a new beginning - 3 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૩

નરેશે સતિષને સમજાવતા કહ્યું....
“તને જે ઉંમરે પ્રેમ થયો એ પ્રેમ ન હતો માત્ર આકર્ષણ હતું. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે બાળક તેની તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે તેનામાં રહેલા હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. અને માત્રને માત્ર આ હોર્મોન્સને કારણે બાળક તેના ઓપોઝિટ જેન્ડર પ્રત્યે આકર્ષાયા કરે છે. આઈ મીન છોકરીનું છોકરા તરફ અને છોકરાનું છોકરા તરફ આકર્ષણ હોઈ છે. તારા કિસ્સામાં પણ આ જ કારણ છે. પણ આ દ્વારા હું એ સાબિત નથી કરતો કે તારી જે કાંઈ શ્રી પ્રત્યેની લાગણી છે એ તદ્દન ખોટી છે.”
“નરેશ. આ બાબત તો હું પણ જાણું છું કે તરુણાવસ્થામાં આ ફેરફાર જોવા મળે છે. પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી માત્ર આ શારીરિક આકર્ષણ હોય છે. પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું કદી તેના શરીરથી પ્રભાવિત નથી થયો. જ્યારે અમારી વચ્ચે વાતો થતી ત્યારે અમારી વચ્ચે અંતર પણ રહેતુ. તો એ આકર્ષણ તો ન જ હોઈ શકે એવું મારુ માનવું છે.” સતિષ બોલ્યો.
“સતિષ. હું જાણું છું કે તુ પણ વિજ્ઞાન ભણેલો છો અને આ બધી બાબતોને સારી રીતે જાણે છે. અત્યારે જે તુ બોલ્યો એ સો ટકા સાચી વાત છે પણ આકર્ષણ માત્ર હોર્મોન્સના પ્રભાવ હેઠળ થાય એવું જરૂરી નથી. બીજા માધ્યમથી પણ આકર્ષણ થતું હોય છે એવું મારુ માનવુ છે.” નરેશે પોતાનો વિચાર વ્યક્ત કરી કહ્યું.
“તો તારા કહેવા પ્રમાણે આકર્ષણ બીજા માધ્યમો દ્વારા પણ થઈ શકે! એ કઈ રીતે?” સતિષ આતુરતાથી પૂછવા લાગ્યો.
“તુ મને એ જણાવ જ્યારે તુ છઠ્ઠામાં ભણતો હતો ત્યારે તુ ટીવીમાં સૌથી વધારે શું જોતો?”નરેશે પૂછ્યું.
“આઈ થિંક એ સમયે હું ડોરેમોનના કાર્ટૂન ખૂબ જોતો. પણ તુ આ શા માટે પૂછે છે?” સતિષ બોલ્યો.
“તને એ કાર્ટૂન કેમ ગમતુ એ હું સારી રીતે જાણું છું. કારણ કે મેં ઘણી વખત એ કાર્ટૂન જોયું છે.” નરેશે હસીને કહ્યું.
“એવું..તો બોલ કે મને એ શા માટે ગમતુ?” સતિષ હસીને પૂછવા લાગ્યો.
“એ કાર્ટૂનમાં એક ડોરેમોન નામનો રોબોટ બાવીશમી સદીમાંથી એકવીસમી સદીમાં ટાઈમ ટ્રાવેલ કરીને નોબીતા પાસે આવે છે. તે નોબીતાને જણાવે છે કે જો તેને ભવિષ્યમાં સીઝુકા સાથે લગ્ન કરવા હોય તો તેના વર્તમાનમાં સીઝુકાને ખુશ રાખવી પડશે અને તેને વારંવાર ઈમ્પ્રેસ કરવી પડશે. આ કાર્યને પાર પાડવા ડોરેમોન નોબીતાને વાંરવાર ગેજેટ આપતો હોય છે જેની મદદથી તે સીઝુકાને ઈમ્પ્રેસ કરી શકે. મારી જાણકારી મુજબ આ કાર્ટૂનની સ્ટોરી કઈક આવી હતી. સાચુ ને? બસ તેની આવી સ્ટોરી, આમ તો લવસ્ટોરીના કારણે જ ટીનેજર્સને આ કાર્ટૂન ખૂબ ગમતું. દરેક આ કાર્ટૂન જોનાર બાળકે એક સપનુ તો જોયું જ હશે કે કાશ તેમના જીવનમાં પણ એક ડોરેમોન હોત.” નરેશે કહ્યું.
