A new beginning - 7 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૭

સવાર પડી ગઈ. સતિષ હજુ પેલા કપલના સંવાદો વિશે વિચારી રહ્યો હતો. તે બ્રશ કરી ચા પીવા બેઠો પણ તેના મનમાં સવાલો ફર્યા જ કરતા હતા. તે બસ ચાનો કપ પકડી એ કપ સામે જોઈ રહ્યો. તેને એવી સ્થિતિમાં જોઈ તેના ભાભી કહેવા લાગ્યા,

“કેમ શું થયું છે? ગઈ કાલનું થોબડું પડેલું કેમ છે? અત્યારે શ્રીની યાદમાં તો નથી ખોવાયોને?”

“હં ..ના ભાભી એવુ કઈ નથી બસ અમુક સવાલો મનમાં ખટક્યા કરે છે. એના જવાબો મને નથી મળતા.” સતિષે કહ્યું.

“કેવા સવાલો? મને તો જણાવ કદાચ એના જવાબ મારી પાસેથી મળી જાય. નહિ મળે તો તેને શોધવામાં હું તારી મદદ કરીશ.” ભાભીએ કહ્યું.

“વાત એમ છે ભાભી કે કાલ સાંજે હું મહાદેવના મંદિરે ગયો હતો. ત્યાં બાંકડા પર એક કપલ મેં જોયું. એ લોકોના લવ મેરેજ થયા હતા એવું મને તેમની વાતો પરથી લાગ્યું. પણ એ કપલમાં પત્ની તેના પતિ સાથે જોબ કરવા બાબતે ઝઘડી રહી હતી. તેથી પતિ કહેવા લાગ્યો કે તેની પત્નીને પતિ નહિ પણ પૈસા જોઈએ છે. પત્નીનો મુદ્દો એ હતો કે તેનો પતિ પોતાની જાત મહેનતે તેઓના સપના પુરા કરે. બસ આ દ્રશ્ય જોતા ઘણા સવાલો મને થવા લાગ્યા. મેં આવા દ્રશ્યો ફિલ્મોમાં ઘણી વખત જોયા છે પણ રીયલ લાઈફમાં પહેલી વખત જોવ છુ તેથી મને સમજાતું નથી કે જે વ્યક્તિઓ લગ્ન પહેલા એકબીજાની ખુશી જુએ છે એ લગ્ન પછી એકબીજાને ખુશ કેમ નથી રાખી શકતા? શું પ્રેમને ટકાવી રાખવા પૈસો ખુબ જરૂરી છે? હું એમ નથી કહેતો કે કામ પર જવું ન જોઈએ પણ તમારી વચ્ચે પણ આવું બનતું હશે ને? શું તમે પણ ભાઈ સાથે આ બાબત પર ઝઘડ્યા છો?” સતિષ પૂછવા લાગ્યો.

“હા એક વખત નહિ ઘણી વખત. અમારા લગ્નના શરુઆતના દિવસોમાં તારા ભાઈએ કામ પર જવાનું છોડી જ દીધું હતું. જયારે હું તેમને કામ પર જવા કહેતી તો તે કહેતા કે તેમને મારા વગર ગમતું નથી. તે મને સમય આપી શકતા નથી. એમની ફીલિંગ્સ બરાબર હતી. શરૂમાં આવું થતું જ હોય છે. પણ એનો અર્થ એવો થોડો છે કે કામ ધંધા મુકીને ઘરે બેસી ગપ્પા માર્યા કરવાના? તને ખબર છે મેં તારા ભાઈ સાથે લગ્ન શા માટે કર્યા?” ભાભીએ પૂછ્યું.

“ના એ મને થોડી ખબર હોય?” સતિષે કહ્યું.

