A new beginning - 11 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ - પ્રકરણ-૧૧

બપોર થઈ ગયું હતું અને ખેંગારનું ગામ પણ આવી ગયું હતું. સતિષ હજી તેની સિટ પર સુતો હતો. તેને જોઇને કંડકટરે તેને ઉઠાડી કહ્યું, “તારું સ્ટોપ આવી ગયું. ઉતરવું નથી?” સતિષ ફટાફટ તેનું બેગ લઈને નીચે ઉતરી ગયો અને બસનું બારણું બંધ કરતા કંડકટરનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “થેંક્યું સર.”

રોડ પરથી ચાલતા ચાલતા તે ગામના રસ્તે ચાલવા લાગ્યો. રસ્તાની આજુબાજુ પથરાયેલા વિશાળ અને લીલાછમ ખેતરો જોઈ સતિષની આંખોને જાણે આરામ મળતો હોય એમ તે શાંતપણે ખેતરોને જોવા લાગ્યો. ઘણા સમય પછી રાહતના શ્વાસ લેતો હોય એમ ધીમા ધીમા શ્વાસ લેવા લાગ્યો. તેના ચહેરા પર આનંદ એટલો છવાઈ ગયો કે તેને જોતા કોઈ એમ ન કહે કે આ માણસ પાંચ છ કલાકની મુસાફરી કરીને થાકી ગયેલો છે. પ્રિયાની યાદ આવતા તે ફરી આગળ ચાલવા માંડ્યો. તે ખેંગારના ઘરના ફળીયામાં પહોંચ્યો કે તેને સામેથી ખેંગાર આવતો દેખાયો. ખેંગારને જોઇને તે સીધો તેને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો,

“સોરી યાર મને માફ કરી દે. સોરી એ દિવસે મને સમજાતુ નહોતું કે હું શું કરું એટલે હું ચાલ્યો ગયો હતો. તું મને માફ તો કરીશને? પ્લીઝ મને માફ કરી દે.”

“સતિષ તારે માફી માંગવાની જરૂર નથી. મને જરાય એ વાતનું દુખ નથી લાગ્યું. ભાઈ તુ તો હવે બીઝી માણસ થઇ ગયો છો. અમારાથી તને થોડો રોકાઈ? ચાલ છોડ એ બધી વાતને. બપોર થઇ ગયું છે. તુ સવારનો જમ્યો નહિ હોય. ચાલ જમી લે. પછી ક્યાંક બહાર જઈએ. અત્યારે તો રજા પર છો કે પાછુ કામ પર જવાનું છે?” ખેંગારે કહ્યું.

“હું સમજી ગયો યાર તુ શું કહેવા માંગે છે. પણ તોય મને માફ કરજે. હવે કોઈ કામની ચિંતા નથી. મહિના બે મહિના સુધી કોઈ કામ નથી.” સતિષે કહ્યું.

“એ બધી ચર્ચા આપણે પછી કરશું પહેલા જમી લે.” ખેંગારે કહ્યું.

બંને મિત્રો જમ્યા બાદ ખેંગારના પરિવારજનો સાથે મળીને એકબીજાના ખબર અંતર પૂછીને થોડીવાર માટે આરામ કરવા સુઈ ગયા. સાંજ થઇ અને બંને તળાવ તરફ ચાલતા થયા. તળાવે પહોચી સતિષ એકદમ શાંત થઈ ઉભો રહી તળાવ સામે એકીટશે જોઈ રહ્યો. તે ખુશ થઈ કહેવા લાગ્યો,

“બસ આ દ્રશ્યને જ અત્યાર સુધી મિસ કરતો હતો. ખબર નઈ કેમ પણ જ્યારે પણ અહી આવું છુને ત્યારે જિંદગીના બધા જ દુખો ભૂલી જાવ છું.”

“આ દ્રશ્યને મિસ કરતો હતો કે પછી…?” ખેંગારે કહ્યું.

