Engineering Girl - 10 - 1 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 10 - 1

એન્જિનિયરિંગ ગર્લ - 10 - 1

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૦

ભાગ ૧

વર્તમાન અને ભૂતકાળ

દરેકને પોતાના સિક્રેટ્સ હોય છે. રહસ્ય એ બીજું કંઈ નહીં પણ સત્ય પરનો પરદો જ છે, જ્યારે રહસ્ય કૃત્રિમ રીતે બનાવવામાં આવે ત્યારે તેને અસ્ત્ય પરનું આવરણ પણ કહી શકાય. રહસ્ય ક્યારેક ચોંકાવનારું હોય, ક્યારેક વિસ્મિત કરનારું, ક્યારેક શાંતિ કે હાંશકારો આપનારું. ક્યારેક દુખી કરનારું, ક્યારેક હર્ષની સિમાઓ પર પહોંચાડનારું, ક્યારેક હૃદયને શોકથી ભરનારું, ક્યારેક વિશ્વાસોના તાંતાણા બાંધનારું તો ક્યારેક વિશ્વાસને એક જાટકે તોડનારું.

રહસ્યને હંમેશા ભૂતકાળ સાથે લેવા દેવા હોય છે. રહસ્યને હંમેશા વર્તમાનની લજ્જા હોય છે. રહસ્યને એનો ભૂતકાળ ખૂબ પ્રિય હોય છે. એટલો પ્રિય કે રહસ્ય એનો ભૂતકાળ ઉદઘોષિત કરવામાં ખૂબ વનરેબલ ફીલ કરે. એ રહસ્ય જ છે જેની પાછળ આપણી દોટ છે. બ્રહ્માંડ રહસ્ય છે, મૃત્યુ પછીની ઘટના રહસ્ય છે ઇશ્વર પણ રહસ્ય છે. આપણે બધાં એક જ રસ્તે ચાલી રહ્યા છીએ, લજ્જીત રહસ્યને જાણવાના રસ્તે.

***

પેટમાં રહેલું પાણી ઉછાળા મારી રહ્યું હતું. શરીરમાં જીણી ધ્રુજારી હતી. એક્સાઇટમેન્ટ સાથે ડર પણ હતો. મનમાં વિચારોનું ઘોડાપૂર હતું. શું થશે? શું વાતો થશે? મમ્મી પપ્પાનો કેવો રિસ્પોન્સ હશે? વિવાનનું ફેમિલી મમ્મી પપ્પા સાથે કેવો બિહેવ કરશે? આ બધાં જ વિચારો મને દરેક પળે ફોલી રહ્યા હતાં, અકળાવી રહ્યા હતાં. અમે લોકો અમારી રૂમેથી વિવાનના ઘરે જવા નીકળી ગયા હતાં. મમ્મી-પપ્પા, હું અને નિશા. સુષ્ટિ સ્કૂલના કારણે રાજકોટ મામાના ઘરે જ રોકાણી હતી. હું ખૂબ જ ખુશ અને રોમાંચિત હતી. નિશા મને સતત કહી રહી હતી કે એવરીથિંગ વિલ બી ઑલરાઇટ. અને મને નિશાના વાક્ય પર પૂરેપૂરો ભરોસો પણ હતો.

અમે લોકો વિવાનના ઘરે બસ પહોંચવામાં જ હતાં. મેં વિવાનને મૅસેજ કરી દીધો કે અમે ‘બસ પાંચ મિનિટમાં આવીએ છીએ.’ વિવાનના ઘરનો દરવાજો આવી ગયો. અમે ઓટોમાંથી નીચે ઉતર્યા. વિવાનનું ફેમિલી અમારી સામે જ સ્વાગત માટે ઊભું હતું. વિવાન, ભાવના આંટી, વિશાખા, તનુદીદી, દિપેશજીજુ, રિંકુ, ફેન્સી અને મોન્ટુ. ફેન્સીના હાથ પર પાટો બાંધેલો હતો. ચહેરા પર સ્ક્રેચીસ અને ડ્રેસીંગ કરેલું હતું છતાં એ વિવાનના ઘરે આવી પહોંચી હતી. ઓબ્વિઅસલી મને થોડો ગુસ્સો આવ્યો હતો. નિશાને પણ ગુસ્સો આવ્યો હતો, પરંતુ આ ગુસ્સાનો ટાઈમ નહોતો. અમે લોકો ડોર પાસે ગયા. બધાંએ એકબીજાનું અભિવાદન કર્યુ. એકબીજાના ગળે મળ્યા.

