A new beginning- chapter 2 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ - (એક નવી શરૂઆત)- પ્રકરણ ૨

સતિષે વાત શરૂ કરી...
“એ દિવસે મેં તેની સાથે ઘણી વાત કરી અને રીસેસ પછી પણ ફ્રી થતા વાતો ચાલતી રહી. રજા વખતે તેણે કહ્યું કે તે બીજા દિવસે પણ ઘણી વાતો કરશે.”
“પણ તમે બંને એવી કઈ વાત કરતા હતા કે રજા સુધી તમારી વાત ચાલી?” નરેશે પૂછ્યું.
“વાત તો બહુ ખાસ ન હતી. એ સમયે એક સિરિયલ આવતી હતી. એ સિરિયલ શ્રીને ખૂબ ગમતી હતી. બસ એક ટોપિક મળી ગયો એટલે વાત ચાલતી રહી.” સતિષ બોલ્યો.
“કઈ સિરિયલ? અને કોઈ ટીવી સિરિયલની વાત એ તારી સાથે કેમ કરે? હવે આ વાત મને બહુ અટપટી લાગે છે.” નરેશ બોલ્યો.
“ એ સિરિયલ હતી - દિયા ઓર બાતી હમ. એ સિરિયલ ઘરના સાથે હું પણ જોતો. તેનું એક ગીત મને ગમતુ. એ ગીત હતુ – તુ સૂરજ મેં સાંજ પિયાજી મારે સપનો કી... એ ગીત હું ક્લાસમાં બબડયા કરતો. શ્રી ઘણી વખત મને એ ગાતા સાંભળી ગઈ હતી અને એ દિવસે પણ તેણે મને એ ગીત લખી આપવા કહેલું અને પછી તે સીરિયલના વિવિધ એપિસોડ વિશે ચર્ચા ચાલતી રહી.” સતિષ બોલ્યો.
“હમ્મ બને સરખા ભેગા થયા હતા. અને આમેય છોકરીઓને બસ તેની ફેવરિટ સિરિયલ વિશે વાત શરૂ કરો એટલે એ પછી બંધ થવાનું નામ લે જ નહીં. પછી શું થયું?” નરેશે કહ્યું.
“એ દિવસ પછી તે મારી ફ્રેન્ડ બની ગઈ અને અમે એકબીજાને સ્ટડીમાં હેલ્પ કરવા લાગ્યા. મને વિજ્ઞાન અને ઈંગ્લીશ શ્રી કરતા વધુ ફાવતું અને શ્રીને ગણિત. હું ગણિતમાં ખૂબ નબળો હતો. આ વિષયો એવા હતા કે તેને મારી અને મને તેની વારંવાર જરૂર પડતી. એવું ન હતું કે શિક્ષકો અમને હેલ્પ નહતા કરતા. બસ અમે બંને શિક્ષકોને એવું બતાવવા નહતા માંગતા કે અમે આ વિષયોમાં નબળા છીએ. તે મારા પ્રોબ્લેમ્સ સાચવી લેતી અને હું તેના.” સતિષ બોલ્યો.
“બરાબર છે. તો તે કદી તારી ફીલિંગ્સ શ્રી સાથે શેર કરી?” નરેશે પૂછ્યું.
“ના મેં મારી ફેમિલી વિશે બધું તેને જણાવી દીધું હતું. તેણે પણ મને એના ફેમિલી વિશે બધું જણાવ્યું હતું. અમે બંને એકબીજાની પસંદ નાપસંદને જાણતા હતા. પણ કદી મારી અંદરની ફીલિંગ્સ મેં કહી નહિ. કારણ કે હું એને ગુમાવવા નહતો માંગતો. કારણ કે મને એ ખબર જ નહતી કે શ્રી મને લઈને કેવું ફિલ કરે છે? ઘણી કોશિશ કરી હતી તેના હૃદય સુધી પહોંચવાની પણ કદી પહોંચી જ ન શક્યો.” એક નિરાશ અવાજે સતિષ બોલ્યો.