“મને ખબર છે ખેંગાર તારે શું સાંભળવું છે. હા હું પ્રિયાને જ મિસ કરતો હતો અને અહી એના માટે જ આવ્યો છું.” સતિષે કહ્યું.

“સોરી સતિષ બટ યુ આર લેટ. પ્રિયા અહી નથી.” ખેંગારે કહ્યું.

“અહી નથી તો ક્યાં છે?” સતિષે પૂછ્યું.

“પ્રિયા અને નરેશ અમદાવાદ ચાલ્યા ગયા છે. પ્રિયાનું ઘર અમદાવાદમાં જ છે. નરેશ જ્યાં રહે છે તેની બાજુમાં.” ખેંગારે કહ્યું.

“પણ એ તો અહી જ રહેતી હતી તો પછી અત્યારે અમદાવાદ? યાર આ બધું મને સમજાતું નથી.” સતિષે કહ્યું.

“હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ એટલે તને બધું જ સમજાઈ જશે. મેં અત્યાર સુધી તારાથી એક વાત છુપાવી હતી. જે આજે કરવી જરૂરી છે એવું મને લાગી રહ્યુ છે.” ખેંગારે કહ્યું.

“કઈ વાત?” સતિષે પૂછ્યું.

“યાર હું તારી પાસે જુઠું બોલ્યો હતો કે પ્રિયા મારા મામાની છોકરી છે.” ખેંગારે કહ્યું.

“તો એ તારા મામાની છોકરી નથી તો કોણ છે એ અને તુ શા માટે મારી પાસે ખોટું બોલ્યો?” સતિષે કહ્યું.

“તુ ખુશ રહે એ માટે મારે એ દિવસે ખોટું બોલવું પડ્યું. પ્રિયા અને મારે કોઈ સંબંધ નથી. હું તો એને નરેશને કારણે ઓળખું છું. એ નરેશની ખાસ ફ્રેન્ડ છે. જ્યારે હું નરેશને મારા લગ્નની કંકોત્રી આપવા ગયો હતો ત્યારે પ્રિયાને મળ્યો હતો.” ખેંગારે કહ્યું.

“હું ખુશ રહુ એ માટે? ખેંગાર પ્લીઝ મને સમજાય એ રીતે વાત કર. હવે હું કન્ફયુઝ થઇ રહ્યો છે.” સતિષે કહ્યું.

“જ્યારે આરુએ તને રીજેક્ટ કર્યો ત્યારે તુ આખો દિવસ ગુસ્સામાં રહેતો હતો અને ઉદાસ રહેતો હતો. ઘરમાં તારું એવું વર્તન કોઈને પસંદ નહતું. એ સમયે નરેશે તને નોર્મલ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પણ તુ બસ આરુના રીજેક્સનને પકડીને બેઠો હતો. એટલે તુ પોતે નોર્મલ થવાની કોશિશ કર એ માટે નરેશ અમદાવાદ ચાલ્યો ગયો. તને લાગ્યું કે નરેશ તારાથી ગુસ્સે છે અને તે હવે તને માફ નહિ કરે એટલે તે છોકરીઓ પાછળ ભાગવાનું છોડી કામ પર ફોકસ કર્યું. જ્યારે નરેશને ખબર પડી કે તે તારા જીવનને દિશા આપી દીધી છે ત્યારે તે બહુ ખુશ થયો હતો પણ જ્યારે તેને ખબર પડી કે તને કામમાં એટલું મન લાગી ગયું છે કે તને તારા પરિવારની ખુશી કે દુખ દેખાતા જ નથી. તુ કોઈની સાથે વાત પણ નથી કરતો ત્યારે તેને ખૂબ દુખ થયું. એ પછી નરેશ બહુ ઉદાસ રહેતો. એ સમયે તેના દુઃખને સમજે એવું કોઈ હોય તો એ માત્ર પ્રિયા હતી. પ્રિયાએ ગમે તે રીતે નરેશ પાસેથી ઉદાસીનું કારણ જાણી લીધું. પ્રિયાને એવું લાગ્યું કે એ જો તારા જીવનમાં આવશે તો તુ ફરી ખુશ રહીશ. આ કારણે જ પ્રિયા મારા લગ્નમાં આવી હતી કારણ કે નરેશને ખબર હતી જ કે તુ લગ્નમાં જરૂર આવીશ. બસ આ જ કારણ હતુ કે પ્રિયાએ તને સામેથી પ્રપોઝ કર્યો હતો.” ખેંગારે કહ્યું.

