MOJISTAN - 71 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 71

મોજીસ્તાન (71)

બાબો ગામની બહાર આવીને નદીના પાળે ઉભો રહ્યો.પાળા પર સુતેલા કુતરાઓએ માથે ધાબળો ઓઢીને ઉભેલા આદમીને જોઈ માથું ઊંચું કર્યું.ગામના રોટલા ખાઈને ગામની રક્ષા કરવાની વગર પગારની નોકરી કરતા એ કૂતરાઓની ટોળીનો સરદાર કાળુ બેઠો થઈને ભસ્યો.એનું ભસવું એટલે બાકીના ટૂંટિયું વળીને સુતેલા શ્વાનો માટે હાકલ પડી હોવાનું ગણાતું હશે એટલે તરત જ બધા જ કૂતરાં ભસવા લાગ્યા. બાબાએ વાંકા વળીને રસ્તામાંથી થોડા પથ્થર ઉઠાવ્યા.એ જોઈ કળિયાને યુદ્ધ અનિવાર્ય લાગ્યું.

ભસણકાર્યને વેગ આપી દરેક શ્વાન, ધાબળાધારી મનુષ્યને પરાસ્ત કરવા સજ્જ થયા.તાજી વીંયાયેલી કુત્તી પણ એના ગલુંના મોમાંથી આંચળ છોડાવીને આવી રહેલા અનિષ્ટને મારી હટાવવા ઉભી થઈ.

બાબાને આ કુતરાઓનો અનુભવ એકવાર થઈ ગયો હતો.ભાભાની તબિયત બગડી હતી ત્યારે એ ડોકટરને બોલાવવા ગયો હતો.વળતી વખતે આ કુતરાઓ પાછળ દોડ્યા હતા.એ શ્વાનટોળીનો સરદાર કાળિયો પિંડીએ બટકું પણ ભરી ગયો હતો.એટલે બાબો આ વખતે યુદ્ધ કરવા માંગતો નહોતો.

બાબાએ માથેથી ધાબળો હટાવીને કૂતરાને બુચકાર્યા.'આવ આવ..આવ..આવ...!' કહી એણે પોતાનો પરિચય ગ્રામવાસી તરીકે આપ્યો.કાળુએ પોતાના મોંએ પરાસ્ત થઈ ચૂકેલા બાબાને ઓળખીને તરત યુદ્ધવિરામ જાહેર કર્યો.શ્વાનટોળીએ પણ ભસણના શસ્ત્રો મોંમાં સંકેલીને મૂકી દીઈ પૂંછડી બે પગ વચ્ચે ગોઠવીને ખાડામાં શરીરનું ટૂંટિયું વાળ્યું.

કાળુને બુચકારીને બાબાએ પાસે બોલાવ્યો. એના માથે હાથ મૂકીને પોતે દુશ્મન નહિ પણ દોસ્ત હોવાનો વિશ્વાસ આપ્યો.બુરાઈ ગયેલા જુના કુવાના કાંઠે નાખેલા પથ્થરના ઓટલા પર બાબો ફરી માથે ધાબળો ઓઢીને બેઠો.

દવાખાનાના ઓટલા પર જગો અને નારસંગ બેઠા બેઠા બીડીઓ પી રહ્યાં હતાં.એનાથી થોડે દુર હબાના ઘર પર સ્ટ્રીટલાઈટનું અજવાળું પડતું હતું.બાબાને હબા પર જ શંકા હોવાથી આજ એને પકડવાનો મનસૂબો એણે કર્યો હતો.

થોડીવારે જગો અને નારસંગ ઊંઘી ગયા એ બાબાએ જોયુ ; 'મને ખબર જ હતી, સરપંચના આ બે ચમચાઓ કંઈ ઉકાળે એમ નથી.સાલા હરામખોરો, ધ્યાન રાખવા બેસાડ્યા છે ને ઘોરવા માંડ્યા.' બાબો બબડીને ઉભો થયો.એ જ વખતે લાઈટ ચાલી ગઈ.