“પણ એ કઈ રીતે? તમે બંને એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ હતા. એકબીજાની દરેક વાત જાણતા હતા. તો પછી તુ એના હાર્ટ સુધી પહોંચવામાં નિષ્ફળ કેમ ગયો? એવું શું બન્યું હતું કે તુ એ ઘટનાને યાદ કરતા નિરાશ થઈ ગયો?” નરેશે કહ્યું.
“નરેશ. તારી બધી વાત સાચી. આ બાબતો ઉપરાંત શ્રી અને હું એકબીજા વગર રહી પણ નહતા શકતા. મને હજુ એ દિવસ યાદ છે જ્યારે હું તાવના કારણે શાળાએ જતો નહતો એ સમયે શ્રી મારા બધા મિત્રોને વારંવાર મારી તબિયત પૂછતી રહેતી. કેટલી કેર કરતી હતી એ મારી! એ સમયે મારા ભાભી આરોગ્ય ખાતામાં હોવાથી અમારી શાળામાં વિદ્યાર્થીઓના હેલ્થ ચેકપ માટે આવ્યા હતા. એ સમયે હું બીમાર હતો. ત્યારે ખબર છે એક આશ્ચર્યજનક ઘટના બની.” સતિષ બોલ્યો.
“કઈ ઘટના?” નરેશે આતુરતાથી પૂછ્યું.
“એ દિવસે હું ગેરહાજર હતો. મારા ભાભી શ્રીને નહતા ઓળખતા પણ શ્રી મારી વાતોને કારણે મારા ભાભીને ઓળખતી. તે રિસેસમાં સીધી મારા ભાભી પાસે ગઈ અને કહેવા લાગી- નિશિતાભાભી સતિષ કેમ નથી આવ્યો? આજે એના વગર મજા નથી આવતી. કાલે તેને શાળાએ જરૂર મોકલજો. જો એ આવવાની ના પાડે તો કહેજો કે જો એ નહિ આવે તો શ્રી તેની સાથે વાત નહિ કરે.” સતિષે કહ્યું.
“વાહ! આ શ્રી તો ખૂબ ફાસ્ટ છે. તારી ફેમલીને બહુ વહેલા સ્વીકારી લીધી. પણ ભાભીએ તને આ વિશે કઈ કહ્યું નહીં?” નરેશે પૂછ્યું.
“હા તેમણે રાત્રે મને પૂછ્યું કે નિશાળમાં તારી કોઈ બહેનપણી છે? એ સાંભળતા હું શરમાઇ ગયો અને બોલ્યો- ના હું તો છોકરો છું. મારે અને બહેનપણી? કેવી રીતે હોઈ શકે? હા ભાઈબંધ ઘણા છે. પણ તમે કેમ પૂછો છો? તેમણે જવાબમાં કહ્યું- તો આ શ્રી કોણ છે?” સતિષ અટકી ગયો.
“તો તે શું જવાબ આપ્યો?” નરેશે પૂછ્યું.
“મેં કહ્યું- જસ્ટ ફ્રેન્ડ છે. અમે બંને ભણવામાં એકબીજાની બુક્સ એક્સચેન્જ કરીએ છીએ. તેથી એ મારી ફ્રેન્ડ જ થઈ ને? ત્યાંથી વાત પતી ગઈ. પછી આગળ ભાભીએ વધારે પૂછ્યું નહિ.” સતિષ બોલ્યો.
“હમ્મ. લગભગ એમણે પણ સમજી ગયા હશે કે જસ્ટ ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ ન થાય. સમથિંગ સમથિંગ.” નરેશ મજાક કરતા બોલ્યો.