“તારી વાત પરથી હું એટલું સમજ્યો કે હું સાચો હતો.” સતિષે કહ્યું.

“પણ કઈ બાબત માટે?” ખેંગારે પૂછ્યું.

“હું તને કહેતો હતો ને કે પ્રિયા મને પ્રેમ નથી કરતી. એ બસ સિમ્પથી આપી રહી છે મને.” સતિષે કહ્યું.

“હજી પણ આ બધુ તને સિમ્પથી લાગે છે?” ખેંગારે પૂછ્યું.

“હા સિમ્પથી જ તો છે. પ્રિયાએ મારી ખુશી માટે મને પ્રેમ નથી કર્યો પણ નરેશ ખુશ રહે એટલે મારી જિંદગીમાં આવવાની કોશિશ કરી હતી. અત્યાર સુધી મને એમ લાગતું હતું કે મેં પ્રિયા સાથે અન્યાય કર્યો છે પણ હવે મને બધું સમજાઈ ગયું છે. અત્યારે હું પ્રિયા માટે જ આવ્યો હતો પણ હવે એ મને ન મળે તો જ સારું.” સતિષે કહ્યું.

“તને પ્રોબ્લેમ કઈ વાતનો છે? પ્રિયા તારો ભૂતકાળ જાણીને તને પ્રેમ કરે છે એ કે પછી નરેશ પાછો ખુશ રહે એ માટે પ્રિયાએ તારી જિંદગીમાં આવવાનું નક્કી કર્યું એ? માણસને અમુક સમયે લાગણીઓની જરૂર પડે છે. એ માટે એક છોકરી તારી સાથે લાગણીઓ જોડે છે અને ત્યારે પણ તું સિમ્પથી કહીને એ લાગણીઓને નકારી દે છે. વાહ શું માન્યતા છે તારી પ્રેમ વિશે! જ્યારે કોઈ વ્યક્તિ દુખી વ્યક્તિની સામે જુએ છે, તેને ઉદાસ જુએ છે કે પછી તેને રડતો જુએ છે તો એ વ્યક્તિને દુખ થાય છે પણ એ દુખી વ્યક્તિનું દુખ દુર કરવાની કોશિશ નથી કરતો આ સિમ્પથી છે પણ જ્યારે એ વ્યક્તિ દુખી વ્યક્તિની સાથે થોડો ટાઈમ પસાર કરે છે, તેના દુઃખને જાણવાની કોશિશ કરે છે અને દુખ જાણ્યા બાદ એ દુખ દુર કરવાની કોશીશમાં લાગી જાય છે ત્યારે હમદર્દીનો જન્મ થાય છે. હવે તુ જ મને સમજાવ કે પ્રિયાએ જે કર્યું એ સિમ્પથી હતી કે હમદર્દી? તારી પાસે આનો જવાબ ન હોય તો ચલ હું જ આપુ. પ્રિયાને તારી સાથે હમદર્દી છે કારણ કે તારો ભૂતકાળ જાણ્યા પછી પ્રિયાએ એ વાત મનમાંથી કાઢી ન નાખી પણ તારું સારું ભવિષ્ય બને એ માટે તારા જીવનમાં હમદર્દ બનવાની કોશિશ કરી પણ તે કદી તેને પોતાના જીવનમાં તો શું પોતાની પાસે પણ આવવા ન દીધી. પ્રેમ કોઈ એક બે દિવસનો ખેલ નથી. પ્રેમ થવા માટે પણ સમય લાગે છે. કોઈને થોડો તો કોઈને વધારે. પણ સમય લાગે છે. તારે ખરેખર પ્રેમ જોઈતો જ હોય તો પ્રિયાને તારી લાઈફમાં આવવા દે અને તેને તારી લાઈફ અને તારી લાગણીઓ વિશે જાણવા દે. તેને સમય આપ. જો આ બધા પછી પણ તને એમ લાગે કે પ્રેમ નથી તો દોસ્ત હું માનીશ કે હું ખોટો હતો અને તું સાચો હતો.” ખેંગારે કહ્યું.

