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી તમારી પાસે આવતા દસ દિવસનો ટાઇમ છે. આ દસ દિવસોમાં તમે કોઈ જોબ શોધો નહિતર હું કાઈ અભણ નથી કે ઘરે કચરા પોતા કરીશ. હું જોબ કરીશ. હું તમારી જેમ બીજા પર ડીપેન્ડેડ નથી.” કહીં પત્ની ત્યાંથી જતી રહી.

“હા જા જા હું પણ તારી સાથે લગ્ન કરીને ખુશ નથી. એ દિવસે મારી કિસ્મત ખરાબ હતી કે મેં તને લગ્ન માટે પ્રપોઝ કરી. જા તારે જે કરવું હોય એ કર. મને કોઈ ફર્ક નથી પડતો. બે ઘડી સમય કાઢવા મંદિરે લાવ્યો હતો ત્યાં આ જોબની મહાભારત કરીને મૂડ બગાડી નાખ્યો. ભાઈબંધો સાચુ જ કહે છે કે ગળી મધ જેવી લાગતી ગર્લફ્રેન્ડ લગ્ન પછી કડવી ઝેર થઇ જાય છે.” કહી પતિ સિગરેટ ફેકી ત્યાંથી જતો રહ્યો.

સતિષ આવું દ્રશ્ય રીયલ લાઇફમાં પહેલી વખત જોઈ રહ્યો હતો અને આ પ્રકારનો સંવાદ પહેલી વખત સાંભળી રહ્યો હતો. થોડીવાર બેસ્યા પછી તેણે ઘર તરફ ડગલા માંડવાનું શરૂ કરી નાખ્યું. તે પેલા કપલની વાતો પર વિચારી રહ્યો હતો. તે પોતાની જાતને સવાલ કરવા લાગ્યો,

“આ કપલમાં કોણ સાચું હતું અને કોણ ખોટું? શું આગળ જતા પ્રેમ આવું સ્વરૂપ પણ લઇ શકે છે? તો પ્રેમ એ માત્ર થોડા સમય માટે જ હોય છે? પ્રેમ એટલે મિત્રોને ગુમાવી બેસવું? લગ્ન પછી શું નિરાશા અને દુઃખ જ મળતા હશે? આટલા ટૂંકા સમયમાં બધી સુખ સગવડો હોવા છતાં આ કપલની વચ્ચે ઝઘડાઓ થાય છે તો આગળનું જીવન કેવું હશે? પ્રેમને ટકાવી રાખવો ખુબ મુશ્કેલ છે?”

સતિષ વિચારમાં અને વિચારમાં ઘરે આવી ગયો. તેણે કોઈની સાથે વાત ન કરી અને સીધો તેના રૂમમાં જઈ પથારીમાં પડી ગયો અને ફરી પાછો પોતાના મનમાં આવેલા પ્રશ્નો પર વિચારવા લાગ્યો.