Satya ae j Ishwar chhe - 15 books and stories free download online pdf in Gujarati

સત્ય એ જ ઈશ્વર છે - 15

૧૫. ઉપવાસ

સાચો ઉપવાસ શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે. તે દેહનું દમન કરે છે અને તેટલા પ્રમાણમાં આત્માને મુક્ત કરે છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના અનેક ચમત્કાર કરે છે. પોતાની વધારે શુદ્ધિ કરવાને માટે તે આત્માની ઊંડી તાલાવેલી હોય છે. આવી રીતે સાધેલી શુદ્ધિ કોઇ ઉદાર કાર્યને માટે વપરાય છે ત્યારે પ્રાર્થનારૂપ બને છે. આપણે પ્રાર્થનાનો જે અર્થ કરીએ છીએ તેનો દાખલો ગાયત્રી મંત્રના દુન્યવી ઉપયોગ પરથી, માંદાંને સાજાં કરવાને માટે થતા તેના પાઠ ઉપરથી જોવાનો મળે છે. નમ્રતા ભરેલા એકાગ્ર મનથી સમજપૂર્વક એ જ ગાયત્રી મંત્રનો જપ રાષ્ટ્રીય મુશ્કેલીઓ કે આફતોમાં કરવામાં આવે તો ભયને દૂર કરવાના સમર્થમાં સમર્થ સાધનરૂપ બને. ગાયત્રી મંત્રનો પાઠ, અથવા નમાજ પાઢવાનું કાર્ય અથવા ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના એ બધાંવહેમનાં અને અજ્ઞાન તેમ જ ભલાંભોળાં વહેમી લોકોએ કરવાને લાયકનાં કામો છે એવું માનવાની ભૂલના કરતાં મોટી ભૂલ બીજી નથી. તેથી, ઉપવાસ અને પ્રાર્થના શુદ્ધિની વધારેમાં વધારે અસરકારક ક્રિયાઓ છે અને જેના વડે શુદ્ધિ થાય તે અવશ્યપણે આપણી ફરજ અદા કરવાનું અને આપણું ધ્યેય હાંસલ કરવાનું આપણને વધારે સામર્થ્ય આપે છે. એથી કોઇ કોઇ વાર ઉપવાસ તેમ જ પ્રાર્થના ધાર્યું પરિણામ લાવતાં ન જણાય તો એ બેમાં કંઇ સાર નથી એવું સમજવાને બદલે તે બંને કાર્ય પાછળ સાચી ભાવના નહોતી એમ સમજવું જોઇએ.

ઘણા લોકો જન્માષ્ટમીને દિવસે કરે છે તેમ જે માણસ ઉપવાસનો આખો દહાડો જુગાર રમવામાં કાઢે છે તેને ઉપવાસનું ફળ નથી મળતું એટલું જ નહીં, ઊલટું એવા દુષ્ટ ઉપવાસથી તેની અધોગતિ થાય છે. ઉપવાસ સાચો તો જ થાય જો તેની સાથે યુદ્ધ વિચારો સ્વીકારવાની તત્પરતા હોય અને શેતાન તરફથી માણસને લલચાવનારાં જે પાપો પેદા કરવામાં આવ્યાં છે તેમનો પ્રતિકાર કરવાની નિશ્ચયબુદ્ધિ હોય. તેવી જ રીતે સાચી પ્રાર્થના તો જ થાય જો તે સમજી શકાય એવી અને ચોક્કસ હોય. માણસે એવી પ્રાર્થના સાથે એકરૂપ થવાનું હોય. હોઠે અલ્લાનું નામ લેતાં લેતાં તસબીના મણકા એક પછી એક આંગળીઓમાંથી સરતા હોય પણ તે જ વખતે મને ચારે દિશામાં ભમતું હોય તો તેવી પ્રાર્થનાનો અથવા નામસ્મરણનો કશો અર્થ નથી; તે ફોકટ છે.

