Atut Bandhan - 13 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 13







(સાર્થક વૈદેહી અને શિખાને કૉલેજથી પિક કરી બંને સાથે શોપિંગ કરવા જાય છે. ત્યાંથી તેઓ મૂવી જોઈ અપૂર્વને ડ્રોપ કરવા જાય છે જ્યાં સાર્થક વૈદેહીને એનાં મામા મામી સાથે વાત કરવા કહે છે. સાર્થક એક ઉચ્ચ વર્ગમાંથી આવતો હોવાનું જાણતા દયાબેન અને ગોવિંદભાઈ વૈદેહી સાથે સારી રીતે વાત કરે છે. ઘરે આવ્યા પછી સાર્થક અને વૈદેહી એકબીજા સાથે મોડા સુધી વાતો કરે છે. બંને એ વાતથી અજાણ છે કે કોઈ એમનાં પર નજર રાખીને બેઠું છે. હવે આગળ)

દિવસો વીતવા લાગ્યા અને વૈદેહી ઘરમાં એવી રીતે ભળી ગઈ જાણે દૂધમાં સાકળ ભળે. સાર્થક સાથે પણ એ હવે ખુલીને વાત કરતી હતી પણ એને સાર્થક માટે ખરાબ લાગતું હતું. એને હંમેશા એવુ લાગતુ કે એનાં કારણે સાર્થક પણ હેરાન થાય છે. એનાં પણ કેટલાય સપનાં હશે ધામધૂમથી લગ્ન કરવાનાં પણ પોતાના કારણે એનાં ઓરતા પણ અધૂરા રહી ગયા હશે. આવા ને આવા વિચારો એ દિવસ રાત કરતી.

તો બીજી તરફ સાર્થક વૈદેહીને ખુશ રાખવાના એનાથી બનતા બધાં જ પ્રયત્નો કરતો હતો. જ્યારથી એણે વૈદેહી સાથે લગ્ન કર્યા હતા ત્યારથી અવારનવાર સિરાજ સાર્થકને ફોન પર ધમકી આપતો હતો. એણે સાર્થકને એવું પણ કહ્યું હતું કે જો વૈદેહીને એ નહીં છોડે તો એ એને મારી નાંખશે પણ સાર્થકે એની સામે હાર નહતી માની. એણે તો ઉલ્ટાનું સિરાજને એમ કહી ધમકાવ્યો હતો કે જો એને કે એના પરિવારમાંથી કોઈને કંઈ પણ થયું તો એ જિંદગીભર જેલનાં સળિયા ગણતો થઈ જશે. સાર્થકની વાતની પહેલાં તો સિરાજ પર કોઈ અસર ન થઈ પણ પછી એકવાર સાર્થકે સિરાજને એક વીડિયો મોકલ્યો હતો જેમાં સિરાજનાં કાળા ધંધાઓ વિશે માહિતી હતી.

સાર્થકે સિરાજને કહ્યું કે આ સિવાય એની પાસે સિરાજનાં બીજા પણ ઘણાં બધાં વિડિયો છે જે એને ઉંમરકેદ અપાવવા કાફી છે અને બધા વીડિયોની એક એક કોપી એણે એનાં સીબીઆઇ ઓફિસરને આપી છે. આ સાંભળ્યા પછી સિરાજ થોડો ઢીલો પડ્યો હતો. જો કે સાર્થકે આ વિષયમાં ઘરમાં કોઈને જણાવ્યું નહતું. એ નહતો ઈચ્છતો કે ઘરમાં બધા ટેન્શન લે અને ખાસ કરીને વૈદેહી.

જો કે સિરાજ પણ વધુ સમય ચૂપ નહીં બેસે એ પણ સાર્થક જાણતો હતો. તેથી એણે એનાં એક પોલીસ મિત્રની મદદથી સિરાજ પાછળ એક જાસૂસ લગાવ્યો હતો જે એની પળ પળની માહિતી સાર્થકને આપતો રહે.