ખેંગારની વાતોએ સતિષને ખૂબ ઊંડે સુધી અસર પહોંચાડી હતી. સતિષ એકદમ ચુપ થઇ ગયો. તેને ચુપ જોઈ ખેંગારે કહ્યું,

“તને ખબર છે તારો પ્રોબ્લેમ શું છે? પ્રિયાએ સામેથી તને પ્રેમ કર્યો એટલે તને કદર નથી. હમણાં જો તું પેલી શ્રી અને આરુ જેમ તેની પાછળ હેરાન થયો હોત તો તને કદર થાત અને કદર થાય પણ ક્યાંથી? તું તો હવે મશીન બની ગયો છો. તારામાં હવે ક્યાં લાગણીઓ રહી છે! બસ કોઈક ઓર્ડર આપે એટલે એ સુચના પર કામ ચાલુ કરી દેશ. પ્રિયા પાસે પણ તું તારી ઇચ્છાથી નહિ આવ્યો હોય એ હું સારી રીતે જાણું છું. તને પ્રિયા પાસે મોકલનાર કોઈ બીજું છે. પણ એનાથી મને કોઈ ફર્ક નથી પડતો. હું તો ખુશ છું કે જે વ્યક્તિએ તને અહી આવવા સમજાવ્યો એ તને મશીનમાંથી માણસ બનાવવા માંગતી હશે સતિષભાઈ નવી શરૂઆત કહેવાથી નહિ પણ કરવાથી થાય છે. હમેશા ભૂતકાળને ભૂલીને જ આગળ વધી શકાય છે ભૂતકાળને સાથે લઈને નહિ. હું અત્યારે ભલે ગમે એટલું સમજાવું પણ તને કોઈ ફર્ક નથી પડવાનો. મારી પાસે ફાલતું સમય નથી કે અત્યારે તને ગાંડાની જેમ સમજાવ્યા કરું. ટાઇમ થાય એટલે ઘરે આવી જજે.” કહી ખેંગાર ત્યાંથી ચાલવા લાગ્યો.

“ખેંગાર. પ્રિયા ક્યાં છે? મારે પ્રિયા પાસે જવું છે.” સતિષે કહ્યું.

“તારે હવે પ્રિયાનું શું કામ છે? તું તો હમણાં કહેતો હતો ને કે એ હવે ના મળે તો સારું. તો હવે કેમ એની પાસે જવું છે?” ખેંગારે પૂછ્યું.

“બીકોઝ મારે હવે પ્રિયા જોઈએ છે.” સતિષે કહ્યું.

“પણ એ તને ક્યાં પ્રેમ કરે છે?” ખેંગારે કહ્યું.

“વાંધો નય. હું તેને પ્રેમ કરીશ. એ પ્રેમ ન કરે તો વાંધો નય બસ મારી પાસે હોય એટલું જ જોઈએ છે.” સતિષે કહ્યું.

“પણ તું તેની પાસે ગયો અને પ્રિયાએ તને પાછુ ચાલ્યા જવા કહ્યું તો?” ખેંગારે પૂછ્યું.

“હું તેના માટે ઘણો દુર આવ્યો છું. પાછો જવાનો સવાલ જ નથી થતો.” સતિષે કહ્યું.

“ચાલ એ બધું ઠીક પણ જો પ્રિયાએ તને ન સ્વીકાર્યો તો?” ખેંગારે પૂછ્યું.

