Ispector ACP - 11 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 11

ભાગ - ૧૧
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,
સ્વર્ગસ્થ સીતાબહેન આચાર્યની, અધૂરી રહી ગયેલ બે ઈચ્છાઓમાંથી,
પહેલી ઈચ્છાના અનુસંધાને,
ગામની સ્કૂલમાં, ઓડીટોરીયમ બનાવવાનું કામકાજ તો ચાલુ થઈ ગયું છે, ને આજે.....
સીતાબહેનની બીજી અધૂરી ઈચ્છા,
તેજપુર ગામની પ્રાથમિક સ્કૂલનાં બાળકો, અને સ્કૂલનાં સ્ટાફને લઈને, જ્યારે બે લક્ઝરી મુંબઈ જવા નીકળી,
ત્યારે તેમની બીજી ઈચ્છા પણ, આજે પુરી થવા જઈ રહી છે.
એક બાજુ મુંબઈ માટે, જેવી ગામમાંથી લકઝરી નીકળે છે, ને બીજી બાજુ,
હમણાંજ પ્રેમલગ્ન કરેલ, સરપંચ શીવાભાઈની દીકરી સીમા, અને જમાઈ આદર્શ,
લગ્ન પછી પહેલીવાર શીવાભાઈને મળવા આવે છે.
પહેલાં તો ગામલોકોજ, સીમા, અને આદર્શને જોવા, તેઓને ગાડીમાંથી ઊતરતાજ ઉત્સાહભેર વળગી પડે છે.
જ્યારે, ધીરે ધીરે ને, એક પછી એક ગામ લોકો, સીમા અને આદર્શ ને મળીને નીકળી જાય છે, ત્યારે શીવાભાઈને દીકરીને મળવાનો વારો આવે છે.
સૌ પ્રથમ તો, સીમા અને આદર્શ, સરપંચને પગે લાગી, બંને જણા આશીર્વાદ લે છે.
ત્યારબાદ સીમા પપ્પાને પગે લાગી, જાણે હજી કંઈ રહી જતું હોય એમ, અચાનક
નાના બાળકની જેમ, સીમા પપ્પાના ગળે લાગે છે, ને સીમાના ગળે લાગતાંજ,
બાપ-દીકરી બંનેના આંખોના ખૂણા ભીના થઈ જાય છે.
થોડીવાર પછી, બાપ-દીકરી બંનેનું દિલ થોડું હળવું થતા, સીમા, આદર્શ, જીજ્ઞેશ અને સરપંચ શીવાભાઈ,
સૌ સાથે મળીને બેસે છે, ને વાતચીત કરે છે, ને રાતનું ભોજન પણ તેઓ સાથે કરે છે.
ઘણાં સમય પછી, આજે બાપ-દીકરી સાથે જમી રહ્યાં હોવાથી, બાપ-દીકરીની નજર, ભોજનની થાળી કે હાથમાં લીધેલ કોળિયા કરતા, એક બીજા પર વધારે ધ્યાન આપી રહી છે.
આજે બાપ દીકરીને જાણે,
દરેક કોળીયામાં, ભોજનના સ્વાદની સાથે-સાથે,
એકબીજાના પવિત્ર પ્રેમનો સ્વાદ ભળી રહ્યો હોય, એટલાં નિરાંતથી, મીઠા તાલ અને લય સાથે એ જમી રહ્યા છે.
ભોજન થઈ ગયા બાદ, તેઓ ઓસરીમાં બેસે છે.
શીવાભાઈ સરપંચ જાણે છે કે,
આજે આદર્શ માટે, આ બધું નવું વાતાવરણ હોવાથી, તેઓ હળવી ને માત્ર ઔપચારિક વાતચીત કરી રહ્યા છે, ને ત્યાંજ અચાનક.....
સરપંચની નજર સામે ઓરડી તરફ જાય છે, કે જે ઓરડી હમણાં મજૂરોને રહેવા ખોલી આપી હતી.
ઓરડી તરફ જોઈ, સરપંચ શીવાભાઈને મનમાં વિચાર આવે છે કે,
કોન્ટ્રાકટર અશોકભાઈ, આજે જે પ્રમાણેનું વર્તન કરીને ગયા છે,
રામજાણે, એ ક્યારે મટીરીયલ અને તેમની મજૂરીનું એસ્ટીમેન્ટ મોકલાવે,
કદાચ કામ કરવાની ના પણ પાડી દે.
તો હાલ, અશોકભાઈના કહેવા પ્રમાણે,
બે ત્રણ દિવસ રાહ જોઈ લેવી વધારે યોગ્ય છે, ત્યાં સુધી જો હું આ મજુરીનું કામકાજ બંધ રખાવું, તો પાછળથી બીજી કોઈ તકલીફ ઊભી ના થાય.
આટલું વિચારી સરપંચ ઉભા થઈ, ઓરડી તરફ જાય છે.
ત્યાં જઈ સરપંચ.....
સરપંચ :- જમી લીધું ?
મજૂર મદન :- હા સાહેબ, જમી લીધું.
સરપંચ :- જો મદન, ઘેલા,( ઘેલો બીજા મજુરનું નામ ) મારે તમને એક વાત કહેવી હતી.
ઘેલો :- હા સાહેબ, બોલો ને શું કહેવું છે ?
