indian lovestory - 19 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૧૯. કરણ નો શત્રુ

 
“ તમને બધાને રૂદ્ર સામે શુ તકલીફ છે ? તેણે તમને દરેક ને બધી હદો તોડીને સાથ આપ્યો છે . તેણે તેના જીવન ની ચીંતા કર્યા વીના અંજલી ને તમારી પાસે લાવી હતી . ડી તેણે તેના દરેક સીદ્ધાંતો ને છોડી ને માત્ર તારા માટે મને છેતરી હતી . તમારા માટે જે કઈ પણ કર્યુ તે છતા તેના પર તમે જ પાણી ફેરવવા માંગ્યુ ત્યારે પણ તેણે અંજલી ને ઘર સુધી લાવવાનુ માથે લીધુ . તમે તેને એવુ કરવા માટે નહોતુ કહ્યુ છતા તે અહી સુધી આવ્યો હતો અન્યથા આજે તમે આટલા સુખી થઈ ને લગ્ન ની તૈયારી કરવાની કોઈ શક્યતા જ ન હતી . કદાચ આજ સુધી અંજલી જીવીત જ ન રહે , તેણે તે જ સમયે આત્મ હત્યા કરી લેવાનુ પસંદ કર્યુ હોત . “ કાવ્યા એ ગુસ્સા માંજ તેનો વીરોધ કર્યો .
“ પ્રિયા તુ જાણતી નથી એ રાત્રી એ તેણે પુજા સાથે શુ કર્યુ હતુ ? “ સૌમ્ય એ પ્રિયા ને જણાવ્યુ . 
“ હુ જાણુ છુ . એ બાબતે તો મને હજુ સુધી આશ્ચર્ય માંથી બહાર આવવા ની રજા નથી આપી . રૂદ્ર એ ઘણો સમય મારી સાથે મને પ્રેમઝાળ મા ફસાવવા માટે વીતાવ્યો હતો . છતા તેણે ક્યારેય મારો ફાયદો ઉઠાવવાનો રયાસ જ કર્યો ન હતો . મે ઘણી વાર તેને આમંત્રણ પણ આપ્યુ હતુ , તેણે ધાર્યુ હોય તો હુ તૈયાર જ હતી . એ તૃષા ને ખરા હૃદયથી ચાહતો હતો તે શા માટે પુજા ને જોઈ ને તે તેની તૃષા ના વિશ્વાસ નો ભંગ કરે ? “ 
કરણ ઉભો થઈ ને બહાર જઈ ને થોડીવાર મા પરત ફર્યો . તેના હાથ મા કઈંક હતુ તે પ્રિયાને આપીને તેણે કહ્યુ , “ લે આ જોઈ લે “ પ્રિયા એ પત્રીકા હાથ મા લઈ ને નીહાળી . પત્રીકા નો વજન કદાચ વધુ હશે માટે તે વધુ સમય માટે તેના હાથ મા ન રહી . પત્રીકા નીચે પડતા જ દરેકે એક પછી એક બધાએ વાંચી . કોઇ પણ એક શબ્દ બોલી શક્યુ નહી . 
“ પાંચેક દીવસ પહેલા મળી , બે દીવસ પછી તૃષા ના લગ્ન છે . રૂદ્ર સાથે નહી પરંતુ કોઈ બીજુ છે . હવે કદાચ તને સમજાયુ હશે કે તે તૃષા ને કેટલી ચાહે છે . ? “ પ્રીયા કે અન્ય કોઈ ના મન મા ચાહે રૂદ્ર માટે ઘણી કટુતા હશે પરંતુ તેઓએ ક્યારેય રૂદ્ર અને તૃષા ના સબંધ બાબતે શંકા જન્મી ન હતી . તેઓએ ક્યારેય તેમના સબંધ મા તીરાડ આવશે તેવી કલ્પના જ કરી ન હતી . પણ તે બન્યુ હતુ જે બનવાની શક્યતા જ ન હતી . આવુ શા માટે બન્યુ હશે ?
“ તો રૂદ્ર ક્યા છે ? તેને તૃષા ના વીવાહ નો ખ્યાલ છે ? તમારામાંથી કોઈ ને ખબર છે ? “ ડી એ તેનુ માથુ હાથ મા પકડ્યુ હતુ . “ હજુ મને વિશ્વાસ નથી . તે શા માટે તૃષા થી દુર થયો ? શા માટે તેણે પુજા સાથે આવુ કર્યુ ? “ 
“ માનસીક વિકૃતી ! “ કરણે ગાંભીર્ય સાથે જવાબ આપ્યો , “ તે બધા ને જાણે એવુ જણાવવા માંગતો હતો કે તે બધા થી શ્રેષ્ઠ છે . આ એક પ્રકાર ની મનોવૈજ્ઞાનીક માંદગી છે . કદાચ તેના માતા પીતા ના મૃત્યુ બાદ તેના મા આ વિકૃતી એ જન્મી હશે . તેણે આ બીમારી ને પગલે સર્વપ્રથમ તેણે પ્રીયા ને તેની જાળ મા ફસાવી અને એ સીદ્ધ કર્યુ કે જે ડી ના કરી શક્યો તે તેણે કરી બતાવ્યુ . ત્યાર બાદ તેણે સૌમ્ય થી ચડીયાતો સાબીત થવા માટે પુજા ને તેની જાળ મા ફસાવવા પ્રયત્ન કર્યો પરંતુ કદાચ તેમા તે સફળ થયો નહી . તમે એ તો માનશો જ કે તે હંમેશા તેની જાત ને મહાન બનાવવા પ્રયત્ન કરતો . તે તેની વિકૃતી ના હળવા લક્ષણો હતા અને છેવટે તેની વિકૃતી એ હદ જ વટાવી . “ 
“ તારી માન્યતા સો ટકા સાચી છે . “ સૌમ્ય એ કરણ ને સહયોગ આપવામા પહેલ કરી . 
