Prem Kshitij books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૯

કરુણાની કરુણા સમજનાર શ્યામાએ એને ન્યાય અપાવ્યો, ભીખીબેનની આંખ ઉઘડી અને એમનાં ઘરમાં કાયમી શાંતિ સ્થપાઈ એનાથી શ્યામનું મન પ્રફુલ્લિત થઇ ગયું, એના બે વચનો કોઈના માટે આશિષ બનીને ઊભા રહ્યા એ એના માટે સૌભાગ્ય હતું. એ બધી સમજાવટ કરીને ઘરે આવી, રસ્તામાં પછી માયાના ઘરે આંટો કરી આવી, શ્યામા ગામમાં બધાની લાડકવાયી એટલે એટલે એ કશે પણ જાય એટલે માન સાથે એનો આવકાર થતો, બાળપણની પગલીઓ અમરાપરની ધૂળમાં રગદોળીને મોટી થયેલી શ્યામાએ ઉંમરની સાથે સૌના મનમાં પણ પોતાનું સ્થાન મેળવી લીધું હતું, એનો હસમુખો અને આખાબોલો સ્વભાવ બધાને ગમી જતો, નાનકાઓ સાથે નાનું અને મોટેરા સાથે મોટું થઈને રહેવું એવી એનામાં આવડત હતી.
એ શેરીમાં આવી ત્યાં તો ઓટલે બેઠેલો ભાર્ગવ શ્યામા તરફ નજર કરીને, "કાં...ઝાંસીની રાણી ક્યાં જંગ જીતીને આવી?"
"જંગ તો જીતાઈ ગઈ ભઈલા, આજે તો ભીખીકાકીની પોલ ખોલી દીધી ને કરુણાનો ઉદ્ધાર કરાવી જ નાખ્યો."- શ્યામાએ ગર્વ કરતાં કહ્યું.
"કઈ ભીખીકાકી? ઓલી ઝઘડાળુ છે ઍ? જબરું કે વાય!"- ભાર્ગવે હાથથી શાબાશી આપતાં કહ્યું.
"ઈ કંઈ ઝઘડાળુ નથી! બધા સારા જ હોય છે, મનભેદ અને મતભેદથી સૌ પોતાની રીતે વર્તતા હોય બકા!"- શ્યામા બોલી.
"જો આઇવી! અમદાવાદી બકા....તારે તો ગાંધીજીના આશ્રમે પોતાનું મુકામ કરાવી લેવું જૉહે...."- કહેતાં કહેતાં ભાર્ગવે એની બકા કહેવાની અને ભીખીકાકીની તરફદારી સામે વ્યંગ કર્યું.
"ના હવે ક્યાં તું આશ્રમની વાતું કરે સે? એને તો હવે ન્યુઝીલેન્ડના વિઝાની તૈયારી કરવી જોય!"- મયુરે વાતમાં કઈક નવું કહ્યું, ન્યુઝીલેન્ડનું નામ પડતાં જ શ્યામા શરમાઈ ગઈ, સવારે નિહાળેલો શ્રેણીક એની નજરની સામે તરવા માંડ્યો, એના મનમાં સાતમા પડમાં ચાલી રહેલો શ્રેણિક જાગી ગયો!
"શું તું પણ મયુર! હજી કઈ નક્કી નથી થયું! "- શ્યામાએ મલકાતાં મલકાતાં કહ્યું.
"ઈ તો નક્કી જેવું જ છે! તું તારે હા કહી દે, શ્રેણિકને તો ન્યાથી છેક ઉપાડીને લઈ આવીશું!"- મયુરે એની ઉગ્રતાવાળી સ્ટાઈલમાં કહ્યું.
"શું છે મયુરિયા? આ તો કંઇ યુદ્ધરણ થોડી છે કે યુદ્ધ છેડી દેવાનું મન ફાવે ત્યારે...અને કીડનેપ કરીને લઈ આવવાનુ?"- પ્રયાગ બોલ્યો.
"સમજાવ ને પ્રયાગ આ બધાય ને! જીવવા દે!"- શ્યામા હસતાં હસતાં ફરિયાદ કરવા માંડી.
"તારા નાનકડા ભાઈઓ નહિ અમે? એટલું તો બને ને હેરાન કરવાનું!"- કહીને મયુર શ્યામાની વાતને વધારે હળવી કરી રહ્યો.
"હા.. અરે શ્યામાદીદી! સાંભળોને ગૌરીભાભુ અને સરલાભાભુ તમને શોધતા હતા!"- સૌ ઊભા હતા ત્યાં આરોહી બહાર જતા જતા એને કહી રહી.
"હા ભલે, જાઉં! પણ તું શીદ જાય આ ઘડીએ?"- શ્યામાએ હાથની ઘડિયાળ જોતાં કહ્યું.
"દીદી, મારી બેનપણી મોહિનીના ત્યાં આજનું હોમવર્ક લેવા જાઉં છું, આજે બાકી હતું ને!"- શ્યામાએ આરોહીને રોકીને પૂછતાં કહ્યું.
"તો એકલી કેમ જાય? એક કામ કર, પ્રયાગ કે મયૂરને લેતી જા ભેગી! આવતાં અંધારું થઈ જશે!"
"હા ભલે દીદી, પ્રયાગભાઈ તમે હાલો મારી જોડે!"- આરોહી બોલી.
"કાં હું નહિ?"- મયુરે પૂછ્યું.
"તમે બહુ બાજો..."- આરોહીએ ભોળાભાવે મનમાં જે હતું એ કહી દીધું, બધા ખળખળાટ હસવા માંડ્યા.
"સુધરી જા મયુર! જો આ નાનકડી છોકરીને પણ ખબર પડી ગઈ છે કે તું ઝઘડાળુ છે!"- ભાર્ગવે મોટેથી હસતાં કહ્યું, મયુર ફરી ગીનનાયો, એને ભાર્ગવ સામે આંખો કડતાં જોયું.
"બસ બસ હવે! એ તો અમથા બોલી! તુંય શું ઉપાડો લે મયુર! નાની છે હજી! "- શ્યામાની સમજાવટ ફરી કામ આવી.
"ચાલો, અમે જતાં આવીએ!"- કહીને પ્રયાગ આરોહી જોડે ગયો અને શ્યામા અને એની જોડે ગયેલી માહી ઘરની પરસાળમાં ગયા!