“હું તારા ભાઈ સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઈ કારણ કે એ સમયે તારા ભાઈ કમાતા હતા. તેમને પૈસો કમાવતા આવડે છે એ જોઇને મેં લગ્ન માટે હા કહી હતી. એનો અર્થ એ નથી કે મને પૈસાથી પ્રેમ હતો કે પૈસા જોઇને મેં લગ્ન કર્યા. કોઇપણ સ્ત્રી તેના પતિમાં એક વિશ્વાસ શોધતી હોય છે. એ વિશ્વાસ જે તે તેના પિતા અને ભાઈમાં અનુભવતી હોય છે. લગ્નજીવન પછી તેને એક માતાનો દરજ્જો નિભાવવાનો હોય છે. ભવિષ્યમાં તે માતા બને તો તેના આવનાર નવજાત શિશુ માટે કોઈ સલામતી હોવી જોઈએ કે નહિ? બસ આ સલામતી માટે તે તેનો પતિ પૈસા કમાવવા કેપેબલ છે કે નહિ તેની નોંધ કરતી હોય છે અને જો લગ્નપછી તેને જાણ થાય કે તેના પતિને પૈસો કમાવતા આવડતું નથી ત્યારે તે એક શિક્ષક બની જાય છે અને તેના પતિને પૈસો કમાવતા શીખવાડે છે એટલે કે કામ પર જવાની ટેવ પાડે છે. જેમ ગણિતના શિક્ષકની દાખલા શીખવવાની રીત અલગ હોય છે તેવી રીતે પત્નીની પણ તેના પતિને કમાવતા શીખવવાની રીત જુદી જુદી હોય છે. કોઈ પત્ની પ્રેમથી મીઠું મીઠું બોલી કામ પર મોકલી મોકલીને શીખવે છે તો કોઈ કામ પર જવા ધમકાવીને પણ શીખવી દે છે. પણ તે કોઈ પણ રીત અપનાવે એ દરમ્યાન તેનો પ્રેમ એક કણ જેટલો પણ ઓછો થતો નથી. ઘણા પુરુષો આને ટોર્ચર, માથાનો દુખાવો, તેમના ફૂટેલા નસીબ વગેરે સમજતા હોય છે. પણ એક પત્ની હમેશા એ જ ચાહતી હોય છે તેનો પતિ કોઈના પર આધાર ન રાખે અને કોઈની સામે હાથ ન ફેલાવે. સમાજમાં સ્વાભિમાનથી માથું ઊંચું ઉઠાવીને જીવે. પણ દુખ એ વાતનું છે કે આ બાબતને નેગેટીવ રીતે જ જોવામાં આવે છે.” ભાભીએ કહ્યું.

ભાભીની વાત સતિષને થોડી અટપટી અને સમજમાં ન આવે તેવી લાગી પણ ઘણું વિચાર્યા બાદ સતિષે કહ્યું,

“આઈ થીંક તમારી વાત સો ટકા સાચી છે તો તો હવે મારે પણ કોઈ કામ શોધી લેવું જોઈએ.”

“કેમ તારે અત્યારથી જોબ કરીને શું કરવું છે? હજી તો તારા કોલેજના દિવસો પણ નથી આવ્યા. હજી એ સમયની ઘણી વાર છે. અત્યારે બસ તું ભણવામાં ફોકસ કર તોય ઘણું. એક મિનીટ! શ્રી ફરી તારા જીવનમાં નથી આવી ગઈને? તુ તેના માટે તો આવો નિર્ણય લઇ રહ્યો છો સાચું ને?” ભાભીએ હસીને કહ્યું.”

