Highway Robbery - 46 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 46

હાઇબે રોબરી 46

હોસ્પિટલના પાર્કિંગમાં જીપ પાર્ક કરી રાઠોડ અને પટેલ હોસ્પિટલમાં પ્રવેશ્યા. રાઠોડ સાહેબે કોઈ કોન્સ્ટેબલનો શર્ટ પહેર્યો હતો. જે થોડો ઢીલો પડતો હતો. પોલીસને જોઈને હોસ્પિટલનો સ્ટાફ વિવેકી થઈ ગયો. રીસેપનિસ્ટે રૂમ નમ્બર બતાવ્યો.
રૂમની બહાર નિરવ, રાધા, સોનલના બાપુજી બેઠા હતા. સોનલ અને નંદિનીને ખાસ કોઈ ઇજા ન હતી. સામાન્ય મારની ઇજા હતી. બે ત્રણ દિવસમાં સારું થઈ જાય એમ હતું. ડોકટરે દવા આપી હતી. નંદિની ખૂબ જ ઉત્પાત કરતી હતી. એટલે ડોકટરે એને ઇન્જેશન આપી સુવડાવી દીધી હતી. આશુતોષનું ઓપરેશન પતી ગયું હતું. એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઓક્સિજન ચાલુ હતો.
રાઠોડ ડોકટરને મળ્યા. પોતાની ઓળખાણ આપી.
' આઈ એમ ડી.વાય.એસ.પી. ક્રાઇમ બ્રાન્ચ. મી. રાઠોડ. '
' વેલકમ. મી.રાઠોડ. વોટ કેન આઈ ડુ ફોર યુ. '
' આશુતોષ કેમ છે ? '
' ઘા ખૂબ ઊંડો છે. ભરાતા સમય લાગશે. પણ લોહી ખૂબ વહી ગયું છે. કદાચ લોહીની જરૂર પડશે. મી. નિરવ તો એક બોટલ આપવા તૈયાર છે.'
' ડોકટર એની ચિંતા ના કરશો. હું લોહી આપીશ અને મારા મિત્રોની લાઈન કરી દઈશ. પણ એને કંઈ થવું ના જોઈએ. એ મારા મન મારા ભાઈ જેવો છે. '
' ડોન્ટ વરી. એને કંઈ નહીં થાય. ફક્ત એકવાર એના ઓક્સિજનનું લેવલ બરાબર આવી જાય પછી વાંધો નથી. ઘણી વાર પેશન્ટ ગભરાઈ જાય તો એનું બોડી સ્પોર્ટ નથી કરતું તો તકલીફ થાય છે. પણ આઈ મીન આમને કોઈ પ્રોબ્લેમ નહિ થાય. હજુ બેહોશ છે એટલે પ્રોબ્લેમ છે. એક વાર હોશમાં આવે પછી ખબર પડે. '
' ડોકટર, આ મારું કાર્ડ છે. એમાં મારો નમ્બર છે. કોઈ પણ કસર ના રાખતા. પૈસાની પણ. હું બિલ ચૂકવીશ. એન્ડ ઇફ યુ ડોન્ટ માઈન્ડ કંઈ પ્રોબ્લેમ હોય તો તરત મને ફોન કરજો. '
' યસ, ડોન્ટ વરી. '
એક કઠણ કાળજાના ફક્ત નોકરીના કડક સિધ્ધાંતોને વળેલા ઓફિસરનું આ નવું રૂપ પટેલ જોઈ રહ્યા.
પટેલે નિરવને પોતાનો ફોન નમ્બર આપ્યો અને કહ્યું. ' બ્લડ માટે જરૂર હોય તો મને તરત જ ફોન કરજો. '
ગુન્હેગારોના લોહી વેરતા પોલીસ ઓફિસરોની લોહી આપવાની માનવતાને નિરવ જોઈ રહ્યો....

