a new beginning - 10 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ - ૧૦

કલ્પના મેનેજર પાસે ગઈ અને સતિષની સ્થિતિ જણાવી. મેનેજરે પણ તેને સહકાર આપતા સતિષને બહાર લઇ જવાની રજા આપી. કલ્પનાએ તેની ફ્રેન્ડ સ્વેતાને તેનું કામ સંભાળવા કહ્યું અને તેની સ્કુટીની ચાવી લઇ સીધી પાર્કિંગમાં આવી ગઈ. સતિષ ત્યાં તેની રાહ જોઈ રહ્યો હતો. કલ્પના સતિષને તેની સાથે નજીકના દેવ મંદિર પર લઇ ગઈ. બંને દર્શન કરી ત્યાંના વડલા નીચે બેઠા. બંને થોડીવાર સુધી કંઈ પણ બોલ્યા નહિ. થોડીવાર પછી કલ્પના બોલી,

“સતિષ. હવે સારું ફિલ થાય છે? તું હવે ઠીક છેને?”

“હા નાવ આઈ ફિલ બેટર. થેન્ક્સ કલ્પના કે તુ મને અહિયાં લઇ આવી.” સતિષે કહ્યું.

“તું એકદમ સ્વસ્થ થઇ ગયો હોય તો એક પ્રશ્ન પૂછી શકું?” કલ્પનાએ કહ્યું.

“હા પૂછને. એમાં મારી પરમીશન લેવાની શું જરૂર છે? પૂછ તારે જે પૂછવું હોય એ.” સતિષે કહ્યું.

“તને હમણાથી ટેન્શન શેનું છે? કેમ તું આટલો ઉદાસ રહે છે? અને મારા આ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે.” કલ્પનાએ કહ્યું.

“મારા બે જીગરી મિત્રો નરેશ અને ખેંગાર મારી સાથે વાત નથી કરતા. ઘણા સમય પછી અમે મળ્યા હતા અને હું અચાનક ત્યાંથી અહીં આવી ગયો. તે મારીથી રિસાયા છે. અહીં આવ્યો ત્યારથી તે બંને મારા કોલ પણ રીસીવ નથી કરતા. બસ એજ વાત છે.” સતિષે કહ્યું.

“પણ તારે અહીં આવવાની શું ઉતાવળ હતી? તું ત્યાંથી કેમ પાછો આવી ગયો? શું ત્યાં તને કોઈ પ્રોબ્લેમ હતો? આઈ મીન આપણે સિટીમાં રહીએ છીએ તો સ્વાભાવિક છે કે ગામડામાં ન ફાવે.” કલ્પનાએ કહ્યું.

“ના એવું નથી. મને ગામડામાં રહેવું ગમે છે કારણ કે ત્યાં પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે આપણી માતા અને માતાના ખોળામાં બાળકને ન ગમે એવું ઈમ્પોસીબલ છે. ત્યાંના વ્રુક્ષો, તળાવ, ચબૂતરા વગેરે હજી મારા મનમાંથી નથી નીકળતા. પણ હું પાછો આવી ગયો.” સતિષે કહ્યું.

“તને ત્યાનું વાતાવરણ ગમતું હતું તો પછી તને પ્રોબ્લેમ શું હતો?” કલ્પનાએ પૂછ્યું.

“હવે તારી પાસે જૂઠું નહિ બોલી શકું. વાત એમ છે કે મારા મિત્રની મામાની છોકરી પ્રિયાએ મને પ્રપોઝ કર્યો એટલે હું અહીં આવી ગયો. કારણ કે મેં તેનું પ્રપોઝલ રીજેક્ટ કર્યું હતું. આ થયા પછી તેની નજર સામે રહેવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું.” સતિષે કહ્યું.

“કેમ પ્રિયા તને પસંદ ન હતી?” કલ્પનાએ પૂછ્યું.

“ના એવું નથી. પ્રિયા સાથે મને સારું ફિલ થતું હતું અને એ મને પસંદ પણ હતી. પણ..” સતિષે કહ્યું.

“પણ શું? તો પછી તે તેને કેમ રીજેક્ટ કરી?” કલ્પનાએ પૂછ્યું.