લાઈટ ગઈ એટલે અંધારું ફરી વળ્યું.બાબાએ ઝડપથી ખિસ્સામાંથી ફોન કાઢીને ફ્લેશ લાઈટ શરૂ કરી.નદીમાં વહેતી ગટરમાં પથ્થર મૂકીને બનાવેલી પગદંડી પર જાળવીને ચાલતાં ચાલતા ચાલતા બાબો દવાખાના તરફ આગળ વધ્યો.

થોડીવારે દવાખાનાના ઓટલે ઊંઘી ગયેલા જગો અને નારસંગ ગાળો બોલીને ઝગડવા લાગ્યા એ બાબાએ સાંભળ્યું.એ લોકો એકબીજા સાથે શા માટે લડી રહ્યા છે એ બાબાને થોડીવાર સમજાયું નહીં.પણ પછી તરત ખ્યાલ આવ્યો કે આ કરામત લખમણિયાની જ હોવી જોઈએ. એનો મતલબ કે હબો આવી ગયો છે.બાબાએ તરત મોબાઈલની ફ્લેશ લાઈટ બંધ કરી દીધી.ઉતાવળે ચાલીને એ દવાખાના પાસે ઉભેલા ખીજડાની ઓથે ઉભો રહીને અંધારામાં ચાલી રહેલા ખેલને જોવા આંખો ખેંચી રહ્યો.

લાઈટ જતી રહ્યાં પછી થોડીવારે બાબાની આંખો અંધારાથી ટેવાઈ હતી.આછા અંધારામાં બે કાળા ઓળા વારા ફરતી જગા અને નારસંગને લાફાવાળી કરીને થોડા દૂર હટી જતા બાબાએ જોયા.

' તો એમ વાત છે.લખમણિયો એકલો નથી.એક કરતાં વધુ માણસો ભૂતનો રોલ ભજવી રહ્યાં છે.એક તો હબલો જ હોવો જોઈએ એ પાકું છે.તો હબલાને સાથ આપનારો બીજો કોણ હોઈ શકે ? બાબાએ મગજ કસ્યું.તરત જ બાબના મગજમાં ઝબકારો થયો..'હા, બરાબર છે.ઈની માનો ચંચિયો ! પણ એ લોકો અહીં આવ્યા ત્યારે લાઈટ ચાલી ગઈ..એનો મતલબ કે કોઈ લાઈટ ગુલ કરનારું પણ છે.કદાચ ત્રણ જણ ન પણ હોય, ત્રણ કરતા વધુ લોકો આ ભૂતકાંડ રચી રહ્યા છે..!' બાબો ઝડપથી વિચારી રહ્યો હતો.

થોડીવારે જગા અને નારસંગની લડાઈ ઓર તેજ થઈ.પેલા બે ઓળાઓને પોતાનું કામ થઈ ગયું હોવાનું લાગતા એ બંને ચાલવા લાગ્યા. બાબો ખીજડાના ઝાડ પાછળથી બહાર નીકળીને એ લોકો પાછળ ચાલ્યો.

'હબો હોય તો એ કેમ એના ઘરમાં નહી ગયો હોય ? કદાચ ક્યાંક બીજું આયોજન હોય કદાચ..' બાબાએ વિચાર્યું.

'આ લોકો ક્યાં જાય છે એ આજ જાણવા મળશે.સાલાઓ કોણ કોણ છે એ આજ પકડ્યા વગર રહેવું નથી.ગામની પત્તર ઠોકી નાખી છે આ લોકોએ..'

એ વખતે એક બીજી પણ ઘટના બની હતી.ડોકટરે તે દિવસે ચંપાને રોકી હતી.ચંપા હવે ડોકટરના ક્વાટરનો વિશ્વાસ કરી શકે એમ ન હોવાથી એ દવાખાનામાં જ રોકાઈ હતી. ડોકટર આમ તો જમીને તરત જ આવી જવાના હતા અને ચંપા માટે પણ નાસ્તો લાવવાના હતા.એમાં એકાએક ભજીયાનો કાર્યક્રમ થયો એટલે ડોકટરે વિચાર્યું કે 'ચાલો કલાકેકમાં ભજીયા બી ખવાઈ જશે અને ચંપાને પણ આજ ભજીયા ખવડાવીને રાજી કરી દેવાશે.'

