Short stories - 9 - Ash in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 9 - રાખ

લઘુ કથાઓ - 9 - રાખ

લઘુકથા 9
"રાખ"

સોલાપુર 1956:

કેશવ કુલકર્ણી અને એની પત્ની રેખા કુલકર્ણી પોતાના ખેતર ની વચ્ચે આવેલ પીપળા ના ઝાડ નીચે બપોર નું જમવાનું લઈ રહ્યા હતા ત્યારે કેશવ એ વાત ની શરૂઆત કરી.

"રેખા મને લાગે છે આપણે બોમ્બે બાજુ જવું જોઈએ શહેર મોટું છે અને કામ મળવાની તક પણ વધુ છે. ખેતી માં આપણ ને એટલી બધી કમાણી નથી મળતી."

"હા પણ એટલી તો મળી જ જાય છે ને કે આપણા ચાર જણ નું પેટ બને ટંક પૂરતું ભરાઈ જાય છે." શાંતિ થી રેખા એ જવાબ આપ્યો . આ વાત થી એ સંતોષી જીવ હતી એ ખ્યાલ આવી જતો હતો પણ આજ સ્વભાવ કેશવ ને એની પ્રગતિ માં અટકણ પેદા કરે છે એમ કેશવ ને લાગતું હતું.

" હા પણ શું આખી જિંદગી ખાલી પેટ જ ભરવાનું છે, બીજા કોઈ સપના ના હોય આપણા"? જરાક અકળાતા બોલ્યો.

" શુ સપના હોય, કે હોવા જોઈએ, એ તો કહો. આપણે આપણી પોતાની પૂરખો ની જમીન છે, પોતાનું આટલું સારું ઘર છે, પોતાનું જ વાવેતર છે અને ખેત ઉપજ માંથી બે વખત નો દાળ રોટલો અને દૂધ મળી રહે છે, આટલું સુંદર ગામ અને ગામવાસીઓ છે , પાડોશીઓ છે , તો હવે બીજું મને તો નથી લાગતું કે કઈ હોવું જોઈએ". ફરી સંતોષી જીવ થી કહ્યું.

" હોવુજ જોઈએ, બાળકો માટે ની વિવિધ સુવિધા ઓ, સારા કપડાં, ઘરેણાં, બીજી એકાદ જમીન અને ઘર જેમાં થી ઉપજતી બીજી કમાણી, જરૂર પૂરતું જ કમાતા હોઈએ અને ક્યારેક અશુભ ઘડી એ કંઈક તકલીફ પડી અને એ ખૂટી પડે તો વધારાની બીજી આવક હોય તો એ બચત રૂપે ઉપયોગ થઈ શકે" કેશવ એક દમ ફર્મ અવાજ માં બોલ્યો અને સમજુ રેખા પણ આ વાત માં દમ છે એ સમજી ને એને બોમ્બે જાવા માટે હા પાડી પણ એના બેજ પ્રશ્નો હતા એક " આપણે કામ શુ કરશું અને કઈ રીતે ગોતશું " બીજું "રહેશું કયા"? , આ બને ના જવાબ કેશવ પાસે હતા.

" બોમ્બે ખૂબ મોટું શહેર છે. અથવા કહે કે બની રહ્યું છે, લગભગ 8 નાના ટાપુ જેટલું ક્ષેત્રફળ છે અને સાંભળ્યું છે કે હવે ભારત સરકાર તમામ કોલસા, કાપડ તેમજ અન્ય મિલો પોતાના હસ્તગત કરી ને મોટા ઉદ્યોગપતિઓ ને ચલાવવા આપશે તો એમાં નોકરી મળવી સહેલી છે, હા અહીં ખેતર માં આપણા કામ કરતા વધુ મેહનત માગશે પણ સામે વળતરપણ મળશે જ અને કાંઈ ખૂટયું તો આપણું સોલાપુર અને ખેતર તો છેજ."
રેખા ને મનાવવા આટલું કાફી હતું. એ માંની ગઈ અને બને પતિ પત્ની બોમબે જાવા માટે અઠવાડિયું રહી ને નીકળી પડ્યા..

