a new beginnig - 9 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૯

સમય વીતી ગયો અને ખેંગારના લગ્ન થઇ ગયા. લગ્ન પછીની તમામ વિધિઓ પૂરી થઇ ચૂકી હતી. બધા મહેમાનો રવાના થવાની તૈયારીમાં હતા. નરેશ અને ખેંગાર વાતો કરી રહ્યા હતા એવામાં પ્રિયા કોઈને શોધતી આવી. તે ઘરમાં બધે આમતેમ જોવા લાગી. તેને જોઈ ખેંગારે પૂછ્યું,

“કેમ પ્રિયા શું થયું? કોને શોધે છે?”

“તે સતિષને જોયો છે? એ સવારનો મને દેખાયો નથી. બસ અત્યારે તેને જ શોધી રહી છું.” પ્રિયાએ કહ્યું.

“એમ વાત છે! પણ અત્યારે તેનું કોઈ ખાસ કામ હતું?” ખેંગારે પૂછ્યું.

“ના ખાસ કામ ન હતું. બસ એમ જ.” પ્રિયાએ કહ્યું.

“પણ એ તો સવારે જ ચાલ્યો ગયો.” ખેંગારે કહ્યું.

“પણ કેમ ચાલ્યો ગયો? કોઈ આ રીતે કીધા વગર નીકળી જતું હશે? મને કહ્યું પણ નહિ?” કહી પ્રિયા ત્યાંથી ચાલવા માંડી.

“પણ પૂરી વાત તો સાંભળ. એ ઘરે નથી ગયો બસ તળાવે ગયો છે.” ખેંગારે હસીને કહ્યું.

“ઓહ સોરી મને થયું તે ઘરે ચાલ્યો ગયો છે. તો હું પછી વાત કરું.” પ્રિયા ત્યાંથી નીકળી ગઈ.

“જોયું જવાની વાત સાંભળી કેટલી ગુસ્સે થઈ ગઈ. તને એટલે તો કહું છુ કે સતિષનો ઈલાજ પ્રિયા જ છે.” ખેંગારે કહ્યું.

“હા મને પણ હવે લાગી રહ્યું છે કે પ્રિયા સતિષને નોર્મલ બનાવી શકે તેમ છે.” નરેશે કહ્યું.

પ્રિયાએ ફટાફટ તળાવ તરફ ચાલવાનું શરૂ કર્યું. તેણે તળાવે પહોંચી જોયું તો સતિષ તળાવની પાળ પર બેઠો બેઠો તળાવ સામે એક નજરે જોઈ રહ્યો હતો. તેને જોઈ પ્રિયાએ કહ્યું,

“ખેંગારે કહ્યું તું વહેલી સવારથી જ અહીં છો.”

“હા ક્યાંક સાંભળ્યું હતું કે ગામની સાચી સુંદરતા નિહાળવી હોય તો વહેલી સવારે ગામમાં ફરવું. બસ એટલે આવી પહોંચ્યો પણ તું અત્યારે અહીં? શું ખેંગાર બોલાવે છે?” સતિષે કહ્યું.

“નાં એવું જરૂરી છે કે ખેંગાર કહે તો જ મારે તારી પાસે આવવું? હું મને ઈચ્છા થાય ત્યારે તારી પાસે ન આવી શકું?” પ્રિયાએ કહ્યું.

“નાં એવું કાઈ નથી. તારે જ્યારે આવવું હોય ત્યારે આવી શકે છે.” સતિષે કહ્યું.

“ખરેખર? મારી ઈચ્છા થાય ત્યારે હું તારી પાસે આવી શકું?” પ્રિયાએ પૂછ્યું.

“હા ખરેખર. તું કેમ આમ પૂછે છે?” સતિષે કહ્યું.

થોડીવાર સુધી બંને બસ તળાવ તરફ જોઈ રહ્યા. સતિષ તળાવ તરફ જોઈ રહ્યો હતો એવામાં પ્રિયાએ કહ્યું,

“સતિષ એક વાત પૂછું?”

“હા કેમ નહિ? પૂછ તારે જે પૂછવું હોય એ.” સતિષે કહ્યું.

“સતિષ હું તારા જીવનમાં હંમેશા માટે આવી શકું?” પ્રિયાએ પૂછ્યું.

“શું? હું કાઈ સમજ્યો નહિ.” સતિષે કહ્યું.