સવજીનો માણસ ડોકટરને લેવા આવ્યો એ પહેલાં ડોકટરે ચંપાને ફોન કરીને કલાક દોઢ કલાક જેટલું મોડું થશે એમ જણાવી દીધું હતું.એટલે ચંપાને હવે ડોકટરની રાહ જોવા સિવાય બીજું કોઈ કામ નહોતું.

પણ સવજીની વાડીએ ન બનવાનું બની ગયું હતું.તેમ છતાં ત્યાંથી ભાગતી વખતે ડોકટરે એક કોથળીમાં થોડાક ભજીયા ભરી લીધા હતા.સવજીનો માણસ ડોકટરને ઉતારીને ગયો પછી થોડીવારે ડોકટર કવાટરમાંથી દવાખાનામાં આવ્યો હતો.એ વખતે હુકમચંદ અને બાબાને એણે હબાના ઘર આગળ તપાસ કરતા જોયા હતા.ચંપા ડોકટરની રાહ જોઈ રહી હોવાથી ડોકટરને એ વખતે જલ્દી દવાખાનામાં ઘુસી જવુ જરૂરી હતું.એટલે લાંબી પળોજણમાં પડ્યા વગર ડોકટર દબાતા પગલે સહેજ પણ અવાજ ન થાય અને હુકમચંદ કે બાબો એને જોઈ ન જાય એનો ખ્યાલ રાખીને દવાખાનામાં ઘુસી ગયા હતાં. બહાર જે ચહલપહલ ચાલી રહી હતી એ ડોકટર અને ચંપાને અંદર સંભળાઈ રહી હતી. હબો જ લખમણિયો હોવાનું બાબો હુકમચંદને કહી રહ્યો હતો.

બાબો જ્યારે પેલા બે ઓળાઓ પાછળ જઈ રહ્યો હતો ત્યારે લાઈટ ચાલી ગઈ હતી.જગો અને નારસંગ એકબીજાને ઢીબી રહ્યાં હતાં અને ડોકટરે દવાખાનામાં મોબાઈલની ફલેશ લાઈટ ચાલુ કરીને તરત બંધ કરી હતી. દવાખાનાના દરવાજા પર રહેલા વેન્ટીલેશનમાં એ ફ્લેશલાઈટનો પ્રકાશ ઝબકયો ત્યારે જ બાબાએ પાછું વળીને જોયું હતું. દવાખાનામાં થયેલા પ્રકાશને જોઈ દવાખાનામાં કોઈક હોવાનું બાબો તરત સમજી ગયો હતો.

બાબાને હવે પેલા લોકો પાછળ જવું કે દવાખાનામાં કોણ છે એની તપાસ કરવી એ બે કામમાંથી કયું કામ કરવું એ નક્કી કરવું પડે એમ હતું.

બાબાએ તરત જ નિર્ણય લઈ પોતાના ખાસ દોસ્ત ટેમુને ફોન લગાડ્યો.ટેમુ આવશે કે નહીં એ અંગે બાબાને શંકા તો હતી જ અને આવે તો પણ દવાખાનામાં કોણ છે એ જાણી શકાશે કે કેમ એ કંઈ નક્કી નહોતું.છતાં પ્રયત્ન કરવામાં બાબો માનતો હતો.

થોડીવારે ટેમુએ ફોન ઊંચક્યો,
"બાબા તું મને શાંતિથી સુવા દઈશ ? હું ક્યાંય આવવાનો નથી. સવજીકાકાની વાડીએ મારે એ ભૂત સાથે બથોબથ આવવું પડ્યું હતું,મને ને બાપાને બેયને એ ભૂત ઝાપટો મારીને ભાગી ગયું છે.હવે હું એમાં પડવા માંગતો નથી.."

"તો મેં શું ગામનો ઠેકો રાખ્યો છે ? આજ દિવસ સુધીમાં અમને અને ગામને આ લખમણિયાંના બચ્ચાંએ હેરાન કરવામાં બાકી રખાયું નથી. છતાં હું એકલો અહીં દવખનામાં પાસે નદીમાં એ લોકોનો પીછો કરું છું.પણ દવાખાનામાં કોક છે ખરું, કદાચ ડોકટર જ હોવો જોઈએ. દવાખાના બહાર હુકમચંદના બે પઠ્ઠાઓને હમણાં જ લખમણિયાએ ધોયા છે, ટેમુ એક કરતા વધુ લોકો કદાચ આ ભૂત પ્રકરણમાં સામેલ હોય એમ લાગે છે.હું એ બે જણ પાછળ જાઉં છું તું આવીને ખાલી પાળા પર ઉભો રહેજે.દવાખાનામાંથી કોણ નીકળે છે અને ક્યાં જાય છે એનું જ તારે ધ્યાન રાખવાનું છે.ચલ જલ્દી આવી જા..!" કહી બાબાએ ફોન કટ કર્યો.

