A new beginning- chapter 5 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૫

“એક શ્રી પાછળ શુ નથી કર્યું મેં? તેને મેળવવાના બધા પ્રયત્નો કરી લીધા હતા. તેમ છતાં તે મારાથી આટલી નફરત કરે છે? શું ખામી હતી મારામાં? તેણે કેટલી સરળતાથી કહી દીધું કે મને જીવતા નથી આવડતું. તેને કોઈ હક નથી મારા ચરિત્ર પર કોમેન્ટ કરવાનો.” સતિષ ગુસ્સેથી બોલ્યો.
“હા તારી વાત સાચી છે અને ખામી તારામાં નહિ પણ શ્રીમાં છે. જેને તારો પ્રેમ દેખાતો નથી. સતિષ તને ખબર છે વાસ્તવિકતા શુ છે? વાસ્તવિકતા એ છે કે અમુક લોકોને વ્યક્તિ અંદરથી કેટલો સારો છે એમાં રસ નથી હોતો પણ બહારથી કેટલો સારો દેખાય છે એમાં રસ હોય છે. શ્રી પણ એ લોકોમાં જ આવે છે.” ખેંગાર બોલ્યો.
“હું કઈ સમજ્યો નહીં.” સતિષ બોલ્યો.
“યાર તને શ્રી શા માટે સ્વીકારે? તારામાં ખાસ શુ છે? તુ હેન્ડસમ નથી, સ્ટાઈલિશ નથી. સ્પોર્ટમાં ઝીરો છો, ડાન્સ પણ નથી આવડતો. તો પછી તારામાં એ ગુણો જ નથી જે શ્રીને જોઈએ છે તો એ તને કેમ સ્વીકારે?” ખેંગાર બોલ્યો.
“તારા કહેવાનો અર્થ હું યુઝલેસ છું? હું કઈ નથી?” સતિષ ગુસ્સે થઈ ગયો.
“ના મારી વાતનો એ અર્થ નથી. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે શ્રીને જે જોઈએ છે એ તારામાં નથી જ્યારે તેના બોયફ્રેન્ડમાં છે. તુ માત્ર કોમેડી કરી શકે. દવે સરના જોક્સ બોલી શકે. આ ખૂબ સારી વાત છે પણ શ્રીને કૉમેડીમાં રસ નથી. તારામાં એવુ કંઈપણ ખાસ નથી જેનાથી શ્રી ઈમ્પ્રેસ હોય. મારી વાતનુ દુઃખ ન લગાવતો. આ હું શ્રીની માનસિકતા જણાવી રહ્યો છું. સતિષ મને નથી ખબર તારામાં શુ ખાસ છે પણ તારી પાસે એક સાફ હૃદય છે એ હું સારી રીતે જાણું છું. સતિષ તુ અત્યાર સુધી શ્રીને ન મેળવી શક્યો તેનુ માત્ર એક જ કારણ છે. એ કારણ છે કે તને ચિટ કરતા નથી આવડતું. તુ જેની સાથે રહે છે ત્યાં પોતાની અંદરની વાત ખૂબ સરળતાથી કરી નાખે છે. એટલે જ બીજા તારી લાગણીઓ સાથે રમત રમે છે. સાચું કહું તો આ પ્રેમ જેવી વસ્તુ તારા માટે બની જ નથી. થોડા સમય પહેલા તુ જ્યારે તારી જાતને પ્રેમ કરવાની વાત કરી રહ્યો હતો ત્યારે હું બહુ ખુશ હતો પણ અત્યારે મને યાર તારા પર બહુ ગુસ્સો આવે છે કે તુ પોતાને બેસ્ટ બનાવવા જતો હતો અને સીધો વેસ્ટ બનવા લાગ્યો. યાર તારી ખુદની તો કદર કર.” ખેંગાર કહેવા લાગ્યો.
“યાર તારી વાત મને સમજાતી નથી. તુ કહેવા શુ માંગે છે એ જણાવ.” સતિષ બોલ્યો.
