Highway Robbery - 25 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 25

હાઇવે રોબરી 25

રાઠોડ સાહેબે રોય સાહેબ સાથે વાત કરી , સ્ટેટ પોલીસની મદદથી આખા એરિયા ની નાકાબંધી કરાવી દીધી હતી. જે એરિયામાં જવાનસિંહનું ઘર હતું અને જ્યાં જવાનસિંહનો ફોન સ્વિચ ઓફ થયો હતો એ એરિયા અને સરદારજીના ફોનનો એરિયા નજીક નજીક જ હતા. એ આખા એરિયામાં કડક બંદોબસ્ત હતો. બહાર જતા તમામ વાહનો અને શંકાસ્પદ માણસોને ચેક કરવામાં આવી રહ્યા હતા.
જવાનસિંહના મિત્રોની ખૂબ જ ઝીણવટ પૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી હતી. જવાનસિંહના મોટાભાગના મિત્રો ગુન્હા સાથે સંકળાયેલા હતા. એટલે એ લોકો બને ત્યાં સુધી આ વાતથી દુર રહેવા માંગતા હતા. પણ ગામવાળાની પૂછપરછમાં એક વાત બહાર આવી કે જવાનસિંહ જ્યારે જેલમાં હતો ત્યારે કોઈ વસંત નામના વ્યક્તિ એ એને ખૂબ મદદ કરી હતી. રાઠોડ સાહેબે , પટેલને આ વસંતની તપાસ કરવાની સૂચના આપી. પટેલ સરદારજીના ફોટોગ્રાફ સાથે ઓફીસથી વસંતના ગામ તરફ રવાના થયા...
***************************
જવાનસિંહને એક વિચાર આવ્યો. જો આવામાં વસંત અહીં આવી જશે તો? તો એ ફસાઈ જશે... ના, કંઇક કરવું પડશે.
એણે ગજવા માંથી ફોન કાઢ્યો. ફૂલ ચાર્જ કરેલ ફોન ઓન કર્યો. હજુ 60 % બેટરી હતી. ફોન સાઈલન્ટ મોડ પર કરી એણે વસંતને ફોન કર્યો...
' હેલો. '
' ગુરુ, આ બાજુના આવતા. મંદિર પર કેટલાક લોકો તપાસ કરવા આવી ગયા છે. '
' તું સલામત છે ? '
' હા , હું સલામત છું. '
' પોલીસ છે ? '
' એ ખબર નથી પડી. પણ તપાસ મારી જ થતી લાગે છે. '
' તું ધ્યાન રાખજે. કંઈ જરૂર હોય તો ફોન કરજે. '
' હા , તમે પણ કંઈ હોય તો ફોન કરજો. મારો ફોન ઓન જ છે. '
' ના , તું સ્વિચ ઓફ કરી દે. '
' ના ગુરુ , તમને સલામત ના જોઉં ત્યાં સુધી ચાલુ જ રાખીશ. '
અને જવાનસિંહે ફોન કાપી નાખ્યો..
જવાનસિંહ નાથુસિંહ તરફ બરાબર ધ્યાન રાખીને બેઠો હતો. દસેક માણસની સાથે એક માણસ ધીમેથી નાથુસિંહની પાસે આવ્યો. નાથુસિંહે પાંચ માણસ મંદિરની પાછળની બાજુથી નદી તરફ જઈ મંદિરના દરવાજા અને નદીની વચ્ચેની તરફ મોકલ્યા. એ લોકો જવાનસિંહના ઘણા જ નજીક હતા. એ લોકોનો વિચાર અગર જવાનસિંહ ભાગવાની કોશિશ કરે તો પકડવાનો લાગ્યો. આ બાજુ માણસો આવી ગયા પછી એમાંથી એક માણસે કોલ કર્યો. કોલ કનફાર્મ કરી નાથુસિંહ મંદિરના દરવાજા તરફ આગળ વધ્યો. બે માણસ હથિયાર વગર મંદિરમાં ફરવા જતા હોય તેમ અંદર ગયા.નાથુસિંહ બીજા બે માણસની સાથે મંદિરના દરવાજામાં છોડવાઓને સહારે આડો પડી દરવાજાની અંદર ઘૂસ્યો. એક માણસ દરવાજામાં જ સાઈડમાં છુપાઈને ઉભો રહ્યો. દરવાજામાંથી બધા પેલા બે ને કવર આપતા દરવાજામાં તૈયાર હતા...