ફોન ખિસ્સામાં મૂકીને બાબો પેલા બે જણની પાછળ ચાલ્યો.થોડે દુર ગયા પછી લાઈટ આવી ગઈ.બાબો સમજી ગયો કે લખમણિયાનો રોલ કરનાર આ બે જણ જે હોય તે, પણ જગા અને નારસંગને ડરાવવા જ માંગતા હતા.એ લોકોના કોઈ ત્રીજો સાથીદાર લાઈટ કંટ્રોલ કરતો હતો એ ચોક્કસ હતું.

બાબો લપાતો છુપાતો એ બંને ઓળાઓની પાછળ જઈ રહ્યો હતો.એ લોકો પ્રાથમિક શાળામાં ઘુસ્યા એટલે બાબાને નવાઈ લાગી.શાળાની ઓફિસની લાઈટ શરૂ હતી,પણ બારણું બંધ હતું. એ બંને ઓળાઓ શાળાની ઓફિસનો દરવાજો ખોલીને અંદર ગયા એ વખતે અંદરનો પ્રકાશ એ લોકોએ પહેરેલા ભૂતના ડ્રેસ પર પડ્યો.બાબો ધારતો હતો એમ જ એ લોકોએ ભૂતનો સ્વાંગ રચ્યો હતો.

બાબો શાળાની લોબીના પગથિયાં ચડીને ઓફિસના બારણે ઉભો રહ્યો.અંદર કેટલા જણ છે એ કળવું મુશ્કેલ હતું.એ લોકોની વાતચીત સાંભળવા બાબાએ ઓફિસના દરવાજે કાન માંડ્યા.

"તો દોસ્તો....." પોચા પસાહેબનો અવાજ સાંભળીને બાબાના કાન ચમકયાં, 'પોચા સાહેબ ? તો વાત એમ છે કે દિમાગ પોચા સાહેબનું છે !'

આગળની વાત સાંભળીને બાબાને લખમણિયાનો પૂરો ભેદ ખ્યાલમાં આવી ગયો.બારણું સહેજ ખેંચીને બાબાએ અંદર જોવાનો કોશિશ કરી.સામેની ખુરશીમાં પોચા સાહેબ એમના પગ ટેબલ પર ચડાવીને બેઠા હતા.એમની સામે બેઠેલા હબા અને ચંચાની પીઠ બાબાને દેખાઈ.એ લોકો ભૂતનો ડ્રેસ ઉતારી રહ્યાં હતાં.

બાબો વધુ જુએ એ પહેલાં જ એને બોચીમાંથી કોઈએ જાલ્યો.એ હતો રઘલો ! ગામના ટ્રાન્સમીટરમાં મેઈન ફ્યુઝ ખેંચીને એણે વીજળી ગુલ કરી હતી.કામ પતી ગયા પછી ચંચાએ ફોન કર્યો એટલે એણે ફ્યુઝ ચડાવીને લાઈટ યથાવત કરી હતી.ત્યારબાદ એ પણ હબા અને ચંચાની જેમ બોસનો આગળનો હુકમ લેવા શાળાએ આવ્યો હતો.

ઓફિસના દરવાજામાંથી અંદર જોઈ રહેલા બાબાને રઘલાએ ઓળખ્યો નહોતો પણ કોઈ માણસ ભૂતનો ભેદ જાણી જાય એ એને પોસાય તેમ નહોતું.ખૂબ જ કાળજીપૂર્વક ભૂતનો ખેલ પાડવામાં અત્યાર સુધી આ લોકો સફળ રહ્યાં હતાં.

