Jivansathi - 18 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી... - 18

ભાગ..18


બધી સખીઓ સાથે મળીને દહીંવડા અને વાતોની મોજ માણે છે. માધવ તો બધાનો લાડકો બની ગયો છે. રેખાને તો બીજા લગ્નની સલાહ આપે છે. રેખા આ વાતથી સહમત નથી. એને હવે માધવ સિવાય કોઈની ચિંતા નથી. માધવ વગર એનું જીવવું અશકય છે. હવે આગળ...

હવે તો ઘડિયાળ પણ સાત વાગી રહ્યા છે એમ દેખાડે છે. અચાનક જ ગાડીનો હોર્ન સંભળાય છે. સુહાની એ અવાજ સાંભળી દરવાજા તરફ દોડે છે. એ દરવાજો ખોલીને જુએ છે તો વિચારમાં પડી જાય છે...કારણ આજ સાગર વહેલો આવી ગયો હતો. એ સાગરના હાથમાંથી બેગ લઈને વાતો કરતી અંદર આવે છે.

સુહાની : "આજ કેમ આટલા વહેલા ?"

સાગર : " તારા માટે જ વહેલો આવ્યો છું. મારે પણ તારા મહેમાનોને મળવું જોઈએ એવો વિચાર આવ્યો. હું એટલે વહેલો આવી ગયો. તને ન ગમ્યું કે શું સુહૂ ?"

સુહાની : અરે, એવું કેમ વિચાર્યું. ચાલો, બધા બેઠા જ છીએ અમે. મળી લો બધાને.

આમ, હસતા હસતા બેય અંદર આવે છે. ત્યાં જ માધવ સીમાના ખોળામાંથી ઊભો થઈ સાગર સામે દોડીને જાય છે. એ સાગર સામે વાંકો વળીને પગે લાગે છે અને 'જય શ્રી કૃષ્ણ' કહેતો હોય એમ ઊભો રહી હસે છે. સાગરને આ બાળચેષ્ટા તો બહુ જ ગમી. એ પણ માધવને ઊંચકી લે છે અને એની સાથે વાત કરવા લાગે છે.

પાયલ ઘડીયાળ સામે જોઈ સુહાનીને સંબોધી કહે છે કે
" સુહાનીદીદી, હવે અમે નીકળીએ. બહુ મજા આવી તમારી સાથે ! "

સુહાની : "અરે, સાગર પણ આજ તમને લોકોને મળવા માટે વહેલા આવ્યા ને તમે લોકો -

સાગર : "હા, હું તમને બધાને મળવા માટે જ ખાસ આવ્યો છું. હું પણ જોવને કે મારા શ્રીમતીજી તમારી સાથે આટલા ખુશ કેમ રહે છે. કોઈ હિંટ મને પણ આપો કે એ મારાથી પણ ખુશ રહે."( મજાકિયા મૂડમાં..)

સુહાની : ચાલો, હું તમને મળાવું બધા સાથે..આ ઢીંગલી જેવી દેખાય છે એ પાયલ છે. હમણા હમણા જ સગાઈ થઈ છે એટલે એનું આકાશ એને જાતે બનાવ્યું છે. એની હરવા, ફરવાની સરહદ ત્યાં અંકિત છે એટલે એની દુનિયામાં મિ.યોગેશ સાથે ખુશ છે. યોગેશ , પાયલનો ફિયાન્સ એ એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજર છે. આ મેડમ પોતે પણ પ્રાઈવેટ
બેંકમાં જોબ કરે છે.

આ સીમા છે..એ રસોઈની રાણી છે અને દિલની મહારાણી છે. ( એક આંખ મિંચકાવતા) એના પતિદેવને ખુદનો બિઝનેસ છે. ફેબ્રીક કલરનો અને ફેબ્રીક મટીરીયલનો પણ.
સીમા જેટલી હું એક્સપર્ટ ક્યારે બનીશ એ તો સમય જ જાણે.( આમ કહી સીમાની સામે જોઈ હસે છે.)

