Ant Pratiti - 14 books and stories free download online pdf in Gujarati

અંત પ્રતીતિ - 14

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૧૪)

જિંદગી એક જવાબદારી

દિલ અને દિમાગની લડાઈમાં માનવી સદૈવ માટે અટવાઈ જાય છે,

લાગણીઓને કોરે મૂકીને એક કઠોર વાસ્તવિક જીવન જીવાઈ જાય છે.

ધ્વનિ ઓફિસ પહોંચી કે તરત જ સમીરનો મોબાઈલ પર ફોન આવ્યો. તેને પણ ચિંતા થતી હતી કે જલદર્શનમાં કાલે શું થયું? ત્યાં ફોન કરીને પૂછી શકે તેમ ન હતો, તેથી આખી રાત ખૂબ જ અજંપાભરી અનુભવી. સમીરનો નંબર જોઈને ધ્વનિએ મોબાઈલ ઓફ કરી દીધો. સમીરને ખૂબ આશ્ચર્ય થયું ધ્વનિના આજના વર્તનથી... આવું તો કદી બન્યું જ નથી કે મેસેજ હોય કે ફોન હોય તો ધ્વનિએ જવાબ ના આપ્યો હોય. સમીરે ફરીથી ફોન લગાડ્યો પણ મોબાઈલ સ્વીચ ઓફ... તે જાણી ગયો કે ધ્વનિએ મોબાઈલ ઓફ કરી દીધો છે. ઓફિસના નંબર પર ફોન ડાયલ કર્યો તો, ધ્વનિ લાઈન પર ન આવી. સમીર સમજી ગયો કે ચોક્કસ કાંઈક વાત ગંભીર બની છે. જેથી ધ્વનિ ફોન કાપી રહી છે... તો ધ્વનિએ સમીરનો ફોન કાપી તો નાખ્યો પણ આંખમાં આંસુ આવી ગયાં, પણ આ કરવું હવે જરૂરી બની ગયું હતું, તેથી હૃદય અને મન કઠણ કરીને પણ તે તો કરવું જ જોઈએ... તેમ સમજીને જ તેણે કર્યું હતું. કામમાં પણ તેનું મન ન લાગ્યું અને માથું દુખવા લાગ્યું. આજની વેદના અસહ્ય હતી. જેમ તેમ કરીને સાંજ પડતાં તે જલ્દી જ ઘરે જતી રહી.

ધ્વનિ પોતાના રૂમમાં જઈને પલંગ પર ઉંધી પડીને હીબકાં ભરવાં લાગી. વિરહની મારી જોગણી જેવી હાલત થઈ ગઈ હતી. તેની આંખમાંથી અવિરત આંસુ વહી રહ્યાં હતાં. મન વિચલીત થઈ ગયું હતું. દિલને ક્યાંય ચેન ન પડ્યું. પ્રેમની બહાર તેના જીવનમાં ખીલી પણ મુરઝાઈ પણ ગઈ... પોતે પોતાના નસીબના ખેલ પર અસહાય બનીને આંસુ સારતી રહી, મનોમન તડપતી હતી. ત્યાં તેને ક્યાંક વાંચેલું યાદ આવ્યું. 'આશા ભંગ થઈ સ્વામિની, સ્તુતિ કરે શું ભામિની' હવે આશાનો અર્થ નહોતો. આંખોથી આજે એને દૂર કર્યો તેની દુનિયાથી બહાર નીકળી ગઈ, એ મંઝિલ તેની માટે હવે ખૂબ દૂર છે, તે હવે ત્યાં કદી જઈ શકવાની ન હતી. તે જ વિચારથી તે વધારે તડપથી રહી ગઈ. ઉષાબહેન તેના રૂમમાં આવ્યા અને ક્યારના ઊભા રહીને તેની સામે જોઈ રહ્યાં હતાં, એ પણ તેને ખબર ના પડી, તે તડપીને રડતી જ રહી...તેના આંસુઓ લૂછનાર કોઈ જ ન હતું. ઉષાબહેન પણ ત્યાંથી પાછા વળી ગયાં. તેને રડવા દીધી.