“હા એ મને ત્યારે ખબર પડી જ્યારે મારા ફુઈના છોકરાના લગ્ન હતા. એ સમયે લગ્નમાં હાજરી આપવા આવેલું મહિલા મંડળ અમારા ઘરે ગપ્પા લગાવી રહ્યું હતું. લગ્નના માહોલને કારણે હું પણ ચકાચક થઈને નવા કપડામાં અને સ્ટાઈલિશ થઈને આમતેમ આંટા મારતો હતો. હું ઘરમાં પાણી પીવા ગયો ત્યારે મારી ફુઈની છોકરી મારી મજાક કરતા બોલી- શુ વાત છે સતિષભાઈ આ લગ્નમાં કોઈ મળી તો નથી ગયું ને કે આટલા સ્ટાઇલમાં ફરો છો. તેનો જવાબ હું ન આપી શક્યો પણ ભાભીએ આપ્યો.” સતિષ બોલ્યો.
“નિશિતાભાભીએ વળી શુ જવાબ આપ્યો?” નરેશે પૂછ્યું.
“તેમણે કહ્યું- આ લગ્નમાં તેને કોઈ મળે કે ન મળે પણ એક છોકરી તો નક્કી જ છે. અમારે તો શ્રીને જ સતિષની વહુ તરીકે ઘરે લાવવાની છે. અત્યારે તે આઠમા ધોરણમાં આવ્યો છે. જો દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષા તેણે સારી ટકાવારીથી પાસ કરી તો હું ચોક્કસ શ્રીના ઘરે સતિષનું માંગુ નાખવાની છું. પણ શરત એ છે કે એ દસમુ સારી ટકાવારીથી પાસ કરે.” સતિષ ખુશ થતા બોલ્યો.
“ખરેખર એ સાંભળીને તારા હરખનો પાર નહિ રહ્યો હોય.” નરેશે કહ્યું.
“હા પણ મને હસતો જોઈને તે બોલ્યા- બહુ ખુશ થવાની જરૂર નથી. માંગુ નાખીશું પણ લગ્ન તો કોઈ સારી ગવર્મેન્ટ જોબ મળે પછી જ થશે. એટલે અત્યારથી મહેનત કરવાનું સ્ટાર્ટ કરી દે.” સતિષ બોલ્યો.
“બરાબર છે. ભાભીનો નિર્ણય મને બહુ ગમ્યો.” કહેતા નરેશ ખડખડાટ હસી પડ્યો.
“પણ એ બધું જ વ્યર્થ હતું. બસ એક વાત બનીને રહી ગયું.” સતિષ નિસાસો નાખતા બોલ્યો.
“એ કઈ રીતે? શુ આ શરત પુરી કરવા તુ સક્ષમ ન હતો? કે પછી તને આ શરત મંજુર ન હતી?” નરેશે પૂછ્યું.
“ના એવું નહતું. શરત મારા માટે અઘરી નહતી પણ આ માત્ર વાત બનીને રહી ગઈ. કારણ કે શ્રી અને મારી મિત્રતા આઠમા ધોરણમાં જ પુરી થઈ ગઈ.” સતિષ બોલ્યો.
“એવું વળી શુ થયું કે તમારી મિત્રતા સમાપ્ત થઈ ગઈ અને એ માત્ર એક વર્ષમાં જ? શુ તે તેને પ્રપોઝ તો નહતી કરીને?” નરેશે ફરી મજાક શરૂ કરી.
“પ્રપોઝ? યાર મારામાં તેની સાથે સામેથી વાત કરવાની હિંમત પણ નહતી. જ્યારે તે મારી સાથે વાત કરવાની શરૂઆત કરતી ત્યારે જ હું મારા શબ્દો વ્યક્ત કરતો. તેણે એ સમયે મારી મિત્રતા કેમ તોડી નાખી એ કારણ તો હું આજ દિન સુધી શોધી રહ્યો છું. મેં તેની પાસે ઘણી વખત કારણ જાણવાની કોશિસ કરી પણ તેણે મને જવાબ આપવાનું જ બંધ કરી નાખ્યું હતું. એ તો ઠીક પણ બધા વચ્ચે મને નીચો દેખાડવાના પ્રયત્નો કરતી હતી. ઘણી વાર સફળ પણ થઈ છે.” સતિષ બોલ્યો.
