Abhagani books and stories free download online pdf in Gujarati

અભાગણી

* " અભાગણી *" @ વાતાઁ..... 

અરૂણા પોતાની કિસ્મત ને દોસ દેતી રડતી હતી કે હું કેવી અભાગણી કે જીવન મા કોઈ સુખ જ ના મળ્યુ આજે મારે ફરી એકવાર જવાબદારી નિભાવવાની છે. દિકરા નો દિકરો પાંચ વર્ષ નો હતો એને માથે હાથ ફેરવી સુવડાવી રહી હતી અને સુખ દુઃખ નુ સરવૈયું કાઢી રહી હતી. પરણીને સાસરે આવી અને પોતાને મળેલા અપમાન કારણ કે એ ગરીબ પરિવારમાંથી આવી હતી અને સાસરીયાની માંગ મુજબ દહેજ અને કરિયાવર લાવી ન હતી. સાસરીમાં એ મોટી વહુ હતી અને એક દિયર હતો. પિયરમાં એટલા રૂપિયા ન હતા પણ ખાનદાની ખોરડું હતું તેથી એ મોટા ઘરની વહુ બની શકી. સાસુ સસરાના મેંણા ટોણા એ મુંગા મોં એ સહન કરતી પતિ પણ એનો પક્ષ લેતો નહતો પણ એ પાછી પિયર  જઈ મા બાપ પર બોજ બનવા માંગતી ન હતી. આમ કરતા સુખે દુઃખે દિવસ પસાર થતા અને એ એક દિકરાની મા બની. ત્યાં સુધીમાં દેરાણી ઘરમાં આવી ગઈ હતી કોથળા ભરીને દહેજ લઈને. એટલે સાસુ સસરાએ ઘર હવે સાંકડુ પડે છે કહીને જુદા કાઢ્યા.પિયરમાં નાની બહેનના લગ્ન થયા પણ હજુ ભાઈ ભણતો હતો. એટલે પિયરમાંથી તો મદદ મળે એમ જ ન હતી. 
અરૂણાની માઠી દશા તો હવે ચાલુ થઈ અવિનાશ નોકરી જાય નહીં અને સટ્ટાબાજી અને જુગાર જ રમે અને ઘરમાં મારઝુડ કરે. અરૂણાએ નોકરી ચાલુ કરી અને સિવણ પણ શિખવાનું ચાલુ કર્યું અને દિકરાને ભણવા મુક્યો. પોતે એક ટાઈમ જમે પણ દિકરાને કોઈ તકલીફ ના પડે એનુ ધ્યાન રાખે. આમ દિવસો પછી મહીના અને વર્ષ થયુ અરુણા સિવણ શિખી ગઈ તેણે થોડા બચત કરેલા અને થોડા ઉછીનાં ઉધાર લઈ સેકન્ડમાં એક સિવવાનો સંચો લીધો. 
ઘરના કામ કરી નોકરી જાય દીકરા ને ભણાવે અને રાત્રે સંચો ચલાવે એમ કરતાં દિકરો કોલેજમાં આવ્યો એણે પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી અને મા ને મદદ કરવા લાગ્યો. આમ દિકરાની કોલેજ પુરી થઈ અને એક મોટી કંપનીમાં નોકરીમાં લાગ્યો એણે મા ને નોકરી છોડવી દીધી પણ અરૂણા સિવણ કામ કરતી રહેતી. એક દિવસ દિકરો કોર્ટમાં મેરેજ કરી વહુ લઈને ઘરે આવ્યો. અરૂણા આ જોઈ આઘાતમાં સરી પડી પણ દિકરાની ખુશી માટે વહુને પોંખીને હસીને ઓવારણા લઈ આવકાર આપ્યો. પણ કહેવત છે ને 
" પુત્ર ના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી " 
વહુ એ ઘરમાં પ્રવેશતા જ પોત પ્રકાશવાનુ ચાલુ કર્યું. અને અરુણાનુ અપમાન કર્યું એણે દિકરા સામે જોયુ પણ દિકરો તો વહુને લઈ રૂમમાં જતો રહ્યો. એક દિવસ અવિનાશ ઘરે આવતો હતો અને એક ગાડી ટક્કર મારી ને જતી રહી દવાખાને લઈ ગયા પણ મગજની નસ ફાટી ગઈ હોવાથી બચી ના શક્યા. આમ એક પછી એક આફત આવતી રહી સુખનો સૂરજ ઉગે એ પહેલાં અમાસની અંધારી રાત આવી પડી.
વહુ પિયરરખુ હતી આવી ત્યારથી કોઈ ને કોઈ બહાનું કાઢીને પિયર જતી રહે પાછળ દિકરો દોડ્યો જાય. ઘરમાં પણ વહુએ જ કારભાર સંભાળયો તેથી અરુણા સિલાઈ કરે એ રૂપિયા જ રહેતા દિકરો કહે તારે જરૂર હોય તો માંગજે પણ મા દિકરા પાસે રૂપિયા કેમ માંગે??? 
એક દિવસ નાની એવી બાબતમાં ઝઘડો કરી વહુ પિયર જતી રહી દિકરો નોકરી પરથી એને લેવા જતા જ એ પણ એક્સિડન્ટનો ભોગ બન્યો અને ઘટના સ્થળે જ મોત થયું. 
વહુ બે જીવી હતી પુરા દિવસોએ દિકરાને જન્મ આપ્યો અને છ મહિનાનો થયો એટલે અરૂણાને હવાલે કરી બીજા લગ્ન કરી લીધા.
અરૂણા પોતાના ભાગ્યને દોષ દેતી વિચારી રહી કે હું અભાગણી મારા નસીબમાં કોઈ સુખ આવ્યું જ નહીં હવે દીકરાના દીકરાને મોટો કરવા ફરી કમર કસવી પડશે.... 

ભાવના ભટ્ટ અમદાવાદ.....