“સતિષ હું તને પ્રેમ કરું છુ. મારે તારી સાથે જીવનમાં સેટ થવું છે.” પ્રિયાએ કહ્યું.

“પ્રિયા તું મને શા માટે પ્રેમ કરે છે? તું મને કેટલો જાણે છે? હું તને મળ્યો એના માત્ર ચારેક દિવસ થયા હશે. આ પ્રેમ નથી આકર્ષણ છે. આપણે મિત્ર બરાબર છીએ.” સતિષે કહ્યું.

“સતિષ પ્રેમ કરવા માટે આયોજન નથી કરવું પડતું. પ્રેમ બસ થઇ જાય છે. બીજી વાત કે હું તારા ભૂતકાળને સારી રીતે જાણું છું. હું નથી ચાહતી કે તું અંદરથી દુખી રહે.” પ્રિયાએ કહ્યું.

“ઓહ તો તું મારા ભૂતકાળને જાણીને પ્રેમમાં પડી છો. એમને? તો વાત સિમ્પલ છે. આ પ્રેમ નથી. આ તારી દયા છે. તુ દયા ખાતર મને પ્રેમ કરે છે. સોરી પ્રિયા મારે સિમ્પથી નથી જોઈતી. પ્લીઝ આ ટોપિક બદલી નાખ.” સતિષે કહ્યું.

“તને મારો પ્રેમ ઢોંગ લાગે છે? શું ખામી છે મારામાં? કેમ હું તને પસંદ નથી? કે પછી હું તારા સમાજની નથી એટલે તને પ્રોબ્લેમ છે. બીજી વાત કે હું તારા ભૂતકાળને જોઇને પ્રેમ નથી કરતી. બસ મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. પછી તું દયા ગણ કે પ્રેમ પણ તારી સાથે લાગણી તો છે ને?” પ્રિયાએ કહ્યું.

“પ્રિયા તારામાં કોઈ ખામી નથી અને હું જાતિવાદમાં નથી માનતો. જો એવું હોત તો હું ખેંગારનો મિત્ર જ ન હોત. બસ વાત મોટી નથી. હું એકલો ખુશ છુ. મારે કોઈ સાથે લાગણી નથી જોડવી. પ્રિયા સોરી મને માફ કરજે. તું ચિંતા ન કર આપણે મિત્ર હંમેશા રહીશું. તને મારાથી પણ સારો વ્યક્તિ મળશે જે તને દુનિયાની બધી ખુશીઓ આપશે.” સતિષે કહ્યું.

“સતિષ આ કોઈ ફિલ્મ નથી ચાલતી કે તું આવી વાતો કરે છે. મારે કોઈ સારો વ્યક્તિ નથી જોઈતો. મારે બસ તુ જોઈએ છે. હું તારા સિવાય કોઈની પત્ની બનવા નથી માંગતી. મારે બસ તુ જોઈએ.” પ્રિયા રડતી રડતી ત્યાંથી દોડીને ચાલી ગઈ.

“પણ પ્રિયા મારી વાત તો સાંભળ….પ્રિયા ઉભી રે… પ્રિયા..પ્રિયા” સતિષે કહ્યું.

થોડીવાર પછી સતિષ પણ ઘરે આવી ગયો. તે ઘરમાં આવી પોતાનું બેગ પેક કરવા લાગ્યો. તેને જોઈ ખેંગાર અને નરેશ તેની પાસે ગયા. ખેંગારે પૂછ્યું,

“સતિષ આ શું કરે છે? અત્યારે બેગ પેક કેમ કરે છે?”

“સોરી યાર મેનેજરનો કોલ આવ્યો છે કે મોલમાં ટ્રાફિક હમણાં વધી ગયું છે અને મારા વિભાગમાં કસ્ટમર મોટી સંખ્યામાં આવે છે. તેથી કલ્પના એકલી હેન્ડલ નહી કરી શકે. યાર મારે જવું જરૂરી છે.” સતિષે કહ્યું.

“પણ સતિષ આ બરાબર છે? મારા લગ્ન થયા એટલે બસ નીકળી જવાનું? યાર મને એમ હતું કે આપણે ઘણા સમય પછી મળીએ છીએ તો તું અમને વધુ સમય આપીશ પણ લગ્ન થયા એટલે હવે તું જવાની તૈયારી કરે છે?” ખેંગારે કહ્યું.