આ રેખા છે. એ આ છોટુ માધવની મમ્મી પણ છે. રેખા તો પોતે જ હોમમેડ વસ્તુઓ વહેંચે છે. એની મેકર પણ પોતે જ છે. એ એક હિંમત અને સાહસની સંયુક્ત માલકણ છે. સાચું કહું, રેખા ખરેખર હોમ અને લાઈફમેકર છે.

આ માધવ છે. નટખટ અને ચંચળ કાનુડો. આજ્ઞાંકિત અને પ્રશ્ર્ન પૂછવામાં બેતાજ બાદશાહ. આમ કહી માધવની માથે હાથ ફેરવે છે. ત્યાં જ માધવ સુહાનીને બાળસહજ પૂછે છે કે " આ કોના પપ્પા છે ?"

સુહાની હવે ખરેખર મુંઝાણી કે શું જવાબ આપવો? ત્યાં જ સાગરે એને બાળગોપાલની દિવાલ પર ટાંગેલી તસવીર દેખાડી અને કહ્યું " બેટા, હું આનો પપ્પા છું અને એ આપણા બધાના પપ્પા જ છે."

બધી સખીઓએ સાગરને નમસ્તે કર્યાં અને ફરી એકવાર રજા માંગી. આમ પણ સાંજ ઢળી ચૂકી હતી. સાગર અને સુહાની બેય બધાને દરવાજા સુધી મૂકવા જાય છે. ફરી મળીશું એક એવા નવા વાયદા સાથે ફરી છૂટા પડે છે.

સાગર અને સુહાની હવે નિરાંતે ઝૂલા પર બેસે છે. સુહાની આજ ખુશ હતી એવું એનો ચહેરો કહી રહ્યો હતો. સાગર પણ આજ હળવાશના મૂડમાં હતો. સાગરે કહ્યું " સુહૂ, એ માધવ કેવો નખરાળો હતો ને ! "

સુહાની : "હા, આવ્યો ત્યારનો બધા સાથે હળીમળી ગયેલો. પણ----

સાગર : " શું થયું ? કેમ અટકી ગઈ બોલતા બોલતા."

સુહાની : રહેવા દો એ વાત, આજ આપણા મમ્મીનો ફોન હતો કે હવે એ રસોઈ અને કામકાજથી બહુ થાકી જાય છે. મયંકભાઈ પણ ઓફિસે જતાં રહે છે તો સાવ એકલા થઈ
જાય છે. પપ્પાના ગયા પછી એ એકલતા એના માટે સહેવી કેવી અઘરી છે. મેં કહ્યું પણ ખરા કે " આપણે અહીં સાથે રહીએ. અમને પણ મજા આવે. એ મયંકભાઈની જીવન સાથે બનેલી ઘટનાથી બહુ દુઃખી છે.

સાગર : હા, મયંકની પસંદગી જ ખોટી હતી કાશ્મીરાની. કાશ્મીરા એકદમ સ્વતંત્ર અને અલ્લડ હતી. મયંકને એની યાદો નહિ જીવવા દે શાંતિથી. આજ જ એ આવ્યો હતો હોસ્પિટલે મળવા. મેં એને કહ્યું કે " કાશ્મીરા, તને છોડીને જતી રહી છે. તે નથી છોડી એને. તું દુઃખી ન થા. એ બહુ હતાશ લાગે છે મને. આજ આપણે મમ્મીને ત્યાં જતા આવી અને સાચી હકીકત જાણતા આવી. જો બન્ને સહમત થાય તો આપણે બધા સાથે જ રહીએ. તારો પણ સમય પસાર થાય અને એમનો પણ.

સુહાની : મમ્મીએ મને સાથે આવવાની ચોખ્ખી ના જ પાડી છે. કારણ કે, કાશ્મીરાએ જે રીતે જેવા તેવા શબ્દો વાપરી આપણને ઘર જોડવા મજબુર કર્યા હતા એ વાતથી મમ્મી બહું દુઃખી છે. એ મયંકભાઈની હાલત ન ખરાબ થાય અને એમને માનસિક આઘાત ન લાગે એટલે આપણી સાથે ન આવ્યાં એવું કહેતા હતા. આજ ફરી આપણે એકવાર બેયને સમજાવીએ.

------------- (ક્રમશઃ) ----------------

લેખક : Doli modi✍️
Shital malani ✍️