ધ્વનિ ખૂબ જ શાંત થઈ ગઈ હતી. ઘરમાં પણ ખૂબ જ ઓછું બોલતી હતી. ઓફિસથી આવીને પોતાની રૂમમાં બેસી રહેતી. સમીરનો ફોન આવતો તો તે પણ રિસીવ કરતી જ નહીં, કટ કરી નાખતી હતી. તેથી આજે વર્ષાએ ફોન ઘરે લગાવ્યો. ફોન પર મનસુખરાય મળી ગયા. તે બોલી, “ધ્વનિની તબિયત તો સારી છે ને? તે અમારા ફોન નથી ઉપાડતી. સમીર પણ ફોન કરે છે પણ તે કાપી નાખે છે, એટલે અમને ચિંતા થાય છે.” “ના, ના, બેટા તેની તબિયત સારી છે. તું તેની સાથે વાત કર.” કહીને તેમણે ધ્વનિને બોલાવી. પપ્પાએ બોલાવી હતી તેથી જ ધ્વનિએ ન છૂટકે તેની સાથે વાત કરવી જ પડી. થોડીવાર વાતચીત થઈ પછી “ભલે. ના, વર્ષા મને નહીં ફાવે.” કહીને તેણે ફોન કટ કરી નાખ્યો. ઉષાબહેને તેને પૂછ્યું “શું થયું બેટા?” “એ લોકોએ આજે પિક્ચરનો પ્રોગ્રામ બનાવ્યો છે. મેં ના પાડી કે મને રાતના ઉજાગરા ફાવતા નથી.” બોલીને તે પોતાના રૂમમાં જવા લાગી. બંને જણા એકબીજા સામે જોઈને મનમાં બોલ્યાં કે કશું થયું છે એ લોકો વચ્ચે? મનસુખરાયે ચિંતા વ્યક્ત કરીને પૂછ્યું, “શું થયું છે?” ઉષાબહેન બોલ્યાં, “જરા બે દિવસ રાહ જુઓ તે ખુદ આપણને સામેથી કહેશે.”

હવે તો ધ્વનિ નો રોજનો ક્રમ બની ગયો હતો કે સમીર કે વર્ષાનો ફોન આવતો, તો તે તરત જ કટ કરી નાખતી હતી. તેની આ વર્તણૂક સમીરને ખૂબ જ તકલીફ આપી રહી હતી. તેણે હિંમત કરીને બે ત્રણ વખત ધ્વનિને મળવા ઓફિસમાં ફોન કર્યો, પણ તે વ્યસ્ત છે, તેમ કહીને વાત જ ન કરી. તે પણ લાચાર હતો. રોજ ધ્વનિ ફોન કાપી નાખતી હતી. તેથી તેણે હવે ફોન કરવાનું ઓછું કરી દીધું હતું. સમીરે પણ વિચાર્યું, જેવી એની મરજી. એને મારે દુઃખી નથી કરવી.