યંગ ઇન્ડિયા, ૨૪-૩-’૨૦

અલબત્ત, ઉપવાસ સામાન પર ખરેખર જબરજસ્તી કરનારા હોઇ શકે એ વાતનો ઇન્કાર થઇ શકે તેમ નથી. કોઇક સ્વાર્થી હેતુ પાર પાડવાનો કરેલા ઉપવાસ એવા હોય છે. કોઇક માણસની પાસેથી પૈસા કઢાવવાને અથવા એવો જ કોઇક અંગત હેતું સાધવાને કરવામાં આવતા ઉપવાસ જબરજસ્તી રૂપ બને છે અથવા તેનાથી અણઘટતો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. આવો અણઘટતાં પ્રભાવ પાડવાના કામની સામે થવાની હું બે ધડક સલાહ આપું. મારી સામે કરવામાં આવેલા ઉપવાસનો અથવા મને આપવામાં આવેલી ઉપવાસ કરવામાં આવેલાં ઉપવાસનો અથવા મને આપવામાં આવેલી ઉપવાસ કરવાની ધમકીઓનો મેં સફળપણે પ્રતિકાર કર્યો છે. અને એવી દલીલ કરવામાં આવતી હોય કે સ્વાર્થી અને નિઃસ્વાર્થી ઉપવાસ વચ્ચેના ફેરની રેખા ઘણી ઝીણી છે તો મારી એવી આગ્રહભરી સલાહ છે કે જે માણસને લાગે કે અમુક એક ઉપવાસને તાબે ન થવાથી ઉપવાસ કરનાર માણસનું મરણ થવાનો સંભવ હોયતો તે જોખમ વહોરીને પણ તેને નમતું ન આપવું. પોતાના અભિપ્રાય મુજબ જે ઉપવાસ ખોટા હેતું પાર પાડવાને કરવામાં આવતા હોય તેમને અવગણવાની દૃઢતા લોકો કેળવતા થશે તો તેવા ઉપવાસોમાં રહેલું જબર જસ્તીનું અથવા અણઘટતા પ્રભાવનું દૂષિત તત્ત્વ દૂર થઇ જશે. માણસે શોધેલા બધા ઇલાજોની જેમ ઉપવાસનો પણ ઘટતો તેમ જ અણઘટતો ઉપયોગ થાય એમ બને. પણ તે ઇલાજનો દુરુપયોગ થવાનો ડર રાખી સત્યાગ્રહનાં સાધનો પૈકીના આ અમોધ સાધનનો ત્યાગ કરવાનો હોય નહીં. હિંસાના અવેજમાં તેના ઉપયોગની હજી માંડ શરૂઆત થઇ છે અને તેથી તે સાધન અણિશુદ્ધ બન્યું નથી. પણ આધુનિક સ્વરૂપના સત્યાગ્રહના સર્જક તરીકે હું તેના જે અનેકવિધ ઉપયોગ છે તેમાંના એકને પણ છોડી ન શકું કેમ કે તેમ કરતાં મારે એક નમ્ર સત્યશોધકના ભાવથી સત્યાગ્રહ અજમાવવાનો મારો દાવો જતો કરવો પડે.

હરિજન, ૯-૯-’૩૩

ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિથી વાંધા

(આમરણ ઉપવાસની સામે વિલાયતમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ બતાવેલી નૈતિક સૂગની વાતના શ્રી સી. એફ. ઍન્ડ્રઝના પત્રના જવાબમાં.)

હિંદુ ધર્મના સાહિત્યમાં ઉપવાસના પાર વગરના દાખલાઓ ડગલે ને પગલે જોવાના મળે છે અને નામનુંયે નિમિત્ત મળતાં લાખો હિંદુઓ આજે પણ ઉપવાસ કરે છે. એ જ એવી વસ્તુ છે જે ઓછામાં ઓછું નુકસાન કરે છે. બેશક, બીજી અનેક સારી વસ્તુઓનો થાય છે તેમ ઉપવાસનો પણ દુરુપયોગ થાય છે. એ અનિવાર્ય છે. કેટલીક વાર ભલાઇના ઓઠા નીચે પાપ થાય છે તેથી ભલાઇ કરવાનું છોડી દેવાય ખરું કે ?

મારી સાચી મુશ્કેલી પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના મારા ખ્રિસ્તી મિત્રોને અંગે છે. તેવા ઘણા છે અને તેમની મૈત્રી મારે સારુ અત્યંત કીમતી છે. તેમની આગળ મારે કબૂલ કરવુંં જોઇએ કે તેમની સાથે મારે પહેલવહેલો પરિચય થયો ત્યારથી જોકે મને તેમના ઉપવાસ સામેના અણગમાની ખબર છે છતાં તે મને સમજાયો નથી.

