Dhup-Chhanv - 103 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 103

અપેક્ષા પોતાના લગ્ન ધીમંત શેઠ સાથે થાય તે બાબતે હજુ અવઢવમાં હતી. પરંતુ ધીમંત શેઠ તે બાબતે સ્યોર હતા એટલું જ નહીં બલ્કે તે હવે ગમે તેમ કરીને અપેક્ષાને પોતાની બનાવીને જ રહેશે તે વાત તેમણે પોતાના દિલોદિમાગમાં નક્કી કરીને રાખી હતી.
અને માટે જ અપેક્ષાના મનમાંથી પોતાના ખરાબ નસીબનો વહેમ નીકળી જાય અને તે ખુશ થઈને નિશ્ચિંતપણે ધીમંત શેઠ સાથે લગ્ન કરી શકે અને ખુશી ખુશી તેમની સાથે પોતાની જિંદગી વ્યતિત કરી શકે તે માટે ધીમંત શેઠે પોતાના અને અપેક્ષાના જન્માક્ષર મેળવવા માટે પોતાના પરિચિત શ્રી કૃષ્ણકાંત મહારાજને ઘરે બોલાવ્યા હતા.
બીજે દિવસે નક્કી કર્યા મુજબ કૃષ્ણકાંત મહારાજ રાત્રે નવના ટકોરે ધીમંત શેઠના ઘરમાં પ્રવેશ્યા હતા. અપેક્ષા પણ પોતાની મોમ લક્ષ્મીને લઈને પોતાના જન્માક્ષર સાથે ઉત્સુકતા પૂર્વક રાહ જોતી દીવાનખંડમાં વ્હાઈટ કલરના મખમલી સોફા ઉપર ગોઠવાઈ ગઈ હતી.
અપેક્ષા કરતાં વધારે લક્ષ્મીને આતુરતા હતી કે કૃષ્ણકાંત મહારાજ શું કહેશે..? ધીમંત શેઠે મહારાજ શ્રી ને ચા પાણીનું પૂછ્યું અને લાલજીભાઈને બધાને માટે થોડી થોડી ચા બનાવવાનો ઓર્ડર આપ્યો અને મહારાજ શ્રી સાથે વાત આગળ ચલાવી. પોતાના અને અપેક્ષાના બંનેના જન્માક્ષર તેમણે મહારાજ શ્રી ના હાથમાં મૂક્યા.
થોડી વાર માટે આખાયે દીવાનખંડમાં ચૂપકીદી છવાયેલી રહી બરાબર પંદર મિનિટ પછી મહારાજે બોલવાનું શરૂ કર્યું કે, "આપના અને મેડમના જન્માક્ષર બરાબર મેચ થાય છે ગુણાંક પણ એકત્રીસ જેટલા આવે છે એટલે તે ઘણું સારું કહેવાય પરંતુ મેડમના જન્માક્ષરમાં શનિ ખાડામાં પડેલો છે જે તેમને હેરાન કરે છે અને સુખેથી જીવવા દેતો નથી તો તેના માટે ઉપાય કરવો પડશે."
"હા તો ઉપાય પણ મહારાજ તમે બતાવી જ દો."
"હા ઉપાયમાં અપેક્ષા બહેને નિયમિતપણે તેતાલીસ દિવસ સુધી શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાનો છે અને શનિવારે ગોળ અને ચણા કાળી ગાયને ખવડાવાના છે તેમજ નાના બાળકોને પણ ખવડાવવાના છે આ પણ તેમણે સળંગ એક વર્ષ સુધી કરવાનું છે અને આમ કરવાથી લગભગ બે કે ત્રણ મહિનામાં જ તેમને ફરક દેખાશે."
ધીમંત શેઠ વચ્ચે જ બોલી ઉઠ્યા કે, "પણ લગ્નનું શું?"
"હા, લગ્ન માટે હું તમને શુભ મૂહુર્ત કાઢી આપું છું."
મહારાજના આ વાક્ય બોલતાની સાથે જ લક્ષ્મીએ અને ધીમંત શેઠે અપેક્ષાની સામે જોયું. અપેક્ષા બિલકુલ ચૂપ હતી. લક્ષ્મી તેની બાજુમાં જ બેઠેલી હતી તેણે અપેક્ષાના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તે બોલી કે, "શું વિચારે બેટા?"
અપેક્ષા જરા ખચકાતા ખચકાતા બોલી, "પણ મા, મારો ભૂતકાળ..."