ધ્વનિ ચૂપચાપ પથારીમાં પડી હતી. સૂતાં સૂતા ઘરની છતને તાકતી હતી. એફએમ. પર લતાજીનું ઓલ્ડ ગીત 'ગુજરા હુઆ જમાના, આતા નહીં દુબારા, હાફિઝ ખુદા તુમ્હારા...' બરોબર તેની આ સ્થિતિને બંધબેસતું ખૂબ જ દર્દ ભરેલ ગીત હતું. જેમાં એક પ્રેમિકાના વિરહની વેદના વ્યક્ત કરવામાં આવી હતી. પ્રેમ તો કર્યો પણ ચાર દિવસની ખુશી મળી અને આંસુ જીવનભરના... જે સમય એક સાથે બંનેએ વિતાવ્યો હતો, તે હવે ક્યાં પાછો આવવાનો? આ કિસ્સામાં ધ્વનિ ખૂબ તડપી ઉઠી. ધ્વનિ આંસુ સારીને પડી રહી. બીજે દિવસે સવારે મનમાં કંઈક નક્કી કરીને ઉષાબહેનના રૂમમાં જઈને જોયું તો પપ્પા ન્યૂઝ પેપર વાંચતા હતા. તે અંદર ગઈ અને તેમના પગ પાસે બેસીને ખોળામાં માથું રાખીને બોલી, “પપ્પાજી, મારે કાલે ઉટી જવું છે.” આ સાંભળીને મનસુખરાય ચોંકી ઉઠયાં. આ બોલી રહેલી ધ્વનિની આંખમાં આંસુ હતાં. ઉષાબહેન પણ ઉટીનું નામ સાંભળીને ચોંક્યા. કેમકે આખરી દિવસોમાં મનોજે પણ ત્યાં જવાની ઈચ્છા કરી હતી. ધ્વનિ બોલી, “પપ્પા, ત્યાં મારી અને મનોજની જિંદગીની સ્નેહભરી શરૂઆત થઈ હતી, ત્યાં જ મારી જિંદગી અધૂરી રહી ગઈ. પપ્પા, હું એ યાદોને ફરીથી જીવવા માંગું છું. પપ્પા, મને ત્યાં લઈ જાવ.” એમ કહીને તે રડવા લાગી. મનસુખરાયે કહ્યું, “અરે બેટા, રડ નહીં. હિંમત રાખ. જો તું મારી બહાદુર દીકરી છે. જિંદગીના તોફાનોનો હિંમતથી સામનો કરો, બેટા. આમ તૂટી નહીં જવાનું. પણ, તું ચિંતા ન કર. હું કાલે જ બધી વ્યવસ્થા કરાવી લઉં છું. આપણે બધા સાથે જઈશું, બેટા. એ યાદો તો આપણા જીવનની ધરોહર છે.” મનસુખરાય ધ્વનિને સમજાવીને શાંત પાડી રહ્યા હતા. ધ્વનિ તેમના ખોળામાં માથું મૂકીને ક્યાંય સુધી રડતી રહી. ઉષાબહેન અને મનસુખરાય સાથે મૌનથી વાતો કરતી રહી. ત્રણેયના દિલમાં એક જ વ્યથા હતી. દરેકની વેદનાની શબ્દોની પરિભાષા એટલે કે તેમની ખામોશી અને તેના આપસમાં ઝીલાતાં પડઘાં. કોણ કોને સાંત્વના આપે? બસ, હવે તો સમય પણ એ ત્રણેની મનોવ્યથા પારખીને જાણે કે ઊભો રહ્યો હતો, ચૂપચાપ...

પછી બીજા દિવસે તેમણે ઉટી જવા માટે ટિકિટ બુક કરાવી. હોટેલમાં પર ફોન દ્વારા જે રૂમમાં મનોજ અને ધ્વનિ પહેલાં રહ્યાં હતાં, તે જ બુક કરાવી. ઓચિંતાનો પ્રોગ્રામ બનતાં બાળકો પણ ખુશ થઈ ગયાં પણ પછી મહેકે કારણ પૂછતાં ઉષાબહેને કહ્યું, “મમ્મી તારા પપ્પાને ખૂબ જ મિસ કરે છે.” તેમને બધી વાત સમજમાં આવી જતાં તે પણ મમ્મીને સાથ આપતા હોય તેની સાથે ભળી ગયાં. બીજે દિવસે બધા ઉટી પહોંચ્યા. પછી એ જ હોટલમાં ગયાં, જ્યાં છેલ્લે મનોજ સાથે આવ્યાં હતાં.

