Jokar - 28 books and stories free download online pdf in Gujarati

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 28

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 28
લેખક – મેર મેહુલ
“તું કિસ તો નહીં કરે ને?”તેણે મારા હોઠ તરફ નજર કરીને નેણ નચાવ્યા.
મેં તેના ગાલ પર હળવું ચુંબન કર્યું અને કહ્યું,“એના માટે મારે કોઈ શરતની જરૂર નથી”
“તો શું શરત છે?”તેણે ઉત્સુકતાથી પૂછ્યું.
“આપણે જે પણ કરીએ એ બધું મારા નામ પર થવું જોઈએ, તું આ વાતમાં શામેલ નથી એવું લોકોને લાગવું જોઈએ”મેં કહ્યું.
“પણ એવું શા માટે કરવું?,હું પરિણામોથી નથી ડરતી અને આમ પણ આપણે ડરીને કામ કરવું જોઈએ એવો કોઈ અપરાધ નથી કરતા”
“એ બધી મને નથી ખબર,જો તને મારી આ શરત મંજુર હોય તો જ હું તને સહકાર આપીશ”
“તને જેમ ઠીક લાગે”તેણે કહ્યું અને મને વળગી ગઈ.
“કેવી રીતે કરવાનું છે એ કંઈ વિચાર્યું છે?”મેં પૂછ્યું.
“માત્ર આપણે બંને મળીને કશું કરી શકવાના નથી એટલે મારો વિચાર છે કે જે છોકરીઓ સાથે પ્રોફેસરે આવી હરકત કરી છે તેઓને વિશ્વાસમાં રાખીને આગળ ચાલીએ.પણ એ છોકરીઓ કોણ કોણ છે તેની ખબર કેવી રીતે પડશે?”
“તું જ કહેતી હતી કે બકુલ માત્ર કટપુતળી છે.તો એ કટપુતળીનો દોરો કાપીને આપણો દોરો બાંધી દઈએ તો કેવું રહેશે?”મેં આંખ મારીને કહ્યું.
“પણ એ દોરો બાંધશે કોણ?”
“એ બધું મારા પર છોડી દે બસ તું એ છોકરીઓને કેવી રીતે કન્વીન્સ કરવી એ વિચાર”મેં ઉભા થતા કહ્યું.તેણે મારો હાથ પકડ્યો અને મને નીચે ખેંચ્યો.
“આજે રોમાન્સનો મૂડ નથી કે પછી શેફાલી જોડે જ મજા આવશે?”
“બેચેની થાય છે વધુ કશું નહીં”મેં કહ્યું, “કંઈક ખોટું થઈ રહ્યું છે લાઈફમાં”
“અરે તું ડરે છે કેમ બકા?,હું છું ને તારી સાથે.”એ પણ ઉભી થઇ ગઈ, “અને હું તો અમસ્તા જ પુછતી હતી.એકાંતની પળો એવી જ હોય એવી જરૂરી થોડી છે? ક્યારેક એનાથી સુંદર પળો આવી પણ હોય છે”
તેના ચહેરા પર ગજબની મુસ્કાન હતી.એ મારી વાતો આટલી સરળતાથી સમજી શકતી હતી એ વાત મને તેના તરફ વધુને વધુ આકર્ષતી હતી.હું સહેજ નીચે ઝુક્યો અને તેના હોઠ પર સ્મૂચ કર્યું.
“તારી મુસ્કાન માટે”મેં પણ સ્મિત સાથે કહ્યું.એ હસી પડી.
“કોઈ તો બહાનું હાજર હોય તમારી પાસે નહિ”તેણે મને ધક્કો માર્યો.અમે બંને કિનારા તરફ આગળ વધ્યા.અમે બંને અડધી કલાક સુધી હાથમાં હાથ રાખી દરિયા કાંઠે ટહેલતા રહ્યા.કોઈએ સાચું જ કહ્યું હશે.સંબંધમાં જેટલો સમય એકબીજાને આપો છો,સંબંધમાં એટલી જ મીઠાશ ભળતી જાય છે. અમે બંને એ જ કરી રહ્યા હતા.