“પણ એ જેને પ્રેમ સમજતી હતી એ પ્રેમ ન હતો. તેને મારા પ્રત્યે સિમ્પથી હતી કારણ કે તે મારો ભૂતકાળ જાણે છે. મારે પ્રેમ જોઈએ છે સિમ્પથી તો કોઈ અજાણ્યો પણ આપી શકે છે.” સતિષે કહ્યું.

“તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો તારો ભૂતકાળ હું જાણી શકું?” કલ્પનાએ કહ્યું.

“હા. વાત એમ છે કે જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એક શ્રી નામની છોકરીને પસંદ કરતો હતો. એ મારી મિત્ર બની પછી હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો પણ પછી તે મારાથી નફરત કરવા લાગી. એનું કારણ આજ સુધી મને ખબર નથી. તેનો વિરહ હું સહી ન શક્યો તેથી અભ્યાસ છોડી દીધો. છતાં મને આશા તો હતી જ કે તે મને જરૂર મળશે. મેં ફરી ભણવાનું નક્કી કર્યું. જે શાળામાં શ્રી બારમાં ધોરણમાં હતી ત્યાં મેં અગિયારમું કર્યું. એક વર્ષ હું તેની સામે રહ્યો. તેણે એક વખત પણ મારી સામે ન જોયું. અને આખરે મને ખબર પડી કે તેને બે બોયફ્રેન્ડ છે. જેની માટે જીવન જીવી રહ્યો હતો એ હવે કદી નથી મળવાની એ હકીકત સમજાતા મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી પણ હું નિષ્ફળ રહ્યો. એ દિવસ પછી હું ઉદાસ રહેતો. તેથી મારા મિત્રો ચિંતામાં હતા. મારા એક મિત્રએ સલાહ આપી કે હું શ્રીને ભૂલી બીજી વ્યક્તિને પ્રેમ કરું. તેણે કહ્યું પાત્ર બદલાશે મારી ફીલિંગ્સ નહિ. મને પણ વાત બરાબર લાગી અને થોડા સમય પછી હું આરુના પ્રેમમાં પડી ગયો. જે વાત હું કદી શ્રીને ન કહી શક્યો એ હું આરુને કહેવા માંગતો હતો પણ મારામાં તેની સાથે વાત કરવાની હિંમત ન હતી. મેં પરી દ્વારા મિત્રતાનો પ્રસ્તાવ મોકલ્યો પણ તેણે કોઈ કારણ જણાવ્યા વિના મને રીજેક્ટ કરી નાખ્યો. એ વાતનું મને દુખ નહતું પણ મારી મિત્રતાને રીજેક્ટ કરી એ વાતનું દુખ આજે પણ છે. એ સમયે પ્રેમ માટે બહુ તડપતો. પણ પછી વાસ્તવિકતા સમજાઈ કે પ્રેમ કરવા માટે એક લાયકાત હોવી જોઈએ. જેવી કે સારી જોબ હોવી જોઈએ. સારો ચહેરો હોવો જોઈએ વગેરે વગેરે. એ હકીકત જાણ્યા પછી અહીં મોલમાં સેલ્સમેન બની ગયો. કામમાં એટલું મન લાગી ગયું કે આ પ્રેમ જેવી વસ્તુ યુઝલેસ લાગવા લાગી. મારા મિત્રો મને ઘણી વખત કહેતા કે પ્રેમ જેવી વસ્તુ મારા માટે નથી બની. ખરેખર તેઓ સાચા હતા. સમય જતા શ્રી અને આરુ એક માત્ર ઊંઘમાં જોયેલું સપનું બની ગયા. પ્રિયાને જ્યારે આ બધી વાતો મારા મિત્ર ખેંગારે કરી ત્યારે તેને ખૂબ દુખ થયું અને જે પ્રેમ મને ન મળ્યો એ પ્રેમ આજે પ્રિયા મને આપવા માંગે છે. આ પ્રેમ નથી સિમ્પથી છે. મારે સિમ્પથી નથી જોઈતી.” સતિષે કહ્યું.

“તો કોઈ છોકરી તારા ભૂતકાળને જાણીને પ્રેમ કરે તો એ પ્રેમ નથી સિમ્પથી છે. એમને? તારામાં પણ બદલાની ભાવના હશે એ મને આજ ખબર પડી.” કલ્પનાએ કહ્યું.

