Highway Robbery - 23 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 23

હાઇવે રોબરી 23

રાતના અગિયાર વાગ્યા હતા. ખન્ડેર મંદિરની ચારે બાજુ એક દિવાલ હતી. એક જ દરવાજા માંથી અંદર પ્રવેશી શકાતું હતું. થોડું ચાલ્યા પછી મંદિર આવતું હતું. આજુબાજુની અમુક દિવાલ હજુ અકબંધ હતી. પણ મુખ્ય દરવાજા બાજુનો કેટલોક ભાગ તૂટી ગયો હતો. છતાં મંદિરમાં આવવું હોય તો એ દરવાજામાં થઇને જ આવવું પડે એમ હતું. મંદિરની બાજુમાં બે રૂમ પણ તૂટેલી હાલતમાં હતી. એમાં એક રૂમની હાલત કંઇક ઠીક હતી. પણ એથી વિશેષ એ રૂમ માંથી મંદિરના તૂટેલા દરવાજા તરફ નજર રાખી શકાય તેમ હતી. જવાનસિંહે એ રૂમ નો આગળ નો ભાગ જેમ હતો એમ જ રાખ્યો હતો. જેથી બહારથી કોઈ આવે તો એમને ડાઉટ ના જાય. પણ અંદરની બાજુ થોડી સફાઈ કરી , સુઈ શકાય તેવી વ્યવસ્થા કરી હતી. સાંજે વસંત બે થેલા ભરી સામાન આપી ગયો હતો.
દસ વાગે થોડું જમીને જવાનસિંહ પાતળા બિસ્તર પર થેલાનું ઓશીકું બનાવીને આડો પડ્યો હતો. પાણીના બે કેરબા અને ઘણો બધો નાસ્તો હતો. હાલ ત્રણ ચાર દિવસ કોઈ પ્રોબ્લેમ થાય તેમ ન હતો. ફક્ત જરૂર પડે તો પાણી નદી માંથી લાવવું પડે તેમ હતું. અને નદી કોઈ એટલી દૂર ન હતી. મુખ્ય દરવાજાથી જમણી બાજુ 900 થી 1000 મીટર પર નદી એ પહોંચી જવાય તેમ હતું.
મંદિરમાં ઠેર ઠેર ઘાસ અને નાના છોડવા ઊગી આવ્યા હતા. ફક્ત ક્યારેક આવતા લોકોને કારણે મુખ્ય દ્વારથી મંદિર સુધીની પગરવાટ ચોખ્ખી હતી.
એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં આ મંદિરમાં રહેતા પૂજારીની હત્યા થઈ હતી. ત્યારબાદ ઘણા પૂજારી આવ્યા. પણ કોઈ ટક્યું નહિ. આખરે આ મંદિરની ગણના શાપિત ભૂતિયા મંદિરમાં થવા લાગી. ક્યારેક કોઈ દિવસે મંદિર જોવા આવતું. પણ સંધ્યા પછી કોઈ આવવાની હિંમત કરતું નહિ. એટલે જવાનસિંહ અત્યારે કોઈ આવશે એ બાબતમાં તદ્દન ભય વગરનો હતો.