કેશવ એ બોરીવલી ખાતે ની એક કાપડ મિલ માં નોકરી મેળવી લીધી. મરાઠી મરાઠી ને મદદ કરે એ નિયમ નો કેશવ ને ફાયદો થયો. એને 10 રૂ એ દહાડી મળવા ની શરૂ થઈ ગઈ આ બાજુ રેખા પણ એક સરકારી હોસ્પિટલ માં સફાઈ કર્મચારી તરીકે રહી ગઈ અને પગાર નક્કી થયો 150 રૂ .મહીને.

આમ બને ની નોકરીઓ સારી રીતે ચાલતી ગઈ ને આ નોકરી માં બને ના એક એક જીગરી મિત્ર બની ગયા અને એ હતા કેશવ નો મિત્ર માર્કંડ દેશપાંડે જે એની સાથે જ કારખાના ની નોકરી કરતો અને રેખા ને મિત્ર મળી સુહાસીની.

રવીવાર ની રજા માં માર્કંડ અને સુહાસીની કેશવ અને રેખા ને મળવા આવતા , સાથે હરતા ફરતા અને એમાં સુહાસીની અને માર્કંડ ને એક બીજા થી પ્રેમ થયો અને પછી લગ્ન. આમ એક વર્ષ વીતી ગયુ.

1957:

એક સવારે માર્કંડ અને સુહાસીની પોતપોતાની નોકરી ના ઠેકાણે નહોતા પહોંચ્યા અને સાંજે કેશવ અને રેખા ને એમના જ દ્વારા જાણ થઈ કે માર્કંડ ના પિતા સ્વધામ સિધાવ્યા છે એટલે માર્કંડ અને સુહાસીની નહોતા આવ્યા.

એજ સાંજે માર્કંડ ના પિતા ની નનામી કાઢવાની હતી જેથી કેશવ અને રેખા બને ત્યાં પહોંચી ગયા.
રિવાજ મુજબ સ્ત્રીઓ ઘરેજ રહી અને પુરૂષો સ્મશાન ઘરે પહોંચ્યા અગ્નિદાહ માટે.

મરાઠી ઓ માં એક પ્રથા હતી કે મૃત વ્યક્તિ ના મોઢામાં સોના ની કોઈ પણ એક વસ્તુ નાની યાદગીરી રૂપે મુકવા માં આવતી અને એજ પ્રથા અનુસાર માર્કંડ એ એક સોનાની વીંટી જે એના પિતાની જ હતી એ એમના મોઢા માં મૂકી હતી અને ત્યાર બાદ એમના અગ્નિદાહ થયા હતા.

તમામ પ્રક્રિયા પતાવી કેશવ તેમજ રેખા બને પોતાના ઘરે આવી ગયા હતા.

ત્રણ દિવસ પછી:
સાંજે ફેકટરી એ થી છૂટતા સમયે કેશવ ને ચિંતિત સ્વરે માર્કંડ એ કહ્યું "કેશયા, સ્મશાન માં કાંઈક ગડબડ લાગે છે "

હેરાન થઇ ને કેહવા એ પૂછ્યું" એટલે, શુ થયું"?

