Kudaratna lekha - jokha - 32 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 32


મયુરે વિચારેલા પ્લાન પ્રમાણે તેને ફૂલની ખેતીમાં ઘણો નફો મળે છે. તે હવે સફળ થયો છે એવું લાગતાં જ મીનાક્ષીને મળવા અમદાવાદ પહોંચે છે.
હવે આગળ.......

* * * * * * * * * * *

મયુર દબાતા પગલે સીવણ ક્લાસની અંદર પ્રવેશી ગયો. મીનાક્ષી ક્યાંય નજરે ના પડતા ઓફિસમાં હશે એવું ધારીને ઓફિસની અંદર પ્રવેશવા ઓફિસ નો દરવાજો અડધો ખોલ્યો જ હતો ત્યાં ખુરશી પર બેઠેલી મીનાક્ષી ની નજર મયુર પર પડતાં આશ્ચર્ય પામી ખુરશી પરથી સફાળી ઊભી થઈ અને ખુરશીને પાછળ ધક્કો મારીને દોડીને મયૂરને બાહો માં સમાવી લીધો.

ધરતી પર દુષ્કાળ નું મોજુ ફરી વળ્યુ હોય એવા સમયે ધરતી એક એક પાણીની બુંદ માટે તરસી રહી હોય ત્યારે અચાનક જ ધોધમાર વરસાદ વરસી જાય ત્યારે ધરતી ને જે તૃપ્ત લાગણીઓનો અનુભવ થયો હોય એવો જ એહસાસ આજે મીનાક્ષીને થઈ રહ્યો હતો.

ઓફિસમાં થોડીવાર સુધી સ્મશાન વત શાંતિ પથરાઈ ગઈ. બે માંથી કોઈ કશું બોલી નહોતા શક્યા. બંનેની આંખોમાંથી અશ્રુધારા વહી રહ્યાં હતાં. થોડી વાર ઓફિસમાં મૌનનું સામ્રાજ્ય સ્થપાયા પછી ધીરેથી મીનાક્ષીએ મયુરના હાથો ની પક્કડ છોડાવી મયૂરને પોતાનાથી થોડો દૂર ખસેડયો પછી પોતાના બંને નાજુક હાથોની મુઠ્ઠી વાળી મયુરની છાતી પર હળવા મુક્કા મારવા લાગી અને રડતા રડતા જ થોથવાતા સ્વરે કહેવા લાગી કે 'હું તારી સાથે નથી બોલતી જા! આવું તો કોઈ કરતું હશે તેની પ્રેમિકા સાથે! આટલા સમયમાં એક વાર પણ મને યાદ ના કરી! મને એકલી મૂકીને ક્યાં જતો રહ્યો હતો. હું તારા વગર નથી રહી શકતી મયુર! તને ખબર છે આટલા દિવસો મે કેમ પસાર કર્યા હતા! હવે તું મને વચન આપ કે આવી રીતે મને એકલી છોડીને ક્યાંય નહિ જા.' જાણે મીનાક્ષીએ મયૂરને માફ કરી દીધી હોય તેમ પાછો મયૂરને પોતાની બાહોમાં લઈ વચન માંગતા કહ્યું.

મયુરે પોતાના હાથની પક્કડ મજબૂત કરી પછી મીનાક્ષી ની પીઠને વહાલથી પસરાવી ત્યારબાદ મયુરે મીનાક્ષી ની આંખોના આંસુ પોછતાં કહ્યું કે ' હવે તું ચિંતા ના કર, હું તને એકલી મૂકીને ક્યાંય નહિ જાવ. હું તને હવેથી મારી નજરની સામે જ રાખીશ. હું તને મારી સાથે લેવા માટે જ આવ્યો છું.' એકસાથે આટલું બોલ્યા બાદ મયુર થોડો શ્વાસ લેવા માટે થંભી ગયો અને પછી મીનાક્ષીને ખુરશી પર બેસાડતા કહ્યું કે ' હવે તારી બધી અગ્નિ પરીક્ષાઓ પૂરી થઈ છે મેં મારા કામમાં સફળતા મેળવી છે.'