“સોરી યાર હું પણ ઈચ્છું છું કે તમને વધુ સમય આપું પણ મારા કામની જવાબદારી મારી છે. હું કોઈ બીજાને આ જવાબદારી ન સોંપી શકું. હું પછી ટાઈમ લઈને આવીશ.” સતિષે કહ્યું.

“હવે જોબ અમારાથી જરૂરી બની ગઈ એમને?” ખેંગારે કહ્યું.

“ખેંગાર હવે વધુ ન બોલતો. સતિષે નક્કી કરી જ નાખ્યું છે તો પછી શા માટે તેને રોકે છે? વાત જોબની નથી પણ બીજી છે. અત્યારે તેને જવા દે. જા સતિષ તારા કામમાં ધ્યાન દે. આમય હવે તું તો મશીન બની ગયો છો. મશીન સાથે રહેવાની મને આદત નથી. જ્યારે માણસ બન ત્યારે અમારી પાસે આવજે.” નરેશે કહ્યું.

“નરેશ હું મશીન છું? હું મશીન છું? વાત જોબની જ છે બીજી કોઈ વાત નથી. હું કદી તમારી પાસે ખોટું બોલ્યો છું? વાંધો નય તમને એવું જ લાગતું હોય તો જ્યારે તમને એવું લાગે કે હું મશીન નથી ત્યારે મને કોલ કરજો હું તરત તમારી પાસે આવી જઈશ. સોરી મને માફ કરજો.” સતિષે કહ્યું.

સતિષ બેગ લઇ બહાર નીકળ્યો કે તેની સામે પ્રિયા ઉભી હતી. સતિષ પ્રિયા સામે જોઈ ન શક્યો અને નીચું મોઢું કરી આગળ ચાલવા માંડ્યો. તેને જતો જોઈ પ્રિયાએ કહ્યું,

“સતિષ તું મારા લીધે અહીંથી જાય છે ને? મેં તને એ બધું ન કહ્યું હોત તો સારું હતું. પ્લીઝ મને માફ કરી દે.”

“નાં પ્રિયા એવું કાઈ નથી. તે એ બધું કહ્યું તેનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. મારે ખરેખર કામ આવી ગયું છે તેથી મારે જવું જરૂરી છે.” સતિષે કહ્યું.

“સતિષ ખોટું બોલીને શા માટે તારી જાતને છેતરે છે? તું કેમ મારા પ્રેમને સ્વીકારતો નથી? હું તને કેમ પસંદ નથી? શું ખામી છે મારામાં? પ્લીઝ જે તારા મનમાં હોય એ જણાવને.” પ્રિયાએ કહ્યું.

“સોરી પ્રિયા પણ મને તારી પ્રત્યે કોઈ ફીલિંગ્સ નથી. હું મિત્ર જ બરાબર છું.” સતિષે કહ્યું.

“ફીલિંગ્સ નથી કે તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી.” પ્રિયાએ કહ્યું.

“પ્રિયા તું જેને પ્રેમ સમજે છે તે પ્રેમ નથી પણ સિમ્પથી છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પર દેવું વધી ગયું હોય અને તે વ્યક્તિ પૈસા માટે બધા પાસે આજીજી કરતો હોય અને કોઈ તેની મદદ ન કરતું હોય અને એ જોઇને તને દયા આવે અને તું તેની મદદ કર. એટલે કે પહેલા મેં શ્રી પાસે પ્રેમની ભીખ માંગી અને પછી આરુ પાસે છતાં મને પ્રેમ મળ્યો નહી. એ વાતની જાણ તને થતા તને મારા પર દયા આવી ગઈ અને તું મને પ્રેમ આપવા માંગે છે. પ્રિયા હું જાણું છુ કે તારા માટે આ સમજવું ખુબ અઘરું છે પણ આ જ હકીકત છે. એક વખત મારા પોઈન્ટ ઓફ વ્યુથી જો. તને બધું જ સમજાઈ જશે. મારી વાતનું ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે.” સતિષે કહ્યું.

“એટલે તને એમ લાગે છે કે શ્રી અને આરુની વાત સાંભળી હું તને પ્રેમ કરું છુ? જો એ બધુ હું ન જાણતી હોત તો પણ શક્યતા છે જ કે હું તને પ્રેમ કરત. વાંધો નય હું બસ તને ખુશ જોવા માંગું છુ. કદાચ મારા નસીબમાં તું નથી. ઠીક છે તો જેવી તારી ઈચ્છા. સોરી મેં તને ડીસ્ટર્બ કર્યો. હવે હું કદી તને ડીસ્ટર્બ નહિ કરું. સોરી બની શકે તો મને માફ કરજે.” પ્રિયા રડતી રડતી અંદર ચાલી ગઈ.

