Highway Robbery - 19 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 19

હાઇવે રોબરી 19

જાડેજા સાહેબ ને આજે આખો દિવસ દોડધામ રહી. બપોર પછી આખી ટીમ આવી. ફોટોગ્રાફરે અલગ અલગ એંગલથી ફોટા લીધા. એફ.એસ.એલ.ટીમે ફિગરપ્રિન્ટસ તથા બીજી જરૂરી ચીજો , બુટ અને મોટરસાઇકલના ટાયરના નિશાનની પ્રિન્ટ લેવાની કોશિશ કરી. પણ ફિંગરપ્રિન્ટ મળે એવું કશું હતું નહિ. ડોગ ટીમ પણ ખાસ કંઈ કરી ના શકી. ડોગ ત્યાં જ આજુબાજુ ફરીને થાકી ગયા. આખરે પચનામું કરી બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.
************************
જીવણને સતાંડવો જરૂરી હતો. કેમકે પોલીસ સ્નેહના નિવેદન પરથી પકડવા આવશે તો સૌથી પહેલા જીવણને જ પકડશે એ નક્કી હતું. જીવણે એનો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. જીવણ માટે પાણીની મોટી ત્રણ બોટલ અને થોડું ખાવાનું લઈ જીવણના ગામની બાજુમાં વહેતી નદીની સામેની બાજુ એક તૂટેલા મંદિરમાં સંતાડ્યો હતો. એને આજના દિવસની બધી જરૂરી વસ્તુ આપવામાં આવી. અને સૂચના આપવામાં આવી કે આજનો દિવસ એ અહી છુપાઈ રહે. કાલે એની વ્યવસ્થા કરવામાં આવશે.
*************************

રાઠોડ સાહેબે જીવણના ઘર પર તે ગામના સરપંચની મદદથી ચાંપતો બંદોબસ્ત કોઈને ખબર ના પડે તેમ ગોઠવ્યો હતો. જીવણના ઘર પર લૂંટના માલ માટે રેડ પાડવાની હતી. પણ જીવણ પકડાય તે જરૂરી હતું. નહિ તો તેના સાથીદારોને પકડવા મુશ્કેલ હતા.
***************************

રાતના દસ વાગ્યા. જીવણ છેલ્લા આઠ કલાકથી એકલો હતો.. પહેલીવાર તે આવી રીતે એકલો હતો.
છેલ્લા ત્રણ કલાકથી ચારે બાજુ અંધકાર વ્યાપી ગયો હતો. એ અકળાતો હતો. થોડું જમવાનું જમીને એ બેઠો હતો. તદ્દન નિરવ શાંતિમાં નદીના ખળખળ વહેતા પાણીની સાથે તમરાનો અવાજ વાતાવરણને અજબ ઓપ આપતો હતો. કોઈ સન્યાસી માટે આ સાધનાનું યોગ્ય સ્થાન બની રહેત. પણ જીવણ ક્યાં સન્યાસી હતો. એક નમ્બરનો વ્યસની. એને ઘર યાદ આવ્યું. ઘરવાળી યાદ આવી. રાત ના બાર વાગ્યા પછી એના ગામમાં તદ્દન શાંતિ રહેતી. એ સમયે આ જંગલમાં પડી રહેવા કરતાં ઘરે જવું સારું.
જો સ્નેહને કોઈ બીજા કારણથી પોલીસ લઈ ગઈ હોય તો અહી પડી રહેવાનો કોઈ મતલબ નથી. એને પ્રહલાદ અને જવાનસિંહ પર ગુસ્સો આવ્યો. કશું જોયા જાણ્યા વગર એને આ જંગલમાં મૂકી દીધો. પહેલા તપાસ તો કરવી જ જોઈએ ને. એને લાગ્યું કે પ્રહલાદ કે જવાનસિંહ એના કરતાં મૂર્ખા છે.
એણે મોબાઈલ ઓન કર્યો. અને સ્નેહને ફોન લગાવ્યો. સ્નેહના મોબાઈલમાં રીંગ વાગી. એણે ફોન જોયો. જીવણ... એને રાઠોડ સાહેબની ધમકી યાદ આવી. પોતે નિર્દોષ છે તે સાબિત કરવાનો મોકો હતો. એણે ફોન રિસીવ કર્યો.
' હલો સ્નેહ , હું જીવણ... '
' હા જીવણ બોલ. '
' કેમ છે ? '
' બસ મઝા. તું કેમ છે ? '
' અરે યાર આજે કંઈ તારી દુકાનમાં પોલીસ આવી હતી ? '
' હા યાર , કોઈ મારા ત્યાંથી ફોન લઈ ગયું હતું. અને કોઈ છોકરીને હેરાન કરતું હતું. એની તપાસ માટે પોલીસ આવી હતી. તું બોલ.. ક્યાં છે ? '
' બસ , થોડા કામથી બહાર હતો. હમણાં આવીશ ઘરે. '
' ઓકે. બોલ કંઈ કામ હોય તો. '
' ના , બસ ખાલી જ ફોન કર્યો હતો. '
' ઓકે.'
અને જીવણે ફોન કાપી નાખ્યો. જીવણને પ્રહલાદ અને જવાનસિંહ ઉપર ભયંકર ગુસ્સો આવ્યો. કંઈ જોયા જાણ્યા વગર અહીં જંગલમાં લાવી ને મૂકી દીધો. આમાં તો કોઈને ડાઉટ ના જતો હોય તોય જાય.
************************