મયુરે મીનાક્ષીને પોતાની લુપ્ત અવસ્થાથી માંડીને પોતાના કામની સફળતા સુધીની બધી જ વાત વિગતે કહી સંભળાવી. ત્યારે મીનાક્ષીને લાગ્યું કે પોતે જેટલી તકલીફ વેઠી હતી એથી વધારે તકલીફનો સામનો મયુરે કર્યો હતો. મીનાક્ષીએ મયુરની સફળતાને બિરદાવી. પછી મયુર મીનાક્ષીને લઈને કેશુભાઇની મુલાકાત કરવા પહોંચી જાય છે.

મીનાક્ષી સાથે મયૂરને જોતા જ કેશુભાઈ ખુશ થઈ ગયા અને મીનાક્ષીને સંબોધતા કહ્યું " જો આવી ગયાને મયુરકુમાર, તું ખોટી ચિંતા કરતી હતી. મને તો ખબર જ હતી કે આ હીરો એક દિવસ ચમકીને જરૂર તને લેવા આવશે જ."

મયુર અને મીનાક્ષી કેશુભાઈને પગે લાગ્યા અને તેની બાજુની ખુરશી પર બંને બેઠા.

' શું થયું બેટા તમારા બિઝનેસ નું?' કેશુભાઇએ મયૂરને પૂછ્યું.

'બહુ વિચાર, વિમર્શ અને સરખામણી ના અંતે મારા ગામડે જે ૮૦૦ વીઘા જમીન હતી તેમાં જ ફૂલોની ખેતી શરૂ કરી દીધી છે કારણકે અત્યારે વિદેશમાં ફૂલોની બહુ ડિમાન્ડ છે. હાલ આપણે ઘણા વેપારીઓને વિદેશમાં ફૂલો વેચી રહ્યા છીએ. એમાં અત્યાર સુધીમાં નફો પણ ઘણો કમાયા છીએ. મને મારા આ નવા ધંધામાં સંતોષ છે. કોલેજ કાળમાં જ એક સ્વપ્ન સેવ્યું હતું કે મારી જાતે હું કંઇક કરીને બતાવિશ એ સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું .' મયુરે કેશુભાઈ નો પ્રત્યુતર વાળ્યો.

' મને ગર્વ છે તમારા પર, તમે જે ધારો છો તે કરીને બતાવી પણ દો છો. તમારા નવા કામ માટે ઢેર સારી શુભકામનાઓ અને ભગવાનને પ્રાર્થના કે તમને તમારા કામમાં ઉતરોતર પ્રગતિ કરાવે.' કેશુભાઈ થોડું અટક્યા અને બંનેના ચહેરા પર પ્રેમભરી નજર કરતા મયૂરને કહ્યું કે ' કુમાર હવે તમારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે હવે મને મારી જવાબદારીમાંથી મુક્ત કરાવો. હું તો ત્યારે જ મારી જવાબદારીમાંથી મુક્ત થવા માંગતો હતો જ્યારે તમે નવા બિઝનેસ ની શોધ માટે મારી પાસે પરવાનગી લેવા આવ્યા હતા પરંતુ ત્યારે તમારા અધૂરા સ્વપ્ન સાથે હું તમને કોઈ જવાબદારી સોંપવા નહોતો માંગતો એટલે જ ત્યારે તમને રોકી નહોતો શક્યો.'

' મુશ્કેલ સમયમાં તમે મીનાક્ષીને સાચવી લીધી એ માટે હું આપનો ઋણી છું.' મયુર હજુ આગળ બોલવા જતો જ હતો ત્યાં કેશુભાઇએ તેને અટકાવી ને કહ્યું કે ' મીનાક્ષી મારી દીકરી છે એની સંભાળ રાખવી એ મારી ફરજ છે એમાં તમારે આભાર માનવાની જરૂર નથી.' કેશુભાઈના શબ્દોમાં મીનાક્ષી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ વર્તાતો હતો.