“ પણ એ હાલ ક્યા છે ? “ કાવ્યા એ આવેશ મા પ્રશ્ન પુછ્યો . 
“ અહિ જ છે અંજલી ના ઘરે . તે હવે અંજલી ના પરીવાર નો એક સદસ્ય છે “ 
કરણ એક પછી એક ચોંકાવનારી માહિતી આપી રહ્યો હતો . દરેક ના મુખ ખુલ્લા રહી ગયા હતા . રૂદ્ર વીશે જે ધારણા હતી તેનાથી અલગ જ તથ્યો તેમની સામે આવી રહ્યા હતા . અને તથ્યો કે જેના વીશે કોઈ એ કલ્પના પણ કરી ન હતી . 
“ પણ અહી શા માટે ? કઈ રીતે ? “ દરેક ના મસ્તિષ્કો મા આજ સવાલ હતો પણ પુછવાની હિંમત માત્ર કવ્યા એ કરી . કાવ્યા એ દરેક ઘટના જાણવા માંગતી હતી કે જે સૌમ્ય એ તેને કથાનક સંભળાવ્યા બાદ બની હતી માટે તેણે કરણ ને તેની સાથે બનેલ દરેક ઘટના શરુઆત થી જ સંભળાવવા કહ્યુ . 
કરણે ડી અને સૌમ્ય ને ઉદ્દેશી ને કહ્યુ , “ તમે બન્ને જ્યારે તે રાતે હોસ્ટેલ માંથી નિકળ્યા ત્યારે ઘણા સમય સુધી હુ વીચારતો રહ્યો કે મે કર્યુ તે યોગ્ય હતુ કે નહી ? પરંતુ યોગ્ય હતુ કે નહી તેનો કોઈ અર્થ રહ્યો ન હતો . સવાર સુધી તમારી પ્રતીક્ષા કરી પરંતુ કોઈ આવ્યા નહી એટલે દરેક નો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પરંતુ દરેક પ્રયત્નો વ્યર્થ સીધ્ધ થયા . ત્યાંથી પુજા ના ઘરે ગયો ત્યા પણ ખરાબ સમાચાર સાંભળ્યા એટલે હવે ઘરે જવા સીવાય કોઈ વિકલ્પ ન હતો . ઘરે આવ્યો ત્યારે ઘણી ખરાબ પરીસ્થીતી મા હતો . ઘરે એક ખુણા મા કશુ જ કર્યા વીના બેસી રહેતો . એક તરફ અંજલી ને તરછોડ્યા નુ દુખ હતુ તો તમારી જેવો કોઈ સાથ આપનાર પણ ન હતુ અને મન એ પણ જાણતુ હતુ કે દરેક સમસ્યા મે જાતે જ ઉભી કરેલ હતી . પરંતુ જીવન છે સમય બધુ રુઝવી દે છે . હુ તો બધુ ભુલવા માંગતો હતો . ત્રણેક મહીના સુધી તે બધુ યાદ કરી ને હુ થાક્યો હતો . 
તમે બધા મારા ગામ ની શીવપુજન ની રીત તો જાણો છો . આપણે બધા સાથે આવ્યા હતા ત્યાર બાદ અમે હાર્યા જ ન હતા . પરંતુ ત્યારે થોડા દીવસ પહેલા થી કોઈ અમને વારંવાર હરાવી રહ્યો હતો . એક દીવસે હુ જોવા માટે ત્યા ગયો . ત્યા પહોંચ્યો ત્યારે બન્ને તરફ ના તરવૈયા તૈયાર હતા. અને તેમણે બન્ને એ પાણીમા જંપલાવ્યુ . મારી તરફ નો તરવૈયો રૂદ્ર એ આપેલી દરેક સલાહ ને અનુસરી રહ્યો હતો , પરંતુ સામેની તરફ થી તરવૈયા એ ઝંપલાવ્યા બાદ તે એકવાર પણ સપાટી પર આવ્યો ન હતો . તે કદાચ પાણી ની અંદર જ તરી રહ્યો હશે , પણ આટલા સમય સુધી પાણી ની અંદર જ રહી ને તર્વુ શક્ય ન હતુ માટે તે પાણીમાંજ કોઈ અકસ્માત નો ભોગ બન્યા હોવાનુ માનવા મન મજબુર કરી રહ્યુ હતુ . અમારો તરવૈયા એ અડધો રસ્તો જ કાપ્યો ત્યા સામેથી ઉત્સાહ ની ચીસો સાંભળવા લાગી . જ્યા થોડી ક્ષણો પહેલા શાંતી હતી ત્યા આટલો ઉમંગ જોઈ ને મને નવાઇ લાગી ત્યાંજ મે મંદીર ની પરસાળ મા એક આકૃતી નીહાળી . આટલી ઝડપથી મંદીર સુધી પહોંચવા માટે અદ્ભુત તરણક્ષમતા ની આવશ્યક્તા હતી માટે એ વ્યક્તિ કે જેને આ અશક્ય કાર્ય પાર પાડ્યુ હતુ તેને જોવા માટે હુ વધુ આગળ ગયો . જ્યારે એ ધુંધળી આકૃતી આંખો સામે આવી ત્યારે મારા પગ નીચે ની ધરતી ખસી ગઈ . એ ધુંધળો જ દેખાઈ રહ્યો હતો પરંતુ હુ જાણુ છુ કે તેને ઓળખવામા હુ ક્યારેય ભુલ ન કરી શકુ . “
કરણ ની થોડી ક્ષણો ની શાંતી એ ત્યા ઉભેલ દરેક ને વ્યગ્ર બનાવ્યા કારન કે તે એ નામ જાણવા ઉત્સુક હતા કે જે તેમની કલ્પના એ તેમની આંખો સામે અંકીત કર્યુ હતુ . દરેક ની સામે એ પ્રસંગો જાણે મુર્ત થઈ રહ્યા હતા . 