“હા નરેશ. તારી વાત તદ્દન સાચી છે. મને તેની આ સ્ટોરીના કારણે જ તે ખૂબ પસંદ હતુ. પણ ડોરેમોન અને આકર્ષણને શુ સંબંધ?” સતિષે પૂછ્યું.
“હું આ કાર્ટૂન પ્રત્યે રસ જાગે એટલે આ બધુ નથી કહી રહ્યો. આ એક પ્રકારની સાઇકોલોજી છે. આપણે જે વ્યક્તિ કે વ્યક્તિની લાઈફ સ્ટાઈલથી પ્રભાવિત થઈએ. આપણુ મન સતત આપણને એવુ જ બનવા પ્રોત્સાહિત કરે છે. વિશ્વાસ ન આવતો હોય તો ફિલ્મ એકટર્સના ચાહકોને જોઈ લે. તે લોકો એકટરથી એટલા પ્રભાવિત થયા હોય છે કે તેમની બોલવાની સ્ટાઇલ, તેમની હેર સ્ટાઇલ અને તેમના કપડાં વેગેરે બાબતોને કોપી કરી તેમના જેવુ જ બનવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત તેમની કોઈ ફિલ્મની સ્ટોરી પણ ચાહકોના જીવનમાં હકીકતમાં બની રહી છે એવું સતત તેમને લાગ્યા કરે છે. આ ફક્ત તારી સાથે કે મારી સાથે નથી થતુ એ દરેક વ્યક્તિ સાથે થતું હોય છે પણ અમુક માણસો આ બાબતને કન્ટ્રોલ કરી શકતા હોય છે તેથી તેમના જીવનમાં આ બાબત જોવા મળતી નથી. આ બધુ કહેવાનો હેતુ માત્ર મારો એટલો જ છે કે જે પ્રેમની વાત તુ કરશ એ તારા અંદરથી નથી આવ્યો. તે ડોરેમોનની સ્ટોરીને લઈને આકર્ષણરૂપે તારામાં ઉત્પન્ન થયો હતો. એ કાર્ટૂનમાં નોબીતા જેમ સીઝુકાને ઈમ્પ્રેસ કરવા મથી રહ્યો હતો એવી રીતે તે પણ તારા ભૂતકાળમાં એ જ કર્યું છે. તુ પણ હમેશા શ્રીને ઈમ્પ્રેસ કરવા મથતો રહેતો સાચું ને? સતિષ તુ માને કે ન માને આ જ વાસ્તવિકતા છે. પણ આ બધા વચ્ચે તારી જે કાંઈ લાગણી શ્રી તરફ હતી જેમ કે તુ તેને હમેશા ખુશ જોવા માંગતો, તેની સાથે વાત કરતી વખતે તને સારું ફિલ થતુ એ બધું જ સાચું છે પણ તુ જે સમજ્યો એ પ્રેમ નહિ પણ આકર્ષણ હતુ.” નરેશે કહ્યું.
“તો એનો અર્થ અત્યાર સુધી હું ભ્રમમાં જીવી રહ્યો હતો? મારો પ્રેમ પ્રેમ નહીં પણ આકર્ષણ હતુ? તો શ્રી સાથેની મારી બધી જ લાગણીઓ ખોટી છે? તેની સાથે મેં આનંદમાં વિતાવેલા દિવસોનો કોઈ અર્થ નથી? યાર નરેશ મને કંઈ સમજાતું નથી.” સતિષ માથા પર હાથ રાખી નિરાશ થઈ ગયો.
“સતિષ તુ હજી પણ ભ્રમમાં જ જીવી રહ્યો છે.” નરેશે કહ્યું.
“હજી પણ હું ભ્રમમાં જીવી રહ્યો છું? એ કઈ રીતે?” સતિષ પૂછવા લાગ્યો.
“હા આ ભ્રમ જ કહેવાયને. જે પ્રેમ તને કદી મળવાનો જ નથી તેને મેળવવાની ઝંખના એટલી હદે કરવી કે નિષ્ફળતા મળતા ઈશ્વર સાથે વિશ્વાસઘાત કરવો?” નરેશે કહ્યું.
“વિશ્વાસઘાત? યાર નરેશ મેં ઈશ્વર સાથે કેવો વિશ્વાસઘાત કર્યો? તને ખબર પણ છે તુ મને શું કહી રહ્યો છો?” સતિષ કહેવા લાગ્યો.
