MOJISTAN - 67 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 67

મોજીસ્તાન (67)

ઓરડીના બારણાં પર બહારથી કોઈ ધડાધડ પાટું મારી રહ્યું હતું.બારણાં હચમચી રહ્યાં હતાં.અંદર પુરાયેલા ભજીયાપાર્ટીમાં સામેલ થનાર લોકો ભયથી ધ્રુઝી ઉઠ્યાં.ડોકટરે ભાભાને તારણહાર તરીકે રજૂ કરીને બારણાં તરફ ધકાવ્યા.

"ભાભા હવે તમે તમારા તપના પ્રભાવથી આ ભૂતનો મોક્ષ કરીને અમને સૌને બચાવો.જાવ ઝટ દઈને બારણાં ખોલો અને ભૂતને શ્રાપ આપો..!" ડોકટરે કહ્યું.

"ભલા માણસ, હું કંઈ એવો મહાન નથી અને મારી પાસે ભૂતને કાબુ કરવાની વિદ્યા નથી.હું તો સંસ્કૃતનો પંડિત છું.મારી વિધા અહીં કામમાં નહિ આવે.એટલે મને રહેવા દયો..!" કહી ભાભા ખૂણામાં ઘુસી ગયા.

રવજી સવજી વગેરે બધાને પરસેવો વળવા લાગ્યો હતો.એ વખતે બાબો આગળ આવ્યો.

"હું બારણું ખોલું છું, જે થવાનું હોય તે થાય. એમ કંઈ ડરી ડરીને જીવવાથી કામ થવાનું નથી.."કહી એ આગળ વધ્યો.

"પુત્ર આવા કેસમાં બહાદુરી કામમાં આવતી નથી.માટે તું પણ છાનોમાનો અહીં ઉભો રહી જા.લખમણિયાનો હાથ બહુ ભારે છે.
જેને થપાટ પડે એની આંખમાં અંધારા આવી જાય છે.પૂછ આ કંદોઈ અને હુકમચંદને." ભાભાએ બાબાને રોકતાં કહ્યું.

બારણાં હજી હચમચી રહ્યા હતા.બાબાએ જોરથી રાડ પાડી,

"કોણ છો તું ? બારણાને પાટા મારવાનું બંધ કર અને અહીંથી ચૂપચાપ ચાલ્યો જા નહિતર તને બાળીને ભષ્મ કરી નાંખતા ભાભાને વાર નહિ લાગે...!"

"હા..હા..હા...હુંહ હુંહ...હું રણછોડિયો. હુંહ..હુંહ.બસ્સો ઓગણ..હુંહ..મારી વાડીએ. હુંહ લીમડા હેઠે હુતો'તો...હુંહ..હુંહ..
ન્યાથી એરું ખાટલામાં પડ્યો.મને કયડ્યો.. હુંહ...મારી ઘરવાળી જુવાન હતી...! હુંહ.. ઈણે બીજા લગન...હુંહ..હુંહ...ભાભાને કયો બાર્ય નીહરે... હુંહ હુંહ....હુંહ.. મને બાળીને ભસમ કરે,હુંહ.. હુંહ...હુંહ..જો ભાભા બાર્ય નઈ નેહરે તો હું આ ઓયડીના બાયણા તોડીન માલિકોર ગરી જાશ....હુંહ..હુંહ..અન આફેરે કંદોઈના પંડ્યમાં આવવાનો સુ.હુંહ..હુંહ.. બધાંયને મારી મારીને ભજીયા બાર્ય નો કઢાવી નાખું તો મારું નામ લખમણિયો ભૂત નઈ.. હુંહ હુંહ હુંહ...!"

બહારથી લખમણિયાના હુંહકારા ઓરડીમાં સંભળાયા.બધાએ ભાભા સામે જોયું.કંદોઈ તો થરથર ધ્રુઝવા લાગ્યો.