ધ્વનિ પોતાની સાથે મનોજની ડાયરી પણ લેતી આવી હતી, જેમાં છેલ્લા એક વર્ષની બધી જ વાતો તે લખતો હતો. ઉટીની બધી જ વાતો તેણે લખી હતી તે અક્ષરે અક્ષર ધ્વનિ જીવવા માંગતી હતી. મનોજે લખ્યું હતું કે મને દુઃખ ન થાય તે માટે બધા ચહેરા પર હાસ્ય રાખે છે પણ અંદરથી બધા જ દુઃખી છે, તે પણ મારા કારણે. હું બધાના દુઃખનું કારણ બની ગયો છું. ધ્વનિ માટે લખ્યું હતું... ધ્વનિ, મારી પ્રિયા, તારા અરમાન અને તારા સપનાં પૂરા ન કરી શક્યો... અને આમ એકલી અધવચ્ચે જિંદગીની સફરમાં છોડીને જાઉં છું, મને માફ કરજે... પણ હા, જિંદગીની રાહમાં ચાલતાં ચાલતાં કોઈનો સહારો મળી જાય તો સ્વીકારીને જીવનને નવેસરથી શરૂ કરજે. મને ખુશી થશે પરંતુ જો તું દુઃખી રહીશ તો મારા આત્માને કદી શાંતિ નહીં મળે. પછી બાળકો માટે પણ ઘણું લખ્યું હતું, તે આગળ વાંચતી રહી... ધ્વનિ એકલી જ તે રૂમમાં હતી. રૂમમાં રહીને તે બધી જ પળોને યાદ કરી રહી હતી. પહેલી વખત, અહીં આવતા મનોજે તેને સ્નેહથી નવડાવી હતી, તે યાદ આવી ગયું... અને છેલ્લે મનોજ સાથે આવ્યા ત્યારે તેનાથી માંડ માંડ બોલાતું હતું. તે ફરીથી યાદ આવી ગયું, તો પણ મનોજે ઉલટી સીધી વાતો કરીને તેને ખૂબ હસાવી હતી, તે પણ યાદ આવી ગયું. ધ્વનિ મનોજની તસવીર પોતાના દિલ પર મૂકીને ખૂબ જ રડી. પોતાની અસહાય સ્થિતિ પર જે રસ્તે ચાલી નીકળી હતી, તેની માટે મનોજની મનોમન માફી માંગી અને ખૂબ જ રડતાં રડતાં તે ક્યારે સૂઈ ગઈ તેને ખબર ન પડી. મનસુખરાયે તેને ઉઠાવવાનો પ્રયત્ન જાણી જોઈને ન કર્યો. તેની સોનેરી યાદોને દિલમાં જેટલી સમેટાય તેટલી તે સમેટી લેવા માંગતી હતી... કેમ કે એ યાદો એના જીવનનો સહારો હતો. તેઓ ધ્વનિની મનોદશા સમજી ગયા હતા અને પોતાની દીકરીના નિર્ણયને પણ વગર કહે જાણી ગયા હતા. રોજ જ્યાં મનોજ ધ્વનિને લઈ ગયો હતો ત્યાં ધ્વનિ બાળકો અને મમ્મી-પપ્પા સાથે ફરતી અને મન ભરીને તે સ્થળને અને સમયને યાદ કરીને રહેતી હતી.

એક અઠવાડિયું ક્યાં વીતી ગયું ખબર જ ના પડી. બધાં પાછા મુંબઈ આવી ગયા હતાં. ધ્વનિ હવે પોતાની જાતને કામમાં વધુ વ્યસ્ત રાખતી હતી જેથી સમીર કે તેની ઉપસ્થિતિ તેને યાદ ના આવે. સમીરે પણ હવે તેની ઓફિસે આવવાનું ઓછું કરી નાખ્યું હતું. ક્યારેક વર્ષાનો ફોન આવતો તો પોતાની સખીને નાતે તેની સાથે વાત કરી લેતી હતી.

કોલેજમાં મહેક અને મીતની દોસ્તી ખૂબ જ સારી થવા લાગી હતી. મીતને પહેલેથી જ મહેક પ્રત્યે કૂણી લાગણી હતી. કોલેજની પિકનિકમાં ગયા ત્યારે તે બંને ખૂબ નજીક આવી ગયા હતાં... અને એક દિવસ મીતે મહેકને પ્રપોઝ કર્યું તો મહેકે તેનો સ્વીકાર કર્યો. પ્રીતનો જવાબ તેણે પણ પ્રીતથી જ આપ્યો હતો. તેનો જવાબ હા આવતાં જ મીત જાણે પ્યારના સાતમા આસમાનમાં ઉડવા લાગ્યો હતો. બંને એકબીજા સાથે વધારે વ્યસ્ત રહેવા લાગ્યા હતાં. એની રીઝલ્ટ પર અસર પડી. એક દિવસ ધ્વનિ મહેકની રૂમમાં ગઈ ત્યારે મહેક ત્યાં ન હતી અને એનો મોબાઈલ વાગ્યો. પલંગ પરથી પડી જાય, એ પહેલાં ધ્વનિએ પકડી લીધો. મોબાઈલ હાથમાં આવતાં જ અનાયાસે મેસેજ વંચાયો, જે જોઈને તેને ધરતી ગોળ ગોળ ફરતી હોય એવું દેખાવા લાગ્યું. તે વિચારી જ ન શકી કે મીત અને મહેક વચ્ચે પ્રણયના અંકુર ફૂટી ગયાં છે. પહેલાં તો તેને ખુશી થઈ પછી પોતાની અને સમીરની વાતો યાદ આવતાં જ તે વિચારવા લાગી કે આ વાત કઈ રીતે શક્ય બની શકે? આ લોકોને અહીં અટકાવવા પડશે. આ શક્ય ન બને... તે ખૂબ ચિંતિત થઈ ગઈ હતી આ વાત જાણીને. ખૂબ વિચારીને તેણે નક્કી કર્યું કે સમીર સાથે વાત કરીશ... અને જાણે કંઈ જાણતી જ નથી, એવી રીતે રૂમમાંથી બહાર નીકળી.