"કોઈ અસ્થિ સાથે છેડછાડ કરે છે એ નક્કી"
"શુ ગાંડા જેવી વાત કરે છે , અસ્થિ માં કોને શુ રસ હોય"?
"એજ તો, અસ્થિ માં કોને શુ રસ હોય"? માર્કંડ એ પૂછ્યું.
"થયું શુ એ જરા ચોખી રીતે કહીશ"? પ્રશ્ન કર્યો કેશવ એ.
"તને ખ્યાલ છે ને કે મેં મારા પિતા ના મોઢા માં સોના ની વીંટી મૂકી હતી છેલ્લી યાદ સ્વરૂપે?"
"હા, તો"?
" શરીર ના ખોપડી સિવાય ના લગભગ હાડકા ના અવશેષો અસ્થિ માં છે , ખોપડી કે જડબા ના ભાગ ના નથી અને જોવા ની વસ્તુ એ છે કે અસ્થિ અર્ધી પરધી સળગેલી છે "
"મતલવ તું કેહવા માંગે છે કે કોઈએ એ ચાલુ ચિતા માંથી તારી ગેરહાજરી માં બોડી કાઢી નાખી અને અસ્થિ પિંખી નાખી માત્ર એક વીંટી માટે?" ચિંતા ને હેરાન સ્વરે પૂછ્યું .
" હા એજ કહું છુ મને એ ડાઘુ ઉપર શંકા છે "
"તો હવે શું કરીશ"
" બીજી કોઈ નનામી જાય ત્યારે વાત".

એ વાત ને બીજા ત્રણ મહિના અને 13 નનામી જતી રહી પણ કોઈ ની અસ્થી માંથી કોઈ જાત નું સોનુ ચોરાયું નહીં એટલે એ ભ્રમ હશે એમ માર્કન્ડ એ માની ને નજર રાખવા નું મૂકી દીધું.

એના 8 દિવસ પછી:

એક બુઝુર્ગ સ્ત્રી ની નનામી સ્મશાને પહોંચી . એમને સુંદર નવવારી સાડી માં સજાવ્યા હતા અને એમને વિધિવત પ્રક્રિયા કરી ને લાકડે ગોઠવ્યા અને ચિતા ને આગ અપાણી.
આખી ચિતા દહન માં લગભગ 5 થી 6 કલાક લાગતો હોવાથી સહુ ને પોતપોતાના ઘરે જાવા ડાઘુ એ જણાવ્યું અને પોતે પોતાના અન્ય કામ માં પડી ગયો.

બહાર ચિતા સળગી રહી હતી અને પાછળ ના ભાગમાં ડાઘુ એક થેલી દેશી દારૂ ની ગટકાવી ને સુઈ ગયોને એની અર્ધી કલાક પછી એક આકૃતિ સ્મશાન મા આવતી દેખાણી.

એ ડાઘુ તરફ આવી અને ધ્યાન થી જોયું અને નક્કી થઈ ગયું કે હવે કોઈ ખત્તરો નથી, અને ખૂણા મા પડેલી લાકડી લઇ ને ચિતા માં મોઢા ની બાજુ એ જોર જોર થી લાકડી નો પ્રહાર કરવા માંડ્યા અને એમાં થી "કડાક" નો અવાજ આવ્યો અને પિંજર ના ધડ થી ખોપડી વાળો ભાગ છૂટી ગયો અને સળગતા લાકડા ના ટુકડાઓ સમેત પડ્યો , સ્મશાન ના બીજા એક ભાગ માંથી પાણી લઈ ને એના ઉપર નાખ્યો અને ઓલવી દીધું અને લાકડા ના નીકળતા વરાળ ના નેપથ્ય માં એ બે આંખો સોના ની બુટ્ટી ની ચમક થી અંજાઈ ગઈ અને હજી એ દિશા માં વધી ને વળી ને લેવા જાય ત્યાન્જ ચાર જંગલી કૂતરા ઓ બાજુ ના જંગલ વિસ્તાર માં થી આવી ગયા ખોરાક ની શોધ માં. અને એ વ્યક્તિ એ તરત જ વિચાર્યું" પહેલા વખતે તો નહોતા આવ્યા આજે કઈ રીતે".

હજી આ વિચાર ચાલીજ રહયો હતો ત્યાં એ વ્યક્તિ ના હાથ માં લાકડી જોઈ ને જંગલી કૂતરા વધારે વિફરયા અને એના તરફ ધસી આવ્યા.