*************************

આખો દિવસ ટી.વી. પર પોલીસના ગુપ્ત ઓપરેશનના સમાચાર આવતા રહ્યા. મીડિયા પોલીસના મૌન ઉપર પ્રશ્નો ઉભા કરી રહ્યું હતું તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર ગુસ્સે પણ હતું. આ મુદ્દે વિપક્ષોએ હોમ મિનિસ્ટરને ટાર્ગેટ બનાવ્યા. હોમ મિનિસ્ટરીએ આ મુદ્દે કમિશનર પાસે જવાબ માગ્યો.
રાઠોડ સાહેબે પટેલ અને દેવધર સાથે બેસી અઢી કલાકની મહેનત પછી એક રિપોર્ટ તૈયાર કરી રોય સાહેબને મોકલી આપ્યો.
હવે સમય હતો મીડિયાનો સામનો કરવાનો. અને રાઠોડ સાહેબ માટે એ કંઈ નવું નહતું. પટેલ અને દેવધર રાઠોડ સાહેબની સાથે જ હતા. અને રાઠોડ સાહેબે મીડિયાને એ જ વાત કરી જે રિપોર્ટમાં લખી હતી.
' દિલાવર નામના ગેંગસ્ટરને આપ જાણતા હશો. એણે મશહૂર ઝવેલર નિરવ જૈનના પત્ની સોનલ અને સોનલની બહેનપણી નંદિનીનું અપહરણ કર્યું હતું. અને તેઓ એ છોકરીઓના છૂટકારના બદલામાં મોટી રકમના હીરા નંદિનીના મંગેતર આશુતોષ પાસે આઉટ ઓફ કન્ટરી મોકલવા માંગતા હતા. એમના માણસો પોલીસની નજરમાં હતા એટલે કદાચ એમણે આ રસ્તો અપનાવ્યો હશે. પરંતુ આસુતોષે સ્હેજ પણ ડર્યા વગર અમારો સંપર્ક કર્યો. એમણે બહાદુરીથી અમને સાથ આપ્યો.
દિલાવર સાથેની અથડામણમાં આશુતોષને દિલાવરની ગોળી વાગી. એમને ગંભીર હાલતમાં સિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. એમની હાલત ગંભીર છે. અમને આવા બહાદુર નાગરિક પર ગર્વ છે. પોલીસ અથડામણમાં દિલાવર અને એનો સાગરિત છોટુ છત્રી મૃત્યુ પામ્યા છે. નંદિની અને સોનલને પોલીસે છોડાવી લીધી છે. જે હાલ સિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મી.આશુતોષની મદદથી કરોડોના હીરા પોલીસે જપ્ત કર્યા છે. '
મીડિયાએ ઉલટા સુલ્ટા કેટલાય સવાલો પૂછ્યા પણ રાઠોડ સાહેબ એમની વાતને વળગી રહ્યા. કોઈએ એ સવાલ પણ પૂછ્યો કે નંદિની આંગડિયા લૂંટ કેસના ફરાર આરોપી વસંતની બહેન છે તો આ કેસ પણ આંગડિયા લૂંટ કેસની કડી તો નથીને ? રાઠોડ સાહેબેએ વાત ફગાવી દીધી. આંગડિયા લૂંટ કેસમાં ક્યાંય હીરાની ફરિયાદ હતી જ નહિ.

**************************

રાઠોડ સાહેબ ત્યાંથી સીધા જ હોસ્પિટલ ગયા. નિરવને તમામ વાત સમજાવી. મીડિયા વાળા આવશે. કેટલી વાત કહેવી તે સમજાવ્યું. સોનલ, નંદિની, આશુતોષ જેવા સ્વસ્થ થાય તો એમને પણ આ વાત સમજાવવા પર ભાર આપ્યો. રાધા ભાભી હાજર હતા. એમને પણ આ વાત સમજાવી દીધી.
એટલામાં મીડિયા વાળા હોસ્પિટલ પર આવી પહોંચ્યા.

****************************

બીજા દિવસે સોનલ ઘણી જ સ્વસ્થ હતી. નંદિની લાંબી ઉંઘ પછી સ્વસ્થ હતી. નંદિની છોટુની યાતના આશુતોષની તબિયત પાછળ ભૂલવા લાગી હતી. આશુતોષ થોડી વાર ભાનમાં આવતો હતો. પાછો સુઈ જતો હતો. હજુ ઓક્સિજન ચાલુ હતો. નિરવ અને રાઠોડ સાહેબે બે બોટલ બ્લડ આપ્યું હતું.
નિરવે નંદિની અને સોનલને આખી વાત સમજાવી દીધી હતી કે મીડિયાને શું કહેવું.
ટી.વી.પર આખો દિવસ આ મુદ્દો ચર્ચાતો રહ્યો. દિલાવરનો ગન્દો ભૂતકાળ ટી.વી. પર આવતો રહ્યો. આશુતોષની બહાદુરીની વાતો ટી.વી.પર ચર્ચાતી રહી. આશુતોષની બહાદુરીની વાતો સાંભળી નંદિનીને ગર્વ થતો હતો. મીડિયા હોસ્પિટલ ઓથોરિટી પર દબાવ કરતી રહી કે એમને આશુતોષનું કવરેજ કરવા દે. આખરે હોસ્પિટલ ઓથોરિટીએ કાચની બહારથી પાંચ મિનિટની છૂટ આપી. બધા ટી.વી.પર આશુતોષની સ્વાસ્થ્ય માટેની લડત પ્રસારિત થઈ.
આશુતોષ માટે બ્લડ આપવા હોસ્પિટલની બહાર લોકોની લાઈન થઈ.

