Jokar - 23 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 23

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 23

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 23
લેખક – મેર મેહુલ
ફ્લોરલ પાર્કની મુલાકાત પછી એ મારા માટે સર્વસ્વ બની ગઈ હતી.તેની નાનામાં નાની ખ્વાઇશ પુરી કરવાની હું કોશિશ કરતો.મારો ગોલ, મારુ લક્ષ્ય એટલે માત્રને માત્ર નિધુ.હા મેં જ એ નામ આપ્યું હતું.
તેની મોં માંગી વસ્તુઓ અપાવી હું લાડ લડાવતો.અમે અઠવાડિયામાં ભાગ્યે જ એક દિવસ કૉલેજે જતા.સુરતનું એવું એકપણ ખોપચુ નહોતું બચ્યું જ્યાં અમે એકાંતમાં સમય પસાર ના કર્યો હોય.ઘણીવાર તો એ પુરા દિવસનું બહાનું બનાવી મારી સાથે સુરત બહાર પણ ફરવા આવેલી.ટૂંકમાં તેને બગાડવામાં મેં થોડી પણ કસર નહોતી છોડી.
એ પણ સામે મને એટલો જ પ્રેમ આપતી.અમારી મુલાકાતની શરૂઆત કિસથી થતી અને અંત પણ કિસથી જ થતો.
અમારી આ નવી દુનિયામાં અમે બંને ખુશ હતા.જ્યાં અમારી સિવાય બીજું કોઈ નહોતું.માત્ર અમે બંને અને અમારો પ્રેમ.એક સમય એ હતો જ્યારે તેને હું છુપી રીતે જોતો અને ક્યાં અત્યારે બિન્દાસ રીતે તેની સામે હું વાતો કરતો.
પહેલાં હું અઠવાડિયામાં ત્રણ-ચાર વાર ઘરે વાત કરતો હવે ભાગ્યે જ મહિને એકવાર વાત થતી.ઘણીવાર આ બાબતે એ મને ટોકતી પણ ખરી.હું તેની વાત હસીમાં ઉડાવી દેતો.
કહેવાય છે ને અતિને ગતિ નથી હોતી. અમારી બંને વચ્ચે એક નાનકડો કહી શકાય એવો પણ ઝઘડો નહોતો થયો. ક્યારેક અમારી વચ્ચે મનભેદ થતું તો હું તેની વાતને સ્વીકારી વાતને ત્યાં જ દબાવી દેતો.ભલે તે સાચી હોય કે ખોટી.
મને એ જ વાતનો અફઓસ છે કે શા માટે હું તેની ખોટી વાતોને સમર્થન આપતો?,તેને હું પ્રેમથી સમજાવીને તે એ જગ્યાએ ખોટી છે એવું કહી શક્યો હોત. પણ હું તેને કોઈ દિવસ ઉદાસ જોવા નહોતો માંગતો એ જ કારણ રહ્યું હશે.ક્યારેક તેનો ઉદાસ ચહેરો જોઈને મારું બ્લડપ્રેશર વધી જતું તો તેની ઉદાસીનું કારણ હું બનું એવું તો હું કોઈ દિવસ ના ઇચ્છુ.
અમે કૉલેજના બીજા વર્ષમાં હતા.મારે પહેલાં સેમમાં જે કેટી હતી,એ નિધિના પ્રયાસોથી સોલ્વ થઈ ગઈ હતી.
ત્રીજા સેમમાં એવું કંઈ ના થાય એટલે અમારી વચ્ચે અંતર જાળવવાનું તેણે ફરમાન કર્યું.ના ઇચ્છવા છતાં તેની વાત સ્વીકારી મેં કોલેજમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું.
અમારા નસીબ પણ એટલા ખરાબ હતા કે અમારો કલાસ પણ બદલાઈ ગયો હતો.મને તો પ્રિન્સિપાલ પર જ ડાઉટ જાય છે.એ અમારી રિલેશન જોઈ નહિ શકયો હોય.
એ અરસામાં તેની એક નવી દોસ્ત બની હતી.નામ એનું શેફાલી.