“ના ભાભી એવું કાઈ નથી થયું. આમય હવે એ જીવનમાં આવીને પણ શું કરશે? મારી અંદરના માણસને જાણતા મને સમજાયું કે શ્રી પોતાની રીતે સાચી હતી. તેણે લીધેલા દરેક નિર્ણય સાચા હતા. ખરેખર તો હું એના માટે લાયક જ નથી. એ મને પોતાનો મિત્ર માનતી હતી અને હું ફિલ્મોને લીધે મારામાં રહેલી તુચ્છ માનસિકતાને લીધે મિત્રતાને પ્રેમ માની બેઠો. ખરેખર તો હું માફીને લાયક પણ નથી. કેટલો કાયર છું હું કે છોકરીના રીજેક્ષ્નને લીધે આત્મહત્યા કરવા નીકળી પડ્યો હતો. પણ આ મિત્રો ગમે તેમ બચાવી જ લે છે. ભાભી હવે હું સમજી ગયો છુ કે શ્રી સાથે મને કદી પ્રેમ હતો જ નહી. જસ્ટ આકર્ષણ હતું. કેમ કે જો તેને પ્રેમ કરતો જ હોત તો એના સ્થાને બીજી છોકરીને જોવા માટે હું રાજી જ ન થયો હોત. મારા મિત્રો સાચું જ કહે છે કે આ પ્રેમ જેવી વસ્તુ મારા માટે નથી. રહી વાત તમારા પ્રશ્નની તો જોબ કરવાની મારી એટલે ઈચ્છા છે કે ભલે આજ મારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ નથી પણ હજી તો જીવનના ઘણા દિવસો બાકી છે. એ દોડમાં જ કોઈક મારા જીવનમાં અચાનક પ્રવેશી જશે. બસ કઈક આવો જ વિચાર છે.” સતિષે કહ્યું.

ભાભી સતિષની વાતોમાં પશ્ચાતાપ પણ જોઈ રહ્યા હતા અને થોડી આશાઓ પણ જોઈ રહ્યા હતા. તે કહેવા લાગ્યા,

“મને તારો નિર્ણય ગમ્યો ઉપરાંત તારી વાતો પણ મને ગમી. હું ઘણા સમયથી તને આ તો સમજાવવાની કોશીશ કરી રહી હતી. છેવટે તને આપમેળે જ સમજાય ગયું. પણ મારું માન તો અત્યારે તારે કામ કરવાની જરૂર નથી. એ વેળાની હજી વાર છે.”

“ના ભાભી મેં નક્કી કરી લીધું છે. તમે બસ ટૂંક સમયમાં ભાઈને કહીને મને અનુકુળ આવે તેવું કામ અપાવો. પણ હું કામ શા માટે કરવા માંગું છું તેની સ્પષ્ટતા ન કરતા.” સતિષે કહ્યું.

“વાંધો નય તું જેમ કહે છે એમ જ થશે બસ?” ભાભીએ કહ્યું.

થોડા દિવસો વીતી ગયા પછી તેણે ખેંગારને કોલ કરી તળાવની પાળ પાસે આવવા કહ્યું. ખેંગાર ત્યાં પહોચી ગયો. સતિષને તળાવની પાળ પર બેઠેલો જોઈ તે કહેવા લાગ્યો,

“એય મારા ભાઈ તે ફરી નશો નથી કર્યો ને? કોઈ મરવાનો ઈરાદો નથીને?”

“ના ભાઈ ભાનમાં જ છું. એ દિવસે મગજ ખરાબ થઇ ગયો હતો. આવ બેસ મારી પાસે. થોડી વાતો કરવી છે યાર તારી સાથે.” સતિષે કહ્યું.

“અરે આજ પાર્ટી મોજમાં લાગે છે! શું કોઈ મળી ગયું?” ખેંગારે હસીને પૂછ્યું.

“હા એટલે તો એ ખુશીને શેર કરવા તને અહી બોલાવ્યો છે.” સતિષે કહ્યું.

“તો શું નામ છે એનું?” ખેંગારે પૂછ્યું.

“સેલ્સમેન.” સતિષે જવાબ આપ્યો.

“સેલ્સમેન? હું કાઈ સમજ્યો નહિ.” ખેંગારે કહ્યું.