“હા હું બધુ ભાનમાં જ કહી રહ્યો છું. તે ઈશ્વર સાથે વિશ્વાસઘાત કર્યો છે. એ જ ઈશ્વર સાથે જેણે એક વિશ્વાસ સાથે આ ધરતી પર તને મોકલ્યો હતો. તેને તારા પર પૂરો વિશ્વાસ હતો કે તુ જીવનની નિષ્ફળતા સામે ઝુકીશ નહિ. તુ તેને સફળ બનાવવા પ્રયત્ન કરીશ. એ માટે એ તારી મદદ પણ કરવા તૈયાર હતો અને તે માત્ર એક છોકરી જીવનમાં ન આવવાથી તે નિષ્ફળતા સામે હાર સ્વીકારી આત્મહત્યા કરવાનો નિર્ણય કરી નાખ્યો? શુ આ વિશ્વાસઘાત નથી? ખરેખર શ્રીએ તારી સાથે બરાબર જ કર્યું છે. તારી જેવા કાયર માણસની પત્નિ તો શું ગર્લફ્રેંડ બનવામાં પણ કોઈને રસ નહિ હોય. શુ બીજા છોકરાઓના જીવનમાં આ પ્રોબ્લેમ્સ નહિ આવતા હોય? તને જેટલુ દુઃખ થાય છે એટલું તે લોકોને પણ થતું હશે. પણ એ લોકો તારી જેમ મરવાનું પસંદ નથી કરતા. જીવી બતાવે છે. પોતાની જાતને એવી બનાવી નાખે છે કે છોકરીઓ સામેથી તેમની સાથે ફ્રેન્ડશિપ કરવા આવે છે. શુ તારામાં એટલી હિંમત ન હતી કે તુ તારી જાતને પ્રેમ કરી શકે? સતિષ દુનિયામાં બીજાને પ્રેમ કરવો ખૂબ સહેલો છે પણ પોતાની જાતને
પ્રેમ કરવો ખૂબ અઘરો છે.” નરેશ ગુસ્સો કરતા બોલ્યો.
“નરેશ તુ સાચો છે. મારો મિત્ર છે. મને તારા ગુસ્સામાં પણ મારું હિત દેખાય છે. મને તારી વાતોથી કોઈ દુઃખ નહિ પહોંચે. તુ માત્ર મને એક વાત જણાવને કે અત્યાર સુધી ભ્રમ હતો તો મને ખરેખર પ્રેમ ક્યારે થશે? અને તે પ્રેમ હશે કે આકર્ષણ? અને મારે મારી જાતને પ્રેમ આપવા શુ કરવું? નરેશ હવે મારે મારા સર્જનહારને નથી છેતરવો. તુ સાચું જ બોલી રહ્યો હતો. મેં ઈશ્વર સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારામાં પહેલાનો સતિષ નથી રહ્યો. જે હમેશા નિષ્ફળતાની સીડી પર ચાલીને સફળતાની ઉંચાઈએ જવા માંગતો હતો. આ શ્રીને મેળવતા મેળવતા હું મારી જાતને જ ભૂલી ગયો. ના હવે બહુ થયુ. મારે મારી જાતને ન્યાય આપવો જ પડશે.” સતિષ બોલવા લાગ્યો.
“હવે મને તુ જ સતિષ છો એવું લાગે છે. એક મિત્ર તરીકે હું હમેશા પોઝિટિવ એટીટ્યુડવાળા સતિષને જ જોવા માંગુ છું. રહી વાત તારા સવાલોની તો સાંભળ...” નરેશે કહ્યું.
“હા હા હું સાંભળું છું. મારે જવાબ જોઈએ જ.” સતિષે કહ્યું.
“પ્રેમ ક્યારે થશે એ હું નથી જાણતો પણ આકર્ષણ સૌથી પહેલા થશે એ વાત સો ટકાની છે. કારણ કે પ્રેમનું પહેલું પગથિયું જ આકર્ષણ છે આવું મારુ માનવું છે. બીજી વાત કે તારી જાતને પ્રેમ કરવા બસ તારે એ જ કરવાનું જે તને અંદરથી વાંરવાર આવતું હોય. કોઈને ઈમ્પ્રેસ કરવાના કાર્ય કરવાને બદલે તને ક્યાં આનંદ આવે છે એ કાર્ય વધારે કરવા. તને ગમતી બધી જ પ્રવૃત્તિ કરવી. ગામ શુ વિચારશે એ તારે નથી વિચારવાનું. બસ સૌથી પહેલા પોતાની જાતને પ્રેમ કરતા શીખી જા અને દેખાડી દે પેલી શ્રીને કે તેણે શુ ગુમાવ્યું છે.” નરેશે કહ્યું.