“તુ મને એ કે આ બધું શરૂ ક્યારે થયું? આઈ મીન કોઈ પ્રસંગ પછી, કોઈ ખાસ દિવસ પછી વગેરે.” નરેશે પૂછ્યું.
“હા. મારી યાદ પ્રમાણે આ બધુ સાતમાનું પરિણામ જાહેર થયુ ત્યારથી.” સતિષે જણાવ્યું.
“પરિણામ વખતે? સતિષ એ દિવસે પરીક્ષાનું પરિણામ શુ આવ્યું હતું?” નરેશે પૂછ્યું.
“પરિણામ વખતે શ્રી ફર્સ્ટ આવી હતી અને હું સેકન્ડ આવ્યો હતો. પણ તેનું ફર્સ્ટ આવવું મિત્રતાની સમાપ્તિનું કારણ ન હોઈ શકે.” સતિષ બોલ્યો.
“સતિષ મને આ કહેતા માફ કરજે. કદાચ મારી આ વાત તને કડવી લાગશે પણ તારી વાત સાંભળીને મારુ લોજીક આ પરિણામ જણાવે છે.” નરેશે કહ્યું.
“લોજીક? હું કઈ સમજ્યો નહિ. તુ મારો મિત્ર છો. તારી એકપણ વાત મને કડવી નહિ લાગે અને જો લાગશે તો એ મારા હિત માટે જ હશે. તુ બિન્દાસ થઈને જણાવ. તારુ લોજીક શુ છે?” સતિષ બોલ્યો.
“સતિષ તારી અને શ્રીની સ્ટોરી મને લવસ્ટોરી કરતા રિવેન્જસ્ટોરી વધુ લાગે છે.” નરેશ બોલ્યો.
“પણ એ કઈ રીતે? તુ આ શેના દ્વારા કહી શકે?” સતિષ પૂછવા લાગ્યો.
“સિમ્પલ લોજીક છે. તારી વાત મુજબ છઠ્ઠા ધોરણમાં તુ ફર્સ્ટ આવ્યો અને શ્રી સેકન્ડ આવી. તો સ્વાભાવિક છે કે શ્રીને ખૂબ દુઃખ થયુ હશે. કારણ કે ચોથા ધોરણથી લઈને શ્રી જ ફર્સ્ટ આવતી હતી. એની જગ્યાએ તુ હોત તો તને પણ એવું જ દુઃખ થાત.” નરેશે કહ્યું.
“હા થાય જ પણ આ પરથી સાબિત શુ થાય છે? મને તો કઈ સમજાયું નહીં.” સતિષ બોલી ઉઠ્યો.
“મારા મતે શ્રીએ તને હરિફની જેમ ટ્રીટ કરવાને બદલે તને બેસ્ટ ફ્રેન્ડ તરીકે ટ્રીટ કર્યો. જેથી કરીને તુ એની સાથે હરીફાઈમાં ન ઉતરે. આમ જોઈએ તો બસ શ્રીએ તને મીઠી મીઠી વાતોમાં જકડી રાખ્યો. પરિણામે તે અભ્યાસમાંથી ધ્યાન લઈને શ્રી પર લગાવ્યું અને શ્રીએ તેની સ્ટડી પર. શ્રીએ તને મિત્ર બનાવ્યો કારણ કે તે મારી જેમ સારી રીતે જાણતી હતી કે તારું ઈમોશનલ લેવલ બહુ હાઈ છે. તુ લાગણીવશ થઈને તરત જ નિર્ણય કરી નાખશ. તે આત્મહત્યા કરવાનો નિર્ણય પણ લાગણીવશ થઈને જ કર્યો છે. સતિષ હું તને ખોટો દિલાસો આપવાવાળો મિત્ર નથી. પણ તુ સ્વીકારે કે ન સ્વીકારે શ્રીએ ફક્ત તને યુઝ કર્યો છે. મને માફ કરજે પણ મારા મત પ્રમાણે આ જ વાસ્તવિકતા છે.” નરેશ એકદમ ચૂપ થઈ ગયો.