શેફાલી મારા જ ક્લાસમાં હતી.થયું એમ હતું કે બ્રેક ટાઈમમાં જ્યારે નિધિ મારા રૂમમાં આવતી ત્યારે શેફાલી પણ ક્લાસમાં રહેતી.ધીમે ધીમે એ બંને વચ્ચે વાતો થઈ અને સહેલી બની ગઈ.
શેફાલીને સહેલી બનાવવા પાછળ નિધિનું અંગત કારણ પણ હતું. શેફાલી અમારા ક્લાસની સૌથી હોટ છોકરી હતી.મારી સિવાય ક્લાસના બધા જ છોકરાઓ તેની પાછળ લાળો પાડતાં.હું પણ એ છોકરાઓમાં શામેલ ના થઇ જાઉં એ માટે તેણે શેફાલીને સહેલી બનાવી ‘હું તેનો બોયફ્રેન્ડ છું’એવું જણાવી દીધું હતું.
ક્યારેક હું તેને શેફાલીના નામ પર ચીડવતો અને એ સાચે ગુસ્સે થઈ મારી સાથે વાતો કરવાનું બંધ કરી દેતી.પછી હું તેને પ્રેમથી મનાવતો. વહાલ કરતો.તેને આવી રીતે ટ્રીટ કરવું મને ગમતું.
એક દિવસ અમે બંને કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા હતા.એટલામાં જ શેફાલી કેન્ટીનમાં પ્રવેશી.
“જો તારી બીજી ગર્લફ્રેન્ડ આવી”નિધિએ મને છેડતાં કહ્યું.
“નિધુ,એ બીજી ગર્લફ્રેન્ડ છે અને પહેલી સાથે હોય ત્યારે બીજીને કેવી રીતે બોલાવવી?”મેં પણ નિધિને ચીડવતા કહ્યું.
“ના એમાં શું પ્રૉબ્લેમ?,બોલાવી લે.કિસ પણ કરી લે.મને કોઈ જ ફર્ક નહિ પડે”નિધિએ મોં ફુલાવી કહ્યું.
“અચ્છા એવું?”કહેતાં હું ઉભો થયો.
“શેફાલી.….”મેં તેણીને જોરથી બોલાવી.કેન્ટીનમાં બધા મારી તરફ જોવા લાગ્યા.શેફાલી અમારી તરફ આવતી હતી ત્યારે બધાનું ધ્યાન શેફાલીની ચાલ પર જ હતું.હું તો નિધિના નાકને જોઈ રહ્યો હતો.ધીમે ધીમે એના નાકનો આકાર વધતો જતો હતો.
“આવને બેસ અમારી જોડે”મેં નિધિને ચીડવવા શેફાલીને આમંત્રણ આપ્યું.
“હું તને જ શોધતી હતી જૈનીત”શેફાલીએ સામે રોન કાઢી, “મને એક દાખલામાં ક્વેરી છે,તું ફ્રી હોય ત્યારે સોલ્વ કરી આપીશ પ્લીઝ?”
શેફાલીને બોલાવીને મેં પોતાના પગ પર જ કુલ્હાડી મારી દીધી.નિધિના મતે હું ભણવામાં ઓછું ધ્યાન આપતો. હું શેફાલીને દાખલા શીખવવું મતલબ નિધિના મગજમાં ઊંધો વિચાર આવશે.
તેનાથી ઊલટું,નિધિ જોરથી હસવા લાગી અને કહ્યું, “તું કોને પૂછે છે?,આ મારી પાસે ક્વેરી સોલ્વ કરાવે છે અને એ તને શીખવે?”
“ના યાર,એ તો જબરદસ્ત દાખલા શીખવે છે.પ્રોફેસર કરતાં પણ સહેલી ભાષામાં”શેફાલી આજે અમારી વચ્ચે ઝઘડો કરાવવાના ફિરાકમાં હતી.
“મને તો કોઈ દિવસ નહીં શીખવ્યા દાખલા!”નિધિએ મારી તરફ ત્રાસી નજર કરીને કહ્યું.તેનો કટાક્ષ હું સમજી ગયો હતો.આજે તો ઝઘડો થઈને જ રહેશે.
“એ તો હવે જૈનીતને જ પૂછી લે”શેફાલી ઉભી થઇ અને ઉમેર્યું, “મારે લેટ થાય છે,હું સાંજે કૉલ કરીશ જૈનીત,મને સમજાવી દેજે”
એ ગઈ.સગળાવીને.અરે સળગતી આગમાં ઘી નાખીને.નિધિ મારી સામે એવી રીતે જોતી હતી જાણે તેણે મને અને શેફાલીને કિસ કરતાં રંગે હાથે પકડી લીધા હોય.