પેલો વ્યક્તિ હજી કાંઈ વિચારી શકે ત્યાં તો કૂતરા ઓ એના તરફ ધસી આવ્યા અને ચાર કૂતરા અને એક માણસ વચ્ચે એક અનોખું યુદ્ધ ખેલાયું.
.કુતરાઓ પેટ ની ભૂખ સંતોષતા આવી ચડ્યા અને એક વ્યક્તિ ના હાથ માં લાકડી જોતા ખીજાઈ ગયા અને એક વ્યક્તિ સોનુ મેળવવા ની લાલચ માં લાકડી લઇ ને ઉભો હતો એમ કૂતરા નો દુષમન થઈ ગયો હતો.

ચારે કૂતરા ઓ એ ચારે બાજુ થી હુમલો બોલ્યો અને આણે ચારે બાજુ લાકડીઓ ફેરવી જેના કારણે બે કૂતરા તો તરત જ ઘવાયા પણ બીજા બે માંથી એક એ એની પગ ની એડી મોઢા માં લઇ ને ફિટ કરી દીધી અને બીજો ડાબા હાથ ના બાવડાં ઉપર તરાપ મારી બેઠો અને બને એ પોતાના જડબા એક દમ કસી દીધા.

પરિણામ સ્વરૂપ પેલા ના મોઢા માંથી રાડ નીકળી ગઈ પણ કોઈ પણ રીતે ભાગવા માટે એણે વરાળ નીકળતા લાકડાને હાથ માં લઇ ને બને કૂતરા ના કાન પર લગાડી દીધા એક પછી એક અને કૂતરા ઓ એ ચીસ પાડી પાડી ને ભાગી છૂટ્યા કારણ કે આ રીત નો પ્રહાર કૂતરા ઓ એ નહોતું ધાર્યું. અણધાર્યા પ્રહાર થી એ બને જંગલી કૂતરા ભાગી છૂટ્યા અને બીજા બે લાકડી ના જોરદાર પ્રહાર થી બેભાન જેવી અવસ્થા માં ચિતા પાસે પડ્યા રહ્યા.

આ તમામ ઘટના બાદ એ વ્યક્તિ ની હાલત એ હતી કે સળગતો વરાળ નીકળતું લાકડું પકડાવાથી હાથ નો પંજો અને પાંચે આંગળી સારી એવી બળી ગઈ હતી, સને જ્યાં કૂતરા ઓ એ બટકું ભર્યું હતું ત્યાં થી માસ નો લોચો નીકળી ગયો હતો.

દર્દ થી છલકાતી આંખે એ વ્યક્તિ પાછો ફરી રહ્યો હતો અને ચિતા ના તેજ મા એનો વેદના સભર ચેહરો દેખાઈ રહ્યો હતો.

કેશવ વિચારી રહ્યો હતો, રાખ માંથી સોનુ મેળવવા ની લાલચ માં પોતાનું અસલી સોનુ " હાથ અને પગ" ગુમાવવા નો વારો આવ્યો છે અને કેવી રીતે રેખા , માર્કંડ અને એના સાહેબ ને શુ કહેશે એ વેદના સહ વિચારતા વિચારતા સ્મશાન ના બહાર ના કિનારે બેઠો રહ્યો અને ચિતા ની અગ્નિ સમક્ષ નિહાળી ને એની ભૂલ વિશે આત્મવિશ્લેષણ કરી રહ્યો હતો .

એની સ્થિર , વેદનસભર , અશ્રુભીની આંખ ની સામે સળગી રહી આગ ની લપટ માં એને સોલાપુર ના ખેતર માં લહેરાતા પાક દેખાઈ રહ્યા હતા જાણે એને એના જીવન નો કાયમી રસ્તો, કાયમી નિર્ણય દેખાઈ રહ્યો હતો.
****************************************
પ્રેરણા સ્ત્રોત: શ્રી અનાભાઉ સાઠે દ્વારા રચિત "સ્મશાનાતીત સોના" વાર્તા.