“તો હું જ્યાં સુધી એ મને સ્વીકારે નહિ ત્યાં સુધી તેની પાછળ ફરીશ, તેને મનાવીશ પણ તેનો પીછો નહિ મૂકું.” સતિષે કહ્યું.

“ઠીક છે. હું સમજી ગયો કે તે હવે પ્રિયાને મેળવવાનું મન બનાવી લીધું છે.” ખેંગારે કહ્યું.

“ના ખેંગાર મેળવવાનું નહિ, પ્રિયાનો બનવાનું.” સતિષે કહ્યું.

“હા હા. સમજી ગયો ભાઈ. હું તને લઇ જઈશ તેની પાસે બસ.” ખેંગારે કહ્યું.

“થેંક્યું મારા ભાઈ. થેંક્યું વેરી મચ.” કહી સતિષ ખેંગારને ભેટી પડ્યો.

સતિષ અને ખેંગાર રાત્રે બસ પકડી બીજા દિવસે અમદાવાદ પહોંચી ગયા. ખેંગારે તેના એક મિત્રને બાઈક લઇ બંનેને પીક અપ કરવા માટે બોલાવ્યો. તેનો મિત્ર બાઈક લઈને આવ્યો કે તરત ખેંગાર સતિષને નરેશ પાસે લઇ ગયો. તેણે બાઈક એક મોટી ઓફીસ સામે પાર્ક કરી.

“ખેંગાર ચાલને અહીંથી. મારે નરેશને નથી મળવું.” સતિષે કહ્યું.

“પણ તને એનાથી પ્રોબ્લેમ શું છે?” ખેંગારે કહ્યું.

“યાર મને પ્રોબ્લેમ નથી પણ નરેશ હજી મારાથી નારાઝ હશે તો? હજી સુધી તેણે મારી સાથે વાત નથી કરી. તારા લગ્નમાંથી હું ચાલ્યો ગયો ત્યારથી અત્યાર સુધીમાં તેણે મારી સાથે વાત કરવાની કોશિશ નથી કરી. ચાલ અહીંથી હું એને ફરી નારાઝ કરવા નથી માંગતો.” સતિષે કહ્યું.

“એટલે નરેશે તારી સાથે વાત નથી કરી એટલે એ તારાથી નારાઝ છે એમ માનીને તુ તેને મળ્યા વગરનો ચાલ્યો જઈશ એમને?” ખેંગારે કહ્યું.

“પણ ખેંગાર તુ…” સતિષે કહ્યું.

“એય ખોટી આર્ગ્યું ના કર મારી સાથે અને છાનો માનો ચાલ અંદર.” ખેંગારે કહ્યું.

ખેંગાર સતિષને અંદર ઓફિસમાં લઇ ગયો. બંને લીફ્ટ દ્વારા ત્રીજા માળે ગયા. લીફ્ટમાંથી બહારની નીકળતી વખતે સતિષે પૂછ્યું,

“ખેંગાર ઓફીસની એક વાતની મને નવાઈ લાગે છે.”

“કઈ વાતની નવાઈ?” ખેંગારે પૂછ્યું.

“એજ કે ઓફિસની દીવાલો પર મોટા ભાગે કારના ફોટાઓ અને પોસ્ટરો છે. એટલે આ શેની ઓફીસ છે?” સતિષે કહ્યું.

“મને હતું જ કે તુ આ પ્રશ્ન પૂછીશ. આ ઓફીસ કાર ડીઝાઇનીંગની ઓફીસ છે.” ખેંગારે કહ્યું.

“એટલે નરેશ અહી જોબ કરે છે! તેના કોલેજના સમય તે મને કહેતો હતો કે મારું સપનું તો કાર ડીઝાઈનર બનવાનું છે અને આજ તેણે સાચું પણ કરી નાખ્યું!” સતિષે કહ્યું.

“હજી એક નવાઈ લાગે એવી વાત કહું?” ખેંગારે કહ્યું.

