Atitrag - 36 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 36

અતીતરાગ-૩૬

‘મૂડ મૂડ કે ના દેખ મૂડ મૂડ કે..’

આશરે છ દાયકા પહેલાં વર્ષ ૧૯૫૫માં આવેલી સુપરહિટ ફિલ્મના આ યાદગાર ગીતના આટલાં શબ્દો સંભાળતા તરત જ નજર સમક્ષ આવી જાય.. ‘શ્રી ૪૨૦’ના એ મારકણી અદાના અદાકારા ‘નાદીરાજી.’

આજની કડીમાં વાત કરીશું ‘નાદીરાજી’ની નાયાબ અભિનય કરીકીર્દી વિષે.

નાદીરાજીનો જન્મ થયો હતો ઈરાકના બગદાદ શહેરના યહૂદી પરિવારમાં. તેમનું નામકરણ થયું ‘ફરહદ’,

એ પછી તેમની નાની વયમાં જ તેમનો પરિવાર સ્થળાંતર થયો બગદાદથી બોમ્બે.

બોમ્બે સ્કૂલમાં એડમીશન લેતાં સમયે તેમનું ફરી એક વખત નામકરણ થયું. ‘ફરહદ’નું થયું ફ્લોરેન્સ.
જયારે નાદીરાજીની ઉમ્ર ૧૫ યા ૧૬ વર્ષની હતી, ત્યારે તેમના પર નજર પડી મશહુર ડીરેક્ટર મહેબૂબ ખાનના પત્ની સરદાર અખ્તરની.

સરદાર અખ્તરની કલા પારખું નજરે નાદીરાજીમાં ધરબાયેલી હિડન ટેલેન્ટને ઓળખી લીધી.

સરદાર અખ્તરે નાદીરાજીની માતાને મનાવી લીધા, નાદીરાજીની એક્ટિંગ કેરિયર માટે અને તાલીમ આપવાની શરુઆત પણ કરી દીધી.

એ પછીની મહત્વની જવાબદારી સોંપી તેમના પતિ મહેબૂબ ખાનને.
ફિલ્મોમાં એટ્રી કરતાં પહેલાં ત્રીજી વખત તેમનું નામકરણ કર્યું સરદાર અખ્તરે.
નવું ફિલ્મી નામ આપ્યું, અને ફ્લોરેન્સ બન્યાં ‘નાદીરા’.

એ સમયે મહેબૂબ ખાન એક કલર ફિલ્મ બનાવી રહ્યાં હતાં.
જેના કલાકાર હતાં.. દિલીપકુમાર, પ્રેમનાથ અને નિમ્મી.. અને સાથે સાથે દિલીપકુમારની સામે લીડ રોલમાં તેમની હિરોઈન બન્યાં ‘નાદીરાજી’.
એ ફિલ્મ હતી ‘આન’. વર્ષ હતું,૧૯૫૨નું,

ફિલ્મ ‘આન’ ખુબ સફળ રહી.. નાદીરાજી રાતોરાત બોલીવૂડમાં છવાઈ ગયાં. ફિલ્મ રસિકોના દિલ-ઓ-દિમાગમાં છપાઈ ગયાં. ‘આન’માં તેમણે ભજવેલાં અકડું રાજકુમારીના પાત્રની ખુબ સરાહના થઇ. તેમને સાઈન કરવાં માટે પ્રોડ્યુસર અને ડીરેક્ટરોની લાઈન લાગવાં લાગી. ધનનો ધોધ વહેવા લાગ્યો. જે સઘળું સમુંનમું પાર ઉતરતું હતું, તે અચાનક ઠપ્પ થઇ ગયું. એક ગરબડ થઇ ગઈ.

નાદીરાજીએ લગ્ન કરી લીધાં.

ગીતકાર નકશબ જોડે.
જે નકશબે ફિલ્મ ‘મહલ’નું યાદગાર ગીત લખ્યું હતું..
આયેગા.. આયેગા... આયેગા આનેવાલા આયેગા.’

નકશબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યાં હતાં ડીરેક્ટર બનવાનું સપનું લઈને, અને તેનું સપનું સાકાર પણ થયું, પરંતુ નાદીરાજીની કમાણીના દમ પર.

સ્વાર્થી નકશબે તેનો બદ્દ ઈરાદો પાર પાડવા સૌ પ્રથમ નાદીરાજી અને મહેબૂબ ખાનના વ્યવસાયિક સંબંધમાં તિરાડ પડાવવાનું કામ કર્યું.

પછી નકશબે નાદીરાજીને ફિલ્મમાં મુખ્ય હિરોઈનના પાત્રમાં લઈને બે ફિલ્મોનું ડીરેક્શન પણ કર્યું. અફ કોર્સ, નાદીરાજીના આર્થીક જોર પર જ.

ફિલ્મ હતી ‘નગ્મા’ અને ‘રફતાર’.

ફિલ્મ ‘રફતાર’માં નાદીરાજીની સામે ફિલ્મના હીરો હતાં, મશહુર ગાયક તલત મહેમૂદ.

બન્ને ફિલ્મો બોક્સ ઓફીસ પર પીટાઈ ગઈ.
ફિલ્મો પીટાઈ ગઈ તેના કરતાં આઘાતજનક ઘટના એ સામે આવી કે, નાદીરાજીને નકશબના રંગીન મિજાજના અસલી પરિચયની જાણ થઇ.

અને એક દિવસ તો નકશબ સાબ તેની મનગમતી રંગરેલીયાને ઘરે લઇ આવ્યાં. આ દ્રશ્ય જોઇને નાદીરાજી એકદમ શોક્ડ થઇ ગયાં. બસ એ જ ઘડીએ તેઓ ઘર અને ઘરસંસાર બન્ને પર હંમેશ માટે પૂર્ણવિરામ મુકીને માત્ર પહેરેલ કપડે ચાલતાં થઇ ગયાં.

તે સમય હતો ૧૯૫૫-૫૬નો

ફરી એકવાર નાદીરાજીની લાઈફમાં એક સુખદ વણાંક આવ્યો.
ધ ગ્રેટ શો મેન રાજ કપૂરની નિર્માણધીન ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં નાદીરાજીને લાઈફ ટાઇમ મેમોરેબલ પાત્ર ભજવવાની તક આપી રાજ કપૂરે.

‘શ્રી ૪૨૦’ના એ વેમ્પની ભૂમિકા માટે આજે પણ ફિલ્મ રસિકો તેમને ભૂલ્યા નથી.

પણ આ સફળ ભૂમિકા તેમના માટે આફત બની ગઈ.
એ પછી દરેક ફિલ્મ મેકર્સ તેમની પાસે વેમ્પ અથવા નેગેટીવ કેરેક્ટરની ઓફર લઈને જ આવતાં.
તેમનો સમય હતો મુખ્ય ભૂમિકા ભજવવાનો એટલે તેઓ આવી કોઈ ઈમેજમાં બંધાવા નહતા ઇચ્છતા. એટલે તેમણે એ દરેક પ્રસ્તાવનો ઇન્કાર કર્યો

થોડા સમય પછી એ ગ્રેડની ફિલ્મોમાં લીડ રોલની ઓફર ન આવતાં તેમણે બી ગ્રેડની ફિલ્મોમાં લીડ રોલ્સની ઓફર મંજુર કરી.

‘તલવાર કી ધની’, ‘સિપા સાલાર’, ‘ડોટર ઓફ સિંદબાદ’, યા ‘ગરમા ગરમ.’
થોડા સમય પહેલાં જે દિગ્ગજ અભિનેતા દિલીપકુમારની હિરોઈન હતી તેમને આવી બી ગ્રેડની ફિલ્મો પણ કરવી પડી, મજબુરીમાં.

ત્યારબાદ ૧૯૫૮માં નાદીરાજીને એક નોંધપાત્ર ફિલ્મની ઓફર આવી. જે ફિલ્મ રીલીઝ થઇ ૧૯૬૦માં. તેમાં તેઓ લીડ રોલમાં નહતા પણ તેના પાત્રની પ્રસંસા થઇ. અને બોલીવૂડને તેમનું વિસરાઈ ગયેલું નામ ફરી યાદ આવ્યું.