“એ તો હું સમજી ગયો પણ મને ખરેખર પ્રેમ ક્યારે થશે એનો જવાબ?” સતિષ પૂછવા લાગ્યો.
“એનો પણ જવાબ છે. તુ મને એ જણાવ કે શ્રી તને શા માટે પસંદ હતી? જો હોય એવું કહેજે. જરા પણ ફિલ્મી થયો છે ને તો..” નરેશ મજાક કરતા બોલ્યો.
“શ્રી મને એટલે ગમતી કારણ કે મારે જે ગુણો જોઈતા હતા એ બધા જ તેનામાં મને જોવા મળતા. એ સુંદર હતી. મારી કેર કરતી હતી. હમેશા મને એવું ફિલ કરાવતી કે બસ તે મારા માટે જ બની છે. ખાસ તો એ કે મારી ગેરહાજરીથી તેને ફરક પડતો. બસ આ બધુ શ્રીમાં મને જોવા મળતુ. તેથી જ તે મને પસંદ હતી.” સતિષ કહેવા લાગ્યો.
“બસ આટલુ જ. તો તો જવાબ સિમ્પલ છે. જ્યારે તને કોઈ અન્ય છોકરીમાં આ બધા ગુણો દેખાશે ત્યારે તને એની સાથે ખરેખર પ્રેમ થશે. કારણ કે પ્રેમ તને શ્રી સાથે નહતો પણ તારા કિધેલા ગુણો સાથે હતો. જો તને શ્રી સાથે જ પ્રેમ હોત તો તે તેની સાથે ગમે તેમ જીવવાનું વિચાર્યું હોત. ન કે તેના વગર મરવાનું. તારી પાસે આ સુંદર જીવન છે. તારા આ જીવનકાળ દરમ્યાન કોઈક છોકરી તો એવી આવશે જ કે જેનામાં તારા કિધેલા ગુણો હશે. બસ માત્ર રાહ જો. કદાચ એ દિવસો દૂર પણ નહોય.” નરેશે કહ્યું.
“પણ નરેશ.. શ્રીના ગયા પછી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન આપવું યોગ્ય રહેશે? શુ ખરેખર આ તને યોગ્ય લાગે છે? જીવનમાં તો પ્રેમ ફક્ત એક વ્યક્તિ સાથે જ થાય છે ને? તો પછી શ્રીની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને સ્થાન આપવું?..”સતિષ કહેવા લાગ્યો.
“યાર હજી પણ તુ શ્રીમાં અટક્યો છો? અત્યાર સુધી જેટલો સમજાવ્યો એ બધું વ્યર્થ છે. યાર શ્રી તારી જગ્યાએ બે બોયફ્રેન્ડ રાખી શકે છે તો તુ શ્રીની જગ્યાએ..” નરેશ બોલતા અટક્યો.
“જો સતિષ. આ બધુ ફિલ્મમાં સારું લાગે. ફિલ્મ કરતા વાસ્તવિકતા જુદી હોય છે. હું એમ કહેવા નથી માંગતો કે શ્રી કેરેક્ટરલેસ છે. સ્ત્રી હમેશા પવિત્ર હોય છે. તો શ્રીના ચરિત્ર પર મને કંઈપણ બોલવાનો અધિકાર નથી. પણ આ લાઈફ તારી છે. શા માટે એક શ્રીને લઈને તારા જીવનની પ્રગતિ અટકાવી રહ્યો છે? કદાચ એવું પણ બની શકે ને કે કોઈ બીજી શ્રી તારી રાહ જોઈ રહી હોય? શુ તારી લાગણીઓની હકદાર ફક્તને ફક્ત શ્રી જ છે? સતિષ કોઈ એક વ્યક્તિને લીધે જિંદગી અટકી નથી જતી. જો તુ લાઈફમાં કઈક બનીશ તો શ્રીને પણ ગમશે. હું એ શ્રીની વાત નથી કરી રહ્યો જે તારો ચાઈલ્ડહુડ લવ હતો. હું એ શ્રીની વાત કરી રહ્યો છું જે ખરેખર અને ફક્તને ફક્ત તારી જ હશે. અત્યારે તે કોઈપણ પગલુ ભરવાનું શરૂ નથી કર્યું. અત્યારે તને મારી વાતો કદાચ ન પણ સમજાય પણ એક વખત તે મારી કહેલી વાતોને અનુસરવાનું શરૂ કરી દીધું એટલે આ જિંદગી જ તને બધુ સમજાવી દેશે. હું તો ફક્ત એટલું જ કહીશ કે પહેલા તારી જાતને પ્રેમ કરતા શીખ. એક મિત્ર તરીકે મારે જેટલુ માર્ગદર્શન તને આપવું જોઈએ એ મેં આપી દીધું. હવે તેનો ઉપયોગ કરવો કે ન કરવો એ તારી જવાબદારી છે.” નરેશે કહ્યું.