“હું માત્ર એટલુ જ કહેવા માગુ છું. શ્રીને તડકે મુક અને પ્રેમની ભીખ માંગવાનું છોડી દે. યાર અમે બધા મિત્રો તને પ્રેમ કરીએ છીએ. આપણા શિક્ષકો તને પ્રેમ કરે છે. તારી કૉમેડીના જે શાળામાં ચાહકો છે એ પણ તને ક્યાંકને ક્યાંક પ્રેમ આપે છે. તારા માબાપ તને હદથી વધારે પ્રેમ કરે છે. આ બધા પ્રેમ તારી શ્રીના પ્રેમ કરતા નિમ્ન કક્ષાના છે? શુ એક છોકરીનો પ્રેમ જ સાચો પ્રેમ છે? અમારો અને તારા માબાપનો પ્રેમ માત્ર ઢોંગ છે? યાર કોઈ છોકરીનો જ પ્રેમ તારા માટે વધારે મહત્વનો હોય તો ચાલ કાકા સાથે હું વાત કરું અને તારા કોઈ સારી છોકરી સાથે મેરેજ ફિક્સ કરી નાખીએ. તારા પ્રેમનો આ જ ઈલાજ છે.” ખેંગાર ગુસ્સેથી બોલ્યો.
“ખેંગાર તમારો પ્રેમ મારે માટે ઉચ્ચ સ્થાને છે. મારે બસ કોઈ વ્યક્તિ પાસેથી ફીલિંગ્સ જોઈએ છે. યાર તુ જ જણાવને ફિલ્મમાં લવ સ્ટોરી તો હોવી જ જોઈને? યાર મારે પણ મારા જીવનમાં એક લવ સ્ટોરી જોઈએ છે. એ બધી જ લાગણીઓ મારે અનુભવવી છે. મારે પણ કોફી શોપમાં કોઈ ખાસ વ્યક્તિની રાહ જોવી છે. મારે પણ કોઈની સાથે ઘરથી બહુ દૂર ફરવા જવું છે, તેની સાથે બર્થ ડે સેલિબ્રેટ કરવા છે અને આ બધા ઇવેન્ટ પુરા થતા છેલ્લે એક મસ્ત સ્ટાઇલમાં તેને ગુલાબ આપી પ્રપોઝ કરવી છે. કેવો મસ્ત પ્લેન છેને!” સતિષ હસવા લાગ્યો.
“વાહ ખૂબ સરસ. અરે ફિલ્મી. હું તને અહીં વાસ્તવિકતા સમજાવી રહ્યો છું અને તુ ફિલ્મોની જેમ જીવવા માંગે છે? તુ પાગલ તો નથી થઈ ગયો ને?” ખેંગાર બોલ્યો.
“મારે આ બધા ઇવેન્ટ શ્રી સાથે એન્જોય કરવા હતા. અફસોસ શ્રીએ મારા સપના પર પાણી ફેરવી નાખ્યું. એ શ્રી મને કાયર સમજે છે. તેની પાછળ આટલો સંઘર્ષ કર્યો એ તેને દેખાતુ નથી અને એક તુ છે જે મારી જિંદગી સુધારવા મારી સાથે ગપ્પા મારી રહ્યો છે. ખેંગાર તારી સલાહ એ જ છે ને કે હું શ્રીને ભૂલી જાવ? બસ પ્રેમને મનમાંથી કાઢી નાખુ? તો ચાલો તારી સલાહ સર આંખો પર. ચાલો હવે ઘરે જઈએ. ઘરે રાહ જોતા હશે.” સતિષ બોલ્યો.
“સતિષ મારી વાતનું દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજે. એ દુઃખમાં તુ આ નથી બોલી રહ્યો ને કે તુ શ્રીને ભૂલી જઈશ? યાર મને શ્રીથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું તને દુઃખી જોવા નથી માંગતો. જો યાર તુ મારી વાતથી દુઃખી થઈ આ બોલતો હોય તો શ્રીને ભૂલવાની જરૂર નથી. તારી જિંદગી છે. હું નિર્ણય કરવાવાળો કોણ?” ખેંગાર બોલ્યો.