“તારું લોજીક બરાબર જ છે. એ સમયે મારા મિત્રો પણ તારી વાત જ મને સમજાવતા હતા પણ એ સમયે હું માનવા તૈયાર જ નહતો. પણ ફર્સ્ટ આવેલી શ્રીના ચહેરા પર અભિમાનને સ્પષ્ટ જોઈ શકતો હતો. ભલે એ મને નીચો સમજતી પણ મેં તેને હમેશા મારા મનમાં ઉચ્ચ સ્થાને જ જોઈ છે.” સતિષ બોલ્યો.
“સતિષ સતિષ.. સતિષ. એ સમયે તે જેટલી શ્રીને ચાહી એટલો જ પ્રેમ તારી જાતને કર્યો હોત તો તારામાં કદી આત્મહત્યા કરવાનો વિચાર ન આવત. પણ જે થયું એ થયું. આગળ બોલ પછી શુ થયું? શુ શ્રી ફરી નોર્મલ થઈ?” નરેશે કહ્યું.
“નોર્મલ? અરે નોર્મલની ક્યાં વાત કરશ. એ એટલી હદે બદલી ગઈ કે તે મારો ચહેરો જોવા પણ નહતી માંગતી. જેટલી ગાઢ મિત્રતા હતી એના કરતાં પણ ગાઢ દુશ્મની થઈ ગઈ હતી.” સતિષ બોલ્યો.
“સરવાળે તમે તમારા પહેલા સંબંધ પર આવી ગયા. ખરેખર સતિષ, કારણ કઈક મોટું હોવું જોઈએ. અચાનક ઋતુ બદલાઈ કેમ ગઈ?” નરેશે પૂછ્યું.
“હવે એનો જવાબ તો માત્ર શ્રી જ આપી શકે. મેં ઘણી વખત આ બાબત જતી કરી. પછી મેં પણ શ્રી જેવું વર્તન શ્રી સાથે કરવાનું શરૂ કરી દીધું. સમય જતા બંને એકબીજાની સામે આવે એવું કોઈ કારણ જ ન રહ્યું.” સતિષ બોલ્યો.
“કેમ? એવું વળી શુ થયું?” નરેશે પૂછ્યું.
“આઠમા ધોરણમાં શ્રી ફર્સ્ટ આવી અને હું હમેશાની જેમ સેકન્ડ. શ્રીએ આગળનો અભ્યાસ શરૂ રાખ્યો. શ્રીના વિરહને કારણે મારો સ્વભાવ બદલાઈ ગયો હતો. જે સતિષ શાંત છોકરો કહેવાતો એ સતિષ અંગારનું ઉદાહરણ બની ગયો. કારણ વગરનો ગુસ્સો, વડીલો સાથે અસભ્યતાથી વાત કરવી વગેરે વિકૃતિ તેના એટલે કે મારામાં ઘર કરી ગઈ. પરિણામે મેં અભ્યાસ છોડી દીધો અને મામાને ત્યાં રહેવા ચાલ્યો ગયો. ત્યાં હું એકલો થઈ ગયો. એક વર્ષ ત્યાં કાઢ્યું. એ સમયે જિંદગીએ સારા નરશાનો પારખું બનાવી દીધો.” સતિષ પોતાની જિંદગીના દુઃખદ પળો યાદ કરતો હોય એવી રીતે તેની વાત વ્યક્ત કરી રહ્યો હતો.