વૈદેહી અને શિખાની એક્ઝામને માંડ બે દિવસ બાકી હતા. વૈદેહી હંમેશાની જેમ જ ટોપ કરવા તૈયાર હતી પણ આ તૈયારીમાં બાધારૂપ હતો એક સબજેક્ટનો એક ટોપિક. એને એ ટોપિક સમજાઈ જ નહતો રહ્યો. વૈદેહી વાંચવામાં મશગૂલ હતી. સાર્થક ઑફિસેથી આવીને ફ્રેશ થઈ ગયો તો પણ એને ખબર ન પડી. સાર્થક કિચનમાં જઈ બંને માટે જમવાનું લઈ આવ્યો. એ વૈદેહીને જોઈ હસ્યો એની પાસે જઈ એનાં હાથમાંથી બુક લઈ લીધી.

"સાર્થક, શું કરો છો તમે ? મારે વાંચવાનું છે." વૈદેહી બોલી.

સાર્થકે એની વાત કાને ધર્યા વિના એની બુક સાઈડ પર મૂકી દીધી અને એને ચેર પરથી ઉભી કરી બેડ પર બેસાડી.

"સાર્થક, શ...શું કરો છો ?" વૈદેહી સહેજ ગભરાઈ ગઈ.

"મમ્મીએ કહ્યું કે આજે તેં વાંચવાના ચક્કરમાં લંચ પણ બરાબર નથી કર્યું અને ડિનર પણ નથી કર્યું. શું આ સાચું છે ?"

"એ..એ તો મને ભૂખ નહતી એટલે." વૈદેહીએ કહ્યું પણ સાર્થક જે રીતે એની સામે જોઈ રહ્યો હતો એ જોઈ એ નીચું જોઈ ગઈ અને ફરી કહ્યું,

"એક ટોપિક નથી સમજાઈ રહ્યો તો...."

સાર્થક એની બાજુમાં બેઠો અને કહ્યું,

"જો ટોપિક નથી સમજાઈ રહ્યો તો તો તારે એક મસ્ત મજાનું મૂવી જોવું જોઈએ. તારું મનપસંદ સોંગ સાંભળવું જોઈએ. પેટ ભરીને જમી લેવું જોઈએ."

આ સાંભળી વૈદેહી હસી અને કહ્યું,

"સાર્થક, હું માઈન્ડ ફ્રેશ કરવાની વાત નથી કરતી. હું એવું કહી રહી છું કે મને એક ટોપિક નથી સમજાઈ રહ્યો."

"હું પણ એટલે જ કહું છું." આટલું કહી સાર્થકે વૈદેહીનાં મોંઢામાં રોટલી શાકનું એક બાઈટ મૂકી દીધું.

"ગમે એટલી મહેનત કરશે પણ જો તું ટાઈમ પર જમશે નહીં, પૂરતો આરામ નહીં કરશે તો એક્ઝામ સમયે તબિયત બગડી જશે. અને જો આવું થશે તો શું કરશે ? તેથી સમયસર જમવું અને પૂરતો આરામ કરવો ખૂબ જરૂરી છે. સમજી !" સાર્થકે બીજો બાઈટ એનાં મોં પાસે લઈ જઈને કહ્યું.

વૈદેહીએ એનાં હાથમાંથી બાઈટ લઈ એને કહ્યું,

"તમે જમ્યા ? અરે હા, તમે ક્યારે આવ્યા ? ઓહ ગોડ મારું તો ધ્યાન જ નહતું."

"કારણ કે તારું ધ્યાન તારી બુકમાં હતું. ચાલ હવે જમી લે. મને પણ બહુ જ ભૂખ લાગી છે." સાર્થકે પેટ પર હાથ મૂકી કહ્યું.

અને બંને જણે સાથે મળીને ડિનર કર્યું. વૈદેહી બંનેની ડિશ કિચનમાં મૂકવા ગઈ. સાર્થક પણ એની પાછળ પાછળ ગયો અને હોલમાં બેઠેલા એનાં મમ્મી પપ્પાને કહ્યું,

"મમ્મી, હું વૈદેહી સાથે બહાર આંટો મારવા જાઉં છું. તારે કંઈ જોઈએ છે ?"

"બહાર ? પણ ક્યાં, કેમ મતલબ અત્યારે..." વૈદેહી આશ્ચર્યથી બોલી

"બેટા, તમે બંને થોડીવાર જઈ આવો. બહાર જશે તો તારું માઈન્ડ પણ ફ્રેશ થઈ જશે." ગરિમાબેને કહ્યું.