“એટલે આપણા શહેરના શોપિંગ મોલમાં મને સેલ્સમેનની જોબ મળી ગઈ છે.” સતિષે કહ્યું.

“ઓહ હો! ભાઈ તો હવે કમાવવા જશે! પણ અચાનક આવો નિર્ણય? કોઈ છોકરીએ તને આ રસ્તો તો નથી બતાડ્યોને? ભાઈ મને જ્યાં સુધી ખબર છે તારા ઘરના તને કામ પર મોકલે એવા નથી અને બીજી વાત કે જો એ મોકલે તો તું કાઈ જા એમ નથી. તો વાત છે શું?” ખેંગારે કહ્યું.

“બહુ મોટું કારણ નથી. બસ એક પતિ પત્નીનો ઝઘડો જોયો કે તરત અક્કલ ઠેકાણે આવી ગઈ અને બસ પછી કમાવાની ધૂન લાગી ગઈ અને આજ કામ પણ મળી ગયું.” સતિષે હસીને કહ્યું.

“એટલે હજી પણ કોઈક તારા જીવનમાં આવશે અને એને માટે તું આ બધું કરી રહ્યો છે એમ ને?” ખેંગારે પૂછ્યું.

“હા એ કહેવું પણ ખોટું નથી. પણ હવે તો યાર આ બધુ જામતું નથી. જીવનનું એક સત્ય મેં સ્વીકારી લીધું છે. એ સત્ય છે- બધું જ ટૂંક સમય માટે હોય છે. કશું જ કાયમી નથી હોતું. એ પછી પ્રેમ હોય, કોઈ વસ્તુ હોય કે કોઇપણ જીવંત વ્યક્તિ હોય.” સતિષે કહ્યું.

“મેં તને પ્રશ્ન પૂછીને મારા પગ પર જ કુવાડી મારીને? યાર મને તો સમજાતું જ નથી કે અચાનક તારામાં આવી ફીલોશોફી ક્યાંથી આવી જાય છે? સોરી મજાક કરું છું.” ખેંગાર હસવા લાગ્યો.

“એ તો મને પણ નથી સમજાતું. હવે તને મળવાનું ક્યારેક જ પોસીબલ થશે.” સતિષે કહ્યું.

“કેમ તે અમારાથી દુર જવાનું નક્કી કર્યું છે?” ખેંગારે પૂછ્યું.

“ના ના એવું નથી. જોબ પર જવાનો ટાઈમ બપોરથી રાતના દસ વાગ્યા સુધીનો છે અને મોલથી આવતા જ પોણી કલાક જેવું થઇ જશે. તેથી દરરોજ મળવું પોસીબલ થશે નહિ. સવારે ટાઈમ હશે પણ થાકને કારણે મોડું ઉઠાઈ જાય તો મળવાનો ટાઈમ ન રહે. છતાં રજાના દિવસોમાં આપણે મળતા રહેશું.” સતિષે કહ્યું.

“ઓકે તો વાંધો નય. ભાઈ એક વાત પૂછુ? પ્લીઝ સાચું કહેજે.” ખેંગારે કહ્યું.

“હા કેમ નહિ? બોલને.” સતિષે કહ્યું.

“યાર નરેશ તને છોડીને અમદાવાદ ચાલ્યો ગયો તેથી તુ નરેશથી નારાજ તો નથીને?” ખેંગારે પૂછ્યું.

“ના ભાઈ ના. નરેશથી હું નારાજ નથી. એ મને કદી છોડી જ ન શકે. તેને અમદાવાદ કઈંક કામ હશે. ખેંગાર મારી જીવનરૂપી કાર અધવચ્ચે બંધ પડી જતા નરેશ તેમાંથી ઉતરીને ભાગી નથી ગયો પણ મારી જીવનરૂપી કાર આગળ ચાલે તે માટે તેને ધક્કો લગાવવા ગયો છે. એ કદી મને છોડી જ ન શકે.” સતિષે કહ્યું.