‘પપ્પા?’, મેં વિવાનના પપ્પા દેખાયા નહીં એટલે વિવાનને ધીમેથી પૂછ્યું.

‘સૉરી, એમને અચાનક કંઈક કામ આવી ગયું, એ અડધા પોણા કલાકમાં આવી જશે. ચિંતા કરમાં.’, વિવાને મને સાંત્વના આપી. હું ખૂબ જ નર્વસ હતી. વિવાનના પપ્પા નહોતા. પપ્પા અને મમ્મી કેવુ ફીલ કરી રહ્યા હશે ? એની મને ચિંતા થઈ રહી હતી. અમે લોકો અંદર ગયા. મેં અને નિશાએ ફેન્સીની સામે ઘૂરી ઘૂરીને જોયું. એને ખયાલ આવી ગયો હતો કે નિશાએ મને જે કહ્યું હશે એના પર મને વિશ્વાસ આવી ગયો હતો. એ અમારી સામે જોઈને હંસી. મને એ સમયે ખૂબ જ ડર લાગ્યો હતો. ક્યાંક ફેન્સીએ કંઈક પ્લાન તો નહોતું કર્યુ ને? મને કંઈક ખરાબ થવાનું હોય એવી ફિલિંગ થવા લાગી. ‘ઇટ્સ ઓકે. આપણે એને જોઈ લઈશું.’, નિશાએ જાણે મારાં વિચાર વાંચી લીધા હોય એમ સાંત્વના આપતા કહ્યું. અમે લોકો આગળ વધ્યા.

ભાવના આંટીએ બધાંને બેસવા કહ્યું. અમે બધાં જ બેઠા. મમ્મી મોટુ ઘર જોઈને અંજાઇ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. પપ્પા એમના ઑલવેઝ શાંત સ્વભાવને કારણે ચુપચાપ બેઠા હતાં. દિપેશજીજુ પપ્પા સાથે કોઈને કોઈ વાત કાઢીને અજાણ્યા પણુ દૂર કરવાની કોશિષ કરી રહ્યા હતાં. ભાવનાઆંટી થોડી વારમાં એક પ્લેટમાં ગુલાબજાંબુ અને બીજો ઘણો નાસ્તો લઈ આવ્યાં. મમ્મી પપ્પાએ પહેલાં તો ફોર્માલીટી માટે ના પાડી. બટ પછી એમણે નાસ્તો ચાખ્યો. ભાવનાઆંટીના બોલકા સ્વભાવને લીધે એમને મમ્મી સાથે બહુ જલદી જ જામી ગયું. વિવાન દિપેશજીજુ પાસે શાંતિથી બેઠો હતો, અને બને એટલું સોફિસ્ટિકેટેડ સિરિયસ દેખાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દિપેશજીજુ અને પપ્પા શેરબજાર અને બેંકિંગની વાતે ચડ્યા હતાં. દિપેશજીજુ મોસ્ટ ઑફ પપ્પાની ‘હા’ માં ‘હા’ જ મીલાવી રહ્યા હતાં. એમ લાગી રહ્યું હતું કે દિપેશજીજુને શેરબજારમાં વધારે ટપ્પો નહોતો પડતો. પરંતુ આ પપ્પાના ફેવરીટ ટોપીક્સમાંનો એક હતો. એટલે એમણે એ ચાલું જ રાખ્યો હતો. હું, નિશા, તનુદીદી, વિશાખા અને રિંકુ એક મોટા સોફા પર બેઠા હતાં. ફેન્સી થોડી જ વારમાં એના ઘરે ચાલી ગઈ હતી. અમે લોકો મ્યૂઝિકની વાતો કરી રહ્યા હતાં. મમ્મી ભાવના આંટી સાથે રસોડામાં હતી. પપ્પા દિપેશ સાથે બેંક અને શેરબજારની વાતો કરવામાં વ્યસ્ત હતાં. પપ્પાએ હાથમાં આજનું ન્યૂઝ પેપર પકડી લીધું હતું. વિવાનને મોકો મળતા જ એ મારી સામે નજર નાખી લેતો હતો. હું થોડું મુસ્કુરાતી હતી. એ સમયે હું ખૂબ જ ખુશ હતી. મમ્મી પપ્પા બંને જ ખુશ હતાં. વિવાનના ફેમિલી સાથે એ લોકો કમ્ફર્ટેબલ હતાં. દિપેશે પપ્પાને કહ્યું કે ‘વિવાનના પપ્પા બહાર ગયા છે થોડી વારમાં આવી જશે.’, લગભગ સાત વાગી ચુક્યા હતાં. તનું દીદીએ મને કહ્યું કે ‘ડિનર રેડી જ છે, બસ પપ્પા આવે એની જ રાહ જોઈએ છીએ’, અખિલેશ અંકલની રાહ જોવાઇ રહી હતી.