“ એ રૂદ્ર હતો . તે અહી શા કારણે છે ? મે તપાસ કરી હતી ત્યારે એવુ જાણવા મળ્યુ હતુ કે અંજલી ને છોડવા આવેલ વ્યક્તી ને જીવીત પરત થવા દીધો હતો . ત્યારે મને નિશંક આનંદ થયો હતો પરંતુ જ્યારે તે મારી સામે આવ્યો ત્યારે મે શી લાગણી અનુભવી તે વર્ણવી અશક્ય છે . તે આટલા સમય સુધી મારા જ ગામ મા હતો . પરંતુ મને એકવાર પણ મળ્યો નહી . તે અંજલી ના પિતા તરફ હતો . તે ત્યા કઈ રીતે હોઈ શકે ?  અંજલી ક્યા હશે ? શુ બન્યુ હશે ? ઘણા પ્રશ્નો હતા પરંતુ ઉતર માટે મારે રૂદ્ર ને મળવુ આવશ્યક હતુ . 
મે થોડા માણસો સાથે વાતચીત કરી ને તેની સાથે મુલાકાત ગોઠવી . ગામ ની બહાર એક ખેતર મા તેને મળવાનુ હોઈ હુ તેની રાહ જોઈ રહ્યો હતો . તે આવ્યો ત્યારે હુ તેને અનહદ ખુશી થી બાઝી પડ્યો હતો . તેણે મારા ઘણા પ્રશ્નો સાંભળ્યા હશે પરંતુ એકપણ નો જવાબ ન મળતા મે તેને જવાબ આપવા કહ્યુ . તેના દરેક શબ્દો જાણે મને પરેશાન કરવા માટે જ વાપર્યા હશે . 
તેણે કહ્ય , “ કરણ તુ એક સમયે મારો મીત્ર હતો માટે તેને મળવા માટે આવ્યો છુ અન્યથા હવે તારા કોઈ પણ પ્રશ્ન નો ઉતર આપવો હુ આવશ્યક નથી સમજતો . તારી સાથે ના દરેક સબંધ હુ ત્યાંજ એ રાત્રી એ ત્યાગીને આવ્યો છુ કે જ્યારે તે મને અંજલી ને પાછી છોડવાનુ કહ્યુ હતુ . માટે હવે મારો સંપર્ક કરવાનો પ્રયાસ ન કરતો “ એમ કહી ને તે ત્યાંથી નીકળવા તૈયાર થયો . 
મે તેને રોકતા કહ્યુ , “ પણ , મારી એક ભુલ માફ નહી કરે ? તુ મારી સાથે આવુ શા માટે કરી રહ્યો છે ? “ હુ તેની સામે કરગર્યો હતો . છતા તે અટક્યો નહી . તેના વર્તન ને કારણે હુ ખુબ દુઃખી થયો કદાચ મારી નિઃશબ્દતાએ તેને અટકાવ્યો . તેના એ શબ્દો પ્રત્યેક ભાવ મને આજે પણ યાદ છે . 
“ કરણ ! તારી એ એક ભુલ શુ ખરેખર માફ કરવા લાયક ચે ? એ છોકરી નુ કરુણ આક્રંદ તે સાંભળ્યુ નથી . જ્યારે તેણે મારી પાસેથી એ ભયંકર ખબર સાંભળી કે હવે તુ તેને સાથ આપવા તૈયાર નથી ત્યારે તે ખુશ થઈ હશે ? તેના એક એક હીબકા હજુ મારા કાન મા ગુંજી રહ્યા છે . તેના પિતા પાસે તેને જીવીત પરત લઈ જવી અશક્ય હતી . હુ તેને સહીસલામત પરત તો લઈ આવ્યો પરંતુ કદાચ તેને જીવીત લાવી શક્યો નહી . આજે એકવાર તેને જોઈ લે જે તે જીવીત લાશ બની ચુકી છે . અને તુ ઇચ્છે છે કે હુ તારી એભુલ ને અવગણુ કે જેણે એક પળેપળ માણતી કન્યાને મૃત્યુ ના ખોળા મા મોકલી ? એ ક્યારેય નહી બને “ એટલુ કહી ને તે ત્યાંથી નીકળી ગયો . 