“વાહ! શું આનું નામ જ મિત્રતા છે? મને લાગ્યું કે અત્યારે તું એનાથી નારાજ છો. પણ હું ખોટું વિચારી રહ્યો હતો. તો કાલ પહેલો દિવસ છે એમ ને?” ખેંગારે પૂછ્યું.

“હા એટલે વિચાર્યું કે આજ તને મળી લવ. નરેશને તુ આ વિશે કહેતો નય. હું તેને સરપ્રાઈઝ આપવા માંગું છુ.” સતિષે કહ્યું.

“હા એ તો થવું જ જોઈએ. તો હવે એક ગ્લાસ સોડા ચાલશે?” ખેંગારે પૂછ્યું.

“હા હા કેમ નહી? ચાલ સ્ટાર્ટ કર તારી બાઈક.” સતિષે કહ્યું.

બંને મિત્રો ત્યાંથી નીકળી ગયા….

બીજા દિવસે સવારના સાડા દસ વાગી રહ્યા હતા. એ સમયે સતિષ સેલ્સમેનનો યુનિફોર્મ પહેરી અરીસામાં પોતાની સાથે વાતો કરી રહ્યો હતો,

“હેલ્લો સર. આઈ એમ સતિષ. નાઈઝ ટુ મીટ યુ. કેન આઈ હેલ્પ યુ? વાહ સતિષ કહેવું પડે ઈંગ્લીશ થોડું થોડું તો આવડે છે. વાંધો નહી આવે.”

“હવે વાંધો તો આમય ક્યાં આવવાનો છે? ત્યાં ફોરેનર થોડા આવવાના છે? પણ એક્ટિંગ સારી આવડે છે. તો હવે ક્યારે જવાનું છે?” ભાભીએ કહ્યું.

“હા બસ હવે નીકળું જ છું.” સતિષે કહ્યું.

“હા તો હું માર્કેટ જાવ છુ. બેગમાં તારું ટીફીન રાખી દીધું છે. એ ભૂલતો નહિ. બેસ્ટ ઓફ લક.” ભાભીએ કહ્યું.

“થેંક યુ.” કહી સતિષ પોતાનું બેગ લઈ મોલ જવા નીકળી પડ્યો. કલાક પછી તે મોલ પહોચ્યો. પહેલા દિવસના ઉત્સાહમાં તે મોલના કર્મચારીઓને ગુડ મોર્નિંગ કહેતો પોતાના સ્થાને પહોંચ્યો. તેના ટીમ લીડરે તેને વસ્તુની માહિતી કઈ રીતે આપવાની છે તે બધું સમજાવી દીધું. તેમના સમજાવ્યા પ્રમાણે તે કામ કરવા લાગ્યો.

રાતના દસ વાગ્યા અને તેના કામનો સમય પૂરો થયો. સતિષ હવે ઘરે જવાની ઉતાવળમાં હતો. તે બાકી રહેલા નાના મોટા કામ પતાવીને ત્યાંથી ઘરે આવી ગયો. ઘરે પહોચી તે ભોજન પતાવી થાકને કારણે સુઈ ગયો. પછી દિવસો આમ જ પસાર થવા લાગ્યા. મોલમાં સાથે કામ પર આવતા વ્યક્તિઓ તેના નવા મિત્રો બન્યા. ઘર અને શોપિંગ મોલની વચ્ચે સતિષનું જીવન એકદમ બીઝી થઇ ગયું.