ભાવનાઆંટી મમ્મીને રસોડા દર્શન કરાવીને ફરી ડ્રોઇંગ હોલમાં લઈ આવ્યાં હતાં. અમે લોકો મ્યૂઝિક પરથી ‘ઍન્જિનિયરિંગ પછી શું?’ ના ટોપિક પર આવી ગયા હતાં. પપ્પા અને દિપેશજીજુ હોસ્પીટલની વાતે ચડ્યા હતાં. ક્યારેક ક્યારેક વિવાન પણ અમુક વાતોમાં પોતાનો સૂર પુરાવતો હતો. હું એની નર્વસનેસ મહેસૂસ કરી શકતી હતી. એ છતાં એ પપ્પા સાથે ઇન્ટરેક્શન કરી રહ્યો હતો. હું ખુશ હતી, એ મારાં માટે આ બધું કરી રહ્યો હતો. મમ્મી અને ભાવનાબહેન પપ્પાની બાજુના સોફા પર હતાં. એ લોકો કિચન અને નવી રેસીપીની જ વાતો કરી રહ્યા હતાં. તનુદીદીએ ભાવનાઆંટીને કટાક્ષમાં કહ્યું કે ‘કિચન સિવાય બીજી વાતો પણ કરી શકાય..!’, એ સાંભળીને બધાં હસ્યા. એમણે ટોપીક ચૅન્જ કરીને રાજકોટની વાતો શરૂ કરી. બંને રાજકોટની યાદો વાગોળવામાં મશગુલ થઈ ગયા હતાં. અમારાં વચ્ચે મારી અને નિશાની વાતો પણ નીકળી હતી, ‘મીસન્ડરસ્ટેન્ડિંગ’ કહીને મેં બધાંને સમજાવવાનો પ્રયત્ત્ન કર્યો. ભાવના આંટી ફરી થોડો નાસ્તો લઈ આવ્યાં. આ વખતે વડોદરાનો લીલો ચેવડો હતો. એમણે એ ખાવા માટે મમ્મીને ખૂબ જ ઇનસીસ્ટ કર્યુ. મમ્મીએ છેલ્લે બે ચમચી ચેવડો ખાધો. પપ્પાએ પણ એ ચેવડો ચાખ્યો. હું મમ્મી પપ્પાને જોઈને ખૂબ જ ખુશ હતી. ખાસ તો મમ્મી, જે રીતે એ ભાવનાઆંટી સાથે હળી મળીને વાતો કરી રહી હતી, મને અલગ જ ખુશી મળી રહી હતી. મમ્મીના આ રૂપને હું પહેલી વાર જોઈ રહી હતી.

થોડી વાર પછી વિવાનના મોબાઈલમાં રીંગ વાગી. એણે કૉલ રીસિવ કર્યો અને ‘ઓકે’ કહ્યું. કૉલ રાખીને એણે બધાંને કહ્યું કે પપ્પા આવી રહ્યા છે. બધાંએ પોતપોતાની વાતો સંકેલી લીધી. પપ્પા અચાનક ઊભા થયા, દિપેશે પપ્પાને રસ્તો ચીંધ્યો. એ બાથરૂમ તરફ ગયા. એ જ સમયે ફેન્સી પણ ત્યાં ટપકી પડી. મને એ જરાંય ના ગમ્યુ. એ પણ ડિનરમાં શામેલ થવાની હતી.