'મીનાક્ષી મારા કારણે ઘણી દુઃખી થઈ છે પણ મારો ઈરાદો આગળના ભવિષ્યમાં એ ક્યારેય દુઃખી ના થાય એ જ હતો માટે જ મે આ પગલું ભર્યું હતું. પણ હું આપને વચન આપું છું કે હવે હું ક્યારેય મીનાક્ષીને દુઃખી નહિ કરું.' મયુર થોડીવારે કેશુભાઈ તરફ અને થોડીવારે મીનાક્ષી તરફ જોઇ ને કહી રહ્યો હતો તેની આંખોમાં અપરાધભાવ છલકાઈ રહ્યો હતો. તેણે પોતાની વાત આગળ વધારતા કેશુભાઈને કહ્યું કે ' આજે હું તમારી જવાબદારી પૂરી કરવા જ આવ્યો છું. તમે અત્યારે જ કોઈ ગોરબાપા ને બોલાવીને લગ્નનું મુરત કઢાવી આપો.' મયુરે પોતાની વાત પૂરી કરી.

કેશુભાઈ મયુરની વાત સાંભળીને રાજી થઈ ગયા. તેણે તરત જ ફોન કાઢીને કોઈ ગોરબાપા ને જલ્દી અહી આવવા માટે સૂચના આપી. થોડીવારમાં જ ગોરબાપા ખંભે થેલો લઈને અનાથાશ્રમ આવી પહોંચ્યા. કેશુભાઇએ કીધા પ્રમાણે અલગ અલગ મુરત જોયા જેમાંથી ૨૦ દિવસ પછીનું મુરત સૌથી વધુ સારું હોવાથી તે તારીખે લગ્ન રાખવાનું નક્કી કર્યું. મયુરે યથાયોગ્ય દક્ષિણા આપીને ગોરબાપાને રવાના કર્યા.

' લ્યો ત્યારે! હવે તમારે ૨૦ દિવસ જ જવાબદારીના રહ્યા.' મયુરે કેશુભાઈને મજાકના સ્વરમાં કહ્યું.

' હા બેટા, હવે મારા માથેથી બોજ હળવો થઈ જશે પરંતુ હવે પછી મીનાક્ષી ની બધી જ જવાબદારી તમારી છે જો કે મને વિશ્વાસ છે કે મીનાક્ષીને કોઈ પણ બાબતે ઓછું નહિ પડવા દો.' કેશુભાઇએ ભાવવિભોર થતાં મયૂરને કહ્યું.

' તમે નિશ્ચિંત રહો તમારો વિશ્વાસ હું ક્યારેય તૂટવા નહિ દવ.' આશ્વાસન આપતા મયુર બોલ્યો અને તે તેની ખુરશી પરથી ઉભા થતા કેશુભાઈને કહ્યું કે ' ચાલો તો હું હવે રજા લવ મારે હવે ગામડે જવું પડશે.'

' ના, આ વખતે તો હું તમને ક્યાંય નહિ જવા દવ. આમ પણ હવે લગ્નના ૨૦ દિવસ જ બાકી છે અને આ દિવસો તમારા માટે ભારે દિવસો કહેવાય. એટલે આટલા દિવસો તમારે મારી સાથે જ રહેવાનું છે. મહેરબાની કરીને મારું આ વેણ સાચવજો.' કેશુભાઈ પોતાનો હકક જતાવતા મયૂરને કીધું.

' પણ....' મયુર કંઇક બોલવા જતો હતો ત્યાં જ કેશુભાઇએ મયુરની વાત કાપીને રીતસરના આદેશ આપતા હોય એમ કહ્યું કે ' પણ બણ મારે કંઇ સાંભળવું નથી મે કિધુને કે અહી રહેવાનું છે એટલે રહેવાનું છે.'

ક્રમશઃ

પ્રમોદ સોલંકી

શું મયુર આટલા દિવસો અનાથાશ્રમમાં રોકાઈ શકશે?

શું મયુરના લગ્નમાં કોઈ વિઘ્ન આવશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