Kalakar - 28 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 28

કલાકાર ભાગ – 28

લેખક – મેર મેહુલ

“આ ડ્રાઇવમાં બધું રેકોર્ડિંગ છે, ગજેન્દ્રસિંહે જાતે જ કબૂલ કર્યું છે કે તેણે જ આઠ ઓફિસરોની હત્યા કરાવી હતી અને માફિયાઓને એ સપોર્ટ કરતો” મીરાંએ કહ્યું. અક્ષય, મીરાં અને પલ્લવી ત્રણેય સર્કિટ હાઉસમાં હતાં.

“ગુડ, મીરાં તે બહાદુરીનું કામ કર્યું છે” અક્ષયે મીરાંનાં કામની પ્રશંસા કરતાં કહ્યું.

“હવે આગળ ?” પલ્લવીએ પુછ્યું, “આ ડ્રાઇવની એક કૉપી મીડિયામાં આપી દઈએ, કાલે સવારે બ્રેકીંગ ન્યૂઝ બની જશે”

“ના” મીરાંએ કહ્યું, “આ લોકોએ મીડિયાવાળાને પણ ખરીદી લીધાં છે, તમે ન્યૂઝ ચેનલ જોતાં જ હશો. બધી ન્યૂઝ બતાવશે પણ આ પાર્ટીનાં કારનામાં કોઈ દિવસ નહિ બતાવે”

“તો શું કરીશું ?” પલ્લવીએ પુછ્યું.

“જો આપણે આ રેકોર્ડિંગ જાહેર કરી દઈશું તો ગજેન્દ્રસિંહ અને નરસિંહ વર્મા સચેત થઈ જશે, આપણે તેનાં સુધી પહોંચીશું એ પહેલાં જ પોતાનાં બચાવ માટે કોઈ ઉપાય કરી લેશે માટે લોકોને ખબર ના પડે એવી રીતે તેઓનું કામ તમામ કરવાનું છે” અક્ષયે કહ્યું.

“કેવી રીતે ?” મીરાં અને પલ્લવી એક સાથે બોલ્યાં.

“મારી પાસે એક પ્લાન છે” અક્ષયે કહ્યું.

અક્ષયે પ્લાનનો પૂરો આલેખ બંને સામે રાખ્યો. અક્ષયની વાત સાંભળીને મીરાં અને પલ્લવી ચોંકી ગઈ.

“તમારાં મગજમાં આવા ખુરફાતી આઈડિયા ક્યાંથી આવે છે સર ?” પલ્લવીએ હસીને પુછ્યું.

“અનુભવ, ગુંડાને દબોચવા તેનાં જેવું વિચારવું પડે છે” અક્ષયે કહ્યું.

“એકદમ સાચી વાત” મીરાં બોલી, “આ સાલાઓને એની જ રીતે મારવા જોઈએ”

“કાલે સવારે જ્યારે એ ઉઠશે ત્યારે તેને ભાન થશે કે કોઈ છોકરી તેને જાળમાં ફસાવી ગઈ છે. એ બચવા માટે ઘણાં બધાં પેતરા કરશે પણ એ બચી નહિ શકે”

“આપણે એને એવો ફસાવીશું કે એ લાખ કોશિશ કરે તો પન બચી નહિ શકે” મીરાંએ કહ્યું.

“એ માટે આપણે કાજલ અને વિરલ ચુડાસમાની મદદ લેવી પડશે” પલ્લવીએ કહ્યું.

“એની જવાબદારી મારાં પર છોડો, પલ્લવી તારે પ્રતાપને જાણ કરવાની છે” અક્ષયે કહ્યું, “કાલે બપોરે બાર વાગ્યે આપણે સૌ અહીં જ એકઠા થશું”

ગુડ નાઈટ કહીને મીરાં અને પલ્લવી રવાના થઈ ગયાં.

‘હવે એ સમય દૂર નથી, જેને માટે બે વર્ષ સુધી હું અજ્ઞાત રહ્યો તેનું ફળ કાલે મળશે’ અક્ષય સ્વગત બોલ્યો.

