Jokar - 30 books and stories free download online pdf in Gujarati

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 30

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 30
લેખક – મેર મેહુલ
બકુલને વિશ્વાસમાં લઇ અમે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.મારે અને બકુલને મળી પ્રૉ.બી.સી.પટેલના લેપટોપમાંથી વીડિયો ચોરવાના હતા.બી.સી.પટેલ,નામ જ ગાળ આવે છે. કેવો વ્યક્તિ હશે સાલો. ઉંમર પંચાવનની છે ને કાંડ પચીસ વર્ષના.એને તો ગમેતેમ કરીને એક્સપોઝ કરવાનો જ હતો.
પછીના દિવસે મેં અને બકુલે મળી લેપટોપમાંથી વીડિયો કેવી રીતે લેવા તેની મંત્રણા કરી.બી.સી. પટેલ બિઝનેસ કોમ્યુનિકેશનનો લેક્ચર લેતો.પ્રેઝન્ટેશન માટે એ લેપટોપ સાથે લઈ આવતો.લેપટોપ હંમેશા તેની સાથે જ રહેતું માટે કોઈ પણ રીતે પહેલાં તેને લેપટોપથી દુર કારવાનો હતો.પ્લાન મારા મગજમાં હતો જ.બકુલ તો તેનો ચમચો હતો એટલે મારું કામ પણ આસાન હતું.
સવારે હું અને બકુલ કોલેજ બહાર મળ્યા.મેં તેને પ્લાન સમજાવતાં કહ્યું, “બકુલ તારે આજે મોટો હંગામો કરવાનો છે.એ પણ કોલેજના કેમ્પસમાં.પુરી કૉલેજ એકઠી થાય એવો હંગામો.મારે બી.સી.પટેલનો બીજો લેક્ચર છે.એ જ્યારે ક્લાસ લેવા આવશે ત્યારે હું તને મૅસેજ કરીને જાણ કરી દઈશ.થોડીવાર પછી તું નાટક શરૂ કરજે.અવાજ બધા ક્લાસમાં આવે એટલી જોરથી રાડો પાડજે. બધા જ્યારે જોવા માટે બહાર આવશે ત્યારે હું બી.સી.પટેલના લેપટોપમાંથી બધા વીડિયો લઈ લઈશ”
“સારો પ્લાન છે.હું મારાં થોડા પંટરને સમજાવીને નાટક કરીશ.તું જલ્દી કામ પતાવજે”બકુલે કહ્યું.
પ્લાન મુજબ અમે પહેલો લેક્ચર પોત પોતાની રીતે ભરી લીધો.દસ મિનિટમાં બીજા લેક્ચરનો બેલ વાગ્યો.મારા નસીબ સારા હતા.બી.સી.પટેલ હાથમાં લેપટોપ લઈ રૂમમાં પ્રવેશ્યો.મેં બકુલને મૅસેજ કરી જાણ કરી દીધી.
લગભગ દસ મિનિટ પછી મારાં કાને બકુલનો અવાજ સંભળાયો.એ જોર જોરથી કંઈક આવું બોલતો હતો, “બી.સી.પટેલ સર વિશે એક શબ્દ બોલીશ તો ખેર નથી તારી.તેણે આ કોલેજ માટે જે સંઘર્ષ કર્યો એવો સંઘર્ષ કોઈએ નથી કર્યો.છેલ્લાં બાવીશ વર્ષથી તેઓ અહીં સેવા આપે છે.”
“એટલે જ રીઢો થઈ ગયો છે ખડુસ,જેમ ફાવે તેમ સ્ટુડન્ટસને હાંકી કાઢે છે. પોતાની મનમાની કરે છે.બી.સી.પટેલ જેવો પ્રોફેસર આપણી કોલેજમાં જોઈએ જ નહીં” બીજા છોકરાએ પણ જોર જોરથી બરડતાં કહ્યું.
બંનેનો અવાજ જોરદાર હતો.બધાનું ધ્યાન બારી બહાર ગયું.રૂમમાંથી બધાં બહાર દોડવા લાગ્યા.થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. બી.સી.પટેલ પણ બહાર દોડ્યો,લેપટોપ હાથમાં લઈને.મારાં નસીબ જ ફુટલા હતા.સાલો આવી પિરિસ્થિતિમાં પણ લેપટોપ લેવાનું ના ભુલ્યો.