બે માણસ અંદર ગયા. સામાન્ય વ્યક્તિની જેમ તેમણે દર્શન કર્યા. અને કોઈ ઉત્સુક વ્યક્તિની જેમ બન્ને માંથી એક વ્યક્તિ દરેક રૂમમાં ગઈ , બીજો વ્યક્તિ બહાર ઉભો રહ્યો. બન્ને રૂમ ખાલી હતા. એક રૂમમાં થોડો સામાન પડ્યો હતો. બન્ને જણે મળીને આખું મંદિર ફેંદી નાખ્યું. કોઈ ન હતું...
બન્ને નાથુસિંહ પાસે ગયા. નાથુસિંહને આઘાતની સાથે આશ્ચર્ય થયું.. પોતાની , એક પોલીસ ઓફિસરની નજરથી કોઈ વ્યક્તિ કેવી રીતે છટકી શકે ? મદન મનમાં વિચારતો હતો સારું થયું એ રોકાયો ન હતો. નહિ તો એણે નાથુસિંહના ગુસ્સાનો ભોગ બનવું પડત...
************************
પટેલ વસંતના ગામમાં પહોંચ્યા. વસંતનું ઘર પૂછી, વસંતના ઘરે ગયા. ઘર બહાર જીપ ઉભી રાખી નીચે ઉતર્યા. નાનકડા ગામમાં પોલીસ જીપ કોઈક વાર જ આવતી હતી. થોડા નાના છોકરાઓ ટોળે વળ્યાં હતા. મોટા લોકો દૂરથી જ ગુસપુસ કરતા ઉભા રહ્યા હતા. પટેલ અને એમનો સ્ટાફ વસંતના ઘર આગળ જઇ ઉભા રહ્યા. મુખ્ય દ્વાર બંધ હતું....
એક કોન્સ્ટેબલે દરવાજો ખખડાવ્યો. રાધાએ બારણું ખોલ્યું. નંદિની અંદર ઝાડ નીચે ખાટલામાં બેસી વાંચતી હતી. લાલો ઘોડિયામાં સૂતો હતો...
' મી. વસંતનું ઘર આ જ છે ? '
' હા , પણ તમે કોણ ? '
' અમે ક્રાઇમ પોલીસ છીએ. વસંત ક્યાં છે? તમે કોણ છો ? '
' એ તો એમના કોઈ મિત્રના ત્યાં ગયા છે. હું એમની પત્ની. પણ એમણે કહ્યું નથી કોના ઘરે ગયા છે. '
વસંત હમણાંથી કોઈને કોઈ બહાને ઘરથી દુર રહેતો હતો. કોઈ અજ્ઞાત ડર એને સતાવતો હતો..
પટેલે જવાનસિંહનો ફોટો રાધા આગળ ધરી પૂછ્યું. ' આમને ઓળખો છો ? '
રાધાએ ફોટો હાથમાં લઇ જોયો. ' હા , આ તો જવાનસિંહભાઈ છે. '
પટેલને આદેશ હતો સરદારજીનો ફોટો વસંત જોડે ચેક કરવાનો. પણ એનું અંતરમન આ માટે તૈયાર ના થયું. રાધાનો માસૂમ ચહેરો અને ઘરનું સાદું વાતાવરણ જોઈ એનું મન ભરાઈ આવ્યું. જો સરદારજી આ વસંત જ હશે તો ? તો આ ઘર પર શું વીતશે ? એણે નક્કી કર્યું ગામમાં કોઈને પૂછશે , પણ આ ભોળા ઘરને હાલ તકલીફ નથી આપવી...
પટેલ જીપ લઈને બહાર નીકળ્યા. પટેલ સરદારજી ના એડિટ કરેલા ફોટા સાથે લાવ્યા હતા. બહાર એક પાનના ગલ્લે કેટલાક જુવાનિયાઓ ઉભા હતા. એક કોન્સ્ટેબલ એમને બોલાવી લાવ્યો. પટેલે એક એકને વારાફરતી નજીક બોલાવી સરદારજીના ફોટા એમની સામે ધર્યા. બધા એ દાઢી , મૂછ , પાઘડી વગરના ફોટાને વસંત જેવો લાગતો હોવાનું કહ્યું.
સી.સી.ટી.વી.ના ફૂટેજ અને જીવણ અને પ્રહલાદના બયાન ના આધારે એક અનુમાન એ હતું કે આરોપીઓ લગભગ પાંચ છે. પાંચમો આરોપી ઓળખાઈ ગયો. હવે એ છેલ્લા બે આરોપી પકડવાના બાકી હતા...
પટેલે જીપ ગામ બહાર ઉભી રખાવી. અને રાઠોડ સાહેબને કોલ કર્યો...
' સર , વસંત જ સરદારજી છે.પણ હાલ એ ઘરે નથી. ઘરે કોઈને ખબર નથી કે એ ક્યાં છે. '
' પટેલ ત્યાં જ રહો , હું આવું છું. ત્યાં સુધી તપાસ કરો , વસંત ક્યાં હોઈ શકે. એના મિત્રોને પૂછો. હું આવું પછી એના ઘરે તપાસ કરીએ છીએ. '