રઘલાએ બાબાને બોચીમાંથી પકડીને એનું માથું બારણાં સાથે ભટકાડ્યું.બાબા માટે આ હુમલો અણધાર્યો હતો.બારણાંને ધક્કો મારીને એ પાછળ તરફ ફર્યો. શાળાના ગેટ પર અને ગ્રાઉન્ડમાં ઉભેલા થાંભલા પરની લાઈટનું અજવાળું લોબીના પગથિયાં સુધી આવતું હતું.છતનો પડછાયો લોબીમાં પડતો હોવાથી બાબો કે રઘલો હજી એકબીજાને ઓળખી શક્યા નહોતા.પણ બંને એકબીજાના દુશ્મન છે એ વાત બરાબર જાણતા હતાં.

"કોણ સો હાળા..આંય અમારી જાસૂસી કરવા આયો સો ?" રઘલાએ રાડ પાડી.ઓફિસના બારણાં ખુલી ગયા એટલે હબો, ચંચો અને પોચા સાહેબ પણ બહાર ધસી આવ્યાં.

"તો લખમણિયા ભૂતને તમે લોકોએ ઉભો કર્યો છે એમને ! સૂત્રધાર પોચા પસાહેબ,અને હબો ચંચો અને આ..કોણ છો અલ્યા તું ?" બાબાએ ઓફિસના બારણાંમાંથી લોબીમાં પડતાં પ્રકાશને લીધે રઘલાને જોઈને ઉમેર્યું, "રઘલો વાળંદ જ ને ? આખો દિવસ ખહુરિયા કૂતરાંની જેમ ધાધર વલુરતો વલુરતો તું હવે કારસ્તાન પણ કરવા માંડ્યો એમ ?" કહી બાબો હસ્યો.

"બાબાલાલ તમે આંય આવીને બહુ મોટી ભૂલ કરી છે.અમારું રહસ્ય તમે જાણી ગયા છો એ તમારા માટે સારી વાત નથી.."
પસાહેબે ગંભીર થઈને કહ્યું.

હબો અને ચંચો ઓફિસની દીવાલે ઉભા રહી ગયા.રઘલો પોચા સાહેબના હુકમની રાહ જોઈને ઉભો હતો.

"તો બોલો, ભૂતના ભીષ્મપિતા..શું કરવાનો વિચાર હતો તમારે ? ભાભા સહિત આખા ગામમાં ભૂતનો ભય ફેલાવવા પાછળનું કારણ જણાવો હવે.ડાહ્યા થઈને બોલવા માંડો."કહી બાબો ફરી હસ્યો.

"રઘલા, હબા અને ચંચા મેં તમને કહ્યું જ છે કે જો કોઈ આપણી આ યોજના જાણી જાય તો તમારે શું કરવાનું છે ! પકડો આ બાબલાને. મારી મારીને સાલાના હાથપગ ભાંગી નાંખો અને જરૂર પડે તો...." પસાહેબે વાક્ય અધૂરું છોડીને હબા સામે જોયું.

"એટલે શું તમે મને પતાવી દેશો ઈમ ? મારું ખૂન કરશો ? શું બોલો છો એનું ભાન છે તમને ?"

"તું મોઢું બંધ રાખવાની ખાતરી આપે તો કદાચ જીવતો રહી શકીશ, બાકી તો..."કહી પસાહેબે સાદી બીડી સળગાવી.

"હું તમને લોકોને ઉઘાડા પાડીશ.
ગામમાં તમે લોકોએ કાળોકેર વર્તાવ્યો છે, નલાયકો મને શંકા તો હતી જ કે લખમણિયો એ કોઈ હકીકતમાં ભૂત તો નથી જ.પણ પસાહેબ તમારે આવું કરવાની શી જરૂર હતી..?"

"હબા,આ જનાવર સમજાવ્યે તો નહિ સમજે.આપણે મજબૂરીથી ન ગમતું કામ કરવું જ રહ્યું..!'' કહી પોચા સાહેબે હબાને ઈશારો કર્યો.