હવે ક્લાસમાં મારું કંઈ કામ નહોતું.લેપટોપ તો એ જોડે લઈ ગયો હતો. મારો પ્લાન ફ્લોપ થયો હતો. હું બહારની સાઈડ દોડ્યો.બહાર બકુલ હજી તેનાં નાટકમાં વ્યસ્ત હતો.મારે એને રોકવાનો હતો.નાહક જો એ પ્રૉબ્લેમમાં ફસાય તો મારે પ્રોબ્લેમ થાય એવું હતું.બી.સી.પટેલે બંને છોકરાને રોક્યા.
“શું છે આ બધું?,તમે કોલેજમાં છો.પોતાનાં ઘરમાં નહિ”પ્રોફેસરે ખિજાઈને કહ્યું.
“સર આ તમારાં વિશે ખરાબ બોલતો હતો,હું કેમ ચૂપ રહું”બકુલે કહ્યું.હું એ જ સમયે બકુલ પાસે પહોંચી ગયો.મેં તેને લેપટોપ તરફ ઈશારો કરી પ્લાન નિષ્ફળ ગયાની નિશાની આપી.મારી સામે એ ઘુરવા લાગ્યો.
“એ બધું પ્રિન્સિપાલ જોઈ લેશે.તમે બંને અત્યારે જ તેઓની ઓફિસમાં જાઓ”બી.સી.પટેલે ઓફીસ તરફ આંગળી ચીંધીને કહ્યું.બકુલ પગ પછાડતો ઓફીસ તરફ ચાલવા લાગ્યો.
***
“છોકરીઓ જેવા પ્લાન બનાવે છે તું”બકુલ મારા પર બરાડયો, “પ્લાન બનાવતાં પહેલાં એકવાર બધાં પાસાં વિશે વિચારી લેવાય”
અમે બંને બ્રેક ટાઈમમાં કૉલેજ બહાર સિગરેટ પીવા આવ્યા હતા.બકુલ સાથે મારે પણ સિગરેટ પીવી પડતી હતી.બકુલે બી.સી.પટેલની સાઈડ લીધી હતી એટલે બી.સી.પટેલે તેણે બચાવી લીધો હતો.બિચારા પેલા છોકરાને એક અઠવાડિયા માટે કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.
“મને એમ હતું કે બધાં દોડાદોડી કરશે એમાં એ પણ પોતાનું લેપટોપ ભૂલીને બહાર દોડી જશે.પણ સાલો સાથે લઈ આવ્યો.બોવ જ હરામી છે બી.સી.,બધા વીડિયો લેવા માટે ફુલપ્રૂફ પ્લાન બનાવવો પડશે”મેં પોતાનો બચાવ કરી આગળની યુક્તિ પર ગથન કરવાની કોશિશ કરી.
“ભાઈ,તું વિચારવાનું છોડી દે હવે”બકુલે મારાં ખભા પર હાથ રાખ્યો, “હવે પ્લાન હું બનાવીશ.તારે બસ સાથ આપવાનો છે”
“હા તું પણ મગજ અજમાવી લે”સિગરેટનો છેલ્લો દમ ખેંચી મેં પગ નીચે ફેંકી દબાવતાં કહ્યું.
“એના માટે હજી એક સિગરેટ જોઈએ”બકુલે વૉલેટ ખોલી રૂપિયા કાઢતાં કહ્યું.
“ઓછી ઢીંચ,વહેલાં મરીશ”ને કહ્યું.
“તને નહીં સમજાય બકા”તેણે હસીને કહ્યું.
“તો હું લેક્ચરના જાવ છું,હું પણ વિચારું છું,કંઈક પ્લાન બને તો.કોલેજ પુરી કરીને મળ્યા અહીંયા”મેં કહ્યું.તેણે હામી ભરી એટલે હું ચાલતો થયો.
***
કોલેજ પુરી કરી અમે ફરી મળ્યાં.આ વખતે નિધિ અને શેફાલી પણ સાથે હતા.બકુલ આ વખતે ખુશ લાગતો હતો.બકુલ છોકરીઓ સામે સિગરેટ ના પીતો એ સારી વાત હતી.
“તમે લોકો શું કરો છો?,એક કામ કરવાનું હતું એ પણ ના થયું?”શેફાલીનો મૂડ ખરાબ હતો એવું લાગ્યું.