*****************************

વસંતને હવે એક ડર લાગતો હતો. બધું ફુલપૃફ હતું છતાં પણ પોલીસ જવાનસિંહ સુધી પહોંચી ગઈ હતી. એને એ ખબર ના પડી કે ભુલ ક્યાં થઈ હતી. જવાનસિંહ કહેતો હતો કે એ મરશે પણ પોતાનું નામ નહિ આપે. પણ વસંતને એમ થતું હતું કે પોલીસ કદાચ જવાનસિંહ ને પકડ્યા વગર પોતાના સુધી પહોંચી જાય તો ? ના , પોતે પોલીસના હાથમાં પકડાવા નહોતો માગતો. એના કરતાં મરી જવું સારું. એટલે જ એ બને ત્યાં સુધી ઘરથી દુર રહેતો હતો..
એ દોસ્તના ઘરે જવાના બહાને હાઇવે પર જઈ , ખાવાનું લઈ , અંધારું થાય એટલે ખેતરમાં આવી જતો હતો. અને ખાટલો લઈ ઓરડીથી બિલકુલ દૂર એક ઝાડ પાછળ સુઈ જતો હતો. એની ઉંઘ પણ ઓછી થઈ ગઈ હતી. સવારે ઉઠીને દૈનિક ક્રિયા પતાવી ક્યાંક અજાણ્યા સ્થળે જઇ બેસી રહેતો હતો.

એના મોબાઇલ માં રીંગ વાગી. રાધાનો ફોન હતો...
' હેલો. '
' ક્યાં છો તમે ? '
' કેમ , શું થયું ? ' વસંતનો સ્વભાવ થોડો ચીડિયો થઈ ગયો હતો.
' પોલીસ આવી હતી. જવાનસિંહ ભાઈનું પૂછવા આવી હતી. '
' હા , હું ઘરે જ આવું છું તું ફોન મુક. '
રાધાનો ફોન ચાલુ હતો ત્યારે જ એક કોલ આવી રહ્યો હતો. પ્રફુલ , ગામના પંચાતીયાનો ફોન હતો.
' હેલો. '
' વસંત , આ પોલીસવાળા તમારો અને એક સરદારજીનો ફોટો લઈ ગામમાં પૂછતાછ કરે છે. શુ થયું છે ? '
વસંતની જબાન લડખડાતી હતી. પણ માંડ સ્વસ્થતા રાખી એ બોલ્યો.
' અરે કંઈ નહીં, હું ત્યાં જ આવું છું. પોલીસ ક્યાં છે ? '
' અહીં ગામમાં જ છે. '
' ફોન મુક , હું ત્યાં જ આવું છું.. '
(ક્રમશ:)

12 જૂન 2020