Kalakar - 27 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | કલાકાર - 27

Featured Books
Categories
Share

કલાકાર - 27

કલાકાર ભાગ – 27

લેખક – મેર મેહુલ

ગજેન્દ્રસિંહ મીરાં સાથે સંભોગ કરવાનાં મૂડમાં હતો. તેણે વ્હીસ્કીનો એક ગ્લાસ પેટમાં ઠાલવી મીરાનો હાથ ઝાલી લીધો.

“હવે નથી રહેવાતું છોકરી” કહેતાં એ મીરાંની એકદમ નજીક આવી ગયો. ગજેન્દ્રસિંહની આ હરકત જોઈ મીરાં તંગ થઈ ગઈ. તેનાં મગજની નસો ખેંચાવા લાગી. એક સેકેન્ડ માટે એ લંપટને એક લાફો ચોડી દેવાનો પણ વિચાર આવી ગયો. છતાં મીરાંને હજી પોતાનું કામ કઢાવવાનું હતું એટલે તેણે શાંતિથી કામ લીધું. ગજેન્દ્રસિંહનાં ગાલ પાસે હોઠ લઈ જઈ એ મીઠું હાસ્ય વેરીને બોલી, “આવાં કામોમાં ઉતાવળ કરવાથી ચરમ સુખ પ્રાપ્ત નથી થતું, આ કામ સમય પર છોડી દઈએ”

મીરાંએ ગજેન્દ્રસિંહનાં ગાલ પર ચુંબન કર્યું અને દૂર હટી ગઈ, ગજેન્દ્રસિંહ મીરાંની આ અદા પર પણ આફરીન થઈ ગયો. મીરાંએ ગજેન્દ્રસિંહની આંખોમાં આંખ પરોવી આંખ મારી અને વ્હીસ્કીનો બીજો ગ્લાસ ભર્યો. એ પણ ગજેન્દ્રસિંહ એક શ્વાસે ગળા નીચે ઉતારી ગયો. મીરાં ગ્લાસ ભરતી રહી અને ગજેન્દ્રસિંહ પેટમાં ઠાલવતો ગયો. જોતજોતામાં મીરાંએ ગજેન્દ્રસિંહને પાંચ પેગ પીવરાવી દીધાં.

“આજસુધી મેં તારાં જેવી સુંદર છોકરી નથી જોઈ” ગજેન્દ્રસિંહ નશામાં ધૂત થઈને બોલ્યો, “તને પામવા માટે હું કોઈ પણ હદ વટાવી શકું છું”

“જિંદગીભર સાથે રાખવાનો વિચાર છે કે શું ?” મીરાંએ હસીને કહ્યું.

“અંમ…!! હા, તારાં પર દિલ આવી ગયું છે, બોલ બનીશ મારી પત્ની ?”

“તું નશામાં છે ડિયર” મીરાંએ જાણીજોઈને ગજેન્દ્રસિંહને તું કહીને સંબોદ્યો.

“હું નશામાં છું એ વાત હું સ્વીકારું છું પણ હું જે કહું છું એનું મને ભાન છે” ગજેન્દ્રસિંહ લથડાતી જીભે બોલ્યો.

“પણ આપણી આ પહેલી મુલાકાત છે, હું તારાં વિશે શું જાણું છું ?, કંઈ નહીં ને !!” મીરાંએ શબ્દો ગોઠવ્યાં.

“શું જાણવું છે તારે ?” ગજેન્દ્રસિંહ ભાવ વશ બોલ્યો. મીરાં તેની ભવિષ્યની અર્ધાંગિની બનવાની હોય અને એ પૂર્વેનાં ખુલાસા-વાર્તાલાપ કરવાનાં ઈરાદાથી ગજેન્દ્રસિંહે મીરાં સામે પ્રશ્ન પુછવાનો પ્રસ્તાવ રાખ્યો.

“રહેવા દે, મારાં સવાલોનાં તું જવાબ આપીશ એવું હું નથી માનતી” મીરાંએ ગજેન્દ્રસિંહને ઇમોશનલ બ્લેકમેલ કર્યો.