"ભાભા એવી ભૂતના મોક્ષની વિદ્યા જાણતા નથી. તારે જે જોતું હોય ઈ બોલી જા.તું કહીશ તો ભાભા તારું મંદિર બંધાવી આપશે અને આખા ગામને એમના ખર્ચે ત્રણ દિવસ ત્રણ ટાઈમ જમાડશે સ્હોતે.અને તારા વંશ વારસ છે ઈ કરસનના કુટુંબને વર્ષે દાડે જોઈતા દાણા પાણીની વ્યવસ્થા પણ ભાભા જ કરી આપશે પણ તું ભાભાનું પૂછડું મુકય ભૂતભાઈ !"
ડોકટરે ભાભા ફરતે ગાળીયો કસ્યો !

"અલ્યા દાગતર..ગાંડો તો નથી થઈ ગ્યોને ભલામાણસ ! હું ભૂતનું મંદિર બાંધી દઉં ? ગામને ત્રણ ટાઈમ અને ત્રણ દિવસ હું જમાડું ? અને કરસનિયાના દાણા પાણી હું ક્યાંથી નાખી દઉં ? તારે મને ભૂત બનાવી દેવાનો ઈરાદો તો નથી ને ? હાલી શું નીકળ્યો છો ? મારો હાળો આ દાગતર'ય ઠીક લાગે છે ?" ભાભાએ સખત નારાજ થઈને કહ્યું.હવે એમને આ ડોકટર પર ખરેખર ગુસ્સો આવી રહ્યો હતો.

"ડોકટર તમારે કાંક રીત રાખવી જોવે ! ગામમાં કથા વાર્તાઓ વાંચીને ગુજરાન ચલાવતા બિચારા ગરીબ બ્રાહ્મણની કેપેસિટી જોયા વગર આવી ઓફર ભૂતને ન કરાય, ભલામાણસ. આ બધો ખર્ચો તમે આપી દેવાના છો ?" સવજી ખૂણામાંથી બોલ્યો.

"થોડું વધી ગયું નહિ ? " કહી ડોકટર હસ્યો. બાબો એની સામે ડોળા કાઢીને ઉભો હતો. ડોકટર બારણાં પાસે જઈને ઉમેર્યું, " મિ.
લખમણિયાઝ ભૂત, તેં સાંભળ્યું ?
ભાભા તારા મોક્ષ માટે જે કરવું પડે એ કરવા ઓલરેડી તૈયાર છે.પણ શું છે કે હમણાં મેં જે ઓફર મૂકી એ ભાભાને પૂછ્યા વગર જરા આવેશમાં આવી જઈને કહેવાઈ ગઈ છે.એમાંથી કેટલીક આઈટમ અમે બાદ કરવા માંગીએ છીએ.જે જે આઈટમ અમે રદ કરવા માંગીએ છીએ એ એકવાર તું સાંભળી લે.પાછળથી મારે કોઈ જાતની ધીસપીટ નહિ ચાલે.જે જોઈએ તારે ચોખ્ખું જણાવવાનું રહેશે.અને ભાભા જે આપી શકે એમ હોય તે ભાભા પણ સ્પષ્ટ કહેશે..બોલ તારે શું જોઈએ છે?"

બારણાં પર ફરીવાર એક પાટું પડ્યું.બારણાં ધ્રુજી ઉઠ્યાં.

"હુંહ..હુંહ..હુંહ..હું લખમણિયો.
તું કોણ છો ? હુંહ..હુંહ...હું તને ઓળખતો નથ પણ તેં જે કીધું ઈ હંધુય ભાભા જો કરી આલતા હોય હુંહ..તો હું ભાભાને હેરાન નય કરું. હુંહ..હુંહ..મારું મંદિર બાંધવું,હુંહ..હુંહ.. આખા ગામને તણ દી ને તણ ટાણા જમાડવું, હુંહ..હુંહ..હુંહ..મારા વારસદાર કરસનના ઘરે દાણા નો ખૂટવા જોવે.આ તણ શરત મને મંજુર છે..હુંહ હુંહ હુંહ...!"