દરવાજો ખુલો જ હતો. કારનો અવાજ આવ્યો એટલે બધાંની નજર દરવાજા સામે ગઈ. થોડી વારમાં અખિલેશઅંકલ અંદર આવ્યાં. એમણે અમારાં બધાં સામે જોયું. અમે લોકો જ્યાં બેઠા હતાં ત્યાં એ આવ્યાં.

મમ્મી ઊભી થઈ. એમણે અખિલેશઅંકલને સ્મિત સાથે જય જીનેન્દ્ર કર્યુ. મમ્મી ખૂબ જ ખુશ લાગી રહી હતી. અખિલેશ અંકલ મમ્મી સામે જોઈ રહ્યા. એમણે કોઈ જવાબ ના આપ્યો. એમનો ચહેરો કોઈ ખુશીના ભાવ વાળો નહોતો. એમના ચહેરા પર આશ્ચર્ય હતું. એ આશ્ચર્ય જેનું કારણ અમને ખબર નહોતું. પપ્પા આવ્યાં, એમણે અખિલેશ અંકલ સામે જોયું. અચાનક જ પપ્પાનો ચહેરો થોડો બદલ્યો. ચહેરો તંગ બનવા લાગ્યો. એમનો ચહેરો ગુસ્સાથી રંગાવા લાગ્યો. મને ખબર નહોતી પડી રહી કે શું બની રહ્યું હતું. મમ્મી પપ્પા અને અખિલેશ અંકલ ત્રણેય ઊભા હતાં. એવું લાગી રહ્યું હતું કે બધું ફ્રીઝ થઈ ગયું હોય. વાતાવરણ એકદમ અચાનક શાંત થઈ ગયું. મમ્મી પપ્પા અને અખિલેશ અંકલ એકબીજા સાથે એ રીતે જોઈ રહ્યા હતાં કે જાણે એ લોકો એકબીજાને ઓળખતા હોય, બધાં જ ઊભા થઈ ગયા. મેં વિવાન સામે જોયું. એને પણ ખબર નહોતી કે શું બની રહ્યું હતું. ત્રણ જ લોકો હતાં જે જાણતા હતાં કે શું બની રહ્યું હતું. મમ્મી,પપ્પા અને અખિલેશ અંકલ. અખિલેશ અંકલનો ચહેરો એક્સ્પ્રેશનલેસ હતો, પપ્પા મમ્મીને ગુસ્સાથી જોઈ રહ્યા હતાં. અને મમ્મીનો ચહેરો એવો હતો કે જાણે એમણે કંઈક ગુનો કર્યો હોય. એક મિનિટની શાંતિ પછી, અચાનક એક પ્રચંડ અવાજ આવ્યો.

મારાં પપ્પાએ મારી મમ્મીને એક તમાચો મારી દીધો હતો. ‘તને આ બધી ખબર હતી, તને ખબર હતી આપણે કોના ઘરે જઈ રહ્યા છીએ.’, પપ્પા મમ્મી સામે જોઈને ગુસ્સામાં બોલ્યા. એમનો ચહેરો લાલ ઘુમ હતો. મેં પપ્પાને પહેલી વાર આટલા ગુસ્સામાં જોયા હતાં. હું ખૂબ જ ડરી ગઈ હતી. અમારાંમાંથી કોઈને ખયાલ પણ નહોતો કે શું બની રહ્યું હતું. નિશાએ મારાં હાથ ભીંસી રાખ્યા હતાં. મમ્મી કંઈજ નહોતી બોલી રહી. એનો ચહેરો જમીનને તાકેલો હતો. બસ મને આવુંજ કંઈક થવાનો ડર હતો. મારી લાઈફમાં દર વખતે ખુશી પછી તરત દુખોનું પૂર આવતુ જ રહ્યું હતું. આ વખતે એ પૂર બધું રગદોળી નાખવાનું હતું.

‘જવાબ દે…’, પપ્પાએ એક પ્રચંડ અવાજ કાઢ્યો. મમ્મી કંઈ ના બોલી.