આમને આમ બે વર્ષ વીતી ગયા. સતિષે જોબ પર લાગ્યા પછી તેના અભ્યાસ વિશે વિચારવાનું એકદમ છોડી દીધું. જયારે તેને ઘરેથી આગળ અભ્યાસ માટે કહેવામાં આવતું ત્યારે તે “આમય ઘણા બધા વર્ષો ભણતરને આપીને છેવટે તો આવી સામાન્ય જોબ જ કરવાની છે તો એટલા વર્ષ હું આ કામમાં જ ધ્યાન આપું તો એ મારા માટે સારું રહેશે.” કહી તેમની વાતને ટાળી દેતો. સમય જતા બધાએ તેને સમજાવવાનું છોડી દીધું. તેનું પરિવાર આમ તો સતિષનાં નિર્ણયથી ખુશ હતું પણ સતિષ આવી રીતે એકલવાયું જીવન જીવશે એવી તેઓએ કલ્પના પણ નહતી કરી. વહેલી સવારે તે કસરત કરવા નીકળી જતો અને નાસ્તો પતાવી તેના કામના સમયના બે કલાક પહેલા તૈયાર થઇ ઘરેથી નીકળી જતો. મોટા ભાગનો સમય તે બહાર જ વિતાવતો.

એક દિવસ સોમવારે સતિષને રજા હતી. તેને થયું કે તેને મહાદેવજીના મંદિરે જઈ ત્યાં થોડો સમય પસાર કરવો જોઈએ. તે વહેલી સવારે મંદિર જવા નીકળી પડ્યો. મંદિરે પહોચી ભગવાનના દર્શન કરી તે બાંકડે બેઠો ત્યાં તેના મનમાંથી અવાજ નીકળ્યો,

“આજથી બે વર્ષ પહેલા મને અહીંથી જિંદગીનો પાઠ શીખવા મળ્યો હતો. ખરેખર લોકો સાચું જ કહે છે ગોડ ઇઝ ગ્રેટ.”

ત્યાં જ તેના ફોનની રીંગ વાગી. તેણે કોલ ઉપાડ્યો,

“હેલ્લો, સતિષ બોલું છુ.”

“સતિષ ક્યાં છો તું? મને ઓળખ્યો ? હું ખેંગાર.” સામેથી અવાજ આવ્યો.

“હા ભાઈ તને કેમ ભૂલું? તું ક્યાં છો? તને આજથી ત્રણ મહિના પહેલા મળ્યો હતો. શું થયું છે? બધું બરાબર છે ને? મારો કોલ પણ ઉપાડતો નહતો. તારા ઘરે તપાસ કરી તો જાણ થઇ કે તું મામાના ઘરે કામ કરવા ગયો છો.” સતિષે કહ્યું.

“નાં ભાઈ નાં કામનું તો બહાનું હતું. અહી મારી ગર્લફ્રેન્ડ રહે છે. અમે બંને છેલ્લા બે મહિનાથી એક બીજાને પ્રેમ કરીએ છીએ. ઘણા સમયથી અમારા મેરેજની વાત ચાલતી હતી અને ફાઈનલી છોકરીના ઘરના માની ગયા છે. આવતા રવિવારે મારા લગ્ન છે. સોરી હમણાથી બીઝી હતો વળી ગામડામાં હતો એટલે નેટવર્કની તકલીફને કારણે તને સંપર્ક ન કરી શક્યો. કાલ તારા ઘરે આવ્યો હતો કંકોત્રી આપવા પણ તું નહતો. તેથી હું પછી નીકળી ગયો. તો તારા પરિવારને હાજર રહેવવાનું જ છે. ઓકે? જો હું ફરી ફોન નહિ કરું. થોડા દિવસ માટે તારું કામ પડતું મુકીને અહી આવી જજે. અમારા ગામડે લગ્ન રાખ્યા છે.” ખેંગારે કહ્યું.

“યાર એક દિવસ તો રોકાઈ જવું હતું ને? ચાલ વાંધો નય અમે પહોચી જઈશું. અને હા નરેશ આવે છે ને?” સતિષે કહ્યું.