“કલ્પના તું શું બોલી રહી છે? આ વાતમાં બદલાની ભાવના ક્યાંથી આવી?” સતિષે કહ્યું.

“બદલો તો છે! આરુએ વર્ષો પહેલા તારી સાથે જે કર્યું આજ એ તે પ્રિયા સાથે કર્યું. આરુએ કારણ વગર તારા પ્રેમને ઠોકર મારી એજ રીતે તે પ્રિયાના પ્રેમને ઠોકર મારી. તને એમ લાગે છે ને કે પ્રેમ કરવા સારી જોબ હોવી જોઈએ, સારો ફેસ હોવો જોઈએ વગેરે વગેરે? આ બધું હોય તો જ કોઈ છોકરી પ્રેમ કરે. તો મને એ જણાવ કે પ્રિયાને તારો ભૂતકાળ જાણીને જ પ્રેમ થઇ ગયો હતો કે તું ત્યાં ગયો પછી થયો?” કલ્પનાએ કહ્યું.

“લગભગ તો ભૂતકાળ જાણીને જ પ્રેમ થઇ ગયો હશે કારણ કે તે પહેલા દિવસથી જ મારી ખૂબ નજીક આવી ગઈ હતી.” સતિષે કહ્યું.

“એનો અર્થ એ કે પ્રિયાએ તારો ચહેરો જોયો ન હતો. અને ચહેરો જોયો હોય તોપણ તારો સ્વભાવ થોડો જોયો હશે? છતાં તેને પ્રેમ થઈ ગયો. હવે રહી વાત જોબની એટલે કે પૈસાની. તો મને એ જણાવ કે શું ગરીબ યુવા યુવતી પ્રેમમાં નથી પડતા? તારી વાત મુજબ એ લોકોને તો પ્રેમ થવો ન જોઈએ કારણ કે તેમની પાસે પૈસો નથી. જોબ નથી. બરાબરને? મને એક વાત જણાવ કે કદી પ્રિયાએ તને પૂછ્યું કે તારી સેલેરી કેટલી?” કલ્પનાએ કહ્યું.

“ના.” સતિષે કહ્યું.

“તો પછી તને કેમ લાગે છે કે તેનો પ્રેમ પ્રેમ નથી? સાચું કહું તો પ્રિયાને રીજેક્ટ કરવાના કારણ તે કીધા એ એકપણ નથી. કારણ માત્ર બે જ હોઈ શકે છે. પહેલું એ કે તને પ્રિયાના પ્રેમ પર વિશ્વાસ નથી. તને ડર છે કે પ્રિયા પણ શ્રીની જેમ તારીથી અચાનક દુર થઈ જશે. બીજું એ કે હજી સુધી તુ આરુને ભૂલ્યો નથી અને તને આશા છે કે હજી પણ તે તને મળી શકે છે.” કલ્પનાએ કહ્યું.

“કલ્પના તારું અનુમાન સાચું છે. તારી વાત સાચી છે કે મને ડર છે કે પ્રિયા શ્રીની જેમ દુર ન થઈ જાય અને વાત એ પણ સાચી છે હું આજે પણ આરુને એટલો જ પ્રેમ કરું છુ. જેટલો પહેલા કરતો હતો. પણ મને એ નથી સમજાતું કે આ પ્રેમ છે કે નહી. સૌથી પહેલા હું પ્રેમને સમજવા માંગું છું.” સતિષે કહ્યું.

“સતિષ. પ્રેમ સમજવાનો ન હોય એ તો બસ માણવાનો હોય. આપણી ભૂતકાળની યાદો એવી ન હોવી જોઈએ કે આપણે આપણું વર્તમાન ન જીવી શકીએ અને ભવિષ્ય ન બનાવી શકીએ. શ્રી અને આરુ તારું ભૂતકાળ છે. પ્રિયા તારું વર્તમાન છે. તારી ઈચ્છા હશે તો એ ભવિષ્ય પણ બની શકે છે. હંમેશા વીતી ગયેલા ભૂતકાળને ભૂલીને વર્તમાનને જીવવા નવી શરૂઆત કરવી પડે છે. હવે તું નક્કી કર કે તારે તારા ભૂતકાળને જીવીને તારા માબાપ અને તારા મિત્રોને દુખી કરવા છે કે પ્રિયાને સ્વીકારી એક નવી શરૂઆત કરવી છે. તારો જે નિર્ણય હશે એ મને માન્ય રહેશે કારણ કે હું તને ખુશ જોવા માંગું છું.” કલ્પનાએ કહ્યું.