‘હું કહું છું જવાબ દે મને…’, પપ્પાએ ફરી એક રાડ પાડી. હું પપ્પા પાસે દોડી ગઈ અને પપ્પાને પૂછ્યું કે ‘શું થયું પપ્પા?’ એમણે મારી સામે સુદ્ધા ના જોયું. મેં મારાં પપ્પાને આટલા કઠોર ક્યારેય નહોતા જોયા. કંઈક મૅટર હતી જે મમ્મી, પપ્પા અને અખિલેશ અંકલ વચ્ચે જ હતી. હવે મારી મમ્મીની આંખોમાંથી આંસુ આવવાના શરૂ થઈ ગયા હતાં. એ હેબતાઇ ગઈ હતી. એને ખબર નહોતી કે શું બોલવુ. પપ્પાએ મમ્મીનું બાવડું પકડ્યું.

‘ચાલ અંકુ.’, એમણે ત્રાડ પાડી. બધાં હાંફળા ફાંફળા થઈ ગયા. અખિલેશ અંકલ એમના એમ જ ઊભા રહ્યા. બધાં પુછવા લાગ્યા ‘શું થયું શું થયું?’, બટ પપ્પા મમ્મીને ખેંચીને બહાર તરફ લઈ જઈ રહ્યા હતાં.

‘ગેટ લોસ્ટ એન્ડ નેવર કમબેક હીઅર.’, અંદરથી અખિલેશ અંકલનો મોટો અવાજ આવ્યો. મેં ઘરમાં જોયું. અખિલેશ અંકલ પણ ગુસ્સામાં હતાં.

હું પણ પપ્પા પાછળ દોડી. મમ્મી રડી રહી હતી. ‘પ્રફૂલ સૉરી, મને માફ કરી દો.’, એ કરગરી રહી હતી. એવી તે શું મૅટર હતી કે મમ્મી માફી માંગી રહી હતી. અત્યાર સુધી મમ્મીની જીદ મેં જોઈ હતી. આજે મેં પપ્પાનો ગુસ્સો પણ જોઈ લીધો. ઘરની બહાર નીકળતા પહેલાં મેં બધાં સામે લાચાર નજર નાખી. એ બધાં અખિલેશ અંકલને પૂછી રહ્યા હતાં કે ‘શું થયું?’, વિવાન મારી સામે જોઈ રહ્યો. મારી નજર ફેન્સી સામે ગઈ. એ મારી સામે જોઈને મુસ્કુરાણી. આ બધું બન્યું એનાથી સૌથી વધારે ખુશ ફેન્સી જ હતી. એ એના ચહેરા પર દેખાઈ રહ્યું હતું. હું પપ્પાની પાછળ પાછળ બહાર આવી ગઈ, અને મારી પાછળ નિશા. મારાં મનમાં સતત ચિંતા અને ભય હતો, વિચારો માટે કોઈ જગ્યા નહોતી. બસ એક જ પ્રશ્ન હતો, ‘અંદર શું બન્યું હતું?’ બહાર આવીને પપ્પાએ તરત ઓટો વાળાને ઊભો રાખ્યો. પપ્પાએ મમ્મીને બેસવા રાડ પાડી. અને પાછા ફરીને અમારી સામે જોયું.

‘તમારે આવવાનું છે?’, પપ્પાએ મારી સામે જોઈને કહ્યું. આ શું બની રહ્યું હતું? હું રડી રહી હતી. અમે લોકો ઓટોમાં બેસી ગયા. મેં પપ્પાને ડરતા ડરતા અને રડતાં જ પૂછ્યું ‘શું થયું પપ્પા?’

એમણે ગુસ્સામાં જ જવાબ આપ્યો, ‘એ તારી મમ્મીને પુછ. એણે શું છૂપાવ્યું? અને શામાટે?’ મમ્મીને આ રીતે રડતાં મેં ક્યારેય નહોતી જોઈ. એ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. પપ્પાએ ઓટો વાળાને ગુલબાઇ ટેકરા લેવાનું કહ્યું. ઓટો એ તરફ ચાલી રહી હતી. મમ્મીનો કોઈ જવાબ નહોતો.