“નંબરની પણ આપ-લે થઈ ગઈ છે”નિધિએ મોં ખોલ્યું, “કૉલમાં વાત પણ થઈ હશે”
“આજે જ નંબર આપ્યો મારી માં”હું જેમ બને તેમ નિધિને શાંત રાખવાનો પ્રયત્ન કરતો હતો.
“તો દાખલા તો પહેલા સોલ્વ કરી આપ્યા હશેને?,તેને કોઈ કહી તો નહીં ગયું હોય કે જૈનીત પ્રોફેસર કરતાં પણ સારી ભાષામાં દાખલા શીખવે છે,તમે તેની પાસે જાઓ”
“આપણે બહાર જઈને વાત કરીએ?,બધા આપણી તરફ જોઈ રહ્યા”મેં પુછ્યું.
“એ બધાને ખબર છે કે હું તારી ગર્લફ્રેન્ડ છું”નિધિએ કહ્યું.
“નિધુ પ્લીઝ”મેં નિધિનો હાથ પકડી લીધો,”બહાર જઈને એકાંતમાં પણ આ વાત થઈ શકે”
“બહાર પેલી છે,જા તેના જોડે વાત કર.મારે તારી સાથે વાત જ નથી કરવી”નિધિ મોં ફેરવીને બેસી ગઈ.
“તું બહાર આવીશ કે નહીં?”મને પણ નિધિ પર ગુસ્સો આવ્યો.
“ના…”
હું ઉભો થઇ ગયો અને કહ્યું,“હું બહાર રાહ જોઉં છું,મગજ શાંત થઈ જાય એટલે બહાર આવી જજે”
દરવાજો ચીરી હું બહાર નીકળી ગયો.પહેલીવાર અમારી વચ્ચે આવી તીખી વાતો થઈ હતી.વાતાવરણ તંગ થઈ ગયું હું બેબાકળો થઈ બહાર આમતેમ ચક્કર લગાવવા લાગ્યો.
‘નિધીને ખોટું ગેરસમજ થઈ છે.મારે તેને મનાવવા અંદર જવું જોઈએ’મને વિચાર આવ્યો.
‘ના,મેં ચોખવટ તો કરી દીધી છે. જો હું મનાવવા જઈશ તો એ એમ સમજશે કે હું ભુલમાં છું’પાછળથી મેં જ પોતાને રોકી લીધો.દસ મિનિટ થઈ ગઈ પણ નિધિ બહાર ના આવી.મારી બેચેની જવાબ આપી રહી હતી.અંદર જવું કે ના જવું હું દુવિધામાં હતો એટલામાં જ નિધિ બહાર આવી.મારી સામે ઉભી રહી.એ મારા જવાબની રાહ જોઈ રહી હતી.
મેં તેના ગાલ મારી હથેળીઓમાં લીધા અને વહાલથી કહ્યું, “હવે મારા ક્લાસમાં તું નથી હોતી અને બીજી કોઈ છોકરીઓ તરફ ધ્યાન ન જાય એટલે હું ભણવામાં ધ્યાન આપવા લાગ્યો છું.મને એ ચેપ્ટર ફાવે છે એટલે મેં તેને થોડી હેલ્પ કરી.આમાં મેં શું ખોટું કર્યું?”
નિધિ રડવા જેવી થઈ ગઈ હતી.તેણે ડૂમો ભરાયેલા અવાજે ધીમેથી કહ્યું, “તું આ વાત મને તે જ દિવસે પણ કહી શક્યો હોત.”
મેં તેના કપાળ પર માથું ટેકવી દીધું.તેની આંખોમાં આવેલા આંસુ લૂછતાં કહ્યું, “હું મારી નિધુને ઉદાસ નથી જોઈ શકતો.મને લાગ્યું તને આ વાત કહીશ તો તને ગેરસમજ થશે એટલે મેં ના કહ્યું.સૉરી”
“ઇટ્સ ઑકે”તેને મારાં કપાળ સાથે તેનું કપાળ અથડાવ્યું.
“આવી રીતે ઇટ્સ ઓકે કહેવાય?”તેનો ગાલ ખેંચી મેં કહ્યું.તેણે મારા હોઠ પર હળવી કિસ કરી અને મને ગળે વળગી ગઈ.
(ક્રમશઃ)
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226


Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Hina

Hina 2 years ago

Minal Patel

Minal Patel 2 years ago

Chintan Gajera

Chintan Gajera 2 years ago