"પણ એમાં થોડો ફેરફાર ભાભા માંગે છે..હવે તું ભાભાની વાત પણ સાંભળી લે.તને આ બધું મેં કહેલું પણ ભાભા તો ગાભાનો પણ મેળ કરી શકે એવી સ્થિતિમાં નથી એ મને ખબર નહોતી.હવે નો જે અવાજ આવશે એ ભાભાનો આવશે.માટે હે ભૂત ઓફ લખણમ તું શાંતિથી સાંભળજે.એમનો અવાજ માત્ર તારા માટે મોક્ષનું દ્વાર ખોલી નાખવા સક્ષમ છે.મહાન અને પરમ પૂજ્ય ભાભાની આભાથી સમગ્ર ગામ અભિભૂત થયું છે પણ તું ખાલી ભૂત થયું છો !"

"હુંહ..હુંહ... હુંહ..."

ભાભા અને બાબો બારણાં નજીક આવ્યા.બાબાને તો બારણું ખોલીને બહાર ઉભેલા ભૂતને જોઈ લેવાનો વિચાર હતો.પણ ભાભા એમ કરવા દે એમ નહોતા.

"હે લખમણના અવગતિએ ગયેલા આત્મા, ભાભા તો છે મહાત્મા ! તને ભાભા આશીર્વાદ શિવાય નમઃ શિવાય પણ બોલશે. બાકી જો તું બીજી કોઈ આશાએ બેઠો હોય તો તારા હે તુચ્છ આત્મા હું કરી નાખીશ તારા ખાત્મા !" બાબાએ હુંહ હુંહ કરતા ભૂતને બારણાં પાસે જઈને કહ્યું.

"હુંહ...હુંહ..હુંહ...તો બાબલા તું આવીજા બારો..હુંહ ! બવ બોલકિયું કરતા શીખી જ્યો સો. હુંહ..ગામમાં તારી રાડ સે. બધાને મારીન તું ભાગી જાતો'તો ઈય મને ખબર્ય સે.હુંહ..હજી તારો વારો તો બાકીસે. હુંહ..હુંહ..બાબલા.તું બવ ચગી જ્યો સો.બામણનો દીકરો હોય તો નેહર બાર્ય.આજ તનેય ખબર્ય પડે કે ભૂત હાર્યે પંગો ચીમ લેવાય સે હુંહ..હુંહ..હુંહ.!

'ચગી ગયો' શબ્દ સાંભળતાં જ બાબાના મગજમાં ઝબકારો થયો.આ ચગી ગયો છો એમ કહેનાર વ્યક્તિ હતો ગામમાં એક ! બાબાએ તરત જ બારણાં ઉઘાડી
નાંખ્યા.

બારણાની બહાર એક હાડપિંજર ઉભું હતું.એની આંખમાં અંગારા સળગતાં હોય એવું લાગી રહ્યું હતું.

"હુંહ હુંહ હુંહ....આજ તો તારું આવી જ બન્યું સે..હુંહ.. હુંહ..!''

બાબો એને ઘડીક જોઈ રહ્યો.એ ભૂત પણ હુંહ...હુંહ...કરતું સામે ઉભું હતું.બાબાને ડરાવવા એણે મોઢું પહોળું કરીને ધુમાડા કાઢ્યા.

એકાએક બાબાએ દોટ મૂકીને ભૂતનું ગળું પકડી લીધું.ભૂત નીચે પડ્યું ત્યારે બાબાને ખ્યાલ આવ્યો કે એ હાડપિંજર નહોતું.પણ કાળા કપડાં પર અંધારામાં ચમકે એવા સિલ્વર કલરથી હાડપિંજર દોરવામાં આવ્યું હતું.એટલે અંધારામાં કાળો કલર દેખાય નહિ.અને સિલ્વર કલરની પટ્ટીઓ આબેહૂબ હાડપિંજર જ લાગે.
આંખના ભાગમાં બે લાલ લાઈટ ગોઠવેલી હતી.અને કમરમાં એક બેટરી લગાવી હતી.બાબાએ ભૂતના મોઢા પર ગડદો ઝીંક્યો એટલે એક લાઈટ ફૂટી ગઈ.