“આ જૈનીતના લીધે.તેને પ્લાન જ એવો બનાવ્યો હતો”બકુલે મારી તરફ જોઈ આંખો મિચકારી કહ્યું, “પણ ચિંતા ના કરો,કાલે બધા વીડિયો આપણી પાસે હશે.હું પ્રોમિસ કરું છું”
છોકરો દોઢ ડાહ્યો થતો હતો પણ આપણું કામ થતું હોય ત્યાં આપણે ચૂપ રહેવું એ જ સમજદારી કહેવાય.
“તે કોઈ પ્લાન વિચાર્યો?”મેં પૂછ્યું.
“હા, ફૂલ પ્રૂફ પ્લાન છે.કાલે એક હાર્ડ ડિસ્ક લઈ આવજે.પેનડ્રાઇવ નહિ ચાલે”બકુલે કહ્યું.
“શું કરવાનું છે એ તો કહે”મેં પૂછ્યું.
“એ કાલે ખબર પડશે.મારે અત્યારે થોડો સામાન લેવાં જવું પડશે હું નીકળું છું”બકુલે કહ્યું.
“એક મિનિટ બકુલ”શેફાલીએ બકુલને રોક્યો, “મને હોસ્ટેલ સુધી છોડી જઈશ.બધા મારું મજાક ઉડાવે છે”
“આજ પછી કોઈ તારો મજાક નહિ ઉડાવે ચાલ મારી સાથે”બકુલે કહ્યું.બંને બાઇક પર સવાર થઈ નીકળી ગયા.
હું અને નિધિ પાર્કિગ તરફ આવ્યા.આજે નિધિ અને મારી વચ્ચે એક કહી શકાય એવી પણ વાત નહોતી થઈ.હું પ્લાનને સફળ બનાવવામાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો.પાર્કિગમાં જઈ અમે બંને મારી બાઇક પર ટેકો રાખીને ઉભા રહ્યા.
“આજે કેમ કંઈ બોલતી નહિ?”મેં પૂછ્યું, “ અને કાલે પાપાને શું કામ હતું તારું?”
“પાપા કાલે એક છોકરાનો બાયોડેટા લઈને આવ્યા હતા.પાપાને છોકરો પસંદ આવી ગયો છે,મારા જવાબની રાહ જુએ છે”નિધીએ વૃક્ષ અવાજે કહ્યું.તેનો અવાજ થોડો તરડાયેલો પણ હતો.
“તો શું કહ્યું તે?”મેં બેચેની સાથે પૂછ્યું.
“પાગલ છે તું?”નિધિ ભડકી, “ઓબવીયસલી ના જ કહી હોયને.હજી હું લગ્ન માટે તૈયાર નથી એમ કહીને વાત ટાળી દીધી”
“તો કેમ ચહેરા પર બાર વાગ્યા છે?”મેં હસીને પૂછ્યું.
“પાપાએ કહ્યું છે લગ્ન આ જ છોકરા સાથે કરવાનાં છે.એ છોકરો રાહ જોઈશે.મને એ નથી સમજાતું કે છોકરો બીજી કાસ્ટનો,હું કોઈ દિવસ એને મળી નથી. તો પણ પાપા આવું કેમ કરે છે?”
“બધું ઠીક થઈ જશે”મેં તેને વહાલથી બાંહોમાં ભરતાં કહ્યું, “હું છું ને
એટલે જ એટલી સ્વસ્થ છું નહીંતર રડી રડીને હાલ બેહાલ કરી દીધા હોત”તેણે મને આલિંગન કરતાં કહ્યું.
“સમય આવશે એટલે હું તારાં પપ્પા સાથે વાત કરી લઈશ.તારા પપ્પા અને મારાં પપ્પા સારાં દોસ્ત છે.એ તારો હાથ મારા હાથમાં આપી જ દેશે.”મેં કહ્યું, “મને પગભર દવા દે બસ”
“તું જલ્દી પગભર થઈ જા,પછી આપણે આપણી નવી દુનિયા વસાવીશું”નિધીએ કોયલની માફક ટહુકો કરીને કહ્યું.છોકરી મૂડમાં આવી ગઈ લાગે છે.
(ક્રમશઃ)
એકવાર યુક્તિમાં નિષ્ફળ ગયાં પછી આ લોકો બીજીવાર સફળ થશે?,અને થશે તો પ્રોફેસરના લેપટોપમાંથી શું શું મળશે?,નિધિના પપ્પા કેમ અચાનક નિધિને લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226