“હું કોઈ દુઃખમાં નથી. તમે બધા મિત્રો મારા એન્ટી વાઇરસ છો. તમારા રહેતા મને કોઈ દુઃખી નહિ કરી શકે. હવે નીકળીએ.”
ખેંગારે તેની બાઇક સ્ટાર્ટ કરી અને બંને મિત્રો ઘરે ચાલ્યા ગયા. એ દિવસે સતિષ શ્રીને કારણે ખૂબ દુઃખી હતો. તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે તે રડવા માંગે છે પણ આંસુ બહાર આવવા નથી માંગતા. તે બસ ખુદને પોતાના ભૂતકાળને યાદ કરીને સતાવતો રહ્યો. બીજા દિવસે ખેંગાર સતિષના ઘરે પોતાની બાઇક લઈને આવ્યો. સતિષ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો હતો. ખેંગારને જોઈ તે બોલ્યો,
“ખેંગાર આજે આ બાજુ? શુ કામ પડ્યું? સ્કૂલે નથી જવાનું?”
“આ યુનિફોર્મમાં હું જાનમાં થોડી જતો હોવ. આજ તને પિક અપ કરવા આવ્યો છું. ચાલ બાઇકમાં ગોઠવાઈ જા.” ખેંગાર બોલ્યો.
તેના કહ્યા પ્રમાણે સતિષ બાઇક પર બેસી ગયો. ખેંગારે બાઇક સ્ટાર્ટ કરી સ્કૂલના રસ્તે લીધી.
“કાલ તને ઉદાસ જોઈને લાગતું જ હતું કે તુ ઘરે જઈને પોતાના ભૂતકાળને યાદ કરી રડ્યા કરીશ. એ દુઃખમાં તુ કોઈ ખરાબ નિર્ણય ન લે એ માટે હું તને સાથે રાખીશ. જ્યાં સુધી તુ પોતાની જાતને સંભાળવામાં સક્ષમ ન બને ત્યાં સુધી મારે તારી સાથે રહેવું પડશે. કારણ કે મને તારા પર વિશ્વાસ નથી. તુ ફરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે.” ખેંગારે કહ્યું.
“ના ખેંગાર આઈ એમ ઓકે. એવુ કરવાનો હવે કોઈ અર્થ નથી રહ્યો.” સતિષ કહેવા લાગ્યો.
“આ ઈંગ્લીશ શબ્દો બોલીને તુ પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ ન કર. હું તને સારી રીતે જાણું છું. કારણ કે તુ ત્વરિત નિર્ણય લેવામાં ચૂકતો નથી અને હું એક મિત્રને ગુમાવવા નથી માંગતો. ટૂંકમાં નરેશ નથી માટે હું છું.” ખેંગારે કહ્યું.
“હમ્મ એમ! ઓકે પણ એવું કદી નથી બનવાનું. તુ ચિંતા ન કર.” સતિષ કહેવા લાગ્યો.
સતિષ ધીમે ધીમે સ્વીકારવા લાગ્યો હતો કે શ્રી હવે તેના જીવનમાં કદી નથી આવવાની. ખેંગારની વાત પ્રમાણે તેણે થોડા દિવસો બાદ કોઈકને પોતાની ફીલિંગ્સ આપવાનું નક્કી કર્યું. તેણે ખેંગારને પોતાની બેઠક પર બોલાવ્યો. ખેંગાર આવતા તે બોલ્યો,
“ખેંગાર મેં નક્કી કરી લીધું છે.”
“શુ નક્કી કર્યું? હું કઈ સમજ્યો નહિ.” ખેંગારે પૂછ્યું.
“તુ કહેતો તો એ જ. વ્યક્તિ બદલાશે ફીલિંગ્સ નહિ.” સતિષ હસવા લાગ્યો.
“અરે વાહ! ચોઇસ બદલાવી. ખૂબ સરસ! તો કોણ છે એ લકી પર્સન?” ખેંગાર બોલ્યો.
“એ છે આરુ.” સતિષ બોલ્યો.
“આરુ? તુ આપણી ક્લાસમેટ આરુની વાત નથી કરી રહ્યો ને?” ખેંગારે પૂછ્યું.