“નરેશ હજી એક મૂંઝવણ છે. જરા મારી મદદ કરને.” સતિષ બોલ્યો.
“હા બોલ શું મૂંઝવણ છે? મનમાં કોઈ સંકોચ ન રાખતો.” નરેશે કહ્યું.
“મૂંઝવણ એ છે કે શરૂઆત ક્યાંથી કરું? હવે એક નવી શરૂઆત કરવી છે. મારા ભૂતકાળને હવે હું ભૂલવામાં માંગુ છું. ખાસ કરીને શ્રીને. માટે હવે નવી શરૂઆત કરવાનો સમય આવી ગયો છે. તારું સજેશન શું છે? મારે ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ? હું તારી એકપણ વાત ટાળીશ નહિ કારણ કે નરેશ માત્ર તુ જ એવો વ્યક્તિ છે જેના પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકું. નરેશ કદી મેં તને કહ્યું નથી પણ આ જ કહીશ કે જિંદગી કેવી રીતે જીવી જોઈએ એ હું તારી પાસેથી જ શીખી રહ્યો છું. કારણ કે તને ફક્તને ફક્ત જિંદગીને હસીને અને આનંદથી જીવતા આવડે છે. હું તારી સાથે એક વર્ષથી રહું છું. તારા જીવનના સારા અને નરશા બધા જ દિવસો મેં જોયેલા છે. તારી પાસેથી ઘણું શીખ્યો છું અને શીખી રહ્યો છું. બીજા લોકો તને કેવો સમજે છે એ હું નથી જાણતો પણ મારા મનમાં તારું સ્થાન ખૂબ ઊંચું છે. આ હું તને સારું લાગે એટલા માટે નથી કહી રહ્યો. તે હંમેશા મારી મદદ કરી છે. મને માર્ગદર્શન આપ્યું છે. યાર છેલ્લે એટલું જ કહીશ કે દુનિયા ભલે મારો સાથ છોડી દે પણ તને એક વિનંતી છે કે તુ કદી મને એકલો ન છોડતો. કારણ કે હીરા વગર વીંટીની કિંમત ખૂબ નીચી હોય છે.” સતિષ બોલવા લાગ્યો.
“યાર તુ ક્યાં આવી વાતે ચડી ગયો? તારી મદદ કરીને હું તારા પર ઉપકાર નથી કરી રહ્યો. એક મિત્ર તરીકે મારી જવાબદારી છે કે મારે મારા મિત્રને કપરા સમયમાંથી ઉગારવો. ચાલ આપણે ફરી આપણી વાત પર આવીએ. તુ મને એ જણાવ કે આટલા સમયગાળામાં તને કોઈ કાર્ય એવું નજરે ચડ્યું કે જે તને વારંવાર કરવું ગમતું હોય? એવું કાર્ય કે જે તને ફ્રીમાં પણ પોસાય. એવું કાર્ય કે જે તારી જાતને સંતોષ આપતું હોય. છે તારી નજરમાં એવી કોઈ પ્રવૃત્તિ?” નરેશે પૂછ્યું.
સતિષ વિચારવા લાગ્યો.....
“હા. મને જોક્સ સાંભળવા ખૂબ ગમે છે અને મારા મિત્રો વચ્ચે હું એ સાંભળેલા જોક્સ બોલું પણ છું. મારા મિત્રોને પણ એ ગમે છે અને મને પણ. માત્ર આ એક પ્રવૃત્તિ એવી છે જે મને જાહેરમાં પણ કરવી ગમે છે. પણ મેં કદી હાસ્ય સર્જ્યું નથી. બસ હું મારા પ્રેરણામૂર્તિ સાંઈરામ દવે સરના જોક્સ સાંભળી તેને મિત્રો વચ્ચે રજૂ કરું છું.” સતિષ બોલ્યો.