તે પણ કદાચ અંજલી ની જેમ જ મને પણ જીવીત રહીને મૃત્યુ નો અહેસાસ કરાવીને ગયો હતો . તેના શબ્દો મને તલવાર ની ધાર પર ચાલવા થી પણ વધારે કપરા લાગ્યા હતા પરંતુ તેના દરેક શબ્દો એ ફરીવાર મારા મા અંજલી ને પામવાની ભાવના પ્રબળ બનાવી હતી . મારે ત્યારે એ જાણવુ હતુ કે અંજલી ની હાલત કેવી છે . છ મહિના મા હુ જે ભુલ્યો હતો તે ફરીવાર તાજુ થયુ . લાગણીઓ એ ફરી ઉછાળા મારવાનુ શરુ કર્યુ . એકવાર અંજલી ને મળી ને બસ તેની માફી માંગવાની ઇચ્છા થઈ રહી હતી . તેને મળવા માટે ઘણા સંદેશો મોકલ્યા પરંતુ કોઈ જ ઉતર આવ્યો નહી . છેવટે હતાશ થઈ ને તેને કહેવડાવ્યુ કે જો તે નહી આવે તો હુ જ તેના ઘરે પહોંચી જઈશ . અને જવાબ આવ્યો . 
ચાર પાંચ દિવસ પછી નક્કી કરેલા સ્થળે પહોંચ્યો ત્યા અંજલી મારી રાહ જોઈ રહી હતી . રૂદ્ર પણ તેની સાથે જ હતો . તે મને આવેલો જોઈ ને ત્યાંથી નીકળી ગયો . અંજલી ને જોઈ ને મને મારા પર ઘૃણા થઈ રહી હતી . ક્યા તેનુ હસતુ – ખેલતુ આનંદ ના અતીરેક થી ભરપુર મુખ અને ક્યા ત્તે દીવસ નુ જાણે કોઈ પોતીકુ મૃત્યુ પામ્યુ હોય તેવુ ભાવશુન્ય મુખ , ક્યા એ તેની સામે આવનાર દરેક ને તરબતર કરતુ વ્યક્તિત્વ અને ક્યા એ વૈધવ્ય ને શરમાવે તેવુ વદન . તેના ચહેરા પર નુ નૂર હણાઇ ચુક્યુ હતુ . તેનુ એ હૃદય લોભાવનારુ સ્મિત ચહેરા ને અલવિદા કહી ચુક્યુ હતુ . તેની ચંચળતા નાશ પામી હતી . મારી સામે અંજલી નહી કોઈ અન્ય જ ઉભુ હોય તેવો ભાસ થઈ રહ્યો હતો . હિંમત એકઠી કરી ને હુ અંજલી ને મળવા પહોંચ્યો હતો , તે તેને જોઈ ને જ જતી રહી . શુ કહુ ? તેની ક્યા શબ્દો થી માફી માંગુ ? શુ તેના વિશ્વાસ ની હત્યા કરી ને હુ માફી માંગી શકુ ? પ્રશ્નો ફુટી રહ્યા , પણ એક શબ્દ બોલવો અઘરો હતો . ક્યા મુખે શબ્દ બોલવો . છતા બધી હિંમત એકઠી કરીને મે કહ્યુ .
“ અંજલી ! મને માફ કરી દે . “ વધારાનો એક શબ્દ હુ બોલી શક્યો નહી . 
“ હા , માફ કર્યા . “ એ ભાવવિહોણા શબ્દો એ મને વધુ વ્યાકુળ બનાવ્યો . કોઈપણ લાગણી વીના બોલાયેલા એ શબ્દો હૃદય મા શુળ ભોંકી રહ્યા હતા . 
“ હુ બધુ સરખુ કરીશ . બધાને જણાવી દઈશ કે હુ તને પ્રેમ કરુ છુ . પછી ભલે મારી હત્યા કરવામા આવે . “ અંજલી ના શબ્દો એ મને એ કહેવા મજબુર કર્યો હતો . 
અંજલી એ જ ભાવ શુન્યતા થી કહ્યુ , તેના પરથી તેના શબ્દો ની ભયંકરતા વિશે કહેવુ અશક હતુ , “ પ્રેમ ! તુ મને પ્રેમ કરે છે ? શા માટે મારી મશ્કરી કરે છે ? હજુ તારો જીવ ભરાયો નથી . હજુ કશુ બાકી છે ? જીવન , આશા , પ્રેમ અને આબરુ તો મારી પાસેથી છીનવી લીધા છે . જીજીવીશા ની તો હત્યા કરી હવે મને સંપુર્ણ પણે મારી જ નાખ એટલે આ જીવન થી પણ મુક્ત થઈ જાવ . “ સાંભલવા સીવાય મારી પાસે અન્ય કોઈ વિકલ્પ જ ન હતો . જે મે કર્યુ તે જ બધુ મારી સામે આવી રહ્યુ હતુ . હૃદય ને મજબુત બનાવી તેને કહેલ દરેક શબ્દો મે સાંભળ્યા . 