*

ગજેન્દ્રસિંહની આંખો ખુલ્લી ત્યારે તેનું માથું ભમતું હતું, આંખો ભારે લાગતી હતી. એ રોજ દારૂ પીતો પણ પહેલીવાર તેણે પોતે હોશ ગુમાવી બેઠો હતો. ગઈ રાતે શું ઘટનાં બની એ યાદ કરવા ગજેન્દ્રસિંહે મગજ પર જોર આપ્યું. થોડાં પ્રયાસો કરતાં તેને બધું યાદ આવવા લાગ્યું.

એક છોકરી સાથે બેસી એ વ્હીસ્કી પી રહ્યો હતો, ચાર પેગ સુધી એ ભાનમાં જ હતો. આગળ શું થયું એ યાદ કરવા તેણે મગજ પર વધુ જોર આપ્યું. નશાની હાલતમાં એ પોતાની સાન ભૂલી ગયો હતો, બહેકી ગયો હતો. છોકરી સામે તેણે પોતાનાં બધાં ગુન્હા કબૂલ કર્યા હતાં.

જેમ ખરાબ સપનું આવેને વ્યક્તિ સફાળો ઉઠી જાય એમ ગજેન્દ્રસિંહ બેડ પરથી ફર્શ પર કુદયો. કોઈ અજાણી છોકરી તેને જાળમાં ફસાવીને બધી માહિતી મેળવી ગઈ એનું તેને ભાન થઈ ગયું હતું.

“રાજુ…” ગજેન્દ્રસિંહ ચિલ્લાયો. રાજુ ચોવીશ કલાક ગજેન્દ્રસિંહનો પહેરો આપતો એટલે સવારે પણ એ ત્યાં જ હશે એમ વિચારી ‘છોકરીને ક્યાં ડ્રોપ કરી’ એ જાણવા તે બહાર દોડ્યો. રાજુ ક્યાંય દેખાયો નહિ અને તેની કારનો દરવાજો પણ ખુલ્લો હતો. આ બંગલામાં બીજા કોઈ નોકર નહોતાં એટલે કાર એ જ સ્થતિમાં હતી જે મીરાં અને રાજુની તકરાર સમયે હતી.

ગજેન્દ્રસિંહને એકનાં બે કરતાં વાર ન લાગી. એ સમજી જ ગયો હતો કે આ કોઈની સાજીશ હતી. ચૂંટણી નજીક હતી અને જો તેનાં રહસ્યો ઉજાગર થઈ જશે તો પોતે ક્યાંયનો નહિ રહે. તેણે કાજલને ફોન જોડ્યો પણ કાજલનો ફોન બંધ આવતો હતો. પછી નરસિંહ વર્માને ફોન જોડીને તેણે ગઈ રાતની ઘટનાં કહી.

“તું ગધેડા જેવો છે, ચૂંટણીનાં સમયે કાબુ નથી રાખી શકતો ?, અને કોણે આટલો બધો દારૂ ઢીંચવાનું કહ્યું હતું ?” નરસિંહ વર્માએ ગજેન્દ્રસિંહને હાંક્યો.

“થવાનું હતું એ થઈ ગયું, હવે આગળ શું કરીશું ?” ગજેન્દ્રસિંહે દબાયેલા આવજે કહ્યું.

“ કરવાનું શું હોય, શોધ એ છોકરીને. નહીંતર તું બરબાદ થઈ ગયો છે એ સમજી લેજે”

“હું એકલો નહીં, તું પણ બરબાદ થઈશ. કારણ કે મારી વાતોમાં મેં તારો પણ ઉલ્લેખ કર્યો છે”

“સુંવરની ઓલાદ !!, જો તારાં આ કારનામાને કારણે ચૂંટણી પર કોઈ અસર થઈ તો તું ગયો જ છે એ સમજી લેજે”

“શુભ શુભ બોલ વર્મા” ગજેન્દ્રસિંહે કહ્યું, “હું અત્યારે જંગલવાળા બંગલે જાઉં છું, તું પણ ત્યાં પહોંચ, ત્યાં મળીને આગળ શું કરવું એ વિચારીશું”

બંને છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. ગજેન્દ્રસિંહ તાબડતોબ તૈયાર થયો અને જંગલવાળા બંગલે જવા રવાના થયો.