સતિષ થોડીવાર સુધી ઘર સામે જોઈ રહ્યો પછી તે ત્યાંથી નીકળી ગયો. રાત્રે તે ઘરે પહોંચી ખેંગારને કોલ કરવા લાગ્યો. પણ ખેંગારે તેનો કોલ ન ઉપાડ્યો. તેણે નરેશને કોલ કર્યો પણ નરેશે પણ તેનો કોલ ન ઉપાડ્યો. સતિષ હવે સમજી ગયો હતો કે ખેંગાર અને નરેશ તેનાથી ગુસ્સે છે. તેણે વિચાર્યું કે સમય જતા બધું નોર્મલ થઇ જશે. તે સુઈ ગયો અને બીજા દિવસથી ફરી પોતાના કામમાં લાગી ગયો. તે મોલમાં જઈ સૌથી પહેલા કલ્પનાને મળ્યો. કલ્પનાએ તેને જોતા જ કહ્યું,

“અરે સતિષ તું જલ્દી આવી ગયો. મેં કહ્યું હતું ને કે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરજે. અહીં હું કામ જોઈ લેત.”

“થેંક્યું તમે ન હોત તો મને રજા ન મળી હોત પણ ક્યાં સુધી તમને હેરાન કરીશ?” સતિષે કહ્યું.

“તું પણ. હું કામ સંભાળીને ક્યાં તારા પર ઉપકાર કરતી હતી? મારા મિત્રની મદદ કરવી એ પણ મારી ફરજમાં આવે છે.” કલ્પનાએ કહ્યું.

“થેન્ક્સ અગેન. તમને જ્યારે મારી હેલ્પની જરૂર પડે તો કોઇપણ સંકોચ વગર કહેજો.” સતિષે કહ્યું.

“એમ! પહેલા તું મને તમે કહેવાનું છોડી દે. મારી સાથે ફ્રેન્ડલી વાત કરીશ તો મને પણ સારું લાગશે. તો એક મદદ આજે જ જોઈએ છે. કરીશ?” કલ્પનાએ કહ્યું.

“ઓકે બોલ હું તારી શું મદદ કરી શકું?” સતિષે કહ્યું.

“કામ બહુ મોટું નથી બસ આજનું લંચ મારી સાથે કરવું પડશે. તને કોઈ પ્રોબ્લેમ નથી ને?” કલ્પનાએ કહ્યું.

“ના કોઈ પ્રોબ્લેમ નથી. તો રીસેસમાં મળીએ.” કહી સતિષ પોતાની જગ્યા પર જઈ તેના કામમાં લાગી ગયો.

રીસેસ પડી. સતિષ અને કલ્પના બંને કેન્ટીનના ટેબલ પર એકબીજાની સામે ગોઠવાઈ ગયા. બંનેએ પોતાનું લંચ પતાવ્યું. કલ્પનાએ વાત શરૂ કરતા કહ્યું,

“અત્યારે તારા ફ્રેન્ડના લગ્ન હતા એમ ને?”

“હા હું મારા ફ્રેન્ડ ખેંગારના લગ્નમાં ગયો હતો.” સતિષે કહ્યું.

“પણ વાત તો અઠવાડિયાની થઇ હતી ને? તું બે દિવસ વહેલા કેમ આવી ગયો? કે પછી તને ડર હતો કે હું અહીં તારા કામમાં ધ્યાન નહી આપું.” કલ્પનાએ હસીને કહ્યું.

“ના એવું કાઈ નથી. બસ એમ જ આવી ગયો. સાચું કહું તો મને પણ ખબર નથી કે હું ત્યાંથી કેમ નીકળી ગયો? બસ અહીં આવવાની ઈચ્છા થઇ એટલે પછી રહેવાયું નહિ.” સતિષે કહ્યું.

“ઓહ એમ વાત છે! હા કાલ કોઈ પરી તને મળવા આવી હતી. પણ તું હાજર ન હતો એટલે તે નીકળી ગઈ. તે લગભગ શોપિંગ કરવા આવી હતી.” કલ્પનાએ કહ્યું.