લક્ષ્મીએ તેને ઈશારાથી અંદર રૂમમાં જવા કહ્યું અને પોતે પણ ઉભી થઈ અને અપેક્ષાને ધીમંત શેઠના વૈભવી બેડરૂમમાં લઈ ગઈ અને તેને બેડ ઉપર બેસાડી અને પોતે તેની બાજુમાં બેઠી અને તેને સમજાવતા કહેવા લાગી કે, "જો બેટા, ધીમંત શેઠ જેવો દિલદાર માણસ તને ક્યાંય નહીં મળે હું તારા માટે દિવો લઇને શોધવા જઈશ ને તો પણ નહીં મળે અને ધીમંત શેઠ તારા ભૂતકાળ સાથે તને અપનાવવા તૈયાર છે પછી તને શું વાંધો છે એટલે હવે ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવતાં શીખી જા બેટા અને તો જ તારું ભવિષ્ય ઉજ્જવળ બનશે બેટા અને તું જ્યાં સુધી તારા ભૂતકાળનો પીછો નહીં છોડે ત્યાં સુધી તે પણ તારો પીછો નહીં છોડે અને તું એ વાતનો જીક્ર કર્યા કરીશ તો ધીમંત શેઠના મગજમાં એ વાત નહીં હોય તો પણ આવી જશે માટે તારા એ ભયંકર ભૂતકાળને હ્રદયના પેટાળમાં ધરબી દે જ્યાંથી તે કદીપણ તારા સુખની આડે ન આવે અને હું તો આજે છું અને કાલે નથી બેટા પછી એકલવાયા રહીને જિંદગી જીવવી ખૂબજ મુશ્કેલ છે બેટા તો સુખ તારું બારણે ટકોરા મારી રહ્યું છે તો ખુશીથી તેને વધાવી લે બેટા.." અને લક્ષ્મીની આંખમાં આંસુ આવી ગયા તે રડી પડી અપેક્ષા પણ પોતાની માને વળગીને રડી પડી.
થોડો વધારે સમય થયો એટલે લાલજીભાઈએ ધીમંત શેઠના બેડરૂમમના બારણાં ઉપર નૉક કર્યું અને તે બોલ્યા કે, "અપેક્ષાબેન તમે અને લક્ષ્મી બા બંને બહાર આવો ચા તૈયાર થઈ ગઈ છે અને શેઠ સાહેબ તમને બંનેને બોલાવે છે."
અપેક્ષા વોશરૂમમાં ગઈ વઓશબેઝિન પાસે ઉભી રહી અને પોતાનો ચહેરો વોશ કરતાં કરતાં તેની નજર સામે લગાવેલા સુંદર મીરર ઉપર પડી અને તે વિચારવા લાગી કે, આ અપેક્ષા પહેલાની અપેક્ષા રહી જ નથી જાણે બદલાઈ જ ગઈ છે તે ગભરું અને ડરેલી બની ગઈ છે પોતાની જિંદગીથી જાણે હારી ચૂકી છે અને માં જે કહે છે તે સાચું જ કહે છે... હું ક્યાં સુધી મારા આ ભૂતકાળને વાગોળ્યા કરીશ..?? મારે હવે મારા તેનાથી છૂટકારો મેળવવો જ રહ્યો અને તો જ હું શાંતિની જિંદગી જીવી શકીશ. માં એ પણ તો ઘણું સહન કર્યું છે છતાં તેણે કેટલી હિંમતથી સંજોગોનો સામનો કર્યો છે અને હજુ પણ મારી પડખે અડીખમ ઉભી છે અને તે જ ક્ષણે તેણે નક્કી કર્યું કે, હું લગ્ન કરીશ ધીમંત શેઠ સાથે અને હિંમત તેમજ ખુશીથી જિંદગી જીવીશ અને તે મોં ધોઈને બહાર આવી અને પોતાની માં સામે નજર કરી અને બોલી, "માં હું આ લગ્ન કરવા માટે તૈયાર છું."
"પણ પછીથી તારે ધીમંત શેઠ આગળ કદી તારા ભૂતકાળની કિતાબના પાના નહીં ખોલવાના અને તારે પણ ખુશી ખુશી જિંદગી જીવવાની અને તેમને પણ ખુશ રાખવાના."
"હા માં હું તૈયાર છું, ચાલ આપણે બહાર જઈશું ધીમંત શેઠ આપણી રાહ જોઈ રહ્યા છે."
"હા બેટા ચાલ"
અને માં દીકરી બંને દીવાનખંડમાં આવ્યા અને ફરીથી પાછા એ જ સફેદ કલરના મખમલી સોફા ઉપર ગોઠવાઈ ગયા.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/6/23