ભૂત પ્રતિકાર કરે એ પહેલાં બાબો એની છાતી પર ચડી બેઠો.ભૂત પણ પ્રતિકાર કરતું હતું. બાબાના ગાલ પર નીચે પડ્યા પડ્યા એણે એક જોરદાર થપાટ મારી.ભૂતના હાથમાં ચામડાના મોજા પહેર્યા હોય એવું બાબાને લાગ્યું.ભૂતની થપાટથી બાબાને અંધારા આવી ગયા.ભૂતનું ગળું દબાવી રહેલા એના હાથ ઢીલા પડ્યા.એ તકનો લાભ લઈ ભૂત ઉછળ્યું.બાબાને ધક્કો મારીને નીચે ફગાવી દીધો અને પળવારમાં કપાસ તરફ દોડી ગયું..!

એકાએક બનેલી આ ઘટનાની અસરમાંથી ઓરડીમાં ઉભેલા બધા બહાર આવ્યા ત્યારે બાબો ઓરડી બહાર ઊભો થવાની કોશિશ કરી રહ્યો હતો પણ એને ચક્કર આવી રહ્યા હતા.

ભાભા તરત જ દોડ્યા હતા.પણ ઓરડીનો ઉંબરો એમનો દુશ્મન સાબિત થયો હતો.નજર સામે ભૂત સામે બથોબથ આવેલા પોતાના પ્રિય પુત્રના ગાલે પડેલી થપાટના અવાજથી એમના કાનમાં તમારાં બોલવા લાગ્યાં હતાં.

"દીકરા..મારા પુત્ર...મારા લાલ..સંભાળજે.. એલા લખમણિયા તારું નખ્ખોદ જજો..હજારો લાખો વર્ષો તું ભૂતમાંથી પલીત અને પલીતમાંથી પણ રૌ રૌ નર્કનો અધિકારી બનજો. બ્રાહ્મણના પુત્ર પર ત્રાસ ફેલાવવા બદલ તારા રૂંવે રૂંવે જીવડા પડજો.હે ભૂત તું હંમેશ માટે મહા ભયાનક અતિ અતિ અને અતિ ભયંકર પીડામાં હજારો લાખો વર્ષ સુધી પીડાજો.હું મારા તપના બળે તને શ્રાપ આપું છું કે હું જે બોલ્યો એના કરતાં પણ લાખોગણી પીડાનો તું અધિકારી થજો..!"

એકદમ બહાર નીકળવા જતા એમને એ ઉંબરાનું ઠેબુ આવ્યું અને ભાભા ગળોટિયું ખાઈને ઓરડી બહાર પડ્યા.એ વખતે બાબાને પછાડીને ઉભા થયેલા લખમણિયાના ભૂતે શ્રાપની ઝડી વરસાવી રહેલા ભાભાના મોં પર કચકચાવીને લાત ઠોકી હતી.

"હોય હોય..બાપલીયા..મરી ગિયો રે..એ.. એ..." ભાભાના મોમાંથી શ્રાપ વરસવો બંધ થઈ ગયો ! એની જગ્યાએથી રાડ નીકળી ગઈ.ડોકટર,રવજી,સવજી, હુકમચંદ અને ગંભુ-માનસંગ વગેરે દોડ્યા પણ ત્યાં સુધીમાં એ લખમણિયો અદ્રશ્ય પણ થઈ ગયો !

આખરે બધા ઓરડીમાંથી બહાર નીકળ્યા.ભાભા અને બાબાને બધાએ ઉભા કર્યાં.બાબો ગાલ ચોળતો ચોળતો ઊઠ્યો.

"પિતાજી...તમને બહુ વાગ્યું તો નથી ને ?" કહી એ ભાભા પાસે આવ્યો.ભાભાની આંખો ફાટી રહી હતી.જીભ મોઢામાંથી બહાર નીકળી ગઈ હતી અને ભાભા હાંફી રહ્યાં હતાં.