“ શુ સરખુ કરીશ ? મને જે મારા પ્રત્યે ઘૃણા થઈ છે તે દુર થઈ જશે . મારા પીતા મારુ મુખ જોવા માંગતા નથી . શુ તેઓ ફરીથી ખુશીથી મારુ મુખ જોશે ? જે સપના મે તારી સાથે જીવન વીતાવવાના ઘડ્યા હતા તે ફરી આંખો મા રમતા થઈ જશે ? જે પ્રેમ મારા આત્મા એ અંધકાર મા કશેક દફનાવ્યો છે તે ફરી જીવીત થશે ? કશુ જ નહી થઈ શકે તારથી , માટે મહેરબાની કરીને હવે મને પરેશાન કરવાનુ બંધ કર . “ 
ધીમે ધીમે તુટક અવાજે મે કહ્યુ , “ અંજલી મને આવી રીતે એકલો ન છોડ . હુ તારા વીના જીવી નહી શકુ . “
“ શીખી લે . “ તેનો ગુસ્સો હવે દેખાયો “ હવે તારા નસીબ મા ક્યારેય મારો સહવાસ લખેલો નથી . ઇશ્વરે તારા પ્રેમ ને એક તક આપી હતી . જે તે ગુમાવી . હવે તે કોઈ તક આપશે એવુ મને લાગતુ નથી અને કદાચ તે તારા પ્રત્યે દયા દાખવે અને મને મેળવવાની એક તક આપે , તે છતા હુ તને એ તક નો લાભ મેળવવા નો અવસર નહી આપુ . મારા પિતાએ મારા લગ્ન કરવાનુ નક્કી કર્યુ છે અને તેમને પસંદ કરેલ વ્યક્તી મને પણ પસંદ છે . હુ તેની સાથે પ્રેમ કરવાનો પ્રયત્ન કરીશ , અને કદાચ પ્રેમ ન આપી શકુ તો સન્માન તો ચોક્કસ આપીશ . તારી સમક્ષ ક્યારેય નહી આવુ . અને તે મને જો ક્ષણ માટે પણ ખરા હૃદય થી ચાહી હશે તો મારો સંપર્ક નહી કરે . “ એમ કહી ને તે ત્યાંથી ચાલી , તેને રોકવાની ક્ષમતા મારામા ન હતી પરંતુ એ જાણવા ની અપેક્ષા ચોક્કસ હતી કે જેની સાથે તેના લગ્ન થવાના છે તે તેને ખુશ રાખશે કે નહી . 
“ હુ તારો ક્યારેય સંપર્ક કરીશ નહી પરંતુ એ નસીબદાર કોણ છે તે તો જણાવતી જા “ 
“ રૂદ્ર ... “ 
“ શું ? “ બધા એ એક જ સરખો ઝટકો અનુભવ્યો હતો . તેઓની ક્ષમતાઓ હણાઈ ચુકી હોય તેમ તેઓ નિર્જીવ થઈ ને બેસી રહ્યા 
“ હા ! મને મારા કર્ણો પર શ્રદ્ધા રહી ન હતી . પરંતુ એ સત્ય હતુ . તેના પિતા એ અંજલી ના વિવાહ રૂદ્ર સાથે નક્કી કર્યા હતા . અને રૂદ્ર એ પણ હા કહી હતી . તેને તૃષા પ્રત્યે કોઈ પ્રકાર ની લાગણી જ ન હતી માટે જ તે અંજલી સાથે લગ્ન કરવા તૈયાર થયો હશે . તે કોઈ ના પ્રત્યે લાગણી અનુભવતો જ નથી તે સિદ્ધ થયુ , ત્યારે મારી માન્યતા દૃઢ બની કે તેને જ પુજા સાથે ગેરવર્તણુંક કરી હશે . 
“ એ મિત્રદ્રોહી સાથે તુ લગ્ન કરવા માંગે છે . પહેલા તેણે પુજા ને ફસાવી અને હવે તને ફસાવી રહ્યો છે  “ અંજલી ના તમાચા એ મે પકડેલો તેનો હાથ છોડાવ્યો અને તે ત્યાંથી જતી રહી . 
હુ તેને જતી જોઈ રહ્યો . તે મારા જીવન માંથી જતી રહી હતી અને તેનુ મુખ્ય કારણ રૂદ્ર હતો . તેણે જ આ બધુ કર્યુ હતુ , તે જ અંજલી ને પામવા માટે અહી આવ્યો હશે . તેણે મને પશુ સમાન બનાવ્યો હતો . જેને હુ મારો શ્રેષ્ઠ મીત્ર સમજી રહ્યો હતો તે જ મારો શત્રુ હતો . તેણે મારુ સર્વસ્વ છીનવી લીધુ છે . તેણે મારા અસ્તીત્વ ને પ્રશ્નાર્થ સુચક બનાવ્યુ છે . મારી સામે એક જ લક્ષ્ય હતુ રૂદ્ર નુ મૃત્ય . પરંતુ તેને મૃત્યુ શા માટે આપુ ? તે મૃત્યુ માટે તડપે તે જરુરી હતુ . તે જીવતો સળગતો રહે પરંતુ યમરાજ તેના પર કૃપા ન કરે તે મારે કરવાનુ હતુ . રૂદ્ર ને લોહીના આંસુ એ રડાવવા માટે અંજલી ને તેના થી દુર કરવી તે પ્રથમ ચરણ હતુ . અને તેમા મને તૃષા ના લગ્ન ના સમાચાર મળ્યા તૃષા ને કદાચ એમ હશે કે રૂદ્ર વીશે મારી પાસે કોઈ સમાચાર હશે . પરંતુ તેણે મને એક સુંદર અવસર આપ્યો છે . હવે તેની પાસે અંજલી અને તૃષા બન્ને માંથી એકપણ હશે નહી . “ કરણ ના મુખ પર છવાયેલ ભયંકર હાસ્ય તેની યોજના ની પુર્ણતા બાદ મળનાર સાંત્વના નુ પ્રદર્શન કરી રહ્યુ હતુ . 