આખી રાત તેણે અજંપામાં વિતાવી. હજી તો પોતાના ગમ ભરાયા નથી ત્યાં દીકરી પણ એ રસ્તે... ભગવાન શા માટે તો અમારી એટલી આકરી કસોટી કરે છે? ક્યારે સવાર પડે? તેની આતુરતાથી રાહ જોવા લાગી.

આજે જલ્દી પરવારીને ઓફિસ ગઈ અને ત્યાંથી સમીરને ફોન લગાડીને મળવા માટે કહ્યું. અચાનકથી ફોન આવતાં જ સમીરને થયું કે નક્કી કાંઈ ચિંતાજનક બાબત હશે. તેણે પૂછ્યું તો ધ્વનિએ કહ્યું કે રૂબરૂ મળીને વાત કરું છું. થોડી જ વારમાં તેઓ નક્કી કરેલા સ્થળે ગાર્ડનમાં મળ્યાં. સમીરે ધ્વનિને ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું, “ઘરમાં આ બાબતનો ખ્યાલ આવી ગયો છે?” ધ્વનિએ કહ્યું, “હા, પરંતુ પપ્પા મને કશું બોલ્યા નથી. પરંતુ આ બાબતની ચર્ચા કરવા માટે નહીં પણ બીજી વાત કરવા માટે મળવા બોલાવ્યો છે. તું મારી ચિંતા નહીં કર. અને તું પણ વહેલી તકે વર્ષાને જણાવી દેજે અને જોઈએ તો આપણે એની માફી પણ માંગી લઈશું. આપણી વચ્ચે જે કંઈ પણ હતું જે થયું એ બધું ભૂલી જવામાં જ આપણા બંનેની ભલાઈ છે. નહીંતર એક સાથે ત્રણ જીવન ખરાબ થશે, અને તેની અસર આપણા બાળકો પર થશે...” સમીરે કહ્યું, “હું મારી ચિંતા નથી કરતો, મને તારી ફિકર છે. આપણી વચ્ચે જે કંઈ પણ અજાણતા બન્યું હતું... પછી આપણે સંબંધને કબૂલ કર્યો હતો અને મંજૂર પણ કર્યો હતો તું કહે છે તો વર્ષાને હું જ જણાવી દઈશ મને ખબર છે તે વાત સમજવાની કોશિશ કરશે.” ધ્વનિએ કહ્યું, “પ્લીઝ, હવે એ વાતોનો કોઈ અર્થ નથી. હું એ બધું ભૂલી જવા માંગુ છું. પ્લીઝ, તમે મને એ વાતો યાદ ન કરાવો. મારું જીવન વધારે મુશ્કેલ બનાવે છે. આમ પણ જીંદગી ઘણી મુશ્કેલીઓથી ભરેલી છે. આજે તમને અહીં એક માની ચિંતાને કારણે બોલાવ્યા છે. તમને ખબર છે કે મીત અને મહેક વચ્ચે પ્રણય અંકુર ફૂટી નીકળ્યા છે.”