“મેં કહ્યુંને, તને પામવા હું કંઈ પણ કરી શકું” ગજેન્દ્રસિંહ મક્કમ અવાજે બોલ્યો.

“તું રાજકારણમાં છે એટલે તે ઘણાં કાળા ધંધા કર્યા હશે, તારી ભવિષ્યની પત્ની હોવાને નાતે હું એ બધાં કામોથી માહિતગાર થવા ઈચ્છું છું” મીરાંએ કહ્યું.

મીરાંની વાત સાંભળીને ગજેન્દ્રસિંહ જોરજોરથી હસવા લાગ્યો. ગજેન્દ્રસિંહને હસતો જોઈ મીરાંને કપાળે પરસેવો વળી ગયો, ડરને કારણે તેનું શરીર કાંપવા લાગ્યું, હૃદય આપમેળે જૉરથી ધબકવા લાગ્યું. ગજેન્દ્રસિંહે મીરાં પર તીખી નજર ફેંકી. મીરાંને પોતાની સામે હેવાન દેખાવા લાગ્યો. પોતે એની વાસના સાથે ગુસ્સાનો પણ શિકાર થશે જ એ તેણે સ્વીકારી લીધું. મીરાં આટલી ડરેલી હોવાં છતાં તેનાં ચહેરા પર ગજબની શાંતિ હતી.

“તું માણસનો ચહેરો વાંચવામાં નિપુણ જણાય છે” ગજેન્દ્રસિંહે હસીને કહ્યું,અચાનક તેનાં ચહેરાનો રંગ બદલાય ગયો. થોડીવાર પહેલાં ગુસ્સાભરી નજરે જોતો ગજેન્દ્રસિંહ મીરાંની જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો.

આ વાત જાણીને મીરાંએ રાહતનો શ્વાસ અનુભવ્યો.

“તું જણાવી શકતો હોય તો ઠીક છે નહીંતર આપણે એક રાતનાં મુસાફર તો છીએ જ” મીરાંએ હવે રામબાણનો ઉપયોગ કર્યો.

વિપરીત કાલે બુદ્ધિ વિનશ્યતી…!!!

ગજેન્દ્રસિંહ માટે આ સંસ્કૃત કહેવત વ્યવસ્થિત બંધ બેસતી હતી. પુરુષ માટે હંમેશા જ એક કમજોરી રહી છે. ગજેન્દ્રસિંહ હવસ અને લાગણીઓમાં આંધળો બનીને મીરાંને એ હકીકત, એ સચ્ચાઈ જણાવવા તૈયાર થઈ ગયો હતો જે તેની રાજનીતિની કારકિર્દી જ નહીં પણ તેનાં અંગત જીવનને પણ ખત્મ કરી નાંખવા સક્ષમ હતું.

“હું તને બધું જ જણાવવા ઈચ્છું છું, આજે હું તારી સાથે મારું દિલ ઠાલવીને વાતો કરવા ઈચ્છું છું”

“તો પછી શરૂ કર તારી કહાની” મીરાંએ છઠ્ઠો પેગ બનાવીને ગજેન્દ્રસિંહનાં હાથમાં આપ્યો. નશાને કારણે હવે એ ધીમે ધીમે સિપ લગાવી રહ્યો હતો.