“ હે ઇશ્વર ! હુ ક્યા માણસ ને મિત્ર માનતો હતો . તેણે આપણી દરેક સાથે વિશ્વાસઘાત કર્યો છે તેને હુ દેવ માની રહ્યો હતો . તેણે આપણી ત્રણે પર તેના સદાચારી હોવાનુ આવરણ ચડાવ્યુ અને આપણે તેના થી છેતરાયા પણ ખરા . સમયસર તેની માયાજાળ માંથી ન નીકળ્યા તેના કારણે ઘણુ ખોયુ પરંતુ તેના થી છ્ટ્યા અન્યથા હજુ તે આપણ ને તેની મોહજાળ મા જ ફસાવતો રહે અને તે શુ કરી રહ્યો છે તેનો પણ ખ્યાલ ન રહે . ઉંદર ની માફક ફુંક મારીને બચકુ ભરતા તેને ખુબ સારી રીતે આવડે છે . “ ડી એ તેનુ મંતવ્ય રજુ કર્યુ . 
કાવ્યા પર કરણ ની વાત ની ઘણી અસર થઈ હતી પરંતુ તે હજુ પુરી વાત જાણવા માંગતી હતી . “ તે અહી હોવા છતા તમે અંજલી ને લગ્ન માટે કઈ રીતે મનાવી ? “ 
“ સિંહ ખતરનાક હોય છે પરંતુ ઘાયલ સિંહ ભયંકર હોય છે . મને આઘાત પહોંચાડવા મા રૂદ્ર એ કશુ જ બાકી રાખ્યુ ન હતુ . તો હુ અંજલી ના લગ્ન તેની સાથે થવાની કોઈ પણ સંભાવના ને કઈ રીતે જીવીત રહેવા દઉ . અને આ બધુ કરવા મા રૂદ્ર એ મને ઘણો સહકાર આપ્યો . તેણે તેને શ્રેષ્ઠ દર્શાવવા માટે પ્રયત્નો શરુ કર્યા . તેણે ધીરે ધીરે ગામ ના સામાન્ય માણસો ને અમારા બન્ને ના પારીવારીક ઝઘડા ઓથી દુર કરવાના પ્રયાસ શરુ કર્યા . શરુઆત મા કોઈ એ તેની વાત માન્ય રાખી નહી પરંતુ ધીરે ધીરે તે તેમા સફળ થયો . તેની મીઠી વાતો મા આવીને ગામ ના માણસો એ અમારી આજ્ઞા ઓ પાળવાનુ સદંતર બંધ કર્યુ . ગામ ના લોકો માટે મારા અથવા અંજલી ના પિતા ના શબ્દો સર્વસ્વ હતા પરંતુ રૂદ્ર એ ફેલાવેલી માયાજાળમાં બધા ફસાયા . ફટકો બન્ને તરફ પડ્યો હતો માટે હુ બહુ ચિંતીત ન હતો .  
પરંતુ રૂદ્ર નુ વર્ચસ્વ મારાથી સહન થયુ નહી . તેણે લડાઈ અમારા માટે કામ કરતા માણસો પુરતી જ સીમીત કરી હતી અને તેમા પણ જ્યારે અમારી તેમની વચ્ચે ઘમાસાણો થતી તેમા રૂદ્ર અમારા માણસો નો કચ્ચરઘાણ કરી નાખતો . મારા ઘણા માણસો ને રૂદ્ર એ ઘાયલ કર્યા હશે . તેણે અમારી નામના પર પાણી ફેરવવાનુ શરુ જ રાખ્યુ . મારા પિતા રૂદ્ર થી કંટાળી ચુક્યા હતા . તેમણે મને મારા મીત્ર ને સમજાવવા કહ્યુ પરંતુ તેમને કોણ સમજાવે કે તે કોઈ નો મીત્ર બનવા યોગ્ય નથી . તેમણે તેની હત્યા કરવા ના પણ ઘણા પ્રયાસો કર્યા પરંતુ બધા જ વ્યર્થ સીદ્ધ થયા . 
છેલ્લે થોડા સમય પહેલા જ તેણે હદ કરી . હુ ઘરે ન હતો ત્યારે તે આવી ને મારા પિતા ને ધમકી આપવા આવ્યો તેણે ત્યા એકલા આવીને જણાવ્યુ હતુ કે , “ આ છમકલા બંધ કરો નહીતર તેનુ પરીણામ સારુ નહી આવે . “ તેનાથી અકળાઇ ને પ્રથમ વાર મારા જીવન મા મે પણ ત્યા જઈ ને ધમકી આપી કે કોઈ એ મારા ઘર માં પગ મુક્યો તો તે જીવીત પાછો નહી આવે . આ મારા પરીવારો ની શત્રુતા બાબતે મે પહેલી વાર કશુ કર્યુ હતુ . 