દુનિયાભરમાં દેહદમનને આધ્યત્મિક વિકાસ માટે સૌથી પહેલી શરત માનવામાં આવી છે. ઉપવાસનો વ્યાપકમાં વ્યાપક અર્થ કરીએ તો તેના વગર પ્રાર્થના અસંભવિત છે. સંપૂર્ણ ઉપવાસ અહંકારનો સંપૂર્ણ તેમ જ અક્ષરશ : ઇન્કાર છે. અને તે સાચામાં સાચી પ્રાર્થના છે. ‘મારુ જીવન લઇ લે, અને તે હમેશ, કેવળ, આખુંયે તારે જ માટે હો,’ એ વચન કેવળ મોઢાનું પોપટિયું અથવા કેવળ ભાષાના અલંકારનું નથી, ન હોવું જોઇએ કોઇ પણ પ્રકારની ચોરી રાખ્યા વિનાનું એ સમર્પણ કોઇ પણ જાતની પરવા રાખ્યા વગર થવું જોઇએ. અન્નનો ત્યાગ, અરે પાણીનો પણ ત્યાગ ઇશ્વરશરણતાનો, સમર્પણનો માત્ર આરંભ છે અને તેનું નજીવું અંગ છે.

આ લેખને માટે મારા વિચારો હું ગોઠવતો હતો તે જ અરસામાં ખ્રિસ્તી ભાઇઓનું લખેલું એક ચોપાનિયું મારા હાથમાં આવી ચડ્યું અને તેમાં ઉપદેશ કરતાં આચરણની જરૂર વધારે છે એ મુદ્દા પર એક પ્રકરણ છે. તેમાં જોનાહના ત્રીજા પ્રકરણમાંથી એક ઉતારો ટાંકેલો છે. એ પેગંબરે ભવિષ્ય ભાખ્યું હતું કે પોતે નિનેવેહ નામના મોટા નગરમાં પ્રવેશ કરશે તે ભવિષ્ય ભાખ્યું હતું કે પોતે નિનેવેહ નામના મોટા નગરમાં પ્રવેશ કરશે ને પછી ચાળીસમે દિવસે તેનો નાશ થશે.

“પણ નિનેવેહના લોકો ઇશ્વરને માનતા હતા, તેમણે ઉપવાસ કરવાનું નક્કી કર્યુ, અને નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટા સુધી સૌ કોઇએ શરીર પર ગૂણપાટ ઓઢ્યું નિનેવેહના રાજાને પણ સંદેશો મળ્યો એટલે તેણે પોતાનું સિહાસન છોડી ઊભા થઇ પોતાનો રાજવી ઝભ્ભો ઉતારી ગૂણપાટ ઓઢ્યું ને તે રાખમાં જઇને બેઠો. પછી આખા નિનેવેહ શહેરમાં રાજા અને ઉમરાવોના ફરમાનની જાહેરાતનો ઢંઢેરો પિટાયો કે, ‘માણસ કે પશું, માણસોનાં કબીલો કે ઢોરનું ટોળું કોઇ ચીજ મોઢામાં ન મૂકે; તે બધાં ન અનાજ ખાય કે ન પાણી પીએ. પણ માણસ ને પશું સૌ ગૂણપાટ ઓઢે અને ઇશ્વરને પોકારે કે, હે ઇશ્વર, આ બંધાયને પાપને રસ્તેથી પાછાં ફરવા દે અને તેમને સૌને હાથે જે હિંસા થાય છે તેમાંથીયે પાછાં વળવા દે. કોણ કહી શકશે કે ઇશ્વર પસ્તાઇને પોતાનો બોલ પાછો નહીં વાળે ? અને આપણો સમૂળગો નાશ ન થાય તેટલા ખાતર પોતાના પ્રચંડ ક્રોધને પાછો નહીં વાળે ?’ પછી ઇશ્વર તેમનાં કામ જોયાં ને જોયું કે તેમણે પાપનો રસ્તો છોડ્યો છે; અને પછી ઇશ્વરે પોતે તેમને સજા કરવાની જે અનિષ્ટ વાત કરી હતી તેનો પસ્તાવો કરી તેમ કરવાનું માંડી વાળ્યું.”

આમ આ આમરણ ઉપવાસ થયો. પણ દરેક આમરણ ઉપવાસ આપઘાતનો કિસ્સો હોતો નથી. નિનેવેહના રાજા અમે લોકોનો આ ઉપવાસ ઇશ્વરને પોતાની મુક્તિ માટેની ભવ્ય તેમ જ નમ્ર પ્રાર્થના હતી. કાં તો તેમને મુક્તિ થાય કે મરણ થાય. મારા ઉપવાસની બાઇબલમાં વર્ણવેલા આ ભવ્ય ઉપવાસની સાથે સરખામણી કરવાની છૂટ લઉં તો તે પણ એવો જ હતો. જોનાહના અધ્યાયમાંનું આ પ્રકરણ રામાયણમાંના કોઇક પ્રસંગ જેવું લાગે છે.

હરિજન, ૧૫-૪-’૩૩