“કલ્પના તું સાચું કહે છે મારે ભૂતકાળને ભૂલી નવી શરૂઆત કરવી જોઈએ. મને સાચી રાહ દેખાડવા માટે થેન્ક્સ પણ એક સવાલ પૂછું?” સતિષે કહ્યું.

“હા. કેમ નહિ?” કલ્પનાએ કહ્યું.

“તુ શા માટે મારી આટલી કેર કરે છે?” સતિષે પૂછ્યું.

“કારણ કે હું તારી મિત્ર છુ અને તને ખૂબ પ્રેમ કરું છું.” કલ્પનાએ કહ્યું.

“તું મને પ્રેમ કરે છે!” સતિષે નવાઈ પામતા કહ્યું.

“હા તે સાંભળ્યું એ સાચું જ છે. હું તને ખુબ પ્રેમ કરું છું. શું એક છોકરી પ્રેમિકા કે પત્ની બનીને જ પ્રેમ કરી શકે? શું એક મિત્ર બનીને તેના મિત્રને પ્રેમ ન કરી શકે?” કલ્પનાએ કહ્યું.

કલ્પનાના શબ્દોએ સતિષના મનમાં અંકિત થયેલા પ્રેમના મર્યાદિત અર્થ પર જોરદાર ઘા માર્યો હતો. થોડીવાર માટે સતિષ એકદમ ચુપ થઈ ગયો. તેણે કલ્પના સામેથી નજર હટાવી નીચેની તરફ ઝુકાવી દીધી. કલ્પનાએ તેને એવી સ્થિતિમાં જોઈ કહ્યું.

“સોરી સતિષ. મારા જવાબથી તને દુખ લાગ્યું હોય તો મને માફ કર. મારો ઈરાદો તને ઠેસ પહોચાડવાનો ન હતો. પ્લીઝ આમ ચુપ ન થા. કઈક તો બોલ. તું ઠીક તો છે ને?”

“કલ્પના આઈ એમ ઓકે. તું શા માટે સોરી કહે છે? સોરી તો મારે તને કહેવું જોઈએ.” સતિષે કહ્યું.

“પણ કેમ? તે શું ભૂલ કરી છે?” કલ્પનાએ પૂછ્યું.

“ભૂલ અત્યારે કરી છે એવું નથી આ ભૂલ હું વર્ષોથી કરતો આવ્યો છુ અને આજ આ ભૂલ મને સમજાય છે. પ્રેમ વિશેના મારા વિચારો કેટલા ખોટા અને સીમિત હતા. જ્યારે પ્રેમને તો વિદ્વાનો પણ સમજી નથી શક્યા. કલ્પના તારા લીધે આજ મને સમજાયું કે એક છોકરી મિત્ર બનીને પણ પ્રેમ કરી શકે છે. પ્રેમ કરનાર સ્ત્રી પ્રેમિકા કે પત્ની જ હોય એ જરૂરી નથી. કદાચ નરેશ મને આ જ સમજાવવાની કોશિશ કરતો હતો કે શ્રી મને મિત્ર બનીને પ્રેમ આપતી હતી. હું જ તેને પોતાની બનાવવા મથતો હતો. દવેસર હંમેશાં કહે છે- પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી ફક્ત આપવાનું જ હોય છે. શાહ્બુદ્ધીનસર પણ પ્રેમની વાત કરતી વખતે કહે છે- ટુ લવ સમવન મીન્સ, સેક્રીફાઈઝ એવરીથીંગ વિથાઉટ એની એક્ષ્પેક્ટેસન્સ(કોઈને પ્રેમ કરવો એટલે કોઇપણ અપેક્ષાઓ રાખ્યા વગર બધું જ સમર્પિત કરી નાખવું). આરુ વખતે હું આ વાક્યને જીવનમાં ન ઉતારી શક્યો. આરુને પ્રેમ કરતી વખતે એ પણ મને પ્રેમ કરે જ એવી તીવ્ર અપેક્ષા રાખી હતી. પણ પ્રિયાએ આ વાક્યને સાચા અર્થમાં સાબિત કર્યું છે. એ હવે મને સમજાય ગયું છે. કારણ કે પ્રિયાએ મને પ્રેમ કર્યો છે મારી પાસે પરાણે પ્રેમ માંગ્યો નથી. બીજું કે મારી પાસે કોઇપણ પ્રકારની અપેક્ષઓ નથી રાખી.” સતિષે કહ્યું.