ત્યાર બાદ મારી અને રૂદ્ર વચ્ચે ઘણા પ્રસંગો એ ગરમા ગરમી થઈ . પરંતુ કોઈ પણ પ્રકાર નો અંત જણાઈ રહ્યો ન હતો . તેના થી તો ઉલ્ટુ કદાચ અંજલી મારાથી દુર અને રૂદ્ર ની વધુ નજીક આવી રહી હશે તેવુ મને લાગ્યુ . પરંતુ તે કઈ રીતે રોકવુ . અમે બધા હવે માત્ર રૂદ્ર થી જ કંટાળેલા હતા . અને મને એક યુક્તી ધ્યાને આવી . મે તુરંત જ જઈ ને મારા પીતાજી ને કહ્યુ કે હુ અને અંજલે લગ્ન કરીએ . મારા પિતા એ તુરંત જ ના કહી . પરંતુ જ્યારે મે તેમને સમજાવ્યુ કે અંજલી સાથે મારા લગ્ન થતા જ રૂદ્ર નો તેમના પરીવાર સાથે નો સબંધ પુર્ણ થશે અને શત્રુતા નો પણ અંત આવશે . ત્યારે તેમણે મને જણાવ્યુ કે અમારી શત્રુતા નુ કારણ પણ એક લગ્ન જ હતા . મારા પુર્વજો એ તેમની પુત્રી ના લગ્ન કર્યા હતા પરંતુ પતિ-પત્ની વચ્ચે કોઈ મતભેદ ના કારણે તેઓએ પોતાની જાત ને આગ ચાંપી હતી . પરંતુ અમારા પુર્વજો ને સ્પષ્ટ લાગ્યુ હતુ કે તે લોકો એ તેમને જાણી જોઈ ને આગ ચાંપી હતી . બન્ને માંથી કોઈ પોતાને સાચા સીદ્ધ કરી શક્યા નહી . ત્યારે મારા પિતા એ મને એવુ કહ્યુ કે તેઓ એમજ માનશે કે હુ ફરી પ્રતીશોધ માટે તારા લગ્ન કરાવવા માંગુ છુ . તેમને સમજાવ્યા ત્યારે તેઓ એકવાર પ્રયાસ કરવા ખુશ થયા . રૂદ્ર થી તેઓ પણ એટલા થાક્યા હતા કે તેમણે ખરે જ ત્યા જઈ ને કહ્ય હશે કે બધુ પુર્ણ કરી ને ફરી સબંધ સુધારીએ ત્યારે અંજલી ના પિતા એ પણ સહર્ષ સ્વીકાર કર્યો . અને મારા લગ્ન આડેનુ સૌથી મોટી અડચણ દુર થઈ . રૂદ્ર ને હરાવવાનો આનંદ જ અનેરો હતો . અંજલી મારા જીવન મા આવી રહી છે તેથી વધુ ખુશી મને એ હતી કે રૂદ્ર ને તકલીફ થઈ રહી હતી . પરંતુ મારુ સૌથી ખતરનાક અસ્ત્ર તો મે ચારેક મહીના પહેલા પોસ્ટ કરેલા ફોટોગ્રાફ હતા . તેનુ જ તો આ પરીણામ છે . “ તેણે તૃષા ની કંકોત્રી ઉંચી કરતા કહ્યુ . “ મને ચોક્કસ એ ખ્યાલ હતો કે હુ જ્યારે તેને અંજલી થી અલગ કરીશ ત્યારે તે તૃષા પાસે પરત ફરવા પ્રયત્ન કરશે . માટે અંજલી અને રૂદ્ર ના ફોટો મે તૃષાના  પિતા ને મોકલ્યા હતા . માટે હવે અંજલી ના લગ્ન મારી સાથે થશે તે જ રાત્રે તૃષા ના પણ લગ્ન થશે  . “ કરણ નુ એ ઘાતકી સ્મીત તેના રૂદ્ર સાથે લીધેલ પ્રતીશોધ ની સાક્ષી પુરી રહ્ય હતુ . 
“ વાહ ! “ સૌમ્ય ના ઉદ્ગાર હૃદય મા પ્રસરેલ શાંતી ની ઝલક તથા કરણ ની યોજના પ્રત્યે નો અહોભાવ જણાઈ રહ્યો હતો . “ તે રૂદ્ર નુ પત્તુ સાફ કરવામા કશુ જ બાકી રાખ્યુ નથી . એ દગાખોર ને બરાબર નો ન્યાય કર્યો છે . “ 
બધા એ રૂદ્ર પ્રત્યે ક્રુર શબ્દો ની વણઝાર લગાવી . કોઈ એ રૂદ્ર ને આટલો સ્વાર્થિ ધાર્યો ન હતો ? બધાને તેની માનસીક સ્થિતી વીશે પાક્કી ખાતરી થઈ . તેઓ બધા છુટા પડ્યા ત્યારે બધા પોતપોતાના વિચારો મા ગુંથાયેલા હતા . 
કાવ્યા તેના રૂમ મા પથારી મા આડી પડી . હવે બધા પ્રશ્નો ના ઉતર તેની પાસે હતા . રૂદ્ર જ દરેક ઘટના ની પાછળ હતો . તેણે તેની સંતુષ્ટી માટે પુજા ને સૌમ્ય થી દુર કરી , અંજલી ને પામવાનો પ્રયાસ કર્યો . હવે એકવાર તે દૃષ્ટ માણસ મળી જાય તો તેને પાઠ ભણાવુ . મારા સૌમ્ય સાથે તેને દગો કર્યો છે તેની કિંમત તો તેને ચુકવવી જ રહી તેની પાસેથી સર્વસ્વ છીનવી ને જ હુ જંપીશ તે સંકલ્પ સાથે કાવ્યા એ આંખ મીંચી . 
