MOJISTAN - 69 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 69

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 69

મોજીસ્તાન (69)

હુકમચંદ અને બાબો ઘેર ગયા પછી હબાના ઘર સામે જગો અને નારસંગ બેઠા હતા. હુકમચંદે શા માટે હબાના ઘર પર નજર રાખવાનું કહ્યું એ એમને સમજાતું નહોતું. પણ હુકમચંદનો હુકમ માનવાની એ બેઉની ફરજ હતી.

"અલ્યા જગા,આમ અડધી રાતે ઘરવાળીનું પડખું સોડીન આંય હબલાના ઓટલે તારું ડાસુ જોવા બેહવાનું મન તો જરીકય ગમતું નથ..ઈમ કર્ય તું ચાર વાગ્યા હુંધીન બેહ,પસી મને ફોન કરજે અટલે હું હવાર હુંધીન બેહીસ..!" નારસંગે ઉભા થતા કહ્યું.

"હવ બેહ સાનુમુનું..હું એકલો કાંય બેહવાનો નથ.તન સુ ઘા વાગે સે.હાળા બયરીનું પડખું કાંય ભાગી નથ જાવાનું.આપડે બેય હોવી તો વાતુંચીતું થાય ને ટેમ કપાય..લે બીડી જેગવને બેહ હેઠો." કહી જગાએ બીડીની થોકડી નારસંગને આપી.

નારસંગ કમને બેઠો.બેઉએ બીડીઓ સળગાવીને હવામાં ધુમાડા છોડ્યા.હબાનું ઘર શેરીના નાકે જ હતું.એના ઘર આસપાસ થોડા બાવળિયા ઉગેલા હતા અને સામેના ડેલાવાળા ખેડૂતોના ઉકરડા પણ એ બાવળિયા પાસે નાખવામાં આવ્યા હતા. સ્ટ્રીટ લાઈટનો એક થાંભલો હબાના ઘર પાસે જ હોવાથી ત્યાં અજવાળું પડતું હતું.જગો અને નારસંગ થોડે દુર સરકારી દવાખાનાના ઓટલા પર હબાના ઘરનું ધ્યાન રહે એમ બેઠાં હતાં.

કલાકેક વીત્યાં પછી નારસંગને ઊંઘ આવવા લાગી.બીડીઓ પીને બંને થાક્યા હતા.શેરી એકદમ સુમસામ થઈ ગઈ હતી. ક્યારેક કોઈ ગલુડિયું વાઉંકારું કરીને ચૂપ થઈ જતું હતું.ધીરે ધીરે રાત જામી રહી હતી.અને ભેંકાર નિરવતા છવાઈ રહી હતી.નારસંગ પછી જગાની આંખો પણ ઘેરાવા લાગી હતી.ઠંડો પવન આંખોમાં ભરાઈને આંખોના પોપચાં પર ભાર આપતો હોવાથી થોડી થોડીવારે બંનેની આંખો મીંચાઈ જતી હતી.આ અગાઉ ક્યારેય આવી રીતે ઉજાગરો કરવાનો અનુભવ એ બેમાંથી એકેયનો હતો નહિ.


એકાએક લાઈટ ચાલી ગઈ. ગામમાં સાવ અંધારું છવાઈ ગયું.નારસંગ તો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.અંધારું થઈ જવાને કારણે જગો પણ ઊંઘના શરણે થઈ ગયો.


અચાનક નારસંગના ગાલ પર જોરદાર થપ્પડ પડી.ઊંઘમાંથી ઝબકીને નારસંગ જાગ્યો. અંધારામાં એને કાંઈ દેખાતું નહોતું.

"કોણ સે..? જગલા મને લાફો શું કામ માર્યો.. હાળા...!'' કહી નારસંગ ઉભો થઈ ગયો.એ જ વખતે બાજુમાં સુતેલા જગાના ચહેરા પર પણ જોરદાર થપ્પડ પડી. જગો સમજ્યો જે નારસંગે પોતાને લાફો માર્યો છે..!

" અલ્યા પણ શું છે ? મેં તને લાફો નથી માર્યો.. મને શું કામ મારેસ.." કહી જગો પણ ઉભો થઈ ગયો.અંધારામાં કંઈ દેખાતું નહોતું. જગાની બાજુમાં ઉભેલા એક માણસે જગા અને નારસંગને ફરી એક એક તમાચો ઝીંક્યો.