ઘાસ અને છોડવાઓને કારણે ત્યાં ભયંકર પ્રમાણમાં મચ્છર હતા. વસંત મચ્છર અગરબતીના ચાર પેકેટ , માચીસનું એક પેકેટ , એક ટોર્ચ વગેરે ઘણું આપી ગયો હતો. જવાનસિંહે બે મચ્છર અગરબતી સળગાવી મૂકી હતી. ત્યારે મચ્છરથી એને રાહત મળી હતી. તમરાઓના અવાજ વાતાવરણને ભયાનક બનાવતા હતા. ક્યાંય સુધી જવાનસિંહે ઊંઘવાની કોશિશ કરી , પણ એને ઉંઘ આવતી ન હતી. મોડી રાત્રે જવાનસિંહ થાક્યો અને એને ઉંઘ આવી..
************************
વસંતને ખબર હતી , એ આખા દિવસનો થાક્યો છે તો પણ એને આજે ઉંઘ નહિ આવે. એ ઉંઘની ગોળી લઈને સુઈ ગયો. એને વિચાર આવતો હતો, ખબર ન હતી કે કાલ કેવી જશે. એટલે સુઈ જવું જરૂરી હતું. થોડીવારમાં એને ઉંઘ આવી ગઈ. છતાં સવારે ચાર વાગે એની આંખ ખુલી ગઈ. એ પોતાને સ્વસ્થ અનુભવ કરતો હતો. એ અંદરના રૂમમાં ગયો.
નંદિની અને લાલો સાથે સુતા હતા. નંદિની પોતાની વ્હાલી બહેન , જેના માટે પોતે કેટલા સ્વપ્નાં જોયા હતા. અને લાલો પોતાનો ઘોડિયામાં રમતો પુત્ર.શું થશે ? ભારે હૈયે એ બાજુના રૂમમાં ગયો. રાધા હજુ સૂતી હતી. એ પાંચ થી સાડા પાંચમાં ઉઠતી. એના રૂપાળા મુખ પર આવેલી લટ એને વધારે સુંદર બનાવતી હતી.
એ મુખ્ય રૂમમાં આવ્યો. ધીમા અવાજે એણે ટી.વી. ચાલુ કર્યું. સ્થાનિક ન્યુઝ ચેનલ ચાલુ કરી. વર્તમાન સમયની આ વિશેષતા હતી કે ચોવીસ કલાક ટી.વી.ની ચેનલો ચાલુ રહે છે. નહિ તો સમાચાર જાણવા માટે રાહ જોવી પડતી. ન્યુઝ ચેનલ પર થોડીવાર પછી આંગડીયા પેઢી લૂંટ કેસના ન્યુઝ આવ્યા. પોલીસ તરફથી કોઈ સમાચાર નહોતા. પણ ન્યુઝ વાળા જીવણ , રઘુ , પ્રહલાદ અને જવાનસિંહના ફોટા બતાવી રહ્યા હતા. જવાનસિંહ ફરાર હતો. અને બીજા આરોપીઓની તપાસ ચાલુ છે એમ કહેવામાં આવતું હતું. પોલીસ એક જ વાક્ય કહેતી હતી કે ટૂંક સમયમાં બધા ગુનેગારો પકડાઈ જશે.
વસંતને વિચાર આવ્યો કે કદાચ પોતે પકડાઈ જાય તો ? તેણે ખૂબ વિચાર કર્યો અને પાછળ વાડામાં સતાંડેલા રૂપિયાની બેગ કાઢી એમાંથી થોડા રૂપિયા કાઢી અને તૈયાર કરી ખાટલા નીચે મૂક્યાં...
***************************