“હા એ જ આરુ.” સતિષ બોલ્યો.
“એક વાત તો જણાવ આરુ જ કેમ પસંદ આવી?” ખેંગારે પૂછ્યું.
“જો ચીઝ પસંદ હોતી હે ઉસમેં કમિયા નહિ નિકાલતે ઓર ઉસપે સવાલ નહિ કરતે. બસ આ ફિલ્મના ડાયલોગ જેવું જ.” સતિષ હસવા લાગ્યો.
“અરે તારી ફિલ્મનો ડાયલોગ! તો પોતાના હૃદયના શબ્દો ક્યારે તેને જણાવીશ?” ખેંગારે હસીને પૂછ્યું.
“ના અત્યારે કોઈ જલ્દી નથી. હજી તો નજર મળી છે.” સતિષે કહ્યું.
“નજર મળી છે? તો પ્રેમ ક્યારે” ખેંગાર બોલ્યો.
“હવે વધુ તો શું કહું પણ એક શાયરી યાદ આવે છે કે નજર મળી છે તો આગળ હૃદય પણ મળી જશે. મને નથી ખબર કે તેને હું પસંદ છું કે નહીં પણ મને આરુ ગમે છે.” સતિષ બોલ્યો.
“ગમે છે? એટલે લવ નથી?” ખેંગારે પૂછ્યું.
“ના જસ્ટ ગમે છે લવ યોગ્ય લાગશે તો વિચારશું. કારણ કે જ્યારે સાચો પ્રેમ કરવાની કોશિશ કરી ત્યારે દુઃખ જ મળ્યું છે. જસ્ટ આ એક પ્રયાસ છે.” સતિષ કહેવા લાગ્યો.
“હમ્મ જોઈએ કે આ પસંદ પ્રેમમાં ક્યારે પરિણમે છે? એની વે તે ખુશ રહેવાનું નક્કી કરી લીધું એ મને ગમ્યું.” ખેંગારે કહ્યું.
“પણ ખેંગાર એક પ્રશ્ન છે.” સતિષે કહ્યું.
“હવે વળી કયો પ્રશ્ન ઉભો થયો? ચાલ બોલી નાખ” ખેંગારે કહ્યું.
“પ્રશ્ન એ છે કે આરુ સાથે મારી કદી વાત નથી થતી. ઉપરાંત તેં હમેશા ગ્રુપમાં હોય છે તો મારું પ્રપોઝલ તેની પાસે કઈ રીતે પહોંચાડું?” સતિષ પૂછવા લાગ્યો.
“આ કામ તો તારી પરી આરામથી કરી નાખશે. મારો મતલબ તારી ફ્રેન્ડ પરી.” ખેંગારે હસીને કહ્યું.
“પરી? તને લાગે છે એ મારી વાત પહોંચાડી શકશે? યાર પરીને હું એમ કહું કે મને તેની ફ્રેન્ડમાં સેટ થવું છે? શું આમ કહું?” સતિષ કહેવા લાગ્યો.
“હા આ જ રીતે. આ તો મેં પણ નહતું વિચાર્યું કોઈ આડી અવળી વાત નહિ સીધી વાત. વાહ શુ આઈડિયા છે!” ખેંગાર હસવા લાગ્યો.
“યાર હું મજાક નથી કરતો. તુ આ વાત મજાકમાં ન લે. કઈક તો ઉપાય બોલ.” સતિષ કહેવા લાગ્યો.
“અરે વધારે વિચાર નહિ. જો આ ફ્રેન્ડશીપ ડે મહિના પછી જ છે. તો ત્યાં સુધી તુ આરુના ગ્રીન સિગ્નલની રાહ જો. જો એ મળી જાય તો ફ્રેન્ડશીપ ડેના દિવસે ફ્રેન્ડશીપ માટે પૂછજે. કેમ રહશે? બરાબર પ્લાન છે ને? આ દ્વારા તને જાણ પણ થઈ જશે કે આરુ તને પસંદ કરે છે કે નહીં?” ખેંગાર બોલ્યો.