તેની બાજુ મા જ ઉંઘી રહેલા સૌમ્ય ને ઉંઘે આજે સહેજ પણ પરેશાન કર્યો ન હતો . તેને ઘણા લાંબા સમય બાદ થોડી શાંતી થઈ હતી . તેની કરણ પ્રત્યે ની નફરત લાગણીમા પરીવર્તીત થઈ હતી . કરણે રૂદ્ર ને તૃષાથી પણ અલગ કર્યો તે તો તેના માટે સોના મા સુગંધ ભળ્યા સમાન હતુ . 
કરણે પોતાની ચાલ પહેલા કોઈ ને કહી ન હતી . ગામના લોકો તો એવુ જ માની રહ્યા હતા કે તેના એક પગલા ને કારણે તેઓ શાંતી થી જીવન વ્યતીત કરી શક્શે . ખરેખર તો તેણે તેના શત્રુ નુ જ મારણ કર્યુ હતુ . શીકારી કુતરા ની માફક તેણે શીકાર ને ચારે બાજુએ થે ઘેરી ને તડપાવી ને તેની હત્યા કરી હતી . પરંતુ હજુ તે આ બધુ પોતાના પુરતુ સીમીત રાખી રહ્યો હતો . કોઈ ને કહી ને પોતાની ક્ષમતા માટે અભીવાદન મેળવી શક્યો ન હતો . હવે સૌમ્ય અને ડી ને બધુ જણાવી ને તેની પ્રશંશા કરાવી ને તેને આનંદ ની પ્રાપ્તિ થઈ હતી . કૌટીલ્ય સમાન તેને દર્ભ નો મુળ સમેત નાશ કર્યો હતો હવે રૂદ્ર નામનો દર્ભ આજીવન યાદ રાખશે કે તેણે કરણ સાથે બાથ ભીડી ને જીવન ની સૌથી ગંભીર ભુલ કરી હતી . આ આત્મવીસ્વાસે તેને ઘેન ચડાવ્યુ . કદાચ હવે તેના માટે અંજલીનો સાથ નહી પરંતુ રૂદ્ર ની નિરાધારતા જ મોટુ સુખ બની રહ્યુ હતુ . 
ડી અને પ્રિયા ના વિચારો વચ્ચે સહેજ પણ અંતર ન હતુ . તેઓ પહેલા કરણ પર વિશ્વાસ મુકવા માંગતા ન હતા . રૂદ્ર ને કરણ ની નજરે જોવો તે તેમને માન્ય ન હતુ પરંતુ ધીરે ધીરે તેઓ સમજ્યા હતા કે રૂદ્ર એ ખરેખર તેમને છેતર્યા હતા . તેઓ પોતાની જાત ને કોસી રહ્યા હતા કે તેમણે રૂદ્ર પર અન્ધવિશ્વાસ મુક્યો હતો . સત્ય થી જેટલુ દુર જવાના પ્રયાસ કરો તેટલુ જ સત્ય તમારી નજીક આવે છે . તે તમને છોડતુ નથી . તેનાથી દુર ભાગવાનો પ્રયત્ન પાણી પર ચાલવા સમાન થશે . તેમણે પણ ઘણા પ્રયાસો કર્યા પરંતુ છેવટે તેમણે સ્વીકારવુ જ રહ્યુ . 
તેમને છાવરી ને ચમકી રહેલી રાત્રી આનંદીત હતી . તે એ સમયે પણ ઉપસ્થીત હશે જ્યારે રૂદ્ર એ પુજા સાથે અવ્યવ્હારુ વર્તન કર્યુ . જ્યારે બધા મીત્રો એકબીજા થી અલગ થયા , જ્યારે તેમણે સાથે મળીને અંજલી નુ હરણ કર્યુ ત્યારે પણ તે ઉપસ્થીત હશે . તે પ્રકાશમય કાર્યો ને પરવાનગી નથી આપતી . તેનો એકમાત્ર શત્રુ જ પ્રકાશ છે જ્યારે પરોઢ તેની સામે આવે છે ત્યારે તેને ન છુટકે વીદાય લેવી પડે છે . વીદાય લેવા ના બદલે એ કોઈ ના હૃદય મા અંધકાર જન્માવે છે જ્યા તે વાસ કરી શકે . સૌમ્ય નુ જીવન ચીરંજીવ અંધકાર સમાન હતુ પરંતુ કાવ્યા એ તેમા પ્રકાશ પાથર્યો હતો , માટે રાત્રી એ બીજો શીકાર કરવાનો હતો . તે જાળ પાથરી ચુકી હતી , માટે તે અટ્ટહાસ્ય કરી રહી હતી . તેના સાનિધ્ય મા નવુ વ્યક્તીત્વ ભળવાનુ હતુ . આ ભયંકર અટ્ટહાસ્ય હાજા ગગડાવે તેવુ હતુ પરંતુ તે સાંભળનાર કોઈ ન હતુ . પ્રકૃતી ની નિશાનીઓ પીછાણવાની ક્ષમતા માણસે કેળવી નથી . રાત્રી તેના ભયંકર અટ્ટહાસ્ય સમાન અંધકાર માં સૃષ્ટિ ને ઘેરી વળી..........