સવારે આઠ વાગે ઘરેથી વસંત નીકળ્યો. અને ખેતરમાં જઇ, રૂમ ખોલી ને બેઠો. બહાર બોરનું પાણી ખેતરમાં જતા પહેલા એક ટાંકીમાં જતું હતું. એની બાજુમાં એક ઊંડો ખાડો ખોદી. બેગ પર એક પ્લાસ્ટીક વીંટી , ખાડામાં દબાવી. ઉપર માટી નાખી , બે પથ્થર ગોઠવી દીધા. રૂમમાં જઇ એક ડાયરી લઈને એ બેઠો. ડાયરી લખાતાં લખતાં એની નજર સામે આશુતોષ આવી ગયો. આશુતોષની પાછળ નંદિનીનો ચહેરો દેખાયો. અને પોતાના તૂટતા સ્વપ્નાં સામે આવી ગયા. એની આંખમાં પાણી આવી ગયા. જેમ તેમ કરી એણે ડાયરી પૂરી કરી અને મોટરસાઇકલ લઈ રેલવે સ્ટેશન તરફ ગયો.
****************************
રાઠોડ સાહેબે સ્કેચ આર્ટિસ્ટ ને બોલાવ્યો હતો. જીવણ અને પ્રહલાદને અલગ અલગ રાખી સરદારજીનો સ્કેચ બનાવવાનું ચાલુ કર્યું હતું. શરૂઆતમાં બન્નેના સ્કેચમાં થોડો તફાવત આવતો હતો. પણ લગભગ ચોવીસ કલાકની મહેનતને અંતે એક ફાઇનલ સ્કેચ તૈયાર થયો. જીવણ અને પ્રહલાદ બન્નેનું કહેવું એમ હતું કે સરદારજી આ સ્કેચ જેવો જ દેખાતો હતો.
રાઠોડ સાહેબે એ સ્કેચ ધ્યાનથી જોયો. અને સૂચના આપી કે આના ઉપરથી બીજા ત્રણ સ્કેચ તૈયાર કરવામાં આવે. એક.. સરદારજીની પાઘડી કાઢી , દાઢી મૂછ સાથેનો સ્કેચ તૈયાર કરવામાં આવે. બીજો , દાઢી અને પાઘડી વગરનો ફક્ત મૂછો સાથેનો સ્કેચ બનાવવામાં આવે અને ત્રીજો પાઘડી , દાઢી , મૂછ , ગોગલ્સ વગરનો ફોટો બનાવવામાં આવે....
*************************
રાઠોડ સાહેબની જેમ જ નાથુસિંહ અને દિલાવરને જવાનસિંહના ગાયબ થવાનું આશ્ચર્ય હતું. એટલી વારમાં એ ક્યાં ગાયબ થઈ ગયો હશે ? બધાને એટલો અણસાર હતો કે પ્રહલાદની ધરપકડ પહેલાં ચારે બાજુ નાકાબંધી થઈ ગઈ હતી. એટલે એ બહાર ગયો હોય એવી શક્યતા ખૂબ ઓછી હતી. છેલ્લા ઘણા સમયથી જવાનસિંહનો ફોન બંધ આવતો હતો. અને ફોન બંધ થવાનો એરિયા નાકાબંધીની અંદર હતો. એટલે રાઠોડ સાહેબે નાકાબંધી કડક બનાવી રાખી હતી. પણ હજુ કોઈ સગડ મળતા ન હતા.
રાઠોડ સાહેબને સરકારી પીઠબળ હોવા છતાં એમને કેટલીક મર્યાદા ઓ નડતી હતી. પણ દિલાવરને એવી કોઇ મર્યાદા નડતી ન હતી. દિલાવરે એની બહુ મોટી ફોજ એ એરિયામાં તૈયાર રાખી હતી. ચારે બાજુ એણે એના માણસોની જાળ બિછાવી રાખી હતી.
નાથુસિંહ એ એરિયાની હાઇવે પરની હોટલમાં ઉતર્યો હતો. એની બધી વ્યવસ્થા દિલાવરે કરી હતી. દિલાવરને નાથુસિંહની વિશ્લેષણ શક્તિ પર અજબ વિશ્વાસ હતો.
દિલાવરના બધા માણસો નાથુસિંહના પ્લાન અને આદેશ પ્રમાણે કામ કરતા હતા. નાથુસિંહને માહિતી મળી કે જવાનસિંહ જ્યારે જેલમાં હતો ત્યારે અને જેલ માંથી છૂટ્યો ત્યારે પણ વસંત નામના કોઇ મિત્ર એ ખૂબ મદદ કરી હતી. તેના મનમાં વસંત માટે પણ કેટલીક શંકાઓ આવી. અને એનું મગજ એ બાબતમાં પણ કંઇક વિચારી રહ્યું હતું...

( ક્રમશ : )

09 જૂન 2020