સરપંચ :- હું શું કહું છું,
હમણાં સાંજે, તમારા કોન્ટ્રાકટર સાહેબ અશોકભાઈ આવ્યા હતા,
એમની સાથે આ સ્કૂલનાં કામકાજને લઈને, જીભાજોડી તો નહી, પરંતુ થોડી રકઝક જેવું કંઈક થયું છે, તો છેલ્લે એવું નક્કી થયું છે કે,
હવે એ ખાલી લેબરથી આગળનું કામ કરશે, અને નવું એસ્ટીમેટ બે ત્રણ દિવસમાં મોકલવા નું કહીને ગુસ્સામાં અહીથી ગયા છે.
તો એ નવું એસ્ટીમેટ જ્યાં સુધી આવી ના જાય, ત્યાં સુધી, મને લાગે છે કે, આપણે આગળનું કામ બંધ રાખીએ.
અને તમે લોકો પણ, આ બે ચાર દિવસ અહીં કામ વગર બેસી ના રહો, તમારા ખોટા દિવસો ના બગડે, એટલે તમે પણ આ ત્રણ ચાર દિવસ, શહેરમાં ક્યાંક હાજરી ભરી શકો, બસ મારે તમને આટલું જ કહેવું હતું.
બાકી તમે કામની ચિંતા ના કરશો, અશોકભાઈનો જે પણ જવાબ આવશે, હું સ્કુલનું આગળનું બધું કામ, તમારી પાસેજ કરાવીશ.
મજૂરો સરપંચની વ્યાજબી અને લાગણીભરી વાત સાંભળી ખુશ થઈ જાય છે, ને પછી મદન સરપંચને.....
મદન :- તમારી વાત સો ટકા સાચી છે સાહેબ,
અમને કોઈ વાંધો નથી,
આમતો તમે અમને થોડું વહેલું કહ્યું હોત તો, અમે સાંજે જ શહેર જવા નીકળી જતા, હવે અત્યારે તો, કઈ રીતે જઈએ ?
હા હાઈવે સુધી કોઈ સાધન મળી જાય, તો સારું
અત્યારેજ નીકળી જઈએ, એટલે અમારે કાલનો દાડો ના પડે, કાલે ગમે ત્યાં હાજરી પર કામે જઈ શકીએ.
શીવાભાઈ સરપંચને મજૂરની વાત વ્યાજબી લાગતા.....
સરપંચ :- તમે ચિંતા ના કરો, તમારો કાલનો દિવસ નહીં બગડે, કાલે તમે કામ પર જઈ શકશો.
ઘેલો :- એ કઈ રીતે ?
સરપંચ :- જુઓ, હમણાં શહેરથી મારી દીકરી અને જમાઈ મને મળવા આવ્યા છે, ને હમણાં મને મળીને તેઓ શહેર પાછા પણ નીકળી જવાના છે.
એ લોકો ગાડી લઈને આવ્યાં છે, ને એ ગાડીમાં
એ બે લોકોજ છે, તમે અત્યારે નીકળવાની તૈયારી કરો, હું ગાડી નીકળે એટલે તમને બોલાવું.
એ તમને તમે જ્યાં કહેશો ત્યાં ઉતારી જશે.
આટલું કહી સરપંચ, તેમના ઘર તરફ જાય છે, આ બાજુ સરપંચની વાત સાંભળી મજૂરો પણ ખુશ થઈ જાય છે, ત્યાંજ સરપંચ પાછા આવી......
સરપંચ :- મદન તમારામાંથી કોઈ એક આવો મારી સાથે, હું તમને હાથ ખર્ચીના થોડા પૈસા આપુ.
મદન :- ના સાહેબ, તમારા પાસેથી પૈસા લઈએ, તો અમને કોન્ટ્રાકટર સાહેબ બોલશે.
સરપંચ :- અરે આટલા દિવસ તમે કામ કર્યું છે, ને ઉપરથી આજે પાછા કોન્ટ્રાકટર તમને મળ્યા સિવાય જતા રહ્યા છે, એટલે અત્યારે હું જે થોડા, હાથખર્ચી જેટલાં પૈસા તમને આપુ, એ તમે લઈલો, તમારે કામ લાગશે, જો કોન્ટ્રાકટર નહી માને, તો આ પૈસા હું ભોગવી લઈશ.
તમે એની ચીંતા ના કરો.
સરપંચની વાત સાંભળી, એ મજૂરો, હાથખર્ચીના પૈસા લેવા તૈયાર થઈ જાય છે, ને સરપંચની પાછળ-પાછળ જાય છે.
હવે આ સમયે,
સરપંચના જમાઈ આદર્શ, અત્યારે નીકળવાનું હોવાથી, તેમની ગાડી રીવર્સ કરી રહ્યા હતા, ને ગાડી રીવર્સ કરતા કરતા,
જમાઈ આદર્શની નજર ઘર તરફ જાય છે, ને તે જુએ છે કે,
અંદર ઘરમાં, તેમના સસરા, એટલેકે, સરપંચ તિજોરી ખુલ્લી રાખીને કંઈ કામ કરી રહ્યા છે, ને એક મજુર.....
એક મજુર, તીજોરીવાળા એજ રૂમની બારીની છેક નજીક ઉભો ઉભો,
અજીબ અને રહસ્મય નજરે, એકધારું ઘરમાં જોઈ રહ્યો છે.
વધુ ભાગ બારમાં.