“ગુડ. તો હવે શું કરવાનું નક્કી કર્યું?” કલ્પનાએ પૂછ્યું.

“અ ન્યૂ બિગિનિંગ.” સતિષે કહ્યું.

“એટલે?” પ્રિયાએ પૂછ્યું.

“તે કહ્યું એમ જ. હું પ્રિયા સાથે નવી શરુઆત કરીશ.” સતિષે કહ્યું.

“પણ અત્યારે એ તને સ્વીકારશે? તે તેને રીજેક્ટ કરી એવી રીતે પ્રિયાએ તને રીજેક્ટ કર્યો તો?” કલ્પનાએ પૂછ્યું.

“હું તેના નિર્ણયનો આદર કરીશ. ચાહે એ મને સ્વીકારે કે ન સ્વીકારે પણ હું તેને પ્રેમ કરતો રહીશ. આમય પ્રેમમાં ક્યાં એક્ષ્પાયરી ડેટ હોય છે! એ વખતે તેનો પ્રેમ હું સમજી ન શક્યો એ મારા જીવનની મોટી ભૂલ હતી અને એ ભૂલ હું ફરી નહિ કરું. મારા છેલ્લા શ્વાસ સુધી તેને પ્રેમ કરી શકુ એ જ પ્રભુને પ્રાર્થના છે.” સતિષે કહ્યું.

“મને તારી પાસેથી આ જવાબની જ આશા હતી. હવે તુ જલ્દીથી પ્રિયા પાસે ચાલ્યો જા. મેયબી એ પણ તારી જ રાહ જોતી હશે. પણ તું પ્રિયા પાસે જઈશ તો અહીં જોબનું શું થશે?” કલ્પનાએ કહ્યું.

“એ પણ નક્કી જ છે. હું કાલે જ મારી જોબ છોડી પ્રિયા પાસે જાવ છુ. તને મળીને આજ સમજાયું કે નરેશ સાચું જ કહેતો હતો હું મશીન બની ગયો છુ. આજ તારા કારણે માણસ બન્યો છું. બસ હવે ફરી મશીન બનવા નથી માંગતો. જોબ તો મને પછી પણ મળી જશે પણ પ્રિયા નહિ.” સતિષે કહ્યું.

“હા તું માણસ બની ગયો છો એવું લાગી જ રહ્યું છે. તુ આટલો જલ્દી ચેન્જ થઇ જઈશ એવું મને મનમાં પણ નહતું. હું તને પ્રશ્નો પૂછીને મારા ડાઉટ ક્લીયર કરતી હતી અને એ બધા ડાઉટ ક્લીયર થઈ ગયા છે. તુ પ્રિયા પાસે જા. તારે જોબ છોડવાની કોઈ જરૂર નથી. તને ઉદાસ જોઈ મેં વિચાર્યું હતું કે તારે થોડો ટાઈમ રેસ્ટ કરવો જોઈએ. તેથી મેં મેનેજરને વાત કરી હતી કે તારી જગ્યાએ સ્વેતાના ભાઈ ચિરાગને થોડા સમય માટે રાખવામાં આવે. આમય ચિરાગ અત્યારે ફ્રી છે અને બે મહિના માટે કામ કરવા માંગે છે. બે મહિના પછી ફરી તું જોબ પર આવી જજે. તને આ કેમ લાગે છે? હું બરાબર વિચારું છું ને?” કલ્પનાએ કહ્યું.

“હા તારી વાત સાચી છે. મારે થોડો ટાઈમ તો જોશે. ઠીક છે હું કાલ જ નીકળું છુ. તું ચિરાગને મારી જગ્યાએ સેટ કરી દેજે. થેંક્સ.” સતિષે કહ્યું.