*

“આ બધું કેવી રીતે થયું ?” નરસિંહ વર્માએ પૂછ્યું. ગજેન્દ્રસિંહ અને નરસિંહ સામસામે બેઠાં હતાં. નરસિંહ વર્મા પણ ગજેન્દ્રસિંહની ઉંમરનો જ હતો. તેનાં ચહેરા પર પણ મરોડદાર મૂછ હતી. શરીરે બધી બાજુથી ફેલાયેલો, ગોળ ચહેરો અને આંખ નીચે ગાલ પર બે ઈંચનાં ચિરાનો ઘાવ હતો.

“શું કહું તને, કાલે રાતે એક હરામી છોકરી મને છેતરી ગઇ. મારી હવસ શમાવવા હું ઘેલો થઈ ગયો હતો” ગજેન્દ્રસિંહે નાંખી દીધેલાં અવાજે કહ્યું.

“ એ કોણ હતી એ તો તને ખબર જ નહીં હોય, બરોબર ને !!!”

“તું એવું પૂછપરછ કરે છે ?” ગજેન્દ્રસિંહ રઘવાયો થયો, “હું તો કામથી કામ રાખતો હતો, કાજલે એ છોકરીને મોકલી હતી અને અત્યારે કાજલ પણ ગુમ થઈ ગઈ છે”

“ગુમ નથી થઈ એ, આપણને ફસાવીને પોતાને સુરક્ષિત કરી લીધી છે” નરસિંહ વર્માએ કહ્યું, “આપણે વિરલને હટાવવા માટે કાજલને એક વ્યક્તિ શોધવા કહ્યું હતું યાદ છે ?”

“હંમ” ગજેન્દ્રસિંહે હોંકાર ભણ્યો.

“એ વ્યક્તિ કોણ છે એ ખબર છે ?, અક્ષય ઉર્ફે A.K.”

“હે ભગવાન” ગજેન્દ્રસિંહનાં મોંમાંથી શબ્દો સરી પડ્યા, “પેલો A.K. જેણે બે વર્ષ પહેલાં આતંક મચાવ્યો હતો અને આપણાં ધંધાને ઠપ કરી દીધો હતો”

“હા એ જ A.K., ત્યારે એ માફિયાઓની પાછળ હાથ ધોઈને પડ્યો હતો અને હવે આપણી પાછળ”

“પણ આપણે તેનું શું બગાડ્યું છે ?, આપણી સાથે કોઈ દિવસ તેણે મુલાકાત પણ નથી કરી”

“તું સમજતો નથી, એ કલાકાર છે. કોઈ કેસ હાથમાં લે તો ચપટી વગાડતાં છેક મૂળ સુધી પહોંચી જાય છે અને જડમૂળમાંથી ઉખેડી નાંખે છે”

ગજેન્દ્રસિંહનાં કપાળે પરસેવો વળી ગયો. તેણે બાજુ રહેલું નેપકીન હાથમાં લીધું અને કપાળે આવેલો પરસેવો લૂછ્યો.

“હવે આપણું શું થશે નરસિંહ ?, એ સુંવરનો બચ્ચો આપણો બનાવેલું સામ્રાજ્ય ખતમ કરી દેશે તો ?”

“એમ ક્યાંથી ખતમ કરે ?” નરસિંહ વર્મા ઉશ્કેરાયેલા અવાજે બોલ્યો, “વર્ષોની મહેનત છે આપણી”

“હવે તું મૂર્ખા જેવી વાતો કરે છે નરસિંહ, જેમ રાજાની જાન એક પોપટમાં હતી તેમ આપણી જાન પેલી છોકરીમાં છે. બનવાજોગ બની શકે કે તેણે મારી વાતો રેકોર્ડ કરી લીધી હોય” ગજેન્દ્રસિંહ ગભરાયો. તેનું પૂરું શરીર કપકપી ઉઠ્યું.

“બનવાજોગ નથી, એવું જ બન્યું છે. એ કંઈ તારી પાસે તારી સ્ટૉરી સાંભળવા તો આવી નહિ હોય, પુરાવો મેળવવા જ આવી હોય અને તે બુઠ્ઠીબુદ્ધિનાં જેમ તેને બધી હકીકત કહી દીધી”

“હું નશાની હાલતમાં બહેકી ગયો હતો”

ગજેન્દ્રસિંહને તેની ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો હતો પણ હવે પસ્તાવાથી કશું મળવાનું નહોતું.

(ક્રમશઃ)