“હમ્મ વાત તો તારી સાચી છે. વાંધો નય મારે પણ ક્યાં ઉતાવળ છે. તો તે કહ્યું એમ જ થશે.” સતિષ કહેવા લાગ્યો.
સતિષ શ્રીને ગમે તેમ ભૂલવા માંગતો હતો. તેથી તે ચાહતો હતો કે તે કોઈ બીજી વ્યક્તિમાં તેની ફીલિંગ્સ લગાવે. ખેંગારે તેને આરુ સાથે ફ્રેન્ડશીપ કરવાનો પ્લાન સમજાવી દીધો. સતિષને રાહ માત્ર આરુના ગ્રીન સિગ્નલની હતી.
ગ્રીન સિગ્નલની રાહમાં જુલાઈ નીકળી ગયો. આ દરમિયાન સતિષ અને આરુ એકબીજાને આંખોથી વાતો કરતા શીખી ગયા હતા. સતિષ એ જોઈ ખુશ હતો કે તે આરુને નજીક લાવવામાં સફળ થઈ રહ્યો છે. તેણે ફ્રેન્ડશીપ ડેના પાંચ દિવસ પહેલા પરી પાસે પોતાની વાત રજૂ કરવાનું નક્કી કર્યું. તે સ્કૂલે પરીને મળ્યો.
“ગુડ મોર્નિંગ પરી. તુ ફ્રી છો?” સતિષ બોલ્યો.
“ગુડ મોર્નિંગ. હા ફ્રી તો છું પણ રીસેસ પછી. શુ કોઈ ખાસ કામ હતુ?” પરી બોલી.
“ના પણ આજે તને કઈક કહેવું છે. ઓકે તો રીસેસ પછી એકાઉન્ટના પિરિયડમા વાત કરીએ.” સતિષ બોલ્યો.
“હા કોઈ વાંધો નય. કોઈ ખાસ વાત છે! મને રાહ રહેશે.” પરી શરમાઈને હસવા લાગી.
........અને પછી એકાઉન્ટના પિરિયડ સમયે.
“પરી. યાર આમ તો આ કહેવાની મારામાં હિંમત નથી. કારણ કે મેં કદી આ વિષય પર તારી સાથે વાત નથી કરી. તો પ્લીઝ મારી વાત સાંભળ્યા પછી તુ મને ખરાબ ન સમજતી.” સતિષ કહેવા લાગ્યો.
“અરે સતિષ તારા પર મેં કદી ગુસ્સો કર્યો છે? મને તારા પર વિશ્વાસ છે. તુ તારી વાત કરને. હું તારી ફ્રેન્ડ છું. મારાથી તુ સંકોચ ન રાખ. બોલ શુ વાત છે?” પરી કહેવા લાગી.
“એકચ્યુલી પરી વાત એમ છે કે મને કોઈક પસંદ આવી ગયુ છે.” સતિષ શરમાઈને બોલ્યો.
“અરે વાહ! ફાઇનલી તને પણ કોઈ સાથે પ્રેમ થઇ જ ગયો. તો કોણ છે એ ખાસ વ્યક્તિ?” પરીએ પૂછ્યું.
“એ વ્યક્તિ છે તારી ફ્રેન્ડ આરુ.” સતિષે જવાબ આપ્યો.
“આરુ? અરે તુ એ બાજુ ક્યારે ચાલ્યો ગયો? મને જાણ કર્યા વગર તુ તેને પસંદ કરતો હતો. તે આ વાત મારાથી છુપાવી જ કેમ? જા આજથી આપણી કીટા.” પરી મજાક કરવા લાગી.
“ના પરી તારી જાણ વગર હું કઈ નથી કરતો. એટલે જ તારી પાસે મદદ લેવા આવ્યો છું.” સતિષ બોલ્યો.
“કેવી મદદ?” પરીએ પૂછ્યું.