“મારું મૂળ ગામ અમરગઢ છે, રાજકારણમાં મારાં દાદા હતાં, પપ્પા હતાં અને હવે હું પણ છું. મારાં દાદા અને પપ્પા તો નેકદિલ માણસ હતાં. તેઓનાં કરેલાં કાર્યોનાં ફળ સ્વરૂપે મને પણ એમ.એલ.એ.ની સીટ મળી ગઈ હતી. મારાં પપ્પાએ ચાલીશ વર્ષ આ પાર્ટીને આપ્યાં હતાં પણ તેઓ લોકોની સેવા કર્યા સિવાય બીજું કંઇ ઉકાળી શક્યા નહોતાં. મારે ઉકાળવું હતું, માટે મેં નરસિંહ વર્મા અને વિરલ ચાવડા જેવાં લોકોને ફોડી લીધાં. લોકોનાં દિલમાં વિરલ ચાવડા છવાયેલો હતો અને નરસિંહ વર્મા નાયબ મુખ્યમંત્રી હતો માટે મારાં કાળા કામો આસાનીથી છુપાઈ જતાં. મેં અમરગઢનાં ખેડૂતોની જમીન છીનવીને ત્યાં કેમિકલ ફેક્ટરી નાંખી, જેમાં નશીલી દવાઓ જ બને છે. ગેરકાયદેસર રીતે ધંધા કરતાં લોકો અને માફિયાઓને મેં સહકાર આપ્યો જેનાં ફળ સ્વરૂપે મારી પાર્ટી વધુ મજબૂત થઈ ગઈ.

એક ઘટનાને કારણે વિરલ ચુડાસમાએ અમને સાથ આપવાનું છોડી દીધું અને નવી પાર્ટી ઉભી કરી, જેને કારણે અમારાં જંગી મતો છીનવાઈ ગયાં અને છેલ્લી ચૂંટણીમાં મારો કારમો પરાજય થયો. હવે થોડાં દિવસ પછી ચૂંટણી છે, માટે લોકોનાં દિલમાં જગ્યા કરવા અમે જાતે જ ગુન્હાઓ કરાવીએ છીએ અને એ ગુન્હાઓનો પરદોફાશ કરી લોકોની નજરમાં આવીએ છીએ. અમે CIDનાં આઠ ઓફિસરોની હત્યા કરાવી હતી, જેને કારણે પૂરાં ગુજરાતમાં એની જ ચર્ચા થઈ રહી છે. કાલે એક વ્યક્તિને ફસાવીને બધો દોષ તેનાં પર ઠાલવી અમે વાહવાહી લૂંટશું. આમાં મીડિયા પણ અમારી સાથે છે, તેઓને પણ મોટો હિસ્સો આપવો પડે છે.

રાજકારણ ખદબદતાં કીચડ જેવું છે, અહીં ટકી રહેવા માટે કાળા કર્મો સિવાય કોઈ બીજો રસ્તો નથી”

મીરાંને જે જોતું હતું એ મળી ગયું હતું. હવે ગજેન્દ્રસિંહ સાથે કાલીઘેલી ભાષામાં વાત કરવાની જરૂર નહોતી. તેણે આઠમો પેગ ગજેન્દ્રસિંહનાં હાથમાં થમાવ્યો. ગજેન્દ્રસિંહ ખુશી ખુશી દારૂ ઢીંચતો રહ્યો. એક સમય એ પણ આવી ગયો જ્યારે તેની (ગજેન્દ્રસિંહ)ની આંખો ઘેરાવા લાગી, નશો તેની હદ વટાવવા લાગ્યો. તેનાં શરીરમાં હજી હવસનાં લક્ષણો હતાં જ પણ એ હવસને શમાવી શકે એટલો હવે એ સક્ષમ નહોતો રહ્યો. મીરાંએ તેને બેડ પર સુવરાવી દીધો અને અક્ષયને કામ થઈ ગયાંનો મૅસેજ છોડી દીધો.

એ બહાર આવી ત્યારે ડ્રાઇવર તેની રાહ જોઈ રહ્યો હતો. મીરાં ચાલતી ચાલતી ગાઉન વ્યવસ્થિત કરતી કારમાં બેસી ગઈ. રાજુ નામનો ડ્રાઇવર તેની જ રાહ જોઇને બેઠો હોય એમ મીરાંએ ઘુરકી રહ્યો હતો. મીરાંએ ફરી પેટમાં ફાળ પડી પણ એ ડર તેને ચહેરા પર ન વર્તાવવા દીધો.

“ચલાવ ગાડી” મીરાંએ મક્કમ અવાજે હુકમ કર્યો.