એ ફિલ્મના ડીરેક્ટર હતાં કિશોર સાહુ, મુખ્ય કલાકાર હતાં રાજ કુમાર અને મીનાકુમારી, ફિલ્મ હતી.. ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ.’ ફિલ્મના પોસ્ટરમાં પણ નાદીરજીને સ્થાન નહતું અપાયું.

હજુ નાદીરાજી આશાવંત હતાં કે તેમને એ ગ્રેડની ફિલ્મમાં હિરોઈનનું પાત્ર મળશે.
પણ તેમને નિરાશા જ હાથ લાગી.
તે પછી ફરી તેઓ વળ્યા બી ગ્રેડની ફિલ્મો તરફ.
‘બ્લેક ટાઈગર’ , ‘મેડમ ઝોરો.’ જેવી ફ્લોપ ફિલ્મો પણ કરી.

વર્ષ ૧૯૬૫ આવતાં સુધીમાં તેમને ખાતરી થઇ ગઈ કે હવે એ ગ્રેડની ફિલ્મો મળવી અશક્ય છે. એટલે તેઓ મન મારીને ચરિત્ર ભૂમિકા, નેગેટીવ ભૂમિકા અથવા ફિલ્મી મા ના પાત્રો ભજવવા પણ કમને રાજી થઇ ગયાં.

આખરે વર્ષ ૧૯૬૬માં એક ફિલ્મમાં પહેલીવાર તેમણે ફિલ્મી માનું પાત્ર ભજવ્યું.
ફિલ્મ હતી.. ‘હમ કહાં જા રહે હૈ.’

ફરી એકવાર તેમને એક ઈમેજમાં બાંધવા ફિલ્મ મેકર્સની લાઇન લાગી.
અને નાદીરાજીએ તે કડવી વાસ્તવિકતા સ્વીકારી લીધી. અને ફિલ્મો કરી પણ ખરી.
જેવી કે ‘સપનો કે સૌદાગર,’ ‘પાકીઝા’, ‘હંસતે ઝખ્મ’, ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક.’

અને અંતે તેમને એક એવી ફિલ્મ મળી કે, જે ફિલ્મે નાદીરાજીને તેમની લાઈફનો પ્રથમ અને અંતિમ ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો.

વર્ષ હતું ૧૯૭૫નું, ફિલ્મના ડીરેક્ટર હતાં, કે.એસ.સેથુમાધવન, ફિલ્મના લીડ રોલમાં હતાં.. લક્ષ્મી અને વિક્રમ.. એ ફિલ્મ હતી, ‘જૂલી’. જેમાં શ્રીદેવી પણ હતાં.

ઓન સ્ક્રીન તેમની તેજ તર્રાર ઈમેજ હતી પણ અંગત જિંદગીમાં તેઓ ખુબ જ ખુશમિજાજ વ્યક્તિત્વ ધરાવતાં હતાં.

પણ જિંદગીની ઢળતી સંધ્યાએ પોતીકા સ્નેહી અને સ્વજનનો અંનત ખાલીપો તેમને ખુબ ઊંડે સુધી ડંખતો રહ્યો.

નાદીરાજીના અંતિમ સમયે તેમની આસપાસ કોઈ નહતું.
હ્રદયરોગના હુમલા બાદ ૯ ફેબ્રુઆરી ૨૦૦૬માં તેમનું દેહાંત થયું.

આગામી કડી..

હવે પછીની કડીમાં આપણે એક એવી ફિલ્મી શખ્સિયત વિષે ચર્ચા કરીશું જેના વિષે ખુબ ઓછુ કંઇક અથવા કયાંક લખાયું હશે.

સુપરસ્ટાર રાજેશ ખન્નાની સાળી અને ડીમ્પલ કાપડિયાની નાની બહેન સિમ્પલ કાપડિયા વિશે,

વિજય રાવલ
૦૪/૦૯/૨૦૨૨