"શિખાને પણ લઈ જઈએ ? એ પણ એકધારું વાંચી રહી છે."

"ના બાબા ના, મારે નથી આવવું. અને હું એકધારું નથી વાંચતી. હું તો કલાકે કલાકે માઈન્ડ ફ્રેશ કરવા મોબાઇલમાં ગેમ્સ રમી લઉં છું." શિખાએ એનો ફોન દેખાડી કહ્યું.

"એનું છોડ. એમ પણ આજકાલ એનું ધ્યાન ગેમ્સ પર વધારે છે. ખબર નહીં કઈ ગેમ્સ રમે છે ?" સાર્થકે કહ્યું અને ગાડીની ચાવી લઈ બહાર નીકળ્યો. વૈદેહી પણ એની સાથે ગઈ.

"સાર્થક, અત્યારે આપણે ક્યાં જઈએ છીએ ?" વૈદેહીએ પૂછ્યું.

"લોંગ ડ્રાઈવ પર."

"અત્યારે ?" વૈદેહી આંખો મોટી કરી બોલી.

સાર્થકે એની તરફ જોયું અને કહ્યું,

"સૌથી પહેલા તો તારી આંખો થોડી નાની કર. મને ડર લાગે છે અને લોંગ ડ્રાઈવ પર અત્યારે જ જવાય. દિવસના નહીં."

વૈદેહીએ થોડી જીભ બહાર કાઢી દાંત વચ્ચે દબાવી સોરી કહ્યું અને બારીની બહાર જોવા લાગી. સાર્થકે ગાડીમાં રોમેન્ટિક સોંગ ચાલુ કર્યા. સોંગ સાંભળી વૈદેહીનાં હોઠો પર સ્માઈલ આવી ગઈ. બહારથી આવતા ઠંડા પવનની લહેરખી વૈદેહીનાં મનને શાંત કરી રહી હતી. સાર્થક એને આમ શાંત જોઈ ખુશ થયો. એને આમ વૈદેહીને બહાર લાવવું યોગ્ય લાગ્યું. એક કલાક પછી તળાવ પાસે જઈ સાર્થકે ગાડી ઊભી રાખી. વૈદેહી અચરજભરી નજરે સાર્થક તરફ જોવા લાગી

"આ તળાવ તો...."

"પૂનમની રાત હોય, આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય, તારાઓ ટમટમતાં હોય ત્યારે આ તળાવની પાળે બેસી તારે આકાશને નિહાળવું હતું ને ? તો પૂનમ પણ છે અને તળાવ પણ છે. આકાશમાં તારાઓ પણ ટમટમી રહ્યાં છે. આવી તક બીજીવાર નહીં મળે." સાર્થકે કહ્યું.

"આ બધું તમને શિખા એ કહ્યું ને ? કારણ કે એનાં સિવાય તો મેં કોઈને આ વાત જણાવી નથી." વૈદેહી બોલી અને દોડીને તળાવની પાળે જઈને બેસી ગઈ. સાર્થક પણ એની બાજુમાં જઈને બેસી ગયો.

"જેમ શિખા સાથે તું દિલ ખોલીને વાત કરે છે એમ મારી સાથે પણ કરી શકે છે." સાર્થકે વૈદેહી તરફ જોઈ કહ્યું.

થોડીવાર વૈદેહી કંઈ બોલી નહીં તેથી સાર્થક પણ કંઈ ન બોલ્યો અને એ પણ ખુલ્લા આકાશમાં જોવા લાગ્યો. થોડીવાર આમ જ એકીટસે આકાશમાં જોયા પછી વૈદેહીએ એનું મૌન તોડ્યું,

"જ્યારે નાની હતી ત્યારે ગામમાં પપ્પા મને દરરોજ રાતે અમારા ગામને પાદર આવેલ તળાવે લઈ જતાં. ત્યાં હું કલાક દોઢ કલાક સુધી ખુલ્લા આકાશને નિહાળ્યાં કરતી અને પપ્પાને પૂછતી કે જેમ તારાઓ આકાશમાં ચમકે છે એમ હું કેમ નથી ચમકી શકતી ? તો પપ્પા કહેતા કે તારે ચમકવું હોય તો ખૂબ મહેનત કરવી પડશે. ખૂબ ભણવું પડશે. અને જ્યારે ખૂબ ભણીને તું મોટી મેડમ બનશે ને ત્યારે તું પણ તારાઓની જેમ ચમકીશ અને આ સાંભળી હું આકાશમાં ચમકવાનાં સપનાં જોયા કરતી.