“પરી હું આરુ સાથે ફ્રેન્ડશીપ કરવા માગું છું. આ ફ્રેન્ડશીપ ડેના દિવસે તુ મારુ ગિફ્ટ તેને આપજે. હું તેને ફ્રેન્ડશીપ બેલ્ટ આપી ફ્રેન્ડશીપ માટેનો પ્રસ્તાવ મુકીશ. આ કામ તારી સિવાય કોઈ નહિ કરી શકે. તુ મારી મદદ કરીશને?” સતિષે પૂછ્યું.
“હા ચોક્કસ. તારી ખુશીથી વધારે શુ છે? એ બહાને તને ખુશ તો જોઈ શકીશ. કારણ કે ઉદાસ ચહેરાવાળો સતિષ અરીસાને પણ નહીં ગમતો હોય. પણ મારી એક શરત છે.” પરી બોલી.
“કેવી શરત? યાર તમે છોકરીઓ શરત સિવાય કોઈ કામ કરવા રાજી નથી ને? ચાલ હવે બોલ શુ શરત છે?” સતિષ બોલ્યો.
“મારી શરત એ છે કે જો આરુ તને સ્વીકારી લે તો તારે એના કરતાં વધારે તારા અભ્યાસમાં ધ્યાન દેવુ પડશે. બોલ તને મંજૂર છે?” પરી બોલી.
“જો એ મને સ્વીકારશે તો હું ચોક્કસ સ્ટડીમાં વધારે ધ્યાન આપીશ. પણ એ મને સ્વીકારશે? તને શું લાગે છે?” સતિષ કહેવા લાગ્યો.
“એ તુ મારા પર છોડી દે. આમય એવી કઈ છોકરી હશે જે તને ના પાડી શકે? પ્રોમિસ કર. તારું કામ થઈ ગયા બાદ તુ સ્ટડીમાં વધુ ધ્યાન આપીશ.” પરીએ કહ્યું.
“હા તને પ્રોમિસ કરું છું કે મારું કામ થઈ ગઈ પછી હું સ્ટડીમાં વધુ ધ્યાન આપીશ. ઓકે હવે બરાબર? પણ તે એ શેના પરથી કહ્યું કે મને કોઈ છોકરી ફ્રેન્ડશીપ માટે ના ન કહી શકે?” સતિષે કહ્યું.
“કારણ કે મને એવુ લાગે છે.” પરીએ કહ્યું.
“તો મારુ કામ ક્યારે થશે?” સતિષ પૂછવા લાગ્યો.
“થશે ધીરજ રાખ. એ બધી ચિંતા મારા પર છોડી દે. પણ તારો પ્રોમિસ જરૂર નિભાવજે ઓકે?” પરીએ કહ્યું.
“તારી વાત મેં કદી ટાળી છે કે આગળ ટાળીશ? જસ્ટ ટ્રસ્ટ મી.” સતિષે હસીને કહ્યું.
સતિષે એ દિવસે પરીને આરુ માટે ફ્રેન્ડશિપ બેલ્ટ અને એક ચોકલેટ આપી. એના ત્રણ દિવસ પછી પરીએ સતિષનું કામ કરી નાખ્યું. તે રીસેસ પછી સતિષને કહેવા લાગી,
“સતિષ. તારું કામ થઈ ગયું.”
“ખરેખર! શુ જવાબ આવ્યો? સતિષ ખુશ થઈ કહેવા લાગ્યો.
“હું તને ભ્રમમાં રાખવા નથી માંગતી માટે જે સત્ય છે એ જ કહીશ. કહેતા દુઃખ થાય છે કે આરુએ તને રિજેક્ટ કર્યો છે.” પરીએ કહ્યું.
“પણ પરી કોઈ વ્યક્તિ ફ્રેન્ડશીપને કઈ રીતે ઠુકરાવી શકે? મેં તેને પ્રપોઝ થોડી કરી છે? તેણે મને શા માટે રિજેક્ટ કર્યો? મારામાં તેને જે ન ગમતું હોય એ હું બધુ જ બદલવા તૈયાર છું માત્ર એક ચહેરો અને સ્કિન ટોન સિવાય કારણ કે એ મારા હાથની વાત નથી અને હું પ્રકૃતિની રચના સાથે છેડછાડ કરવા નથી માંગતો.” સતિષ કહેવા લાગ્યો.