“ઓકે ઠીક છે. તો આપણે નીકળીએ.” કલ્પનાએ કહ્યું.

“હા જરૂર. પણ કાલ તારે મને ડ્રોપ કરવા આવવું પડશે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ફ્રેન્ડ જ ફ્રેન્ડને ડ્રોપ કરવા જતા હોય છે. તું આવી શકીશ?” સતિષે કહ્યું.

“તે ન પૂછ્યું હોત તોપણ હું આવવાની જ હતી. ચાલ હવે, ત્યાં કસ્ટમર વધી ગયા હશે તો મેનેજરનો માથાનો દુખાવો વધી જશે.” કલ્પનાએ કહ્યું.

“હા લગભગ વધી જ ગયો હશે. આપણે ઘણો ટાઈમ પસાર કરી નાખ્યો છે.” સતિષે કહ્યું.

બંને પોતાની વાત પતાવી મોલ પર જઈ પોતાના કામમાં લાગી ગયા. બીજા દિવસે વહેલી સવારે સતિષ પોતાનું બેગ પેક કરી તૈયાર થઇ ગયો. તેણે કલ્પનાને કોલ કરી બસ સ્ટોપ પર બોલાવી લીધી. કલ્પનાએ વાત કરતા સતિષને પૂછ્યું,

“ઘરે મમ્મી પપ્પાને વાત કરી કે તું પ્રિયા પાસે જાય છે?”

“ના કાલ આવ્યા પછી તેમને મળ્યો જ નથી અને આમય પ્રિયા વિશે મેં તેમની સાથે કોઈ વાત નથી કરી.” સતિષે કહ્યું.

“કાલ મળ્યો નથી એટલે શું? તું બહાર શા માટે જાય છે એ ઘરના મેમ્બર્સને જાણ તો હોવી જોઈએ કે નહિ? તું તો એવી રીતે વાત કરી રહ્યો છે જાણે તું ઘરમાં કોઈની સાથે વાત જ નથી કરતો.” કલ્પનાએ કહ્યું.

“હા કલ્પના હું ઘરમાં કોઈની સાથે વાત નથી કરતો. એવું નથી કે હું નારાજ છુ. ના મારી પાસે ટાઈમ જ નથી હોતો તેમની સાથે વાત કરવાનો. જ્યારે હું કામ પરથી આવું છુ ત્યારે બધા સુઈ ગયા હોય છે. તેઓની ઊંઘ બગાડી હું તેમની સાથે શું વાત કરું?” સતિષે કહ્યું.

“ખરેખર મને નવાઈ લાગે છે કે તારી પાસે જોબ માટે ટાઈમ છે પણ ફેમીલી માટે ટાઈમ નથી. વાંધો નય એ વિષય પર આપણે પછી વાત કરશું. અત્યારે તો તું મને પ્રોમિસ કર કે પ્રિયાને સાથે લઈને જ આવીશ.” કલ્પનાએ કહ્યું.

“હા તને પ્રોમિસ કરું છુ કે હું પ્રિયાને સાથે લઈને જ આવીશ.” સતિષે કહ્યું.

બંને વાતો કરી રહ્યા હતા એવામાં બસ આવી ગઈ. સતિષ કલ્પનાને “બાય” કહી બસમાં ચડ્યો પણ અચાનક તેને કઈક યાદ આવતા તે નીચે આવ્યો અને કલ્પનાને ભેટી પડ્યો. તે કહેવા લાગ્યો,

“થેન્ક્સ કલ્પના. યાર તારી વગર મને ત્યાં નહિ ગમે. તું પણ ચાલને મારી સાથે.”

“સતિષ. હું ક્યાં તારીથી દુર છુ? હું હંમેશા તારી સાથે જ છું. એક વખત પ્રિયા પાસે પહોચી જઈશ એટલે મારી ગેરહાજરીનો તને અનુભવ નહિ થાય. મને વિશ્વાસ છે. જા તારી બસ છૂટી જશે અને ત્યાં જઈને ફક્ત પ્રિયાને જ સમય આપજે. ઓકે? બાય.”

“ઓકે….બાય.” કહી સતિષ ફરી બસમાં ચડી ગયો અને બસ ત્યાંથી રવાના થઈ.

To be continued…..