‘મમ્મી કંઈક તો બોલ શું થયું?’, મેં મમ્મી સામે કરગરીને પૂછ્યું. એનું રડવાનું શરૂ જ રહ્યું જાણે કોઈ મોટી ભૂલ કરી હોય. પપ્પા એના ગુસ્સામાં અડગ રહ્યા. અમે લોકો રૂમ પર પહોંચ્યા પણ ન મમ્મી કંઈ બોલી કે ન પપ્પા. નિશા મને સાંત્વના આપી રહી હતી કે, ‘બધું બરાબર થઈ જશે.’ બટ હું એને કહી રહી હતી કે, ‘મને કંઈ ખબર જ નથી કે શું થઈ રહ્યું છે ? તો કઈ રીતે બધું બરાબર થશે.?’

મમ્મી પપ્પાએ રૂમની અંદર એન્ટર થતા જ સામાન ઊઠાવ્યો. સોનુ અને કૃપા આશ્ચર્યમાં જ રહ્યા કે, ‘શું થયું?’

‘અમે જઈએ છીએ.’, પપ્પા લગેજ ઊઠાવતા બોલ્યા. મમ્મી કંઈ જ નહોતી બોલી રહી. મારે એવું કંઈક કરવું હતું કે પપ્પાનો ગુસ્સો શાંત થાય અને મમ્મીને હું એકાંતમાં પૂછી શકું કે ‘મમ્મી આ બધું શામાટે બન્યું?’

‘પપ્પા હું પણ આવું છું.’, મેં કહ્યું અને તરત જ કૉલેજ બેગમાં બે જોડી કપડા ભર્યા અને હું પણ તૈયાર થઈ ગઈ. મમ્મી પપ્પા નીચે ઉતર્યા. મેં નિશા, સોનુ અને કૃપા સામે જોયું અને હું પણ નીચે ઉતરી. એ સમયે મારું માથુ ફાટી રહ્યું હતું. મારી સાથે જ શામાટે આવું બનતું હતું કે એક પળ માટે મારી ખુશીઓનો પાર ના હોય અને બીજી જ પળે કોઈ પ્રોબ્લેમ આવી ચડે. એક પ્રોબ્લેમ સૉલ્વ થાય અને બીજી તૈયાર જ હોય. અને આ એવી પ્રોબ્લેમ હતી જેના મૂળિયાં ક્યાં હતાં એનો હજુ મને ખયાલ સુદ્ધાં નહોતો. પણ એટલી ખબર હતી કે આ બધી ભૂતકાળની રમત હતી. વર્તમાન તો આ રમતનું મૈદાન હતું. જ્યાં ત્રણ પ્યાદા હતાં. મમ્મી, પપ્પા અને અખિલેશ અંકલ.

***

ઘરે પહોંચ્યા ત્યારથી જ ઝઘડા શરૂ થઈ ગયાં. પપ્પાએ મને ‘વચ્ચે ન આવવાની’ વોર્નિંગ આપી દીધી હતી. મેં મામાને ફોન કરીને બોલાવી લીધા. બે દિવસ સુધી ઝઘડો ચાલતો રહ્યો. મામા અને મમ્મીએ ઘણી વાતો કરી, મામાએ પપ્પાને સમજાવ્યા અને એમણે પણ ઘણું ડિસ્કસ કર્યુ. હવે મને ખયાલ આવી રહ્યો હતો કે આ બધું થવાનું કારણ શું હતું. મમ્મીનો ભૂતકાળ જ મમ્મીની સામે આવ્યો હતો. કદાચ મમ્મી હજુ એના ભૂતકાળને એકવાર જોવા ઇચ્છતી હતી. જે વાતો મેં મામા, મમ્મી અને પપ્પા વચ્ચે થઈ રહી હતી એ મેં સાંભળી. એમાં પપ્પા મમ્મી પર સૌથી વધારે ગુસ્સે હતાં.