“હા બોલને.” સતિષે કહ્યું.

“નરેશ અહી જોબ નથી કરતો પણ આ એની જ ઓફીસ છે. તે અને તેનો મિત્ર બંને પાર્ટનરશીપમાં આ ધંધો ચલાવી રહ્યા છે.” ખેંગારે કહ્યું.

“સરસ! તો આપણે પછી તેને મળીશું. અત્યારે તેને કામના સમયે ડીસ્ટર્બ નથી કરવો.” સતિષે કહ્યું.

“તુ ચાલને. એ પાર્ટનર પહેલા આપણો મિત્ર છે અને તને તો ખબર જ છે કે નરેશ માટે મિત્રો પહેલા પછી બીજું બધું.” ખેંગારે કહ્યું.

બંને નરેશની કેબીનમાં ગયા. નરેશ લેપટોપમાં કઈક કરી રહ્યો હતો. સતિષ અને ખેંગાર અંદર આવ્યા તેની નરેશને કોઈ ખબર જ નહતી. ખેંગારે તેની મશ્કરી કરતા કહ્યું,

“સાહેબ બીઝી લાગે છે એમને!”

“ના ભાઈ ના મને નરેશ જ રહેવા દે. સાહેબ નથી બનવું મારે. અરે! જુઓ તો કોણ આવ્યું છે! સતિષ. ભાઈ ક્યારે આવ્યો તુ? યાર મને કહેવાયને કે તુ આવે છે તો હું જ તને પીકપ કરવા આવી જાત.” નરેશ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા સતિષ તેની પાસે જઈ ભેટી પડ્યો અને રડતો રડતો કહેવા લાગ્યો,

“તમે બધાને મને એકલો છોડીને જવાની બહુ મજા આવતી લાગે છે એટલે જ તો મને એકલો કરી નાખો છો. હા માનું છું કે ભૂલ મારી ઘણી છે પણ એની આ સજા આપવાની? હું બહુ નારાઝ છું.” સતિષે કહ્યું.

“ભાઈ અત્યારે તું શું આ બધી વાતો કાઢીને રડે છે. અમે ત્યારે પણ તારી સાથે હતા. આજે પણ છીએ અને હમેશા રહીશું. તું કેમ પોતાને એકલો માને છે?” નરેશે સતિષની પીઠ પર હાથ ફેરવતા કહ્યું.

“એક કામ કરીએ સતિષ અમદાવાદ પહેલી વખત આવ્યો છે ને તો તેને અમદાવાદ દેખાડીએ. પછી બીજું કઈક વિચારશું.” ખેંગારે કહ્યું.

“હા હા કેમ નહિ?” નરેશે કહ્યું.

ત્રણેય મિત્રો બાઈક લઈને અમદાવદ ફરવા નીકળી ગયા. ઘણા બધા જોવાલાયક સ્થળો જોઇને રાત થતા રીવરફ્રન્ટ ગયા. ત્યાં શાંતિથી તેઓ સાબરમતીને જોઈ રહ્યા હતા એવામાં નરેશે પૂછ્યું,

“સતિષ. ઈઝ એવરીથીંગ ઓલરાઈટ?”

“હા બધું બરાબર છે પણ તને કેમ આવો પ્રશ્ન થયો?” સતિષે કહ્યું.

“મને વાત મળી કે તે જોબ છોડી દીધી છે.” નરેશે કહ્યું.

“હા.” સતિષે જવાબ આપ્યો.

“પણ શા માટે? આમ અચાનક કામ છોડી દીધું?” નરેશે પૂછ્યું.

“તને ખબર છે છતાં મને પૂછે છે?” સતિષે કહ્યું.

“એટલે તુ પ્રિયાની વાત કરે છે?” નરેશે પૂછ્યું.

“હા હું પ્રિયા માટે જ અહી આવ્યો છુ. નરેશ આઈ એમ ફોલ ઇન લવ અગેન. પણ આ વખતે હું મારો પ્રેમ મેળવીને જ જપીશ.” સતિષે કહ્યું.

