Highway Robbery - 36 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 36

હાઇવે રોબરી 36

વસંત બનારસના અલગ અલગ એકાંત સ્થાનોમાં ફરતો રહ્યો. દિવસમાં એકાદ વાર કોઈ આશ્રમમાં જઇ જમી આવતો. દાઢી અને માથાના વાળ વધી ગયા હતા. એક આશ્રમમાં કોઈ તિથિ નિમિતે થયેલા જમણવાર પછી ભગવા કપડાં પણ મળ્યા હતા
એક દિવસ એક આશ્રમમાં પ્રવાસીઓ માટે મુકેલા અરીસા સામે એ ઉભો રહ્યો. વાળમાં સફેદીની ચમક દેખાતી હતી. તૂટેલા સ્વપ્નાં જોતી આંખો થોડી ઉંડી ઉતરી હતી. એ પોતાની જાતને ઓળખી ના શક્યો. ચહેરા પરની યુવાનીનું સ્થાન પરિપક્વતા એ લઈ લીધું હતું. હમેશા નદીના વહેતા સ્વચ્છ નીરમાં પોતાના ગુન્હાને ધોવાના એના પ્રયત્ન એ ગુન્હા તો ધોયા નહોતા , પણ વસંતના શરીર પર સ્વચ્છતાનું એક આવરણ જરૂર ચડાવ્યુ હતું. જે એના સાધુપણાને બરાબર નિર્દેશિત કરતું હતું.
આજે એ એક આશ્રમની ભોજનશાળામાં પહોંચ્યો. પણ આયોજકો કંઇક અવઢવમાં લાગ્યા. સહજ પૃચ્છામાં જાણવા મળ્યું કે રસોઈ કરનાર બે સેવકો બહારગામ ગયા હતા. અને એક સેવક બીમાર થઈ ગયો હતો. એક રસોઈ કરનાર હતો. એટલે અડધી રસોઈ થઈ હતી. થોડી અવ્યવસ્થા સર્જાઈ હતી.
વસંત આયોજકો પાસે હાથ જોડી ઉભો થઇ ગયો. આયોજકો એને જોઈ રહ્યા. આશ્રમના રસોઈ કરનારને મદદ મળી ગઈ. ફટાફટ રસોઈ થઈ ગઈ.
આ કામમાં વસંતને ખૂબ મોડું થઈ ગયું હતું એને આશ્રમમાં જ સુવાની સગવડ મળી. ઘર છોડ્યા પછી આજે એ પહેલી વાર કોઈ છત નીચે , કોઈ વ્યવસ્થિત પથારી પર , કોઈના કહેવાતા આશ્રય સ્થાન પર સન્નમાનીત રીતે સૂતો હતો. કામળો ઓઢી એ આડો પડ્યો...
દેહ માત્ર કંઇક માંગે છે. એની જરૂરિયાતો હોય છે. ફક્ત દેવો કે સંતોને કદાચ એવી જરૂરિયાતો નહિ હોય. પણ વસંત સંત નહોતો. સામાન્ય માણસ હતો. ઘરે ઠન્ડીમાં અડધી રાત્રે રાધા ઉઠી એને કામળો ઓઢાડતી. આજે એનું કોમળ મુખડું ઠપકો આપતું દેખાતું હતું. મને મૂકી ને ચાલ્યા ગયા ? એના ખોળામાં રમતો લાલો એના વાળ ખેંચતો હતો. રેલવે સ્ટેશનેથી ટૂંકા રસ્તે આવતા ગભરાતો આશુતોષ યાદ આવ્યો. અને એને અમિનેષ નયને તાકી રહેતી નંદિની આંખોમાં આંસુ લઈ દોડતી આવતી હતી. એની આંખમાં આંસુ આવ્યા.
પોલીસ એને શોધતી અને ' ગુરુ તમને કંઈ નહીં થવા દઉં ' એમ કહેતો જવાનસિંહ દોડી ને વચ્ચે આવી જતો.
વસંત પડખું ફર્યો. એક વૃક્ષ એના મૂળિયાંથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે એમ વસંત માટે યાદ આવેલા આ તમામ લોકો એના મૂળિયાં સમાન હતા. એમના વગર એનું અસ્તિત્વ ન હતું. પણ એમના બધાથી દુર રહેવું એ એની મજબૂરી હતી.
કાશ, આશુતોષ એના ખજાના સુધી પહોંચી જાય. અને એનું સ્વપ્ન પૂરું થાય. એ વિચારતો રહ્યો. અને વિચારતા વિચારતા એ સુઈ ગયો. રાધાથી દુર , નંદિનીથી દુર ... એકલો.. હતાશ.. નિરાશ.. તૂટેલા સ્વપ્ન સાથે... એ સ્વપ્ન આશુતોષ પૂરું કરે એ સ્વપ્ન સાથે.....
ક્યારેક મનમાં ઈચ્છા થતી હતી કે ઘરે ફોન કરું. રાધા સાથે , નંદિની સાથે વાત કરું પણ મન જાણતું હતું કે બધાના ફોન પર પોલીસની નજર હશે. અને પોતે એ જોખમ લેવા માગતો ન હતો.