“પરી! તે શું કહેતી હતી? જ્યારથી જોબ પર લાગ્યો ત્યારથી તેને મળ્યો જ નથી. તેને મળ્યાના બે વર્ષ થઇ ગયા પણ તેને હજી હું યાદ છું!” સતિષે કહ્યું.

“અરે વાહ! પરીનું નામ સાંભળતા જ તારો ચહેરો ફૂલની જેમ ખીલી ઉઠ્યો! સાચું બોલજે પરી તારી ગર્લફ્રેન્ડ છે ને? કે પછી હતી?” કલ્પનાએ કહ્યું.

“ના ના બેસ્ટ ફ્રેન્ડ છે. જસ્ટ બેસ્ટ ફ્રેન્ડ. તેણે સ્કુલના દિવસોમાં મારી બહુ હેલ્પ કરી છે.” સતિષે કહ્યું.

“તો પછી ગર્લફ્રેન્ડ બનાવી લેવાય ને. કેટલી સુંદર છે! સાચે જ પરી લાગે છે. કે પછી તારા જીવનમાં બીજું કોઈ છે?” કલ્પનાએ કહ્યું.

“ના મારા જીવનમાં કોઈ નથી. પરી બેસ્ટ ફ્રેન્ડ જ બરાબર છે.” સતિષે કહ્યું.

“એક વાત પૂછું સતિષ? હું તારી સાથે આ ટોપિક પર વાત કરું છું. તને કોઈ પ્રોબ્લેમ નથી ને? હું સમજુ છું કે મારે તારી પર્સનલ લાઈફ ડીસકસ ન કરવી જોઈએ. પણ હું કોઇપણ વાત મનમાં નથી રાખતી. સોરી.” કલ્પનાએ કહ્યું.

“ના તું શા માટે માફી માંગે છે? મને કોઈ પ્રોબ્લેમ નથી. હવે તો તુ મારી મિત્ર છે. હું મિત્રથી કઈપણ નથી છુપાવતો. આઇથિન્ક આપણો લંચ ટાઈમ પૂરો થઇ ગયો છે. આપણે પછી વાત કરીએ. બાય સી યુ સુન.” કહી સતિષ ત્યાંથી નીકળી ગયો.

સાંજ થઇ અને કલ્પનાનો છૂટવાનો ટાઈમ થયો. તે સતિષ પાસે ગઈ અને કહેવા લાગી,

“સતિષ હું ઘરે જાવ છું. હું બે દિવસ બહાર છું. સોરી બપોરે તને કહેતા ભૂલી ગઈ. તો આ બે દિવસમાં મારું કામ જોઈ લઈશ? જો એમ ન સમજતો કે મેં હેલ્પ કરી એટલે તારે કરવી જ પડશે. તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો જ.”

“ના મને કોઈ પ્રોબ્લેમ નથી. તું ચિંતામુક્ત થઈને જા.” સતિષે કહ્યું.

“થેન્ક્સ સતિષ એન્ડ સોરી કે મેં તને અચાનક જવાબદારી સોંપી દીધી.” કહી કલ્પના ત્યાંથી નીકળી ગઈ.

કલ્પનાના ગયા પછી સતિષ એકદમ ઉદાસ થઇ ગયો. તેને સતત પ્રિયાના વિચાર આવવા લાગ્યા. તે વિચારવા લાગ્યો, “પ્રિયા ખુબજ સેન્સીટીવ છે. મારા કારણે તેણે કોઈ ખોટું પગલું તો નહિ ભર્યું હોય ને?” તેણે ખેંગારને અને નરેશને ઘણા કોલ કર્યા પણ કોઈએ તેના કોલનો જવાબ ન આપ્યો. ધીમે ધીમે સતિષની ચિંતા વધવા લાગી. તે પોતાના કામમાં ધ્યાન આપી નહતો શકતો. તેના ચહેરા પર ટેન્સનની રેખાઓ દેખાવા લાગી હતી. બે દિવસ સુધી તેની સ્થિતિ એવી જ રહી. મેનેજરને આ વાતની જાણ થતા તેણે સતિષને ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું,

“સતિષ હમણાથી બીમાર છો? તારા સ્ટાફના મિત્રો કહેતા હતા કે તું આવ્યો ત્યારથી ખુબ ઉદાસ રહે છે. શું વાત છે? મને જણાવ તો આપણે કઈક રસ્તો કાઢીશું.”