“પછી તે ફરી અભ્યાસ કરવાનું નક્કી કર્યું એમ જ ને?” નરેશે વાતમાં વાત પરોવી.
“હા પછી મેં નવમું ધોરણ બોટાદ કર્યું. દસમુ પણ ત્યાં જ કર્યું. જ્યારે દસમા ધોરણમાં 69 ટકા આવ્યા ત્યારે શ્રી ખૂબ યાદ આવી. રડવું પણ આવ્યું કે મેં શરત પુરી કરી નાખી હોવા છતાં શ્રી મને મળે તેના કોઈ ચાન્સ નહતા. પણ મેં હાર તો સ્વીકારી જ નહતી.” સતિષ બોલ્યો.
“તારી વાત સાચી જ હતી કે શરત પુરી કરવી તારા માટે સરળ હતી અને શ્રીને મેળવવી ખૂબ અઘરી. પણ સતિષ શ્રી જ કેમ? દુનિયામાં ઘણી બધી છોકરીઓ છે જે શ્રીથી પણ સુંદર હશે. તો પછી શ્રી જ કેમ?” નરેશે પૂછ્યું.
“એનો જવાબ તો મારી પાસે પણ નથી નરેશ. શ્રી મારુ એવુ સપનુ હતુ જે હું ઊંઘમાં નહિ પણ જાગ્રત અવસ્થામાં જોતો. શ્રીને મેળવવા મેં શક્ય બધા પ્રયત્નો કર્યા હતા. આપણા ગામની હાઈસ્કૂલમાં મેં અમથુ કૉમર્સ નથી રાખ્યું. તને ખબર છે આપણા ગામની હાઈસ્કૂલમાં ભણવાની તારી સલાહ મેં તરત માની કેમ લીધી?” સતિષે પૂછ્યું.
“હા કારણ કે મેં પણ અગિયારમું અને બારમું ત્યાં કર્યું છે.” નરેશે જવાબ આપ્યો.
“ના એટલે નહિ. એ સ્કૂલમાં જવાનો મારો ઈરાદો એ હતો કે મારે શ્રીને ફરી મારા જીવનમાં લાવવી હતી.” સતિષ બોલ્યો.
“શ્રીને ફરી જીવનમાં લાવવી હતી? એ કઈ રીતે?” નરેશે પૂછ્યું.
“કારણ કે શ્રી ત્યાં બારમું ભણતી હતી. મારુ માનવું હતું કે જો હું એ સ્કૂલમાં જઈશ તો શ્રી કદાચ મને મળી જશે. પણ અફસોસ હું ખોટો હતો.” સતિષ કહેવા લાગ્યો.
“હમ્મ તો તું ત્યાં શ્રીને મળ્યો?” નરેશે પૂછ્યું.
“હા. સ્કૂલ શરૂ થયાનો બીજો દિવસ હતો. પ્રાર્થના પુરી થઈ અને બધા ક્લાસમાં આવી ગયા. દસ વાગતા રિસેસ પડી અને બધા રિસેસમાં ગયા. મેં શ્રીને શોધવાનું શરૂ કરી દીધું. હું નાસ્તાની કેબીન તરફ ગયો ત્યાં મારી સામે બે છોકરીઓ નાસ્તો લઈને આવી રહી હતી. એ બંનેમાંથી એક છોકરીએ ચશ્મા પહેરેલા હતા. બંને પોતાની વાતોમાં લિન હતી. તે ધીમે ધીમે મારી નજીક પહોંચી. હું એકદમ ટટાર ઉભો રહી ગયો. હૃદયના ધબકારા એકાએક વધી ગયા. છ વર્ષ પહેલાં અનુભવેલી લાગણી હું ફરી અનુભવી રહ્યો હતો. આંખોએ પલકારા મારવાનું બંધ કરી દીધું હતું. એક ઠન્ડો પવન મને સ્પર્શી રહ્યો હતો. વાતાવરણમાં આવેલો એ બદલાવ હું અનુભવી શકતો હતો. એ ચસ્મિશની સ્માઇલે મારા હૃદયના તાર ખેંચીને એક નવું સંગીત છેડી દીધું હતું અને એ મારા કાનમાં ગુંજવા લાગ્યુ હતું. શુ એ આનંદ હતો! એ ચસ્મિશ બીજું કોઈ નહિ પણ મારી શ્રી હતી. તેણે મારી સામે જોયુ પણ તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી.” સતિષ તેની કલ્પનામાં લિન થઈને બોલી રહ્યો હતો.
