Satya ae j Ishwar chhe - 30 books and stories free download online pdf in Gujarati

સત્ય એ જ ઈશ્વર છે - 30

૩૦ . સત્યમાં સૌંદર્ય

વસ્તુના અંતર અને બાહ્ય એ બે ભેદ હું પાડું છું. અને બેમાંથી ક્યા ઉપર તમે વધારે ભાર મૂકો તે જ પ્રશ્ન છે. મને તો બાહ્યથી અંતરનો વિકાસ ન થાયત્યાં સુધી બાહ્યની કશી કિંમત નથી. કળામાત્ર અંતરના વિકાસનો આર્વિર્ભાવ. માણસના આત્માનો જેટલો આર્વિર્ભાવ બાહ્ય રૂપમાં હોય તેટલી તેની કિંમત. ઘણા કહેવાતા કળાકારોમાં તો આત્મમંથનનો અંશે નથી હોતો. તેની કૃતિને શી રીતે કળા કહીશું ?

જે કળા આત્માને આત્મદર્શન કરતાં ન શીખવે ને કળા જ નહીં. અને મને તો આત્મદર્શનને માટે કહેવાતી કળાની વસ્તુઓ વિના ચાલી શકે છે. અને તેથી જ મારી આસપાસ તમે બહું કળાની કૃતિઓ ન જુઓ તો પણ મારા જીવનમાં કળા ભરેલી છે એવો મારો દાવો છે. મારા ઓરડાને ધોળીફક દીવાલો હોય, ને માથા ઉપર છાપરુંયે ન હોય તો કળાનો હુંં ભારે ઉપભોગ કરી શકું છું. ઉપર આકાશમાં નક્ષત્રો અને ગ્રહોની અલૌકિક લીલા જે જોવાની મળે છે તે મને ક્યો ચિતારો કે કવિ આપવાનો હતો ? છતાં તેથી ‘કળા’ નામથી સમજાતી બધી વસ્તુનો હું ત્યાગ કરનારો છું એમ ન સમજશો. માત્ર આત્મદર્શનમાં જેની સહાય મળે તેવી જ કળાનો મારે માટે અર્થ છે.

હું સત્યમાં અથવા સત્ય વડે સૌંદર્ય જોઉં છું. મને તો સત્યના પ્રતિબિંબવાળી બધી વસ્તુઓ સુંદર લાગે - સાચું ચિત્ર, સાચું કાર્ય, સાચું ગીત. લોકોને સામાન્ય રીતે સત્યમાં સૌંદર્ય નથી દેખાતું, તેમને તે ભયંકર લાગે છે. પામરો સત્યને જોઇ ભાગે છે, કારણ સત્યનું સૌંદર્ય તેમને સૂઝતું નથી. સત્યમાં સૌંદર્ય જોતો થયો એટલે માણસ કળા જોતો થયો, કળા રસિક થયો એમ સમજવું.

જે અંતર જુએ, બાહ્ય ન જુએ તે સાચો કળાકાર. સાચી રીતે સત્યથી ભિન્ન સૌંદર્ય જેવી વસ્તુ જ નથી. સૉક્રેટીસ તેના જમાનાનો કદરૂપમાં કદરૂપો માણસ ગણાતો, છતાં તેના જેવો સાચો કોણ હતો ? એટલે સત્યને બાહ્ય રૂપની સાથે કશો સંબંધ નથી. ઊલટો સૉક્રેટીસને હું સુંદર કહું. તેની સત્યશીલતા, સત્યની તેની જિંદગીભરની ખોજ તેને સૌંદર્ય સમર્પે છે.અને ફિડીઆસ જેવો ચિતારો જેને બાહ્ય રૂપોમાં ખૂબ સૌંદર્ય જણાતું તેએ પણ સૉક્રેટીસનું સૌંદર્ય કબૂલ કર્યું છે. સત્યનું સૌંદર્ય તેની કલા જોઇ શકેલી.

ઘણી વાર સત્ય અને અસત્યની ભેગાં મળી આવે છે, સારાની સાથે સાથે નરસું વસેલું જોવાનું મળે છે.