પપ્પા અને હું, બસ એ જ મારી દુનિયા. મમ્મીને તો મેં ક્યારેય જોઈ નથી પણ પપ્પાએ ક્યારેય મને મમ્મીની કમી મહેસૂસ નથી થવા દીધી. પણ એક દિવસ પપ્પા પણ મને છોડીને...." કહેતા વૈદેહીની આંખોના ખૂણા ભીના થઈ ગયા.

"તું તારા પપ્પાને બહુ મિસ કરે છે ને ?" સાર્થકે પૂછ્યું.

"હા, જ્યારે મામી મને મહેણા મારતી ત્યારે પપ્પાને ફરિયાદ કરતી કે મને એમની સાથે કેમ નહીં લઈ ગયા. પણ હવે કોઈ ફરિયાદ નથી. આજે મારી સાથે મમ્મી પપ્પા જેવો પ્રેમ કરનાર અંકલ આંટી છે. શિખુ તો બહેનથી પણ વધારે લાડ કરે છે અને..."

"અને ?" સાર્થક વૈદેહી પોતાના વિશે શું વિચારે છે એ જાણવા આતુર હતો.

"અઅ....ગોળો....બરફનો ગોળો ? સાર્થક તમને વાંધો નહીં હોય તો હું ગોળો ખાઈ શકું ?" વૈદેહીએ બરફની રેંકડીવાળા તરફ આંગળી ચીંધી પૂછ્યું.

"તું બેસ. હું લઈ આવું છું." સાર્થકે એક ઊંડો નિઃસાસો નાંખી કહ્યું અને એ ગોળો લેવા ગયો.

'કઈ‌ રીતે કહું સાર્થક કે તમારાં આવવાથી મને શું મળ્યું છે ? મારી દરેક ખુશી, દરેક સુખ તમારાથી જ શરૂ થાય છે. જો તમે મારા જીવનમાં ન આવ્યા હોત તો આજે હું જીવતી પણ ન હોત.' વૈદેહી સાર્થક તરફ જોઈ મનમાં બોલી.

સાર્થક એનાં માટે ગોળો લઈ આવ્યો.

"તમે નથી ખાવાનાં ?" વૈદેહીએ પૂછ્યું.

"ના, ગોળો ખાવાથી મારું ગળું ખરાબ થઈ જાય છે."

વૈદેહી ખૂબ જ મજા લઈને ગોળો ખાઈ રહી હતી અને સાથે સાથે સાર્થક સાથે વાત પણ કરતી હતી. એણે એના નાનપણની ઘણી બધી વાતો સાર્થક સાથે શેર કરી. થોડીવાર ત્યાં બેઠાં પછી તેઓ ઘરે પાછા ફર્યા. પાછા ફરતી વખતે વૈદેહી એકદમ ટેન્શન ફ્રી થઈ ગઈ હતી.

એણે મનોમન સાર્થકનો આભાર માન્યો અને ઘરે પહોંચી એ અને શિખા કોઈને ડિસ્ટર્બ ન થાય એટલે હોલમાં જ વાંચવા બેસી ગયા.

******

એક્ઝામનાં દિવસે શિખા અને વૈદેહી એક્ઝામની ફૂલ તૈયારી સાથે કોલેજ જવા નીકળી ગયા હતા તો બીજી તરફ વિક્રમ પણ બંનેને સબક શીખવાડવા ફૂલ પ્લાન સાથે તૈયાર હતો. એણે નક્કી કરી લીધું હતું કે એ વૈદેહી અને શિખાને એવો સબક શીખવાડશે કે તેઓ જિંદગીભર એને ભૂલી નહીં શકે.


શું કરશે વિક્રમ ? શું સાર્થક બંનેને બચાવી શકશે ?