થોડીવાર પછી અમે ઘર તરફ અગ્રેસર થયા.રસ્તામાં જ્યારે પણ બ્રિજ આવતો,એ બિન્દાસ થઈને મને હગ કરી લેતી.મને તેની આ અદા પસંદ હતી.
*
પછીના દિવસે કૉલેજ પહોંચીને મેં બકુલને શોધ્યો.સદનસીબે એ ત્યારે એકલો હતો.તેની તરફ મને આવતો જોઈને પહેલાં તો એ સચેત થયો પણ જ્યારે મેં તેના તરફ શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો ત્યારે તેને હાશકારો થયો હશે.
“સૉરી યાર કાલે હું ગુસ્સામાં હતો”સામે ચાલીને મેં તેની માફી માંગી.
“સૉરી તો મારે તને કહેવું જોઈએ,કાલે તે જે વાત કહી તેના વિશે મેં પૂરો દિવસ વિચાર્યું હતું.તારું તો સમજ્યા પણ એક છોકરીની આવી રીતે બદનામી થાય એ મને પણ પસંદ નથી”તેણે કહ્યું.
“મારું તો સમજ્યા મતલબ?, હું છોકરી નથી તો શું થયું? છોકરાની પણ ઈજ્જત હોય છે”
“અરે એવી વાત નથી.તારા માટે જ એ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. કારણ વિના શેફાલી બિચારી ફસાઈ ગઈ?”
“મારા માટે?,કેમ મારા પર જ ખાસ મહેરબાની?”
“હવે એ તો ખબર નથી.મને તો પ્રો.બી.સી.પટેલ સરે એ વીડિયો ઉતારવા કહ્યું હતું અને ખાસ તારા પર ફોકસ કરવા કહ્યું હતું”
“મારી સિવાય બીજા ક્યાં ક્યાં છોકરાં-છોકરીના આવા વીડિયો ઉતાર્યા છે?”મેં મુદ્દાની વાત રાખી.
“આવા ખરાબ વીડિયો તો મેં એક પણ નથી ઉતાર્યા, હા પ્રોફેસરનાં લેપટોપમાં કેટલાક આવા વીડિયો જોયેલાં”તેણે કહ્યું.
“તને આ બધી વાતની ખબર હતી તો પણ તું તેઓનો સાથ આપતો?”ગુસ્સે થતાં મેં કહ્યું.
“અડધાથી વધુ પ્રોફેસરો આમાં શામેલ છે અને આમ પણ બધા સ્ટુડન્ટસ પર રૉફ જમાવવાની મજા આવતી એટલે હું એવું કરતો પણ કસમથી એવા કોઈ ખરાબ કામમાં મેં તેઓનો સાથ નથી આપ્યો”બકુલે કહ્યું
મારો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો,“ખોટું થતું હોય ત્યાં ચુપચાપ બેસવું એ અપરાધ જ ગણાય એટલી પણ ભાન નથી તને?”
“અલા ચુમિયો છું હું..ભાન નહોતી ત્યારે.સૉરી તો કહ્યું”તેણે નિમાણું મોઢું કરીને કહ્યું.
“શું.. શું..?ચુમિયો મતલબ?”મેં પૂછ્યું.
“તને નહિ ખબર?,ચુ*યાનું અપડેટ વર્ઝન છે.ગુસ્સામાં ભૂલથી ગાળ ના નીકળી જાય એટલે મેં તેના પર પ્રોસેસ કરીને ચુમિયો બનાવી દીધું.સાંભળવા વાળાને ખબર પણ ના પડે અને આપણો ગુસ્સો પણ નીકળી જાય”તેણે હસીને કહ્યું.
“તો ચુમિયા.. આ બુદ્ધિ ભણવામાં લગાવી હોત તો ટોપર હોત કૉલેજનો.”
“છોડને એ બધું,કંઈ નથી રાખ્યું કોલેજમાં.બધે એક સરખું જ ચાલે છે”
“સરખું ચાલે મતલબ?”
“પ્રોફેસરોને છોકરીઓમાં રસ છે.છોકરીઓને ટોપ કરવામાં.પ્રોફેસર લોકો પોતાનો મતલબ કાઢે છે અને છોકરીઓ પોતાનો.બાકી રહ્યા આપણે છોકરાઓ,તો આપણે ચુમિયાની જેમ લાળો પાડતાં રહીએ છીએ”
“અલા તારા વિચાર તો મારી જેવા જ છે.કારણ વિના આપણે દોઢ વર્ષથી દુશ્મન બનીને રહ્યા.”