તેમાં (ભવ્ય સૂર્યાસ્તો અને ચંદ્રોદયોમાં) સત્ય ભરેલું છે, કારણ તેને લીધે તેની પાછળ રહેલા સરજનહારનું મને ચિંતન થાય છે, અને દર્શન થાય છે. સૂર્યાસ્તના રૂડા રંગો અને ચંદ્રોદયનો શાંત પ્રકાશ જોઇને મને જ્યારે આનંદ થાય છે ત્યારે વિશ્વવિધાતાની પૂજામાં મારું હૈૈયું ઊભરાય છે. એ વિધાતાની પ્રત્યેક કૃતિમાં એનું જ દર્શન, અને એની અપાર કરુણાનું હું દર્શન કરવાનો પ્રયત્ન કરું છું. પણ એ ‘રૂડા સંધ્યારંગો’ અને ચંદ્રોદયો પણ જો મને રૂપથી મોહિત કરી જગન્નિયંતાનો વિચાર ન કરવા દે, તો તે અંતરાયરૂપ જ થઇ પડે. હિમાલય ઉપર અનેક જણ ચડી આવે છે, અનેક તેની ઉંચાઇ માપવા જાય છે, તેને હિમાલય એક કેવળ મોહિનીરૂપ છે, તેવી જ મોહિનીએ સૂર્યાસ્ત અને ચંદ્રોદય થઇ પડે. શરીર જો મોક્ષની આડે આવે તો તે ભ્રામક વસ્તુ છે, તેમ જ આત્માની ગતિને રોકનાર વસ્તુમાત્ર ભ્રામક છે.

નવજીવન, ૨-૧૧-’૨૪

સત્ય એ જ મૂળ વસ્તુ પણ તે સત્ય ‘શિવ’ હોય, ‘સુંદર’ હોય. સત્ય મેળવ્યા પછી તમને કલ્યાણ અને સૌંદર્ય બંને મળી રહે. આમ ઇશુ ખ્રિસ્તીને હું ભારે કળાકાર કહું છું, કારણ તેણે સત્યની ઉપાસના કરી સત્ય શોધ્યું, અને સત્યને પ્રગટ કર્યું. મહમદ પણ એ રીતે ભારે કળાકાર કહેવાય - તેનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર કહેવાય છે, પંડિતો તેને તેવું વર્ણવ છે. એનું કારણ શું ? એનું કારણ પણ એ જ છે કે તેણે સત્ય જોયું, અને સત્ય પ્રગટ કર્યું. છતાં તમે જાણો છો કે બેમાંથી એકે જણે - ઇશુંએ, કે મહમદે - કળાના ઉપર વાર્તિકો નથી લખ્યાં. એવા સત્ય અને એવા સૌંદર્યની હું ઝંખના કરું છું, અને માટે જીવું છું, અને એને માટે હું પ્રાણ આપું !

નવજીવન, ૨-૧૧-’૨૪

બીજે તેમ જ અહીં હું તો કરોડોની દૃષ્ટીએ જ વાત કરું છું. જે વસ્તુ હું કરોડોની આગળ ન મૂકી શકું તે વસ્તુ મારે નકામી. કરોડોને એવી કળાનું જ્ઞાન શી રીતે આપી શકું ? બાહ્ય આકૃત્તિ અને રૂપો દ્ધારા સત્ય જોવાની કળા હું તેમને સહેલાઇથી ન આપી શકું. તેમને હું તો સત્ય પહેલું શીખવું અને પછી તેમને કલ્યાણ અને સૌંદર્ય મળી રહે. ભૂખ્યાં કરોડોને જે ઉપયોગી થઇ શકે તે મારે મન સુંદર છે, નહીં તો તે મારે મન ત્યાજય છે. તેમને પ્રાણપોષક વસ્તુઓ એક વાર આપો, અને પછી તેમને ઇન્દ્રિયપોષક વસ્તુઓ - લલિત વસ્તુઓ - મળી રહેશે.

નવજીવન, ૨-૧૧-’૨૪

સાચી કળા બાહ્ય આકાર અથવા રૂપનો જ નહીં, વસ્તુના અંતરમાં શું રહેલું છે તેનો પણ ખ્યાલ રાખે છે. મારવાવાળી એક કળા છે અને જિવાડવાવાળી એક કળા છે. સાચી કળાએ તેના સર્જકોનું સુખ, તેમનો સંતોષ અને તેમની શુદ્ધતાનો પુરાવો આપવો જોઇએ.

યંગ ઇન્ડિયા, ૧૧-૮-’૨૧

આપણને એવું માની લેવાની આદત પડી છે કે કળા સાથે જીવનશુદ્ધિને સંબંધ નથી. મને તો ડગલે ને પગલે એવો અનુભવ મળે છે કે એ ખોટી વાત છે. જીવનશુદ્ધિ એ જ ખરી કળા છે. આજે મરણને કિનારે પહોંચવા આવેલો હું એ જ અનુભવ મેળવી રહ્યો છું. કંઠથી સંગીત કરવું એ તો ઘણા કરી શકે. પણે મધુર કંઠણી સાથે જીવનનો મેળ સાધવો એ કોઇક અલૌકિક કળા છે.

હરિજનબંધુ, ૧૩-૨-’૩૮