"એ કોઈ ભૂત નથી.કોક માણસ હતો.એણે કાળું કપડું પહેર્યું હતું.અને આંખ આગળ ગોખલા જેવી રચના કરીને લાલ લાઈટ લગાડેલી હતી.આપણા ગામનો જ એક વ્યક્તિ છે,કદાચ મને ખ્યાલ પણ આવી ગયો છે.કોઈએ ડરવાની જરૂર નથી.ભૂતના રહસ્યનો પર્દાફાશ થઈ ગયો જ સમજો. પિતાજી તમે જરાય ડરતાં નહિ.ખરેખર એ ભૂત હતું જ નહીં. કારણ કે ભૂતને શરીર ક્યાંથી હોય ? એ તો ભટકતા આત્માઓ હોય કદાચ, પણ આતો અલમસ્ત શરીર ધરાવતો કોઈ માણસ જ હતો જેણે લખમણિયાનું સ્વરૂપ ધારણ કરીને આપણને સૌર હેરાન કરી રહ્યો છે."

બાબાની વાત સાંભળીને સૌ વિચારમાં પડ્યાં. હુકમચંદે એની પિસ્તોલ કાઢીને હવામાં ફાયર કર્યો.એ જોઈ સવજી ખિજાયો,

"અલ્યા સરપંચ હવે ગોળી બગાડવાનો કોઈ અરથ નથી. પેલા તો ધોતિયું ઢીલું થઈ ગિયું'તું,ને હવે ભડાકો કરશ ? છાનોમાનો ઈ બંધુક કોટના ખિસ્સામાં મેલી દે."

"અરે..ભાઈ મને કોઈ ઝટ હવે ઘરભેગો કરો. સવજી તારી ગાડી લાવ્ય ઝટ.મારાથી હવે રોકયું રોકાય ઈમ નથી. આ ઉંમરે આવો દિવસ જોવાનો આવ્યો ! હે પ્રભુ કયા ગુનાની તું સજા આપી રહ્યો છો..!" ભાભાએ ઉભા થવાની કોશિશ કરતાં કહ્યું.

"ભાભા, આ દિવસ નથી.રાત છે રાત ! તમે રાતે કંઈક કાળા ધોળા જરૂર કર્યા હશે.રોકયું રોકાય ઈમ નો હોય તો ઓરડીમાં જ જઈ આવો. કારણ કે વાડીમાં તો તમારાથી જવાશે નહિ !" ડોકટરે કહ્યું.

"ના હો....ઓરડીમાં તો હું નહિ જાવા દવ.અલ્યા અમારે આ ઓરડીમાં સામાન ભરવાનો હોય.ભાભા, તમે ધીરજ રાખો.સવજી તમને જલ્દી ઘેર પહોંચાડી દેશે."રવજીએ ઓરડીનો ઉપયોગ કરવા દેવાની ના પાડી.

ભાભા ડોકટરને આંખોથી વઢી રહ્યાં. સવજી ઓરડીથી જરા દૂર પડેલી એની એમ્બેસેડર લઈ આવ્યો.ભાભા,રવજી,ગંભુ અને માનસંગ એમાં ગોઠવાયા. હુકમચંદે એનું બુલેટ ઉપાડ્યું એટલે બાબો એની પાછળ ચડી બેઠો.એ જોઈ કંદોઈ એનો ઝારો લઈને બાબા પાછળ ટીંગાયો.

ડોકટર પણ એને લેવા આવેલા સવજીના દાડિયાની બાઈક પર ગોઠવાઈને હંકારી ગયા.

જાદવ,ખીમો અને ભીમો પણ માર્ગે ચડ્યા. વાડીની ઝાંપલી સુધી આવીને જાદવે પાછળ જોયું તો ઓરડી આગળ હાડપિંજર ઉભું હતું અને એની એક આંખમાં સળગતો અંગારો હતો.એ જોઈ જાદવ મુઠીયું વાળીને ભાગ્યો. એની પાછળ ખીમો અને ભીમો પણ ભાગ્યા.