જવાનસિંહનું મન બેચેન હતું. કોઈ અમંગળના એંધાણ એને વર્તાતા હતા. એણે વસંતને ફોન કર્યો. વસંત પણ આજની ઘટનાથી વ્યાકુળ હતો. વસંતે જવાનસિંહને ખેતરે બોલાવ્યો. અને રાધાને સમજાવી એ ખેતરે જવા નીકળ્યો. જતા પહેલાં એક નજર નંદિની અને લાલા પર નાખી. નંદિની અંદરના ઓરડામાં સૂતી હતી.
*************************
સ્નેહે રાઠોડ સાહેબનો નમ્બર કાઢ્યો. અને ફોન લગાવ્યો.
' સર , સ્નેહ હિયર. '
' બોલ. '
' સર , જીવણનો ફોન હતો. '
' ક્યાં છે એ અને કેમ ફોન કર્યો હતો ? '
' સર , એ ક્યાં છે એ તો નથી કહ્યું. પણ થોડી વારમાં ઘરે આવશે એમ કહેતો હતો. એણે એ જાણવા મને ફોન કર્યો હતો કે મને પોલીસ કેમ લઈ ગઈ હતી. મેં ભળતું બહાનું કાઢ્યું છે. '
' સરસ. '
' સાહેબ , હવે તો હું મુક્ત છું ને ? સર , હું આમાં કંઈ જાણતો નથી. '
' ઓકે. '
**************************
જવાનસિંહ ખેતરે પહોંચ્યો. કોઈ હતું નહીં. એણે સાયકલ પાર્ક કરી અને સિગારેટ સળગાવી. થોડીવારમાં વસંત મોટરસાઇકલ લઈને આવ્યો. વસંતે મોટરસાઇકલ પાર્ક કરી અને રૂમ ખોલ્યો. બે ખાટલા બહાર પાથર્યા. જવાનસિંહ એકમાં બેઠો. વસંતે પાણીના બે ગ્લાસ ભર્યા. એક ગ્લાસ જવાનસિંહને આપ્યો અને એ એક ખાટલા માં જઈ બેઠો. બન્ને વચ્ચે એક ભારેખમ વાતાવરણનું આવરણ થઈ ગયું.
' જવાન , જો સ્નેહ સીમકાર્ડમાં જીવણનું નામ આપશે. તો જીવણ પકડાશે. અને જીવણ પકડાશે તો.. '
' ગુરુ , ચિંતા ના કરશો. જીવણને આપણે ગાયબ કરી દઈશું. અને જીવણ પકડાશે તો પણ તમે ચિંતા ના કરતા. તમને કોઈ ઓળખતું પણ નથી. '
વસંત કંઇક અંશે આશ્વસ્થ થયો. બન્નેએ ખાટલામાં લંબાવ્યું. ઠન્ડો પવન આવી રહ્યો હતો. થોડી વાર વાત કરતાં કરતાં બન્ને સુઈ ગયા.
****************************
જીવણના ઘરની સામેના મહોલ્લાના રોડ ઉપરના ઘરમાં સાત મહેમાન આવ્યા હતા. સરપંચના અહેસાન નીચે દબાયેલ ઘરમાલિકને એ સાત મહેમાનોને આવકારવા સિવાય છૂટકો ન હતો.
*****************************

રાત્રે અગિયાર વાગે જીવણ આવ્યો. શેરીની બહાર સામેની બાજુ એક બુઝુર્ગ રોડની સાઈડમાં ખાટલામાં સૂતો હતો. જીવણને બાકી બધું બરોબર લાગ્યું. રોજની જેમ એ આવ્યો અને ઘરનો દરવાજો ખખડાવી ઉભો રહ્યો. દરવાજો ખુલ્યો અને જીવણ અંદર ગયો.
સામે ઉભેલા બુઝુર્ગે એક કોલ કર્યો. ઘરમાંથી બે માણસ નીકળ્યા અને જીવણના ઘરની પાછળની તરફ ગયા. અને ચાર માણસ જીવણના ઘરના મુખ્ય દરવાજે ગયા. એક માણસ એ ઘરની બારીમાંથી જીવણના ઘર અને આખા રસ્તાને પોતાની ગન નીચે આવરી લઈ બેઠો હતો.
જીવણના ઘરનું બારણું ખખડયું. જીવણ એક પળ થડકયો પણ એણે પૂછ્યું. ' કોણ ? '
' હું સ્નેહ.. '
જીવણ ને હાશ થઈ. એ ઉભો થયો. એણે બારણું ખોલ્યું. એ કંઈ સમજે એ પહેલાં ત્રણ માણસ વીજળી વેગે એના ઘરમાં આવ્યા. અને એના મોં ઉપર એક જોરદાર પ્રહાર થયો. એ ઉછળીને સામેના ખાટલામાં પડ્યો. એને લાગ્યું એના મોં માંથી લોહી નીકળે છે. લોહીની ખારાશ એના મોં માં આવી. ત્યાં એની ગરદન પર બીજો પ્રહાર થયો. અને એ બેહોશ થઈ ગયો.
પટેલે મીનીટોમાં આખું ઓપરેશન પૂરું કર્યું હતું. રાતની શરૂઆતમાં થયેલી આ ધમાલથી આજુબાજુના લોકો જાગી ગયા હતા. પણ કોઈને કોઈ મોકો મળે એ પહેલાં પટેલે જીપ મંગાવી. અને જીવણને જીપમાં નાખી રવાના થઈ ગયા. જીવણના ઘરની કે શેરીની બહાર ગામના લોકો વિરોધ કરે તો તેમને રોકવા સરપંચ ખુદ હાજર રહ્યા હતા...

( ક્રમશ : )

02 જૂન 2020