Rajvi - 20 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 20

(૨૦)

(પશુઓનો પોકાર સાંભળીને નેમકુમારે રથને પાછો વાળ્યો. હવે આગળ...)

એ સમયમાં આવનાર જાનનું સ્વાગત કરવા માટે નિર્દોષ પશુઓની બલિ લેવાતી. અને એ દેખાડો દિવસે ને દિવસે વધી રહ્યો હતો.

સૌની નજર રથ બાજુ હતી. એટલામાં તો રથે દિશા બદલી.

"શતાયુ, મારે આ પ્રાણીઓને જોવા છે."

નેમે સારથીને કહ્યું અને રથે વાડા બાજુ ચાલવા માંડ્યું.

વાડાનો રક્ષક તો રથને આવતો જોઈ ગભરાયો. એટલામાં રથની પાછળ ચાલી રહેલા હાથીઓ, અશ્વો અને શિબિકાઓ વગેરે પણ જાણે અચેતન વસ્તુની માફક ત્યાંને ત્યાં જ સ્થિર થઈ ગઈ. કોઈને કંઈ જ સમજ ન પડી કે આ બધું શું બની રહ્યું છે.

સમુદ્રવિજય રાજા, કૃષ્ણ મહારાજ વગેરે આશ્ચર્ય સાથે ચોમેર જોવા લાગ્યા. રથની પાછળ જવાની શક્તિ પણ કોઈનામાં નહોતી. અને શા માટે રથ પાછો વળ્યો એ તો કોઈ જાણતું પણ નહોતું.

"અશ્વોને દોડાવી મૂક.."

શતાયુને બીજી આજ્ઞા મળી. અત્યાર સુધી પરાણે દબાવી રાખેલી શક્તિને જાણે તક મળી હોય એમ અશ્વોએ પણ ચારે પગે દોડવા માંડયું.

વાડાની દિશામાં દોડતો રથ સૌને વિચાર કરતાં મૂકીને આગળ વધતો જતો હતો.

પશુઓનો વાડો રાજમહેલના પાછળના ભાગમાં હતો, એટલે ક્ષણભર તો રાજુલને અને સખીઓને લાગ્યું કે મહેલ ભણી આવે છે. કદાચ રાજુલને મળવા પણ આવતા હોય. અને હવે એવી આમન્યાની જરૂર પણ શી છે.

પણ એટલામાં તો રથ મહેલના પાછળના ભાગમાં અદ્રશ્ય થઈ ગયો.

રાજુલ તો આ જોઈને બેભાન થઈ નીચે પડી જતાં વૃદાંએ પકડી લીધી. બેભાન રાજુલને બધાએ ભેગા મળી બરાબર સુવાડી. એના ગાલ પર થીજી ગયેલા આસુંના ભંડાર જાણે ઠલવાઈ ગયા હતા.

"આની પણ એમને દયા નહીં આવી હોય?"

માધવી બોલતા બોલતા તો આંખો ભીની થઈ ગઈ અને વૃદાં અને શશિલેખા પણ હતાશ બની રાજુલ પાસે બેસી ગયા.

"આ રથ તો પાછળ જતો લાગે છે."

અચાનક જ વૃદાં બોલી.

"જવું હોય ત્યાં ભલે જાય, એવા નિષ્ઠુર માણસ માટે હવે મને કંઈ જ લાગતું નથી."

શશિલેખાએ મોં બગાડીને જવાબ આપ્યો.

"પણ વાત જાણ્યા પહેલાં તું દોષ દેવા બેસી જાય એ પણ અન્યાય કહેવાય."

વૃદાંએ જરા શાંત બનતાં કહ્યું.

"રથને પાછો વાળ્યા પછી હવે તું એમની પાસેથી કયા ન્યાયની આશા રાખી શકે છે?"

શશિલેખાએ કહ્યું અને એટલું બોલતાં બોલતાં તો એની આંખોમાંથી પણ આંસુધારા વહેવા લાગી.

એટલામાં તો સૈનિક દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો.

"માધવી... માધવી..." તેને આવતાંની સાથે જ શ્વાસભેર બોલવા માંડયું.

"અરે, જરા ધીમે..."

માધવીએ રાજુલ તરફ નજર કરીને કહ્યું.

"હવે જરા દૂર ઊભા રહીને વાત કરશો કે સુભટજી?"

માધવીએ એમને ચીડવતાં કહ્યું.

"કુમારશ્રીએ વાડામાં પૂરેલાં પ્રાણીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો."

સુભટ બોલ્યો.

"હેં શું વાત કરે છે?"

"હા... કારણ એમને એવી હિંસા નથી ગમતી. અને એ કારણે...."

"બોલો, બોલો, આગળ કહી નાંખો."

શશિલેખા વચ્ચે જ બોલી ઉઠી.