"હુકમચંદ,મને લાગે છે કે આ ભૂત ખરેખર ભૂત નથી.એ કોઈ માણસ જ હતો અને આપણને બધાને બીવડાવવાનું આ ષડયંત્ર જ કોઈએ રચ્યું છે,મને એક વ્યક્તિ પર ડાઉટ પડ્યો છે.!" બાબાએ બુલેટ ચલાવી રહેલા હુકમચંદના કાન પાસે મોઢું લઈ જઈ કહ્યું.

"હવે તું સાનુમુનું બેઠું રે ને ! ભૂત હાર્યે બથોબથ આવેલા ચેટલાય દાખલા બની જીયા સે.ઈ ભૂત શરીર પણ ધારણ કરી હકતા હોય.તારું ડોહું ઈ ભૂત નો'તું તો ઘડીકમાં ચ્યાં વ્યુ જયું ? તને એક લપાટ ઠોકી અટલે તુંય ઊંધો થઈ જ્યો ને ? અલ્યા મને ધોરીયામાં ઊંધો નાખીને જે ઢહડયો સે..એ..મારી જેવા કદાવરને ઢહડવો ઈ કાંય જેવાતેવાનું કામ નથી.ઈ ભૂત જ હતું.તું બવ વાયડાય ઠોક્યાં વગર મૂંગુ મૂંગુ બેઠું રે.નકર આંય હેઠો ઉતારી મુકવો જોહે !" કંદોઈએ બાબાને પાછળથી ઠોસો મારતા કહ્યું.

બાબો કંદોઈની વાત સાંભળીને ગુસ્સે થયો.જે રીતે કંદોઈએ એને ઉતારી દેવાની વાત કરી એ સાંભળી એનો પિત્તો ગયો હતો.

"તારા બાપનું બુલેટ નથી તે તું મને ઉતારી દેવાની વાત કરે છે.અને સભ્યતાથી વાત કરતા આવડતું ન હોય તો તું મૂંગીનો મર્ય.!" કહી બાબાએ કંદોઈના પેટમાં કોણી મારી.

"અલ્યા રીંગણાના ડીંટિયા જેવડું છો ને પાછું મારી હાર્યે લબલબાટી કરછ ?" કહી કંદોઈએ એના ઝારાનો હાથો બાબાના બરડામાં માર્યો.

બાબાને બરડામાં પથ્થર વાગ્યો હતો એટલે બાબાને વધુ પીડા થઈ.એ પથ્થર આ ઝારામાંથી જ વછુટેલો હતો,એ બાબાને યાદ આવ્યું.

બાબાએ સહેજ અવળું ફરીને કંદોઈને ધક્કો માર્યો.એ સાથે જ હુકમચંદે બુલેટ પરથી કાબુ ગુમાવ્યો.

કંદોઈ બુલેટ પરથી ઝારા સાથે નીચે ઝીંકાયો હતો.હુકમચંદ અને બાબાને લઈને બુલેટ માર્ગની બાજુમાં આવેલી થોરિયાની વાડમાં જઈને આડું પડી ગયું.બાબો અને હુકમચંદ બુલેટ નીચે દબાયા હતાં.

"તમારી જાત્યનાવ,ગાડી ઉપર બેઠા બેઠા તમે બાજી પડ્યા ઈમાં મારું બેલેન્સ ફગી ગયું.નાલાયક બાબલા, તારે ઈ કંદોઈને ધકો મારવાની શી જરૂર હતી..!"હુકમચંદ આમ બબડતો હતો.

એ વખતે જાદવ, ભીમો અને ખીમો ત્યાં પહોંચ્યા હતા. આકાશમાં ઉગેલા ચંદ્રના અજવાળામાં એ લોકોએ માર્ગમાં પડ્યા પડ્યા ગાળો બોલતા ગણપત કંદોઈને અને વાડયમાં બુલેટ નીચે દબાયેલા બાબા અને હુકમચંદને જોયા.

શું બાબો લખમણિયાનું રહસ્ય ખરેખર જાણી ગયો હતો ?
(ક્રમશઃ)