**************************

ત્રીજા દિવસે આશુતોષની તબિયત સ્થિર થઈ. ઓક્સિજન હટાવી લીધો હતો. એ વધારે સમય સુઈ જતો. પણ જાગતો ત્યારે બધા સામે હસતો. એની બા, નંદિની અને નિરવ હોસ્પિટલ પર જ રોકાયા હતા.
નંદિની ઘરે જવા તૈયાર ન હતી. આખરે આશુતોષની બા દીકરાના માથે હાથ ફેરવી સોનલના ઘરે ગયા. નંદિની ટેબલ પર આશુતોષની બાજુમાં જ બેસી રહેતી.
રાઠોડ સાહેબ રોજ સવારે સાંજ ફ્રુટ લઈ આશુતોષની ખબર પૂછવા આવતા હતા.

**************************

વીસ દિવસ પછી આશુતોષને હોસ્પિટલમાંથી રજા આપી. પરંતુ નિયમિત ડ્રેસિંગ કરાવવા આવવાની શરતે. પરિણામે સોનલ અને નિરવ પરાણે એના ઘરે આશુતોષને લઈ ગયા. નંદિની અને આશુતોષની બા પણ આશુતોષની સાથે રોકાયા.

***************************

નિયમિત ડ્રેસિંગ અને દવાઓ ચાલતી રહી. ધીમે ધીમે આશુતોષની તબિયત સુધરતી ગઈ. રજા મળ્યાના 20 - 22 દિવસ પછી ઘામાં પાછું થોડું ઇન્ફેક્શન થયું હોય એવું લાગ્યું. ડોકટરે ફરી એને બેહોશ કરી ઘાને અંદરથી સાફ કર્યો.
આશુતોષ વારંવાર ઘરે જવાની ઉતાવળ કરતો હતો. પણ સોનલ અને નિરવ એને જવા દેવા તૈયાર ન હતા. પણ આશુતોષ માનવા તૈયાર ન હતો. આખરે નંદિની એ કહી દીધું. ' જ્યાં સુધી સંપૂર્ણ સારું ના થાય ત્યાં સુધી અહીં જ રહેવાનું છે. કંઇક થાય તો ટ્રિટમેન્ટ તરત જ મળી રહે એટલે. '
આશુતોષ નિરુત્તર થઈ ગયો.
આશુતોષને પગાર, દવાખાનાના બિલની ચિંતા સતાવતી હતી.. જે એક દિવસ રાઠોડ સાહેબ ની હાજરી માં હોઠે આવી ગઈ....
' નોકરી તો છૂટી જ ગઈ હશે. પણ આ ખર્ચ હું ભરીશ કેવી રીતે ? '
ભાવિ ભરથારની મનોવ્યથા જોઈ નંદિનીની આંખમાં પાણી આવી ગયા. રાઠોડ સાહેબ બોલ્યા...
' મારા ભાઈ, મારો જીવ બચાવનાર આવી ચિંતા કરે ? હું બેઠો છું. તારે આવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. '
નિરવ બોલ્યો.. ' નદીની મારી બહેન છે. એ હિસાબે આ ઘર એનું પિયર છે. સમજ્યા બનેવી રાજ. બધી ચિંતા છોડી જલ્દી સાજા થાવ એટલે હું બહેનને સાસરે વિદાય કરું. '
અને બધા હસી પડ્યા....
એ રાત્રે નંદિની આશુતોષને દવા આપવા આવી..
' નંદિની, આ સારું... '
' શુ સારું ? '
' કોઈ કામ કરવાનું નહિ અને પત્નીનું મ્હો જોઈ બેસી રહેવાનું. '
' પત્ની નહિ. '
' તું પત્ની નહિ તો કોણ ? '
' ભાવિ પત્ની. પત્ની અને ભાવિ પત્નીમાં ફરક હોય છે. '
' લુચ્ચિ...'

(ક્રમશ:)

27 જુલાઈ 2020