"તારી જાત્યના તારા બાપને મારસ સુ લેવા...!'' કહી નારસંગે હવામાં હાથ વીંજ્યો.જગો પણ એક્શન મોડમાં આવી ગયો હતો.

"મેં નથી માર્યો..અલ્યા..તોય તેં મને શુકામ માર્યો..?" કહી જગાએ પણ નારસંગ તરફ હાથ ફેરવ્યો.નારસંગનો હવામાં વીંજાએલો હાથ એના હાથમાં આવી ગયો.નારસંગનો હાથ પકડીને એણે ખેંચ્યો.પાતળી કદ કાઠીવાળો નારસંગ જગાના આંચકાથી એની તરફ ખેંચાઈને એની સાથે જોરથી ભટકાયો. પણ નારસંગના માથા પર ગુસ્સો સવાર થઈ ગયો હતો.જગાના પડખામાં એણે ગડદો ઝીંક્યો.

જગો નારસંગને બથ ભરી ગયો હતો.એ જ વખતે એના માથામાં જોરથી થપાટ પડી.અને નારસંગના પડખામાં કોઈએ ચિંટીયો ભર્યો. નારસંગને કાળી બળતરા ઉપડી અને જગાની આંખે અંધારામાં પણ અંધારા આવી રહ્યાં હતાં.બંને સમજતા હતા કે કોઈપણ જાતના કારણ વગર પોતાનો દોસ્ત માર મારી રહ્યો છે !

" અલ્યા ઘડીક ઊંઘી જ્યો ઈમાં આમ મારવા મંડવાનું @#$ના..''

"@#$નો તું..મેં તને ચ્યાં માર્યો સે..તું મને સીધો મારવા માંડ્યો..તું @$$નો ને તારો બાપ @$$નો મુકય મને નકર હમણે ગળું દબાવીન આંયને આંય મારી નાખહ..!" નારસંગની ગાળનો જવાબ એની ગાળ કરતાં પણ મોટી ગાળ આપીને જગાએ બરાડો પાડ્યો.



નારસંગ ભલે પાતળો હતો પણ નક્કર હાડકાનો હતો. જગાએ એના બાપને પણ ગાળ દીધી એટલે એના ગુસ્સાનો પાર રહ્યો નહિ.કાયમ સાથે રહેતા એ બંને દોસ્તો હોવા છતાં ગાળા ગાળી કરીને એકબીજા પર તૂટી પડ્યા હતાં. નારસંગે જગો ગળું દબાવે એ પહેલાં એની છાતીમાં બટકું ભરી લીધું.

જગાના ગળામાંથી રાડ નીકળી ગઈ.એણે બમણા જોરથી નારસંગને બે પગ વચ્ચે ઢીંચણ માર્યો.નારસંગ તરત જ જગાથી અળગો થઈને ચિત્કારી ઉઠ્યો. એના વૃષણ પર જગાએ ઢીંચણ માર્યો હોવાથી એને પરાવાર પીડા થઈ રહી હતી.બંને હાથ બે પગ વચ્ચે દબાવીને એ જમીન પર બેસી ગયો.

એ જ વખતે લાઈટ આવી ગઈ. નારસંગના ગળામાંથી અવાજ પણ નીકળી શકતો નહોતો. નારસંગે છાતીમાં બટકું ભર્યું હોવાથી લોહી નીકળી ગયું હતું.

"%#@&ના...મને મારછ મને ?"જગાએ ગાળ દઈને નારસંગને લાત મારી. નારસંગ ગબડી પડ્યો. એ બંનેની બુમાબુમ સાંભળીને આજુબાજુના ડેલામાંથી માણસો બહાર નીકળ્યા. બે ચાર જણ દોડી આવ્યા અને જગાને પકડીને શું થયું ? કેમ તમે બેય બથોબથ આવ્યા છો..? વગેરે સવાલો કરવા લાગ્યા.



જગાએ લાઈટ ગયા પછી જે બન્યું હતું એ કહેવા માંડ્યું. નારસંગથી ઉભા થવાતું નહોતું. લોકોએ એને ઉભો કરીને દવાખાનાના ઓટલા પર બેસાડ્યો. બંનેને ન ઝગડવા બધા સમજાવવા લાગ્યા.જગાનું પહેરણ લોહીવાળું થયું હતું.એક જણ દોડાદોડ ક્વાર્ટર પર ડોકટરને બોલાવવા દોડ્યો.