“અરે મને તો ખબર જ હતી કે તું આ પ્રશ્ન કરીશ જ. તારી પહેલા મેં એને આ વાત કરી દીધી છે. યાર તું તો જોબ લાગ્યા પછી એકદમ ગાયબ જ થઈ ગયો. હું તારાથી નારાજ છુ ભાઈ. મને એ સતિષ વધારે ગમતો હતો જે હમેશા પોતાની હિરોઈન શોધવામાં રહેતો હતો. કારણ કે એ બહાને તું અમારી સાથે ટાઈમ તો પસાર કરતો. યાર તારી બહુ યાદ આવે છે. પણ તને કામના સમયે ડીસ્ટર્બ કરતા મારું મન માનતું નથી. તે તો તારી અલગ દુનિયા જ કરી નાખી છે. શું અમે એટલા પારકા થઇ ગયા કે અમારી સાથે તું થોડો સમય પણ ન કાઢી શકે?” ખેંગાર ભાવુક થઇ ગયો.

ખેંગારની વાતોએ સતિષને પણ રડાવી દીધો. પણ થોડીવાર પછી સ્વસ્થ થતા તે હસીને બોલ્યો,

“અરે તને તો હિરોઈન મળી ગઈને! બસ ભાઈ એમાં આપણે રાજી. તુ ચિંતા છોડીને લગ્નમાં ધ્યાન દે. મારું કામ પડતું મુકીને પણ હું તારી પાસે પહોચી જઈશ. બસ. હવે બીજું કાઈ?”

“ના બસ તું આવી જા એટલે મને બધું મળી જશે. જો આખા પરિવારને આવવાનું છે.” ખેંગારે કહ્યું.

સતિષે બીજા દિવસે જઈ રજા માટે તેના ટીમ લીડરને અરજી કરી. તેના ટીમ લીડરે તેને સ્ટોર મેનેજર પાસે મોકલ્યો. તેણે સ્ટોર મેનેજર પાસે જઈ રજા માટે અરજી કરતા કહ્યું,

“સર આ રવિવારે મારા મિત્રના લગ્ન છે તેથી મારે બુધવારથી આવતા બુધવાર સુધી રજા જોઈએ છે.”

“સતિષ હું જાણું છુ. તારા ટીમ લીડરે મને વાત કરી હતી. પણ હમણાથી સ્ટાફના મોટા ભાગના માણસો રજા પર છે. હું તને અત્યારે રજા ન આપી શકું. હા તને રવિવારે રજા મળી જશે.” મેનેજરે કહ્યું.

“પણ સર કોઈ દુરના સગા હોત તો વાત અલગ હતી પણ એ મારા ભાઈ જેવો સંબંધ છે. મારી જગ્યાએ અઠવાડિયા માટે કોઈ રહી શકે તેમ નથી? સર મારે વહેલા જવું જરૂરી છે. પ્લીઝ કઈક કરો.” સતિષે કહ્યું.

“સતિષ હું સમજી શકું છુ. એવું નથી. તારી જગ્યાએ રહી શકે એવી વ્યક્તિ છે પણ એ આ માટે તૈયાર થશે કે નહી એ હું ન કહી શકું. કારણ કે તારું કામ એના વિભાગમાં નથી આવતું. હું અત્યારે જ તેને અહી બોલવું છુ અને આ વિશે વાત કરું છુ. જો એ તારા બદલે કામ કરવા તૈયાર થાય તો તારા નશીબ.” મેનેજરે કહ્યું.

“પણ સર એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો એ વ્યક્તિ ના પાડશે તો?” સતિષે પૂછ્યું.

“પણ તેને અહી આવીને વાત તો કરવા દે. જો એ ના પાડશે તો હું કઈક તો જુગાડ કરી લઈશ. ઓકે? અત્યારે તારું કામ કર. તેની સાથે વાત થયા પછી હું તને બોલવું છુ.” મેનેજરે કહ્યું.

“ઓકે સર. પણ પ્લીઝ કઈક તો કરજો.” સતિષ કહી ત્યાંથી નીકળી ગયો.

To be continued…..