“તો ફરક શુ પડે છે? આ બરાબર જ છે. આ કરવાથી તુ કાંઈ દવે સરનું અપમાન નથી કરી રહ્યો. કોઈકને હસાવવું સારું કાર્ય છે. પછી તમે લોકોને કઈ રીતે અને શેના વડે હસાવો છો એનાથી કોઈ ફર્ક પડતો નથી. આમ તો તારું સ્ટાર્ટપ આ જ રાખને. હું એમ નથી કહેતો કે તુ મહેનત કરીને કોમેડિયન બન. પણ જ્યાં સુધી તારા જોક્સ વિદ્યાર્થીઓ સાંભળવાનું પસંદ કરે ત્યાં સુધી બોલ. એ સમય દરમ્યાન તુ તારી જાતને રજૂ કરી શકીશ. એ જ તારી સફળતાનું પહેલું પગથિયું હશે. બસ જિંદગીને સમજવાની જરૂર નથી. તેને માણી લે.” નરેશે કહ્યું.
“હા તો નરેશ. કાલ સ્કૂલનું વેકેશન પણ પૂરું થાય છે. તો કાલથી જ નવી શરૂઆત કરી નાખું. યાર હું તને તો મારી લવસ્ટોરી કહેતો હતો અને આપણે ક્યાં પહોંચી ગયા! વાંધો નય એ બહાને ભ્રમમાંથી તો બહાર આવવાની તક મળી.” સતિષ હસવા લાગ્યો.
“સતિષ. મને ફિલ્મની લવસ્ટોરીમાં પણ રસ નથી હોતો તો પછી તારી લવસ્ટોરીમાં રસ ક્યાંથી હોય? આ તારી પર્શનલ લાઈફ છે. તને યોગ્ય લાગે એ રીતે તુ જીવી શકે છે. પણ તારી જીવવાની રીત નિરાશા તરફ તને લઈ જતી હોય એવુ મને ભાન થઈ ગયુ હતુ. અને તારા જીવનને આવી ફાલતુ વાતમાં બરબાદ થતુ જોઈ શાંતીથી બેસી રહું તો મારા જેવો પાપી હોય ન શકે. તારી વાત સાંભળવાનો હેતુ માત્ર મારો એટલો જ હતો કે તારી એ પ્રોબ્લેમને જાણી શકું જે તને આગળ વધતો અટકાવી રહી છે. તને હમેશા ઉદાસ રાખે છે. યાદ રાખજે પ્રેમ હમેશા જીવતા શીખવે છે અને જે પ્રેમ આત્મહત્યા કરવા પર મજબુર કરી દે એ પ્રેમ નથી હોતો. પ્રેમ તો શું આકર્ષણ પણ નથી હોતું. કારણ કે આકર્ષણ પણ વ્યક્તિને કઈક શ્રેષ્ઠ બનવા પ્રેરે છે. આપણી વાતો એટલી ચાલી કે હવે સાંજ પડવા આવી. કોઈ વાત મનમાં નહિ રાખવાની બસ રજૂ કરી નાખવાની. બસ મારા વ્હાલા મોજ કર. તુ એકલો તો નથી જ. બિકોઝ સાથે રહેવું જ ખરી મિત્રતા નથી પણ તમે કયા સમયે સાથે રહો છો એ મહત્વનું છે. ચાલો તો હવે મારે પણ કોલેજના અસાઈનમેન્ટ પુરા કરવા પડશે ને. તો ઘરે જઈએ?” નરેશે કહ્યું.
“હા કેમ નહિ? આજે ખરેખર હદ કરતા વધારે વાતો થઈ ગઈ.” સતિષ હસવા લાગ્યો.
બંને મિત્રો ઘર તરફ ચાલવા લાગ્યા. નરેશ સતિષને જીવનની વાસ્તવિકતા સમજાવવામાં સફળ રહ્યો. નરેશની વાત માનીને સતિષે જીવનની નવી શરૂઆત કરવાનો નિર્ણય કરી લીધો. નરેશને હવે એ જોવું હતુ કે સતિષ પોતાની જાતને પ્રેમ કરવામાં સફળ થાય છે કેે ફરી શ્રીને વાંરવાર યાદ કરીને પોતાના જીવનને નિરાશા તરફ ધકેલે છે.
અને બીજા દિવસની સવાર થતા......