કોલાહલ વધી પડ્યો.વધુ ને વધુ લોકો જાગી જાગીને આવવા લાગ્યા.રાતના બે વાગી ગયા હતા.લોકોએ દવાખાનાના ઓટલે આટલી રાતે આ બે જણ શું કરવા આવ્યા હતા એ જાણવું હતું પણ જગાએ કોઈને એ કહ્યું નહિ કે હુકમચંદે એ લોકોને હબાના ઘર પર નજર રાખવા બેસાડ્યા હતાં. હુકમચંદનો એ હુકમ હતો કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એનું નામ અને કામ કોઈને જણાવવું નહિ..!


ડોકટરને બોલાવવા ગયેલા માણસે પાછા આવીને ક્વાર્ટર પર તાળું હોવાનું જણાવ્યું. મતલબ કે ડોકટર ક્યાંક બહાર ગયા હતા !

જગાએ હુકમચંદને ફોન કર્યો પણ હુકમચંદે ફોન ઉપાડ્યો નહિ. નારસંગ જગા સામે જોઈને આંખોમાંથી આગ ઓકી રહ્યો હતો.

લોકોએ બંનેને પોતપોતાના ઘેર જતા રહેવાનું કહેવા માંડ્યું. પણ બેઉં દવાખાનાનો ઓટલો છોડવા તૈયાર નહોતું.

થોડીવારે નારસંગને કળ વળી.

"જગલા, તારે મને લાફો મારવાની હું જરૂર હતી ? હું હુઈ જ્યો'તો અટલે સીધો લાફો મારવાનો ?" નારસંગે રડમસ અવાજે કહ્યું.


"અલ્યા મેં તને હજારવાર કીધું કે મેં તને લાફો નો'તો માર્યો.લાઈટ વય જય એટલે હુંય હુઈ જ્યો'તો.પણ કાંઈ હાંભળ્યા કર્યા વગર તું સીધો મને મારવા જ મંડય તો હુંય થોડો તાણી કાઢેલનો સવ ?"


જગા અને નારસંગનો એ સંવાદ સાંભળીને ભેગા થયેલા લોકોમાંથી એક જણ બોલ્યો,

''અલ્યા તમે બેય ખોટા બાજયા ! કદાક સે ને લખમણિયાનું ભૂત હમણે ગામમાં બવ બધાને મારે સે.તખુભા જેવા તખુભા જોવોને હજી હોસ્પિટલમાં પડ્યા સે.નક્કી લખમણિયો જ આયો હશે,તમને બેયને વારા ફરતી લાફો ઠોક્યો હશે એટલે તમે ઈમ હમજયા કે તમે બેય એકબીજાને મારો સો. પછી તમે બાજી પડ્યા અટલે ઈને તો કાંય કરવાપણું જ નો રિયું. હારું થિયુ લાઈટ આવી જય,નકર તમારા બેમાંથી આજ એક ઓસો તો થય જ જાત..!''

એ માણસની વાત સાંભળીને જગો અને નારસંગ વિચારમાં પડ્યા.જે રીતે લાફો પડ્યો હતો એવી રીતે તો જગો ન જ મારે એવો વિશ્વાસ નારસંગને આવ્યો.અને જગાને પણ સમજણ પડી કે આટલો જોરદાર લાફો નારસંગ મારી ન શકે.એના જડબામાં દાંત હલી ગયા હતા !


"તો શું ખરેખર ઈ ભૂત હશે ? અમને બેયને બઝાડવા આયુ હશે ?" જગાએ ગાલ ઉપર હાથ ફેરવ્યો.એના માથામાં હજી તમરાં
બોલતાં હતાં.

"અલ્યા ભાગો...હજી ભુત આવશે તો આપડને મારશે.. તમારે બેયને બેહવુ હોય તો બેહો પણ હવે બાજતાં નહિ.." કહીને લોકો વીંખાવા લાગ્યાં. જગો અને નારસંગ પણ એકબીજાને માફ કરીને ઉભા થયા.નારસંગને ટેકો આપતા જગાએ કહ્યું, "હાળા આવું બટકું ભરવાનું હતું તારે ? લોસો જ કાઢી નાખ્યો નારીયા તેં તો..!''

"અને તેં મારા પગ વસાળે પાટું ઠોકયું ઈનું કાંય નય ? આમ મારવાનું હોય ? હું મરી જ્યો હોત તો ? મારી ઘરવાળીને હમણે આવું ઈમ કયને હું આયો'તો. હાળા રાખસસ જેવો મુવો સો તું..!''