**************************
થાળીમાં પડેલા ચમકતા પથ્થરોને રાધા અને નંદિની જોઈ રહ્યા. એમના માટે વસંત એમનો હિરો હતો અને એ ગાયબ હતો.
' ભાભી , આ તમારી અમાનત છે. વસંત તમારા માટે મૂકીને ગયો છે. '
' આ અમારા માટે નથી , તમારા માટે છે. નંદિનીના ભાઈને આની જરૂર કેમ પડી ? તમારે કરોડપતિની દીકરી જોઈતી હતી. '
નંદિની ઉભી થઇ અંદરના રૂમમાં જતી રહી.
આશુતોષની આંખોમાં આંસુ આવી ગયા.
' બસ ભાભી બસ , હું જ ગુન્હેગાર છું. મારે આ નહોતું જોઈતું. મારા કંગાળ ઘરમાં નંદિની ખુશ ના રહેત. માટે એ તો એક બહાનું માત્ર હતું. પણ શું કરું? મારા પાપનું પ્રાયશ્ચિત શું કરું? '
' એકવાર .... એકવાર બે મિત્રો મન ખોલીને વાત કરતા. તમે ત્રણ જણ... તમે ત્રણ જણે મને અંધારામાં રાખી. તમે , તમારા દોસ્તે અને નંદિની એ... નહિ તો હું કંઇક કરત. જાઓ.. જાઓ નંદિની જોડે... અને તમારા મિત્રના સ્વપ્નને પૂરું કરો... અને આ ચમકતા પથ્થર પણ લઈ જાવ. તમારે નંદિનીને ખુશ કરવી હતી ને ? આનાથી ખુશ કરજો. '
અને રાધા ભાભીએ કોથળીમાં હીરા ભરી આશુતોષના હાથમાં મૂકી દીધી.
' ભાભી , તમારા કે નંદિની પર છાંટા ઉડાડે એવી વસ્તુ હું રાખવા નથી માંગતો. હું એ જેની હશે એને આપી દઈશ. '
' તમારા ભાઈની ઈચ્છાનું શું ? '
' નંદિની હા પાડશે તો એમ જ એને સ્વીકારીશ. '
આશુતોષ ઉભો થયો. અંદરના રૂમમાં નંદિની બેઠી હતી.
' નંદિની... '
નંદિની કંઈ પણ બોલ્યા વગર બેઠી રહી...
' નંદિની હું તારો ગુનેગાર છું. મને ખબર નહતી કે વસંત આ હદ સુધી જશે. '
નંદિની ચુપચાપ બેઠી હતી. આંસુ આંખોની પાળ પર રોકી ને....
' નંદિની ફરી એકવાર મારું તૂટેલું ખોરડું જોઈ લે. જો તારી હા હોય તો તારું એમાં સ્વાગત છે. '
અને આંખોની પાળ પર રોકેલા આંસુ પાળ તોડી વહેવા લાગ્યા....
' જ્યારથી સમજતી થઈ ત્યારથી એ ખોરડું જોયું છે. અને પોતાનું ઘર જેવું હોય એવું વ્હાલું છે. '
આશુતોષ આગળ વધ્યો. બે હાથે એનો ચહેરો ઉંચો કર્યો. બન્નેના નયન મળ્યા. એક થયા.. વર્ષોની તપસ્યા પૂરી થઈ... આશુતોષ એ ગભરુની આંખના આંસુ લૂછતો રહ્યો.....

*****************************

સવારે વસંત વહેલો ઉઠ્યો. અને નિત્યક્રમ પતાવી રસોડામાં પહોંચી ગયો. સહાયક રસોઈ કરનારની મદદથી એણે રસોઈ ચાલુ કરી.
બહાર સતસંગ ચાલુ થઈ ગયો હતો. એના કાનમાં એ અમૃતવાણીનો રસ ઉતરી રહ્યો હતો. પણ એ કર્મનિષ્ઠ વ્યક્તિ હતો. એને કેટલા સમયે કામ મળ્યું હતું. કર્મ એની પૂજા હતી. અને પૂજ્યભાવથી થયેલી રસોઈમાં ભગવાનનો વાસ હોય. એ રસોઈ બનાવતો રહ્યો અને એની સુગંધ બહાર સુધી ફેલાઈ રહી. આયોજકોને રસોઈઘરમાં આંટો મારવાનું મન થયું.
પહેલી થાળી લઈ વસંત ભગવાનને ધરાવી આવ્યો. અને આગંતુકોને જમવા બેસાડ્યા. રસોઈની મહેક છેક મહારાજ સુધી ગઈ. અને વસંતને આશ્રમમાં આગ્રહપૂર્વક સન્નમાનિત સ્થાન મળ્યું...

( ક્રમશ : )
7 જુલાઈ 2020