“તને શું ખાતરી છે કે પ્રિયા તને મળી જશે?” નરેશે પૂછ્યું.

“પ્રિયા મળી જશે એની મને ખાતરી છે કે નહિ એ તો હું નહિ કહી શકું પણ હા એટલું જરૂર કહીશ કે બસ હવે પ્રિયા મળી જશે એવી આશામાં જ જીવી રહ્યો છુ. પ્રિયા નહિ મળે તો પાછો મશીન બની જઈશ. કોઈ લાગણીઓ જ નહિ હોય તો પ્રિયાની કમી પણ મહેસૂસ નહિ થાય.” એટલું કહી સતિષ ચુપ થઈ ગયો.

“ઓકે સમજી શકું છું કે તે નક્કી કરી જ નાખ્યું છે કે પ્રિયાને ગમે તે રીતે તારે મેળવવી જ છે. પણ….” નરેશે કહ્યું.

“પણ શું?નરેશ.” સતિષે પૂછ્યું.

“પણ હવે એ શક્ય નથી.” નરેશે કહ્યું.

“શક્ય નથી? પણ કેમ?” સતિષે કહ્યું.

“કેમ કે તું જે પ્રિયા માટે આવ્યો છો એ પ્રિયા હવે એવી રહી નથી.” નરેશે કહ્યું.

“નથી રહી એટલે? પ્લીઝ મને સાચું કે શું થયું છે પ્રિયાને?” સતિષે ગભરાતા કહ્યું.

“તુ ડર નહિ તે ઠીક છે. હું કહેવા માંગું છુ કે જે પ્રિયા તને પ્રેમ કરતી હતી એ હવે તને પ્રેમ નથી કરતી. તે મને કહેતી હતી કે સતિષ કોઈની ફીલિંગ્સ નથી સમજી શકતો અને કદાચ એ કદી સમજી શકશે પણ નહિ તેથી એ મારા જીવનમાં ભૂલથી પણ ના આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. તેણે કહ્યું કે જે વ્યક્તિ પોતાના બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાંથી એક નાનકડી વાત માટે ચાલ્યો જાય એની પાસે પ્રેમની આશા રાખવી વ્યર્થ છે. એ મશીનથી વધારે કઈ નથી. બસ બહારથી જ માણસ...” નરેશ કહેતા ચુપ થઇ ગયો.

“ના હું આ વાત નથી માનતો. પ્રિયા આવું બોલી જ ના શકે. પ્લીઝ અત્યારે મારી સાથે મઝાક ન કર યાર.” સતિષે કહ્યું.

“સતિષ હું બહુ ખુશ હોત જો પ્રિયા આ બધું મજાકમાં બોલતી હોત. તુ માન કે ન માન પણ પ્રિયાની આંખોમાં મેં તારા માટે નફરત જોઈ છે. તુ બસ એની આશા છોડી દે. એ તારા માટે સારું રહેશે. યાર અમે ઘણી કોશિશ કરી હતી તેને મનાવવાની પણ તેણે અમારી એક પણ વાતમાં હા નથી મિલાવી. તારી જિંદગી તું ખુશી ખુશી જીવ. કોઈ બીજી વ્યક્તિ સાથે તારો સંસાર વસાવી લે. અમે તને બસ ખુશ જોવા માંગીએ છીએ. એક વાત મનમાં રાખજે કે જો તે આત્મહત્યા કરવાની કોશિશ તો શું વિચાર પણ કર્યો છે ને તો સમજી લેજે કે તે આપણી દોસ્તી પર કલંક લગાડ્યો છે. જે લોકોને જીવનથી પ્રોબ્લેમ છે એવા લોકોથી મને પ્રોબ્લેમ છે.” નરેશે કહ્યું.

નરેશની વાતોથી સતિષ જાણે અંદરથી ભાંગી પડ્યો હોય તેમ નીચું માથું કરી બેસી રહ્યો.

To be continued…..