"હાલ્ય હવે જી થિયુ ઈ. હું તને ઘરે મેલી જાવ.આ તો ભૂતે આપડને બઝાડયા, નકર આપડે ભલામાણા કાયમ હાર્યે રેવાનું સે..
આમ થોડુંક હોય ?'' કહી જગાએ નારસંગને ટેકો આપીને ચલાવવા માંડ્યો.

થોડીવારે બધા વીંખાઈ ગયા.ફરી શેરી સુમસામ થઈ ગઈ.દવાખાનનું બારણું હળવેથી ખુલ્યું, ડોકટર હળવેથી બહાર નીકળીને દબાતે પણ ઉતાવળે પગલે કવાર્ટર તરફ ચાલવા લાગ્યા !


*

"તો દોસ્તો, આપણો કાર્યક્રમ સરસ રીતે જઈ રહ્યોં છે.ગામને પૂરેપૂરું પરેશાન કરીને આપણે સારી એવી રકમ પડાવીશું. સૌ પ્રથમ પોતાને મહાન પંડિત સમજતા પેલા તભા ગોરને ઠીક ઠીક પરચો આપણે બતાવ્યો.પછી તખુભાને પણ ખૂબ બીવડાવ્યા ! અને આજ ભજીયા પાર્ટીમાં તો તમે લોકોએ ભુક્કા કાઢી નાંખ્યા. હુકમો વળી બંધુક લાયો'તો. સાલાને સારીપટ ધોયો.ટેમુડિયાંની પણ ટેં બોલી જાત.પછી બાબાને પણ મેથીપાક આપ્યો. અને બાકી હતું તે હબલાના ઘેર પેરો ભરવા બેઠેલા હુકમચંદના ચમચાઓને પણ લડાવી માર્યા ! વાહ મારા વાલીડા,તમે લોકો આટલા બાહોશ નિકળશો એવો મને વિશ્વાસ નહોતો. પણ તમે લોકોએ સરસ રીતે કાર્યક્રમ ચલાવ્યો.." પ્રાથમિક શાળાની ઓફિસમાં બેઠેલા પોચા પસાહેબે સામે બેઠેલા પોતાના બેઉ સાગરીતોને કહ્યું.એ બેઉં સાગરીતો હતા ચંચો અને હબો !


જે દિવસે ટેમુએ પાન ખાવા આવેલા પોચા પસાહેબની મશ્કરી કરી હતી અને બાબાએ પણ એમનું અપમાન કરીને ઓટલા પરથી ગબડાવી દીધા હતા તે જ દિવસથી પોચા પસાહેબે એ બંને સહિત ગામના લોકો સાથે પોતાની રીતે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

પોચા પસાહેબે આ માટે સતત હડધૂત થતા ચંચાને (આ ચંચો યાદ છે ને મિત્રો ? ચંદુ ચારમીનાર હુકમચંદનો ચમચો રહી ચૂકેલો રખડેલ ચંચો !) અને બાબાને કારણે પોતાની દુકાનના હાલ બેહાલ થઈ જવાથી અને એની પાછળ દોડીને પોતાના બે દાંત ગુમાવી ચુકેલા હબાને પોચા પસાહેબે પસંદ કર્યા હતા.


પોચા પસાહેબનો એક મિત્ર શહેરમાં નાટક મંડળી ચલાવતો હતો. એને મળીને પોચા પસાહેબે ભૂતનો પરિવેશ તૈયાર કર્યો હતો. અંધારામાં હાડપિંજર લાગે એવો ડ્રેસ અને માથા પર ખોપરી જેવું એક સાધન એમને આ નાટક મંડળીમાંથી મળી રહ્યું.એ ખોપરીની આંખોમાં અંગારા સળગતા હોય એવુ દેખાય એ રીતે બે લાલ એલઈડી ગોઠવવામાં આવી હતી. હાથમાં રબ્બરના હેન્ડગ્લોવ્ઝ અને એક લાંબી લાકડી ફિટ કરાવી હતી.આ લાકડી ફરતે કપડાં વીંટીને હાથની રચના પણ કરવામાં આવી હતી જેને લાંબી કરીને હબાએ તભાભાભાના હાથમાંથી પ્રસાદની થેલી ખેંચી લીધી હતી !

ભૂતને લખમણિયો એવું નામ તો તભાભાભાએ જ આપ્યું હતું.અને એ ભૂતની કહાની પણ પોતાની પંડિતાઈ બતાવવા ભાભાએ ઘડી કાઢી હતી એટલે પોચા પસાહેબને વાર્તાનો પ્લોટ બારોબાર મળી ગયો હતો.