“અરે વાહ, શું વાત કરે છે? મને તો કશી ખબર જ નથી. ઓહ માય ગોડ, મીત આટલો જલદી યુવાન થઈ ગયો અને આપણી મહેક પણ...” “ હા, મને પણ ગઈ કાલે આ વાતની જાણ થઈ છે. પછી ખ્યાલ આવ્યો કે આ છેલ્લા છ મહિનાથી ચાલે છે. કોલેજની પીકનીક પર ગયા હતા ત્યારથી... બંનેના રીઝલ્ટ ડાઉન છે, ચેક કરજો. પ્લીઝ, એમને રોકી લો, સમીર.”ધ્વનિ બોલી. સમીર તો મહેક પોતાના ઘરની વહુ બનીને આવશે એ જાણીને ખૂબ ખુશ થઈ ગયો હતો, એટલે તે ધ્વનિની વાતની ગંભીરતા જોઈ જ ન શક્યો. તે બોલ્યો, “ધ્વનિ, તું જોજે. આપણા બન્નેના બાળકોના મેરેજ થશે ત્યારે ખૂબ ધામધૂમથી કરીશું.” ધ્વનિએ કહ્યું, “પણ સમીર, મારી વાત સાંભળો.” સમીરે કહ્યું, “મારે કોઈ વાત સાંભળવી નથી અને વર્ષા જાણશે તો તેની ખુશીનો પાર જ નહીં રહે.” તેમ સમીર તો ખુશ થઈને કહેવા લાગ્યો. “પ્લીઝ, સમીર પહેલાં મારી વાત સાંભળો. હું નથી ઈચ્છતી કે મીત અને મહેક આ વાતમાં આગળ વધે.” સમીરે કહ્યું, “પણ તને વાંધો શું છે?” ધ્વનિએ કહ્યું, “આપણા બંનેના સંબંધોના હિસાબે પણ આ વાત યોગ્ય નથી. મારી દીકરી અને તમારો દીકરો... વાતની ગંભીરતા સમજો, સમીર.” એની વાત સાંભળીને પહેલી જ વખત સમયને વાતની ગંભીરતા સમજાઈ. તે ખૂબ જ વિચારમાં પડી ગયો અને તેની વાત સાથે સંમત થતાં બોલ્યો, ”તારી વાત તો સાચી છે પણ આપણે બાળકોને કેવી રીતે સમજાવીશું કે તેમને તેમના પ્યારની મંઝીલ મળી શકશે. એમને શું કહીશું તેમને? તેઓ સવાલ પૂછશે કે શા માટે? તો આપણે શું કારણ આપીશું? આપણી સચ્ચાઈ તેમની સમક્ષ આપણે કેમ રજૂ કરી શકીશું?” ધ્વનિ બોલી, “મને પણ એ જ ચિંતા કોરી ખાય છે. બાળકોને જુદા કરવા પડશે એ વિચારથી જ હું કાંપી જાઉં છું, સમીર...” સમીર બોલ્યો, “આટલી બધી ચિંતા ન કર. કંઇક તો રસ્તો કાઢવો જ પડશે.” ખૂબ વિચારને અંતે સમીર બોલ્યો, “બંનેને અલગ કોલેજમાં...તો પણ તેઓ પણ મળી શકશે તો આપણે એમને રોકી નહીં શકીએ.” બંને ખૂબ ચિંતિત થઈ ગયાં. ખૂબ વિચારને અંતે કાળજે પથ્થર મૂકીને ધ્વનિ બોલી, “સમીર, એનો એક જ રસ્તો છે, બંનેમાંથી એકને ભણવા માટે વિદેશ મોકલી દઈએ. નવા વાતાવરણમાં બની શકે કે તેઓ આ સંબંધ ભૂલી જાય.” સમીરે કહ્યું, “ધ્વનિ, લાગે છે કે આ શક્ય બને? તેઓનું ભણતર પૂરું થયું અને પછી પણ એમનો સંબંધ અકબંધ રહ્યો તો લગ્ન કરાવવા સિવાય આપણી પાસે કોઈ ઉપાય નથી... અને આપણે ના પાડીશું તો તેઓ પોતાની રીતે પણ લગ્ન કરી લેશે, તો શું કરીશું? એનાં કરતા આ સંબંધ આપણે સ્વીકારી લઈએ તે યોગ્ય છે.” ધ્વનિએ કહ્યું, “સમીર મને તે પસંદ નથી. મનોજ જીવતા હોત તો મને આ વાતનો ખૂબ જ ગર્વ બની જાત. પણ આપણી વચ્ચેના સંબંધો, નૈતિકતાની દૃષ્ટિએ યોગ્ય નથી, માટે મને મંજુર નથી.” “તો પછી ધ્વનિ હું મીતને બહાર ભણવા મોકલી દઉં?” સમીરે કહ્યું. ધ્વનિએ કહ્યું, આ વાત વર્ષા નહીં માને. એનાં કરતાં મહેકને હું ભણવા માટે બહાર મોકલી દઉં, કદાચ પપ્પા એ માટે રાજી થાય. કારણકે મહેક તેમની ખૂબ જ લાડકી છે પરંતુ બીજો કોઈ રસ્તો પણ નથી.” સમીરે ધ્વનિને સમજાવતાં કહ્યું, “ધ્વનિ, શું કામ આટલો આકરો નિર્ણય લે છે? પહેલાં જ કિસ્મતે તને ઓછા દુઃખ નથી આપ્યાં ને? હવે તો તારી લાડકી દીકરીને પોતાનાથી દૂર કરે છે? મને આ બધી વાતો મંજૂર નથી.” ધ્વનિએ કહ્યું, “સમીર, આ બંનેના ભવિષ્ય માટે ખૂબ જ જરુરી છે. તેઓ આ હકીકત નથી જાણતાં, પણ જો ભવિષ્યમાં પણ આ સચ્ચાઈની તેમને ખબર પડશે તો એમની જિંદગી પણ કેવી બની જશે? અને તેઓ દુઃખી થઈ જશે. તેમના દુઃખને લીધે બંને પરિવાર વચ્ચે પણ દુઃખ ઊભું થશે. એટલા માટે જ હું છું.” સમીરે આખરે ધ્વનિની દલીલો આગળ નમતું જોખ્યું અને આંખમાં આંસુ સાથે, કચવાતા મને પોતાની લાડલી એંજલને વિદેશ ભણવા માટે મોકલીશું તેમ નક્કી થયું. તે નક્કી થઈ જતાં જ ધ્વનિ એકદમ તૂટી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પોતાના જીવનની વાસ્તવિકતા પર કિસ્મત કેટલી ક્રુર મજાક કરે છે એની સાથે... સમીરે ધ્વનિને સાંત્વના આપીને કહ્યું, “જો તું તો બહાદુર છે અને તારા દરેક નિર્ણયમાં મે સાથ આપ્યો છે.”