“થેન્ક્સ સર બટ આઈ એમ ઓકે. મને કાંઈ નથી થયું. બસ ક્યારેક ટ્રાવેલિંગને કારણે આવું થઈ જાય છે.” સતિષે કહ્યું.

“ખરેખર આ જ વાત છે ને? બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને? એક કામ કર તું બે દિવસ આરામ કર. કલ્પના કાલ આવી જશે. તારા કામ માટે હું કોઈ બીજા વ્યક્તિને બે દિવસ માટે બોલાવી લઈશ. તુ કામની ચિંતા ન કર. તારી હેલ્થ વધારે મહત્વની છે.” મેનેજરે કહ્યું.

“થેન્ક્સ સર. હું ઓકે છું. તમે ચિંતા ન કરો.” સતિષે કહ્યું.

“ઓહ સારું સારું. ઠીક છે. તો તું જઈ શકે છે પણ થોડું ધ્યાન રાખજે.” મેનેજરે કહ્યું.

“હા સર. થેંક્યું સર.” કહી સતિષ ઓફિસમાંથી નીકળી ફરી પોતાના કામમાં લાગી ગયો.

સતિષે પોતાના ખાલી સમયમાં ખેંગાર અને નરેશને કોલ કરવાનું શરૂ રાખ્યું પણ હંમેશાની જેમ કોઈએ તેના કોલનો જવાબ ન આપ્યો. તેથી સતિષ ખુબ ગુસ્સે પણ થયો અને શાંત થતા ખુબ દુઃખી પણ થયો. કલ્પના કામ પર આવી ત્યારે સ્ટાફના સાથીમિત્રો દ્વારા જાણવા મળ્યું કે સતિષ બે ત્રણ દિવસથી ખુબ સ્ટ્રેસમાં રહે છે. તે તરત જ સતિષ પાસે ગઈ અને તેને મોલની કેન્ટીનમાં લઇ ગઈ. બંને ટેબલ પર બેઠા. સતિષ તેના ફોન સામે જોઈ ચુપ બેઠો હતો. તેને એવી રીતે જોઈ કલ્પનાએ તેના હાથમાંથી ફોન લઈ લીધો અને ટેબલ પર મૂકી કહ્યું,

“સતિષ…સતિષ… આમ મારી સામે જો. શું થયું છે તને? લગ્નમાંથી આવ્યો ત્યારે એકદમ ખુશ હતો અને મારા ગયા પછી અચાનક તને શું થઈ ગયું? તને કઈ વાતનું ટેન્સન છે? કઈક તો બોલ. જો તુ મને તારી મિત્ર ગણતો હોય તો જે વાત હોય એ મને કહી દે. હું તને આવી હાલતમાં નથી જોઈ શકતી.”

સતિષ એકદમ ચુપ રહ્યો અને એ જોઇને કલ્પના ઉભી થઈ બોલી ઉઠી,

“તું હજી પણ ચુપ છે એનો અર્થ એવો થયો કે હું તારી મિત્ર નથી. સોરી મેં તને ડીસ્ટર્બ કર્યો. આપણે પછી વાત કરીશું જ્યારે તારે વાત કરવી હશે. બાય.” કહી તે ત્યાંથી ચાલવા માંડી.

“કલ્પના. પ્લીઝ ડોન્ટ ગો.” કહેતા સતિષની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

તેને રડતો જોઈ કલ્પના તરત સતિષ પાસે દોડી ગઈ અને તેના ચહેરા પરથી આંસુ લૂછતાં કહેવા લાગી,

“સતિષ. રડ નહિ. હું તારી પાસે જ છું. હું ક્યાંય નથી જતી. બોલ શું વાત છે? હું તારી પાસે જ છું. કોણ તને સતાવે છે?”

“કલ..કલ્પના મને ક્યાંક શાંત જગ્યાએ લઈ જા. જ્યાં આપણા બે સિવાય કોઈ ન હોય.” સતિષે રડતા રડતા કહ્યું.

“હા ચાલ આપણે જઈએ છીએ પણ રડવાનું બંધ કરી નાખ. જો કસ્ટમર જોશે તો શું વિચારશે? ચાલ તું પાર્કિંગમાં મારી રાહ જો હું સર સાથે વાત કરીને જલ્દી આવું છુ. ચાલ.” કહી કલ્પના સતિષને લઈને કેન્ટીનમાંથી બહાર આવી ગઈ.

to be continued…..