“પહેલીવાર આવી છે ને અહીં ?” રાજુએ શૈતાની સ્મિત સાથે પુછ્યું.

“કામથી મતલબ રાખ” મીરાંએ કડક શબ્દોમાં કહ્યું.

“એ જ કરું છું, સાહેબની સેવા કર્યા પછી ડ્રાઇવરની સેવા કરવાનો રિવાજ છે એ તને નથી ખબર ?”

મીરાં ચોંકી ગઈ, ગજેન્દ્રસિંહ જેવાં બુઢ્ઢાને દારૂના નશામાં ધૂત કરી પછાડવો આસન હતું પણ અત્યારે જે તેની સામે હતો એ ગજેન્દ્રસિંહનો ડ્રાઇવર કમ બોડીગાર્ડ હતો. તેનું ખડતલ શરીર જોઈ મીરાંના કપાળે પરસેવો છૂટી ગયો. આ વ્યક્તિની સામે લડવું અને તેને માત આપવી ધૂમડાને મુઠ્ઠીમાં કેદ કરવા જેવું હતું. મીરાં સુંદર હતી સાથે ચાલાક પણ હતી. તેણે બંને આવડતોનો લાભ ઉઠાવ્યો.

“શું નામ છે તારું ?” મીરાંએ ચાસણી જેવાં મીઠાં સ્વરે પુછ્યું.

“રાજુ” તેણે ખુશ થઈને કહ્યું.

“મારી વાત સાંભળ રાજુ, અત્યારે મારે માસિક શરૂ છે ; બ્લીડીંગ પણ થાય છે. ગજેન્દ્રસિંહ પણ મારાથી ખુશ નથી થયાં અને તને પણ મજા નહિ આવે. એક કામ કર તારો નંબર મને આપી દે, થોડાં દિવસોમાં હું તારો કોન્ટેકટ કરીશ. આમ પણ આ બુઢ્ઢા કરતાં તારી કંપનીમાં હું વધુ ખુશ થઈશ”

“એ તારી પ્રોબ્લેમ છે, અને તારી જેવી ઘણીબધી છોકરી આમ મને ફસાવીને જતી રહી છે. આજસુધી કોઈએ મારો કોન્ટેકટ નથી કર્યો”

“તો તું એમ નહિ સમજે” મીરાંએ હસીને કહ્યું. રાજુએ નકારમાં માંથી ધુણાવ્યું. મીરાંએ બીજી જ સેકેન્ડે રાજુનાં નાકમાં મુક્કો માર્યો અને દરવાજો ખોલી દોડવા લાગી. રાજુને કળ વળી એટલે એ પણ મીરાં પાછળ દોડ્યો. મીરાંએ ગાઉન પહેર્યું હતું એટલે તેને દોડવામાં મુશ્કેલી થતી હતી. તેણે દોડતાં દોડતાં જ ગાઉનને ગોઠણથી ઉપર ખેંચી લીધું. રાજુ સ્ફૂર્તિલો હતો, એક જ મિનિટમાં એ મીરાં સુધી પહોંચી ગયો. મીરાંના વાળ પકડી તેણે પોતાનાં તરફ ખેંચી. મીરાં કણસી ઉઠી. રાજુએ તેનાં બાવડાનું જોર મીરાંની ગરદન પર આપ્યું અને તેણીને પોતાનાં તરફ ઘુમાવી. વળતાં પ્રહારમાં મીરાંએ રાજુનાં બંને પગ વચ્ચે જોરથી લાત મારી. રાજુ બંને પગ વચ્ચે હાથ દબાવી ઢળી પડ્યો. એ જ સમયે અક્ષયે તૈનાત કરેલી એક ટિમ પહોંચી ગઈ અને રાજુ પર ત્રાટુકી.

મીરાંને કારમાં સુરક્ષિત બેસારી રવાના કરવામાં આવી અને રાજુને એરેસ્ટ કરવામાં આવ્યો.

(ક્રમશઃ)