બાબાની બદમાશી દિવસે ને દિવસે વધી રહી હતી. હબાની દુકાને મફતની તમાકુ ખાઈ જતા અને દુકાનના તાળા પર પોદળા મારીને ભાગી જતા બાબા પર હબાને દાઝ ઉતારવી હતી. ચંચાને પણ બાબાએ જાદવની વાડીએ ખૂબ માર્યો હતો,એ ઉપરાંત એને હુકમચંદની વીજળી મેળવવી હતી.

પોચા પસાહેબ આ બધું જાણતા હતા.એ જેટલા પોચા દેખાતા હતા એટલા હતાં નહિ. ચંચાએ અને હબાએ મળીને ગામમાં હાહાકાર મચાવ્યો હતો.આજ સુધી લખમણિયાના ભૂતનું રહસ્ય, રહસ્ય જ રહેવા પામ્યું હતું.પણ આજ રાતે સવજીની વાડીએ હબો બાબાને 'ચગી જવાનું' કહીને ભૂલ કરી બેઠો હતો.જો હુકમચંદ બાબાની વાત માનીને હબાના ઘર પાસે જ બેસી રહ્યો હોત તો એ બંનેને માર પડવાનો હતો.પણ હુકમચંદે એ કામ એમના બે ચમચાઓને સોંપ્યું હતું.

ચંચા અને હબા ઉપરાંત રઘલો વાળંદ પણ આ કામમાં સામેલ હતો રાતના સમયે કોને અને કેવી રીતે લખમણિયા ભૂતનો પરચો બતાવવો એ પ્લોટ પોચા પસાહેબ તૈયાર કરતા.ક્યારે ગામના મેઈન સબસ્ટેશનના ટ્રાન્સમીટરનો ફ્યુઝ ખેંચી લઈ ગામમાં અંધારું કરી મૂકવું,શિકારને લાફાવાળી કરીને નાસી જવું વગેરે તાલીમ અને માર્ગદર્શનના પાઠ પોચા પસાહેબે આ ત્રણ જણને ખૂબ સરસ રીતે ભણાવ્યાં હતાં.

ચંચો અને હબો બંને એકસાથે જ લખમણિયાનો વેશ ધારણ કરીને નીકળી પડતાં પસાહેબ અને રઘલો જરૂરી સાધનો સાથે એ લોકોની સાથે જ રહેતા. પસાહેબની સૂચના અનુસાર રઘલો વીજળી ગુલ કરી દે એટલે હબો સૌ પ્રથમ શિકારને તમાચો ઝીંકતો.શિકાર કંઈ સમજે એ પહેલાં જ ચંચો પણ તમાચો જડી દેતો. હાથમાં પહેરેલા રબ્બરના હેન્ડગ્લોવ્ઝને કારણે શિકારના ગાલ પર એવો જોરદાર તમાચો પડતો કે એની આંખે અંધારા આવી જતા !

રઘલાને જાદવની બૈરી જડીને હાથ કરવાના અભરખા હતાં, પોચા સાહેબે એની કોણીએ એ જડી મેળવી આપવાનો ગોળ ચોંટાડયો હતો એટલે એ રઘલો એની ધાધર વલુરતો વલુરતો અડધી રાતે પણ પસાહેબનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતો !

તો મારા વ્હાલા વાચક દોસ્તારું..ઘણા સમયથી લખમણિયાના ભૂતના રહસ્ય પરથી પડદો ઉચકાવાની આપ સૌ રાહ જોઈ રહ્યાં હતાં ને ?! તો લ્યો આજ લખમણિયો કોણ હતો એ કહી જ દીધું.હકીકતમાં કોઈ ભૂત બૂત હતું જ નહીં પણ પોચા જણાતા પસાહેબ અંદરખાને ઘણા કઠણ નીકળશે એની તો ખુદ મને પણ ખબર નહોતી..!!


હવે આ રઘલો જડી માટે, ચંચો વીજળી માટે અને હબો બાબાને બુચ મારવા માટે પોચા સાહેબના ઈશારે નાચી રહ્યાં છે.પોચો સાહેબ ટેમુને અને બાબાને ખોખરા કરવા કેવા કેવા ખેલ રચશે એ તો આપણને આ મોજીસ્તાનની મોજીલી સફરમાં જ જાણવા મળશે.