Satya ae j Ishwar chhe - 37 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 37

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 37

૩૭. અપરિગ્રહનો ધર્મ

સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઇતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઇતી વસ્તુ તે રોજની રોજ આપશે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઇશ્વરી નિયમને આપણે જાણતા નથી, અથવા જાણવા છતાં પાળતા નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢયને ત્યાં તેને ન જોઇતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જયારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઇતો જ સંગ્રહ કરે તો કોઇને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બને તંગી અનુભવેે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો. કંગાળ કરોડપતિ થવા ઇચ્છે છે; કંગાળને પેટાપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો. પણ કંગાળને પેટપૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢયે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા પૂરતું સહેજે મળી રહે ને બંને પક્ષ સંતોષનો પાઠ શીખે. આદર્થ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઇશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઇક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી, જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતાં જોઇએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચારપૂર્વક ઘટાડો છે. જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે.... અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાંત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, ્‌આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે; એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઇ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાજરાને ટકાવવા સારુ અનર્થો કેમ કરે ? ત્રીજાને કેમ હણે ? આમ વિચાર કરતાં આપણે આત્યંતિક ત્યાગને પહોંચીએ છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તે નો ખરો ખોરાક જ સેવા થઇ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરું સુખ છે. ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દૃષ્ટિએ આપણે સહુ આપણો પરિગ્રહ વિચારી લઇએ.

આટલું યાદ રાખવા યોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઇએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઇશ્વરથી વિમુખ રાખે છે અથવા ઇશ્વર પ્રતિ ન લઇ જતો હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઇત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે; આ ખરું વચન હોય - અને ખરું છે જ - તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લાભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટ ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઇ મંદતાને તો નહીં જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઇએ. પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હોય, સત્ય તરફ લઇ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહીં. અહીં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજપ્રાપ્ત છે.

મંગલપ્રભાત, પા. ૧૮-૨૦

એટલે બધું તજો, એ ઇશ્વરને અર્પણ કરો, નેએ રીતે જીવો. એ ત્યાગમાંથી જીવવાનો અધિકાર મળે છે. એમાં નથી કહેલું કે ‘બીજા સૌ પોતાના ભાગનું કામ કરશે ત્યારે હું પણ કરીશ.’ એમાં તો કહેલું છે કે ‘બીજાની ફિકર નહીં કરતા. પહેલાં તમારું કામ કરો ને બાકીનું ઇશ્વર પર છોડી દો.’

હરિજનબંધુ, ૭-૩-’૩૭

ઇશુ, મહમદ, બુદ્ધ, નાનક, કબીર, ચૈતન્ય, શંકર, દયાનંદ, રામકૃષ્ણ એ બધા પુરુષોએ હજારો બલકે લાખો માણસોના ચારિત્ર્ય પર પ્રભાવ પાડી તેને ઘડ્યું છે. તે બધા આ પૃથ્વી પર જીવ્યા તેથી તે વધારે સમૃદ્ધ જ થયેલી છે. અને એ સૌએ ગરીબી એટલે કે અપરિગ્રહનો સમજપૂર્વક અંગીકાર કર્યો હતો.

સ્પીચીસ અન્ડ રાઇન્ટિગ્સ ઑફ મહાત્મા ગાંધી (૧૯૩૩), પા. ૩૫૩

મહાસૂત્ર એ છે કે.... જે વસ્તુ કરોડોને નથી મળી શકતી તે વસ્તુનો આપણે ત્યાગ કરવો. આ પ્રમાણે ત્યાગ કરવાની શકિત આપણામાં એકાએક નથી ઊતરી આવવાની. પહેલી તો આપણે એવી મનોવૃત્તિ કેળવવી પડશે કે જે કરોડોને ન મળી શકે એવી વસ્તુઓ અને સગવડો લેવાની ના પાડવી; અને ત્યાર પછી તુરત બીજી આવશ્યકતા એ છે કે એ વૃત્તિને અનુરૂપ આપણા જીવનક્રમમાં જેમ બને તેટલો જલદી ફેરફાર કરી નાખવો.

નવજીવન, ૨૭-૬-’૨૬

આજની ફિકર આપણે રાખીએ તો કાલની ફિકર કરવાવાળો ઇશ્વર બેઠો છે.

યંગ ઇન્ડિયા, ૧૩-૧૦-’૨૧