“ના રિજેક્ટ કરવા પાછળ એનું કોઈ ખાસ કારણ નથી. તે કહે છે કે મારે આ બધુ નથી કરવું. ટૂંકમાં કહું તો એ તને પસંદ નથી કરતી.” પરીએ કહ્યું.
“તો પરી એ આંખોથી ઈશારા, મારા ફાલતુ જોક્સ પર પણ ખડખડાટ હસવુ અને ખાસ તો તેની નજરનું ક્લાસમાં મને શોધવું એ બધું શુ હતું?” સતિષ ગુસ્સે થઈ ગયો.
“હા એ વાત સાચી છે કે આંખો બધુ જ કહી દે છે પણ દરેક વખતે એ સાચું નથી પડતું. તમારા છોકરાઓની આ એક કોમન ભૂલ હોય છે કે કોઈ તમારી વાત પર હશે કે તમારી સામે નજર કરે એટલે તમે તેને પ્રેમ સમજી લો છો. સતિષ શા માટે આવી ફાલતુ પ્રવૃત્તિમાં તારું ભણતર બગાડશ? આ પ્રેમ ફિલ્મોમાં સારા લાગે. રિયલ લાઈફમાં એવું જ બને એવું જરૂરી નથી. હવે તો તુ અભ્યાસમાં વધારે ધ્યાન આપીશને?” પરીએ કહ્યું.
“હા હવે એના સિવાય કોઈ વિકલ્પ નથી ને!” સતિષ હસીને કહેવા લાગ્યો.
“હમ્મ હવે કઈક તારી સાથે વાત કરવી મને ગમશે. થોડી સ્માઈલ તો આવી. નિરાશ કદી પણ નથી થવાનું ઓકે?” પરીએ કહ્યું.
સતિષે ત્યાંથી વાત પૂરી કરી અને તે લેક્ચરમાં ધ્યાન આપવા લાગ્યો. રાત થઈ ખેંગારે સતિષને કોલ કર્યો,
“સતિષ ક્યાં છો તુ? તારા ઘરના કહે છે કે સાંજનો તુ ઘરે નથી. છે ક્યાં તુ?”
“ખેંગાર...ખેંગાર..હા બ્રો હું ..હું આ તળાવની પાળ પર બેઠો છું. તુ અહીં આવ..આપણે વાતો કરીએ અને હા મારા માટે ચિપ્સ લેતો આવજે.” સતિષે કહ્યું.
“તળાવની પાળે અત્યારે? ઓકે તુ ત્યાં જ રહેજે હું ત્યાં જ આવું છું.” ખેંગાર બોલ્યો.
“હા હા હું અહીં જ છુ. તુ ચિપ્સ ન ભૂલતો. જલ્દી આવ.” સતિષ બોલ્યો.
ખેંગાર પોતાની બાઇક લઈને સીધો સતિષ પાસે પહોંચી ગયો. તેને બાઇક સાઈડમાં લીધી અને જોયું તો સતિષ તળાવની પાળ પર બેસીને સામેની દરગાહ તરફ જોઈ રહ્યો હતો. ખેંગારે તેની પાસે જઈને કહ્યું,
“સતિષ. ભાઈ અત્યારે અહીં શુ કરે છે?”
“આ મારો ભાઈ આવી ગયો. આવ બેસ બેસ. આપણે થોડી વાતો..કરીને ઘરે જઈએ. આવ..તારી જ રાહ જોતો હતો.” સતિષ કહેવા લાગ્યો.
“સતિષ. તુ ઠીક તો છે ને? આ તારા અવાજને શુ થયુ? આમ અટકી અટકીને કેમ બોલે છે?”ખેંગારે પૂછ્યું.
“હમ્મ મને શું થાય? જસ્ટ ગળું બેસી ગયુ છે.તુ ચિપ્સ લાવ્યો?” સતિષ કહેવા લાગ્યો.
“હા” કહી ખેંગાર તેની નજીક જઈને બેઠો અને સતિષના ચહેરાને જોઈને તેના પર ગુસ્સે થઈ બોલ્યો,


To be continued.....