“પછી ક્યારેય તેણે તારી સાથે વાત કરી? કે પછી દુશ્મની જ ચાલી રહી હતી?” નરેશે મજાક કરતા કહ્યું.
“ના હું હમેશાથી જ તેની વાત શરૂ થયા પછી જ મારી વાત શરૂ કરતો. એ એક ટેવ બની ગઈ હતી મારી. તેથી મેં પણ કદી સામે ચાલીને તેની સાથે વાત ન કરી. તે બારમાં ધોરણમાં હતી અને હું અગિયારમા ધોરણમાં. તેથી હું માત્ર તેને રીસેસમાં જોઈ શકતો અને તેની સુંદરતાને નિહાળતો પણ. પ્રાથમિકમાં જે શ્રીનો લુક હતો એ એકદમ સિમ્પલ હતો. પણ અત્યારે તે ખૂબ ફેશનેબલ થઈ ગઈ હતી. એ મને ઘણું ગમ્યું હતું. કારણ કે મારી કલ્પનાની શ્રી ફેશનેબલ જ હતી. તેને બસ દૂરથી જોયા કરતો. આ બધું દિવાળીના વેકેશન સુધી ચાલ્યું. ન તેણે મારી સાથે વાત કરી ન મેં તેની સાથે. લગભગ તો એ મની ભૂલી જ ગઈ હતી. અને એ દિવસ પણ આવી ગયો જે મેં કદી વિચાર્યો પણ નહતો.” સતિષ બોલ્યો.
“શુ થયું હતું એ દિવસે? શ્રીએ તારું પ્રપોઝલ રિજેક્ટ તો નહતું કર્યું ને?” નરેશે મજાક કરતા કહ્યું.
“હા પ્રપોઝલ રિજેક્ટ કર્યું હતું. પણ મારું નહિ. તેના એક ક્લાસમેટનું. તેની સાથે ભણતા મારા મિત્રના મિત્રએ તેને પ્રપોઝ કરી હતી. શ્રીએ તેનું પ્રપોઝલ રિજેક્ટ કર્યું. એ પ્રપોઝલથી મને કોઈ વાંધો ન હતો. વાંધો મને ત્યારે પડ્યો જ્યારે મારા મિત્રએ મને શ્રીનો જવાબ સંભળાવ્યો.” સતિષ બોલ્યો.
“એવો તે વળી શુ જવાબ હતો? બોલ મારે પણ સાંભળવો છે.” નરેશે કહ્યું.
“તેણે જવાબમાં કહ્યું- સોરી પણ હું તારું પ્રપોઝલ સ્વીકારી નહિ શકું. કારણ કે મારે ઓલરેડી બે બોયફ્રેન્ડ છે અને મારું એમની સાથે બે વર્ષથી અફેર ચાલે છે. માત્ર ફ્રેન્ડશિપ રાખવી હોય તો વિચારીએ.” સતિષે જણાવ્યું.
“બે બોયફ્રેન્ડ! બે વર્ષથી અફેર! અરે આ બોલતા કઈ વિચાર્યું પણ નહીં. આ શ્રી ખરેખર કલાકાર છે. આવી હિંમત તો સતિષ મારા પણ નથી કે કોઈ છોકરીને હું જણાવી શકું કે મારી આટલી ગર્લફ્રેંડ છે.” નરેશે કહ્યું.