સાહેબના ઈશારાની રાહ જોઈને ઉભેલા હબાએ તરત જ એના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને બાબાના નાક પર દાબ્યો.ચંચા અને રઘલાએ બાબાના બેઉ હાથ પકડી લીધા.બાબો કંઈ ધમપછાડા કરે એ પહેલાં હબાના રૂમાલમાં રહેલા ક્લોરોફોર્મની અસરથી એના મગજમાં અંધારું છવાઈ ગયું.બીજી જ મિનિટ બાબો બેહોશ થઈને ઢળી પડ્યો !

*

બાબાએ ફોન કર્યા પછી કમને ટેમુ ઉઠ્યો હતો.આજ જે રીતે બંને બાપ દીકરાને લખમણિયાએ ધોયા હતા એ જોઈ ટેમુએ આ ભૂત સાથે પંગો લેવાનું માંડી વાળ્યું હતું.પણ બાબો એમ મચક આપે એવો નહોતો.

ધાબળો ઓઢીને ધીમે પગલે બહાર આવ્યો.બાબાએ એને સરકારી દવાખાને જઈને અંદર કોણ છે એ જોવાનું જ કહ્યું હતું. કદાચ બાબાએ ભૂતનું પગેરું પકડ્યું હતું.

ટેમુ બહાર નીકળ્યો ત્યારે લાઈટ જતી રહી હોવાથી એની શેરીમાં અંધારું હતું.જો કે ટેમુ તો અંધારાથી ટેવાયેલો હોઈ એ દવાખાના તરફ જતી શેરીમાં આગળ વધ્યો.

ટેમુ નદીના પાળા પર પહોંચ્યો ત્યારે લાઈટ આવી હતી.દવાખાના પાસે ડાબી તરફ બે જણ ઉભેલા ટેમુએ જોયા.એ જગો અને નારસંગ હતા એ વાતની ટેમુને ખબર નહોતી. દવાખાનાના મુખ્ય દરવાજાના વેન્ટીલેશનમાં ક્યારેક ક્યારેક લાઈટનો ઝબકારો થતો ટેમુએ જોયો.એ મોબાઈલની ફ્લેશ લાઈટ હોવાનું ટેમુ સમજ્યો હતો.

'મતલબ કે દવાખાનામાં કોઈ છે ખરું..પણ હબાના ઘર તરફ જતા રસ્તે દવાખાનાના ઓટલે ઉભેલા બે જણ કોણ હશે એ ટેમુને ખ્યાલ આવ્યો નહોતો.

ટેમુ પાળા પરથી ઉતરીને નદીના પટમાં આવ્યો.હજી એ ગટરવાળો રસ્તો ઓળંગીને જમણી તરફ ફંટાયો.જમણી તરફ ગામનો અવેડો અને પાણીના સ્ટોરેજ માટે બનાવેલી ટાંકી હતી.ટેમુ એ ટાંકીની ઓથ લઈ દવાખાનાના મુખ્ય દરવાજા પર નજર રાખીને ઉભો રહ્યો. થોડીવારમાં જ દવાખાનાનું મેઈનડોર ખુલ્યું હતું.એક ઓળો એમાંથી બહાર આવ્યો. એણે પાછળના ભાગે ડાબી સાઈડમાં ઉભેલા પેલા બંને તરફ જોયું.એ લોકોને ખ્યાલ ન આવે એ રીતે એ ઓળો ડોકટરના કવાટર તરફ ચાલવા લાગ્યો.કવાટર તરફ જતો રસ્તો અવેડા અને ટાંકી પાસેથી જ જતો હોઈ, ટેમુ જ્યાં ઉભો હતો ત્યાંથી જ એ ઓળો પસાર થવાનો હોઈ ટેમુ ટાંકીની પાછળ લપાયો.એ ઓળો નજીક આવ્યો એટલે આંખ ઝીણી કરીને ટેમુએ ડોકટર લાભુ રામાણીને ઓળખ્યા હતા.ડોકટર ઉતાવળે ચાલીને એમના કવાટરમાં જતાં રહ્યાં.

'આટલી રાતે ડોકટર દવાખાનામાં કેમ ગયા હશે ? અને ગયા તો એમણે લાઈટ કેમ કરી નહિ ? મોબાઈલની ફ્લેશલાઈટનો ઉપયોગ કરવાનું કારણ શું હોઈ શકે ?' મનોમન બબડીને એ ડોકટરની પાછળ ચાલ્યો.

(ક્રમશઃ)