“તારા કાલના ઘુસા પછી આમ પણ હવે તારી સાથે લડવાની કોઈ ઇચ્છા નથી.એટલે હું દોસ્તીનો હાથ લંબાવું છું”તેણે હાથ આગળ કરતાં કહ્યું.મને તો ‘ભાવતું હતુંને વૈધે કહ્યું’ તેનાં જેવું થયું.મને લાગ્યું હતું બકુલ પાસે વાત કઢાવવા મારે મહેનત કરવી પડશે પણ અહીંયા તો તેણે સામેથી દોસ્તીનો હાથ લંબાવ્યો.મેં શેકહેન્ડ કર્યો.અત્યારે તેની પાસેથી માહિતી લેવી મને યોગ્ય ન લાગી એટલે મેં માહોલ બદલવાની કોશિશ કરી.
“કોઈ ગર્લફ્રેન્ડ નહિ લાગતી તારી?,મારી વાળી તો પરાણે તેની વાત મનાવે છે”હસતાં હસતાં મેં કહ્યું.
“હા ખબર છે, નિધિ છે એ”તેણે કહ્યું, “હું પણ એકને પસંદ કરું છું પણ વાત બને એવા કોઈ અણસાર નથી દેખાતાં”
“અરે નામ તો બોલ બકા,એક અઠવાડિયામાં એ તારી પાછળ લટ્ટુ થઈને ના ફરે તો મને કહેજે”
“તું એને સારી રીતે ઓળખે છે”
“કોણ છે એ ખુશ નસીબ?”મેં પૂછ્યું.
“શેફાલી”તેણે શરમાઈને કહ્યું.
“એની માને….”મારાં મોં માંથી શબ્દો નીકળી ગયા.આમ પણ સુરતમાં રહેવાની થોડીક અસર તો મારા પર પડી જ હતી, “તું એને પસંદ કરે છે તો પણ તે એનો વીડિયો ઉતાર્યો?”
બકુલે અચકાતા ડોકું ધુણાવ્યું.મારા મગજમાં એક શાતીર પ્લાન પ્રગટ્યો.એક નિશાનાથી બે તીર વીંધાય જાય એવો શાતીર પ્લાન.બકુલના ખભા પર હાથ રાખી મેં પરફોર્મન્સ શરૂ કર્યું.
“જો દોસ્ત તે પહેલાં કહ્યું હોત તો હું કશું કરી શક્યો હોત પણ તે એ છોકરીને આટલી હેરાન કરી છે તો મને નથી લાગતું તારી વાત બની શકે”મેં પોતાના અવાજમાં બની શકે એટલી નકારાત્મકતા દાખવી જેથી બકુલને મારી વાત ગળે ઉતરી જાય.
“હમણાં તો તું એમ કહેતો હતો કે એક અઠવાડિયામાં મારી પાછળ એ લટ્ટુ થઈ જશે અને અત્યારે…..”તેણે ખભા પરથી મારા હાથ દૂર કરતાં કહ્યું.
“અશક્ય જેવું કશું છે જ નહીં અને એક અઠવાડિયામાં તો શું એક કલાકમાં પણ એ તારી દિવાની થઈ જાય.પણ એનાં માટે તારી આ બેડ બોયવાળી ઇમેજને બદલવી પડે.”મેં તેને સમજાવતાં કહ્યું.
“હું કંઈ પણ કરવા તૈયાર છું”તેણે આત્મવિશ્વાસ સાથે કહ્યું.
મેં સ્મિત કર્યું.એ મારી જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો.
“તું સિગરેટ પીએ છે ને,ચાલ મારી સાથે”મેં કહ્યું.
(ક્રમશઃ)
જૈનીતના મગજમાં શું ચાલતું હતું?, શું એ બકુલ પાસેથી પોતાનું કામ કઢાવી શકશે?,જૈનીત પ્રોફેસરને એક્સપોઝ કરી શકશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226