“બસ તેના એક જવાબે અને ખાસ તો જવાબમાં બોલેલા શબ્દોએ મારા હૃદયને વીંધી નાખ્યું. એ શબ્દ ન હતા પણ મારા જીવનની સમાપ્તિનો આરંભ હતો. જે દિવસે મેં શ્રીનો એ જવાબ સાંભળ્યો ત્યારે જેટલો હું દુઃખી થયો એટલો જીવનમાં ક્યારે પણ નહતો થયો. તેના પર ગુસ્સો એ વાતનો હતો કે મારા મનમાં હું તેને ખૂબ ભોળી સમજતો હતો. પણ આ તો ખૂબ ફાસ્ટ નીકળી. એક હોય તો પણ સમજ્યા કે માણસ છીએ. કોઈકના પ્રેમમાં તો પડીએ જ. પણ અહીં વાત જુદી જ હતી. મારા ઘણા મિત્રો કહેતા કે શ્રી મારા માટે યોગ્ય નથી પણ એ સમયે હું તેઓની સાથે ઝઘડો કરી નાખતો. પણ તે લોકો ઘણી હદે સાચા નીકળ્યા. દુઃખ અને ગુસ્સાએ ભેગા મળીને મને એક જ રસ્તો બતાવ્યો માત્ર આત્મહત્યાનો. એ મને યોગ્ય પણ લાગ્યો. કારણ કે જેની યાદમાં અને જેની માટે અત્યાર સુધી સ્ટ્રગલ કરી રહ્યો હતો. જેના દરરોજ ઉઠીને સપના જોતો હતો. એ શ્રી જ મારી પાસે ન હોય તો એ લાઈફ જ નકામી છે. બસ આ જ કારણ હતું કે મારે આત્મહત્યા જેવું તુચ્છ પગલુ ભરવું પડ્યું.” સતિષ ચૂપ થઈ ગયો.
“સતિષ. હું તારું દુઃખ સમજી શકું છું. પણ કહેતા દુઃખ થાય છે કે તું જેને પ્રેમ કહે છે એ પ્રેમ નથી. બસ એક પ્રકારનો તારો વહેમ છે. એ વાસ્તવિકતા છે. ઇટ ઇઝ નોટ લવ.” નરેશે કહ્યું.
“શુ તો મારી શ્રી પ્રત્યેની બધી જ ફીલિંગ્સ ખોટી છે? શુ મેં પ્રેમ નથી કર્યો? એક શ્રી માટે મારી જીવનની દિશા બદલી બરબાદી તરફ લઈ ગયો. છેવટે તેના વિરહમાં આત્મહત્યાની પણ કોશિશ કરી તેમ છતાં મેં પ્રેમ નથી કર્યો? બસ ફિલ્મોમાં થાય એ જ પ્રેમ હોય શકે? શુ મેં અનુભવેલી દરેક લાગણીમાં ક્યાંય પ્રેમ નથી?” સતિષ ગુસ્સે થઈ બોલવા લાગ્યો.
“હું એવું નથી કહેતો કે તારી ફીલિંગ્સ ખોટી છે. ફીલિંગ્સ સાચી જ છે પણ પ્રેમ તો નથી જ. હું તને હવે વાસ્તવિકતા સમજાવું. બસ તુ મારી વાતને ધ્યાનથી સાંભળજે અને મારા અમુક પ્રશ્નોના જવાબ આપજે. ઓકે?” નરેશે પૂછ્યું.
“હા બોલ. મારે પણ જાણવું છે પ્રેમ કેમ નહિ? તુ બસ મને કારણ આપ.” સતિષ બોલ્યો.
“હા તો મારી વાત શરૂ કરું છું. સાંભળજે.” નરેશે કહ્યું.