“સમીર, શું કહું? જિંદગી મને એટલી કસોટીમાં સદાય રાખી છે. કેટલી પણ ફરિયાદો હોય, એ બધી આંસુથી જ વહેવડાવી દઉં છું. પણ ધીરે ધીરે મનને મક્કમ કરીને આંસુઓ પીને જીવવું પડે છે.” દુઃખી મને ધ્વનિ ઉભી થતાં બોલી, “તમે મીતને કશું પણ કહેતા નહીં. જાણે કશું જ જાણતાં નથી. હું જઈને માટે મહેકની લંડન જવાની બધી તૈયારીઓ કરીને પછી તેને જણાવીશું. જેથી મહેકને લંડન ગયા સિવાય કોઈ માર્ગ ન બચે.” સમીરે કહ્યું, “ધ્વનિ શા માટે આટલી કઠોર બની જાય છે બાળકો સાથે? તું આટલી કઠોરતાથી વર્તન નહીં કર. પ્લીઝ, વાત માની લે. છેલ્લી વાર કહું છું.” પણ ધ્વનિ સમીરની કોઈ પણ વાત માનવા તૈયાર ન હતી. પોતાના લીધેલા નિર્ણયમાં તે પાછી પડે તે માટે જલ્દીથી સમીરની રજા લઈને ત્યાંથી રવાના થઈ ગઈ. સમીર તે દિશામાં એકી નજરે તાકતો રહ્યો પછી તેના મુખેથી એક નિશ્વાસ પડ્યો અને મનોમન મનોજ અને બાળકોને માફી માગી કે પોતાની એક ભૂલથી આજે બાળકોની પ્યારની જીંદગી દાવ પર લાગી છે, તેમાં તેમનો તો કોઈ વાંક ન હતો.

સમીર રવાના થયો પણ તેની મનની વ્યથા કોઈને કહી શકતો ન હતો. અંદર ને અંદર અફસોસ કોરી ખાતો હતો. ધ્વનિએ મહેક માટે લંડનની બધી જ તૈયારી કરી લીધી.

લંડનની યુનિવર્સિટીમાં બધું ફાઈનલ થતાં તેણે મહેકને વાત કરી. મહેક આ બધું સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને જવા માટે તૈયાર થઈ ગઈ, તેથી ધ્વનિને પણ હાશકારો થયો કે મહેક તો માની ગઈ. હવે આ વાત મમ્મી અને પપ્પા સાથે કરવાની...

***