"એ કારણે જ તે પરણ્યા વિના પાછા ફર્યા છે."

"પરણ્યા વિના...."

ત્રણે જણ એકી સાથે ચીસ પાડી ઊઠયા.

"એટલે એમને માણસોની દયા નથી આવતી, પણ માત્ર પશુઓની જ દયા આવે છે."

વૃદાંએ તાત્પર્ય કાઢયું.

રાજુલનો દેહ તરફડિયા મારતો પડયો હતો. એના હાથપગ સંકોચાઈ ગયા હતા અને મોંમાંથી ગરમ ગરમ શ્વાસ નીકળતો હતો.

માધવી ભીના કપડાનો કકડો એની આંખો પર દબાવી બેસી રહી. સુભટની વાતોમાં આજે એને વધારે રસ ન પડયો.

"નેમિ.... નેમિ...."

રાજુલના અંતરમાંથી ઊંડો અવાજ આવતો હોય એમ એના હોઠ ફફડયા.

"કુંવરી બા...."

માધવીએ એને થોડી ઢંઢોળવા માંડી.

"રાજુલ... રાજુલ..."

વૃદાં અને શશિલેખાએ એના શરીરને હળવે હાથે પંપાળતા પંપાળતા એને જગાડવા કોશિશ શરૂ કરી.

"નીચે ધારિણીબા પણ ચોધાર આંસુએ રડે છે. મહારાજ માથે હાથ દઈને બેસી રહ્યા છે."

સુભટે વાત આગળ વધારતાં કહ્યું.

"મહારાજ કેમ આટલા બધા નિષ્ક્રિય બેસી રહ્યા છે?"

વૃદાંએ પાછા પૂછ્યું.

"કારણ સમુદ્રવિજય રાજા તથા કૃષ્ણ મહારાજ વગેરે નેમકુમારને મનાવવા એમની પાછળ ગયા છે અને એ પાછા ન આવે ત્યાં સુધી મહારાજ શું કરી શકે?"

"પણ આપણે નથી મનાવવા. અને એ મા બાપ પણ કેવાં?... એવો તે કેવો લાડઘેલો દીકરો હશે કે માબાપની આમ ઉઘાડે છોગે આબરૂ લેતાં પણ ડરતો નથી?"

"લેખાબહેન, જરા શાંત થાવ. પૂરી વાત જાણ્યા વિના શું કરવા નકામા આકરાં થાવ છો?"

માધવીએ બોલી.

"ત્યારે શું કરીએ, માધવી? તું તો રાજુલનો સ્વભાવ જાણે છે. એને ઠેકાણે લાવતા આપણાં પગે પાણી ઉતરશે."

"હું સમજું છું. પણ આપણે હમણાં તો આમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરીએ."

ત્રણે જણે પાછો એને પવન નાખવા માંડયો, રાજુલનાં નેત્રો ધીમે ધીમે ખુલતાં જતાં હતાં. એ નેત્રોમાં નરી બાઘાઈ અને વિહવળતા હતાં.

"વૃદાં... શશિલેખા..."

તેને ધીમેથી બંને બોલાવ્યા તો બંનેએ તેના હોઠ પાસે કાન ધર્યા.

"એ કયાં ગયા?'

તેનો ધીમો અવાજ સાંભળીને બંને સખીઓ રોવા લાગી.

"શા માટે રડો છો? એ પાછા નથી આવવાના એટલે?"

રાજુલે માથું જરા ઊંચું કરતાં પૂછ્યું. વૃદાંએ તેનું મસ્તક પોતાના ખોળામાં ગોઠવ્યું અને તેની આંખો દાબી દીધી.

"સત્યનો સામનો કરવાનો છે, વૃદાં. શા માટે આંખો બંધ કરી દે છે?"

રાજુલે વૃદાંના હાથ પર પોતાની આંગળીઓ ફેરવતાં કહ્યું. એટલામાં રાજુલની નજર ખૂણામાં છાનામાના ઉભેલા સુભટ પર પડી.

"તું પણ કેમ ગમગીન ઊભો છે? માધવી... તે આને કેમ આમ ઊભો રાખ્યો છે? બિચારાને બોલાવ તો ખરી."

રાજુલે શબ્દે શબ્દમાં ધીમે ધીમે સ્વસ્થતા આવતી જતી હતી. અને થોડી વાર પછી તો એ બેઠી થઈ ગઈ.

"કુમાર કયાં ગયા છે?"

તેને વૃદાંને પૂછ્યું, કોઈએ તેની વાતનો જવાબ ન આપ્યો.

"રાજુલ, છોડ હવે એનું નામ."

શશિલેખાએ જરા રોષમાંજ રાજુલના બે વાર પૂછવાથી બોલાઈ ગયું.