‘ભૂલ એક વાર થાય, બીજી વાર થાય એને ભૂલ ન કહેવાય, એને ઇચ્છા કહેવાય.’, પપ્પા વારંવાર આ જ બબડી રહ્યા હતાં. મામા હતાં એટલે મમ્મીને ખુલાસો આપવાની તાકાત આવી ગઈ હતી. એ ઝગડતી વખતે રડતાં રડતાં બોલી રહી હતી. ‘પ્રફૂલ. મારાં મનમાં કોઈ જ ખરાબ વિચારો નથી. હું બસ ઇચ્છતી હતી કે અંકુ એની પસંદ હોય ત્યાં જાય. ’

‘પપ્પાએ પણ તર્ક આપ્યો કે અત્યાર સુધી એમ કહેતી હતી કે અંકુ મેરેજ ત્યાં જ કરશે જ્યાં હું ઇચ્છીશ અને અચાનક આ કરુંણા?’, પપ્પાની આ વાત મને ગળે ઉતરી હતી.

‘પ્રફૂલ જ્યારે મને ખબર પડી ત્યારે મને વિચાર આવ્યો કે નવી શરૂઆત કરીએ. જે હું નથી મેળવી શકી એ અંકુ મેળવે.. એ એનો પ્રેમ મેળવે.’

‘એનો પ્રેમ કે તારો પ્રેમ?’, આ સાંભળીને મને શોક લાગ્યો હતો. રૂમમાં સન્નાટો છવાઇ ગયો હતો. પપ્પા ઑલમોસ્ટ ચિલ્લાઇને બોલ્યા હતાં. એમના ચહેરા પર ગુસ્સો ઉભરાતો હતો. મામાએ મને રૂમમાં ચાલ્યા જવા કહ્યું હતું અને પપ્પાને સમજાવ્યા કે છોકરાઓ સામે આવી વાતો ના કરાય.

બીજે દિવસે મામા મમ્મી-પપ્પાને એમના ઘરે લઈ ગયા. એક આખો દિવસ મમ્મી પપ્પા એમના ઘરે જ રહ્યા. આવ્યાં ત્યારે ઝઘડો પૂરો થઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું. બટ પહેલાં જેવુ હવે વાતાવરણ નહોતું. મમ્મી અને પપ્પાનું એકબીજાનું બોલવાનું જાણે બંધ જ થઈ ગયું હતું. આખુ ઘર સુમસામ થઈ ગયું હતું. મેં નક્કી કર્યુ હતું કે જ્યાં સુધી હું પૂરેપૂરી વાત ના જાણી લવ ત્યાં સુધી હું અહીંથી અમદાવાદ નહીં જાવ. મમ્મી મારી સાથે પણ ઓછું જ બોલતી. મારી પણ પુછવાની હિંમત નહોતી. મારે કોઈના ઘાવ તાજા નહોતા કરવા.

પપ્પાએ પણ મને ચોખ્ખુ જ કહી દીધું હતું, ‘મને તું એ છોકરા સાથે રિલેશન રાખ એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બટ હું તારો સાથ નહીં આપુ. તારે જે કરવું હોય તે કર.’, આ સાંભળીને હું બે દિવસ સુધી રડી. મારાંમાં લડવાની બધી જ તાકાત હવે પૂરી થઈ ગઈ હતી. હવે હું થાકી ગઈ હતી. પ્રોબ્લેમ ઉપર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ઉપર પ્રોબ્લેમ. ક્યાં સુધી હું બધી પ્રોબ્લેમ સૉલ્વ કરત. મેં મારો ફોન સ્વીચ ઑફ જ રાખ્યો. હું વિચારી નહોતી શકતી કે મારે વિવાનને કઈ રીતે છોડવો.? એક તરફ વિવાન હતો અને એક તરફ પપ્પા. પણ મારે મમ્મીનો ભૂતકાળતો જાણવાનો જ હતો. એ ભૂતકાળ જેણે મારાં વર્તમાનને રગદોળ્યું હતું. એ ભૂતકાળ જેણે ખુશીઓથી ખીલખીલાતા દરેકના ચહેરા પર પોતાના કાંટાળા શસ્ત્રોથી ઉજરડા પાડ્યા હતાં.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

Rate & Review

Nirali Gamit

Nirali Gamit 2 years ago

Shefali

Shefali Matrubharti Verified 3 years ago

Manisha Thakkar

Manisha Thakkar 3 years ago

Aarti Madhani

Aarti Madhani 3 years ago

Heena Suchak

Heena Suchak 3 years ago